પૅરડાઇસ લૉસ્ટ : અંગ્રેજ કવિ જ્હૉન મિલ્ટનરચિત મહાકાવ્ય. હોમર, વર્જિલ અને ટૅસ્સોનાં પ્રાચીન મહાકાવ્યોના આદર્શને નજર સમક્ષ રાખીને લખાયેલું અંગ્રેજી ભાષાનું તે સુદીર્ઘ શ્રેષ્ઠ મહાકાવ્ય છે. પ્રથમ આવૃત્તિ ઑગસ્ટ, 1667માં 10 અને દ્વિતીય આવૃત્તિ 1664માં 12 ખંડોમાં પ્રસિદ્ધ થઈ. પ્રકાશક સૅમ્યુઅલ સિર્માંગ સાથે થયેલ કરાર મુજબ કવિને પાંચ પાઉંડની રકમ ઉપરાંત પુસ્તકની 1300 નકલ ખપી જાય ત્યારબાદ વધારાના પાંચ પાઉંડ મળવાના હતા. પાછળથી કવિનાં વિધવાએ પ્રકાશક પાસેથી આઠ પાઉંડ રોકડા લઈને પોતાના કે વંશવારસના તમામ હક જતા કરેલા. પ્રથમ આવૃત્તિની 1300 નકલ પછી મિલ્ટને પ્રત્યેક ખંડના મથાળે વિષયનો સાર આપ્યો હતો. સાથે ‘બ્લૅક વર્સ’ની પસંદગી બાબત પોતાનું બચાવનામું રજૂ કર્યું હતું.

કવિતાની અધિષ્ઠાત્રી દેવીનું આવાહન કરીને કવિ મહાકાવ્યના મુખ્ય વિષય તરીકે પ્રભુની આજ્ઞાનો ભંગ કરનાર પ્રથમ માનવના પતનની વાત કરે છે. તેનો હેતુ કિરતારની કળાને ન્યાયી ઠરાવવાનો છે. હતપ્રભ પણ શ્રેષ્ઠ દેવદૂત જેવો સેતાન તેના તમામ સાગરીતોની પ્રભુ-વિરુદ્ધ કાનભંભેરણી કરે છે. પ્રભુની નવી સરજત ‘માનવ’ જ પ્રભુ સામેના વેરની વસૂલાત માટે ખપ લાગશે તેમ જાણી સેતાન એકલો જ તે પ્રદેશમાં જવાનું નક્કી કરે છે. પ્રભુ સેતાનના પૃથ્વી તરફના પ્રયાણને જુએ છે અને સેતાનના વિજયની આગાહી કરે છે. તે માનવના પતન અને તેને થનાર સજાની પણ વાત કરે છે અને ભારપૂર્વક જણાવે છે કે માનવનું પતન નસીબના આધારે નહિ, પરંતુ તેની સ્વતંત્ર ઇચ્છાને કારણે જ થશે. જોકે પ્રભુનો પુત્ર માનવ માટેના જામીન થવાની તૈયારી દાખવે છે, જેનો પ્રભુ સ્વીકાર કરે છે. સેતાન સાક્ષાત્ ‘પાપ’ને પોતાનો પથદર્શક બનાવી સ્વર્ગના બગીચા ‘ઈડન’ તરફ પ્રયાણ કરે છે. તે દેડકાનું સ્વરૂપ ધારણ કરી આદમ અને ઈવને જ્ઞાનવૃક્ષનું ફળ ચાખવાની ઇચ્છા થાય તેવી યોજના કરે છે. પ્રભુ રાફેલ દ્વારા આદમને સેતાનનું સ્વરૂપ સમજાવે છે. સેતાન અને તેના સાથીઓએ પ્રભુની સત્તા સામે ઉઘાડો બળવો કર્યો તેની જાણ આદમને રાફેલ દ્વારા થાય છે. સર્પના છદ્મ વેશમાં સેતાન જ્ઞાનના ફળને ચાખવા માટે ઈવને દુરાગ્રહ કરે છે. ઈવ જ્ઞાનનું ફળ ચાખવા માટે પ્રબળ ઇચ્છા વ્યક્ત કરે છે. આદમ એને પ્રભુની આજ્ઞાવિરુદ્ધનું કાર્ય ગણાવે છે, છતાં ઈવના ભાગ્ય સાથે પોતાને જોડી દઈ છેવટે જ્ઞાનનું ફળ ચાખે છે. જ્ઞાનના ફળને ચાખ્યા પછી તરત જ બંને પોતપોતાની નિર્દોષતા ખોઈ બેસે છે. આપસઆપસમાં ઝઘડતાં આદમ અને ઈવ પ્રભુપુત્ર સમક્ષ પોતે કરેલ પાપનો એકરાર કરે છે. આદમને સમજાય છે કે તેમના પાપે ભવિષ્યની માનવજાત અભિશપ્ત થઈ છે. માનવજાત આ પ્રકારના શાપના કારણે મૂળ પાપનું પરિણામ ચોક્કસ ભોગવશે તેમ માઇકલ કહે છે. તે ઈશુના અવતાર, મૃત્યુ, પુનરાગમન અને આરોહણનું વર્ણન કરે છે. તે ધર્મ(ચર્ચ)ના અધર્માચરણની આગાહી કરે છે અને તે બધું ઈશુના બીજા અવતાર સુધી ચાલુ રહેશે તેમ જણાવે છે. દરમિયાન ઈવને સાંત્વન બક્ષતું સ્વપ્ન કંઈક શુભ થવાનો અણસાર આપે છે. પ્રભુની આજ્ઞાનું પાલન અને સંપૂર્ણ શરણાગતિનો માર્ગ સ્વીકારવાથી જ, ગુમાવેલું સ્વર્ગ તેમના અંત:કરણમાં ખડું થશે એમ કહી માઇકલ તેમને બંનેને સ્વર્ગના ઉદ્યાનમાંથી બહાર નીકળી જવા ફરજ પાડે છે. કાવ્યમાં મિલ્ટનનું ગ્રીક, લૅટિન અને હિબ્રૂ પરંપરાનું તલસ્પર્શી જ્ઞાન છતું થાય છે અને પોતાની ઉદાત્ત શૈલી દ્વારા પ્રાચીનતમ સમયના ધર્મોના પર્યાય તરીકે ખ્રિસ્તી ધર્મનો આદર્શ સમજાવે છે.

`પૅરડાઇસ લૉસ્ટ’ના પ્રકાશન બાદ ટૂંક સમયમાં એને મહાકાવ્ય તરીકે બહોળી માન્યતા મળી. ત્રણ શતાબ્દીઓથી વિવેચકોએ તેનું વિવિધ રીતે વર્ણન, અર્થઘટન અને મૂલ્યાંકન કર્યું છે. બદલાતાં સાહિત્યિક મૂલ્યોના સંદર્ભમાં તેમણે અપનાવેલ જુદા જુદા માપદંડોમાં સર્વાનુમતે અંગ્રેજીમાં ઊભરી આવતા મહાકાવ્યના નમૂના તરીકે તેનો સ્વીકાર થયો છે. અહીં માનવતાવાદી ખ્રિસ્તી મહાકવિ મિલ્ટને પશ્ચિમની સાહિત્યિક પરંપરાના બાઇબલનો તેમજ; પ્રશિષ્ટ, મધ્યકાલીન અને પ્રબુદ્ધકાળના સ્રોતોનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત તેમાં શ્લોક, રૂપકાદિ અલંકારો, છંદોવૈવિધ્ય, પ્રાસાનુપ્રાસાદિથી સિદ્ધ વર્ણસંગીત પણ છે. તેનાં ભાષા, વ્યાકરણ અને શબ્દરચના લૅટિન જેવાં છે. તેનો ખાસ પ્રકારનો ધ્વનિ મહાકાવ્યને છાજે તેવો છે. તેની શ્રેષ્ઠ પંક્તિઓમાં સેતાને નરકમાં કરેલો પોતાનો બચાવ, તેની પૃથ્વી તરફની મુસાફરી, સ્વર્ગનું અલંકારયુક્ત વર્ણન, આદમ અને ઈવનો પસ્તાવો અને અણગમતાં તત્ત્વોનો પણ સ્વીકાર કરવાની તેમની તૈયારી વગેરે છે. પૌરાણિક દંતકથાઓના ઉલ્લેખો માનવજાતના વિશાળ ઇતિહાસમાં અવગાહન કરાવે છે. આમ તેનાં કલ્પનો, પાત્રાલેખન અને ચિંતન બેનમૂન છે. અંગ્રેજી સાહિત્યમાં આની બરોબરીનું અન્ય મહાકાવ્ય નથી.

‘પૅરડાઇસ રિગેઇન્ડ’ ‘પૅરડાઇસ લૉસ્ટ’ના સ્વાભાવિક ઉત્તરાર્ધ રૂપે છે. તેમાં આદમ અને ઈવે ગુમાવેલું સ્વર્ગ ઈશુ તેમને પાછું મેળવી આપે છે.

‘પૅરડાઇસ રિગેઇન્ડ’ (1671) 4 ખંડમાં રચાયેલું તદ્દન અનોખું કાવ્ય છે. તેની શૈલી સીધી સાદી અને સંયમી છે. તેને સંક્ષિપ્ત મહાકાવ્યને મળતો નમૂનો કહી શકાય. તેમાં સેતાન પ્રભુના પુત્ર ઈશુને વેરાન, ઉજ્જડ પ્રદેશમાં કઈ રીતે જાતજાતનાં પ્રલોભન આપે છે તેનું  બયાન છે. આ પ્રલોભનો ઇન્દ્રિયજન્ય તૃપ્તિ, ભૌતિક સત્તા અને તત્વજ્ઞાનનાં છે. સમતાના મેરુ સમા ઈશુ આ બધાંયનો સામનો કરે છે. સેતાનની વાતનો અસ્વીકાર કરી તે માતા મૅરી પાસે આવે છે. પોતાના આખરી દિવસોના કરુણાંતની તે રાહ જુએ છે. અહીં કાવ્યનું સમસ્ત વસ્તુ આધ્યાત્મિક બને છે. ઈશુ અપાર સહનશક્તિ અને અદભુત વીરત્વનો ઉચ્ચતમ આદર્શ છે. આ મહાકાવ્ય નથી, પરંતુ તે એક મહાન, સૌમ્ય અને ઉમદા ચરિત્રનું શ્રેષ્ઠ કાવ્ય છે.

વિ. પ્ર. ત્રિવેદી