પૅરાથાયૉન : ફૉસ્ફરસ તથા સલ્ફર તત્ત્વો ધરાવતું જાણીતું જંતુઘ્ન રસાયણ. તેનું સૂત્ર (C2H5O)2P(S)OC6H4NO2 તથા રાસાયણિક નામ O, O, ડાઇઇથાઇલ-Pનાઇટ્રોફિનાઇલ-થાયોફૉસ્ફેટ છે.

તે આછી વાસવાળું ઘેરા ભૂખરા કે પીળા રંગનું પ્રવાહી છે. તેનું ઘટત્વ 1.26, ઉ.બિ. 375o સે., ઠારબિંદુ 6o સે. તથા 24o સે. તાપમાને બાષ્પદબાણ 0.003 મિમી. છે. પૅરાથાયૉન પાણીમાં અલ્પદ્રાવ્ય (20 ppm); એસ્ટર, આલ્કોહૉલ, કીટોન, ઈથર, ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન તથા વનસ્પતિજ અને પ્રાણિજ તેલમાં દ્રાવ્ય તથા કેરોસીન અને પેટ્રોલમાં અદ્રાવ્ય છે. નિસ્યંદિત પાણીમાં તથા ઍસિડિક દ્રાવણમાં તે સ્થાયી છે. (તેનું વિઘટન થતું નથી.) આલ્કલી દ્રવ્યો દ્વારા તેનું જળવિભાજન થાય છે. હવામાં તેનું ધીમું વિઘટન થાય છે.

ટૅક્નિકલ ગ્રેડનું પૅરાથાયૉન લગભગ 95 % શુદ્ધિવાળું હોય છે. તે જુદા જુદા નિષ્ક્રિય વાહકોમાં વિવિધ પ્રમાણમાં મળે છે.

સોડિયમ ઇથિલેટ, થાયોફૉસ્ફૉરિલ ક્લોરાઇડ તથા સોડિયમ પૅરાનાઇટ્રોફિનેટમાંથી પૅરાથાયૉનનું ઉત્પાદન કરવામાં આવે છે.

ચામડીને પૅરાથાયૉનના સ્પર્શથી ખૂબ વિષાળુ અસર થાય છે. સસ્તન પ્રાણીઓ તથા જીવડાંના શરીરમાં આ સંયોજન કૉલિનએસ્ટેરેઝ નિરોધક તરીકે વર્તે છે અને શ્વસન અટકતાં (respiratory failure) મૃત્યુ થાય છે. તેની ઝેરી અસરની નાબૂદી માટે ઍટ્રોપિન પ્રતિકારક તરીકે વપરાય છે. આલ્કેલાઇન દ્રાવણ વડે તેને નિરાવિષી (nontoxic) બનાવી શકાય છે.

જ. પો. ત્રિવેદી