પેપ્ટિક છિદ્રણ (peptic perforation) : પેપ્ટિક વ્રણમાંથી કાણું પડવું તે. પક્વાશય (duodenum) કે જઠરમાં લાંબા સમયના ચાંદાને પચિતકલાવ્રણ (peptic ulcer) કહે છે. ક્યારેક તે વિકસીને જઠરમાં કાણું પાડે ત્યારે તેને પચિતકલાછિદ્રણ (peptic perforation) અથવા પેપ્ટિક છિદ્રણ કહે છે. સ્ત્રીઓ કરતાં તે પુરુષોમાં બમણા દરે થાય છે. તે મુખ્યત્વે 45થી 55 વર્ષની વયે થતું જોવા મળે છે. સામાન્ય રીતે પક્વાશયની આગળની સપાટી પર અને ક્યારેક જઠરની આગળની સપાટી પર તે ઉદભવે છે. તેને અગ્રસ્થ છિદ્ર (anterior perforation) કહે છે. જઠરમાં જો તે થાય તો તે જઠરની લઘુવક્રસપાટીના જઠરાંતવિસ્તાર (pylorus) પાસેના ભાગ પર જોવા મળે છે. જઠરની પાછલી દીવાલમાંથી પેટમાંની લઘુપરિતનગુહા(lesser sac)માં કાણું પડે એવું જવલ્લે જ બને છે. તેને પશ્ચસ્થ છિદ્ર (posterior perforation) કહે છે. 80 % દર્દીઓમાં પેટમાં ચાંદું લાંબા સમયથી હોય છે. 20 % દર્દીઓમાં પેટમાંના ચાંદાથી અગાઉ કોઈ તકલીફ હોતી નથી તેથી તેને શાંતવ્રણ (silent ulcer) કહે છે. આવા દર્દીઓમાં કોર્ટિકોસ્ટિરૉઇડ વડે સારવાર આપતી વખતે આ વિકાર ઉદભવે છે. સામાન્ય રીતે નાટકીય રીતે અચાનક જ પેટમાં છિદ્ર પડવાનાં લક્ષણો થઈ આવતાં હોય છે.
કાણું પડે એટલે જઠર કે પક્વાશયમાંના પદાર્થો પેટમાંની પરિતનગુહા(peritoneal cavity)માં પ્રવેશે છે. તેનાથી પરિતનકલાનું ક્ષોભન અથવા ચચરાટ (irritation) થાય છે. તેને પરિતનકલાવિકાર (peritonism) કહે છે. તે સમયે દર્દી પીડાને કારણે રડી ઊઠે છે કે ચિત્કાર કરી ઊઠે છે. આ પ્રકારના રાસાયણિક ક્ષોભનને કારણે પરિતનગુહામાં પુષ્કળ પ્રવાહી ઝરે છે, જે દુખાવાને થોડો ઘટાડે છે. તેને પ્રતિક્રિયાનો તબક્કો (stage of reaction) કહે છે જે 3થી 6 કલાક ચાલે છે. ત્યારબાદ આવી પરિતનગુહામાં (આખા પેટમાં) જીવાણુજન્ય ચેપને કારણે પીડાકારક સોજો આવે છે. તેને જીવાણુજન્ય પરિતનકલાશોથ (bacterial peritonitis) કહે છે.
લક્ષણો, ચિહ્નો અને નિદાન : તીવ્ર પ્રકારના વિકારમાં પરિતનકલાક્ષોભનના તબક્કામાં દર્દી ફિક્કો પડે છે, આશંકિત થાય છે અને આળોટે છે. શરીરનું તાપમાન ઓછું હોય છે પણ નાડી ઝડપી બને છે. તે પેટની આગળની દીવાલને શ્વસનક્રિયા વખતે હાલવા દેતો નથી. આખા પેટ પર જ્યાં પણ અડીએ ત્યાં દુખાવો થાય છે. તેને સ્પર્શવેદના (tenderness) કહે છે. પેટની દીવાલ એક પાટિયા જેવી અક્કડ થઈ જાય છે. તેના પર આંગળી વડે ટકોરા મારીએ તો બોદો અવાજ આવે છે. જઠરમાંની હવા પેટમાં ખુલ્લી જવાથી યકૃત પરનો ટકોરા વખતનો બોદો અવાજ ઢંકાઈ જાય છે.
3થી 6 કલાકમાં પીડા, સ્પર્શવેદના અને અક્કડતા ઘટે છે. શરીરનું તાપમાન વધીને સામાન્ય થાય અથવા તાવ આવે છે. નાડી ઝડપી રહે છે અને આંતરડાંની લહરિગતિ (peristalsis) અટકી ગઈ હોવાથી આંત્રીય સ્વર (bowel sounds) સંભળાતા નથી. આ સમયે લક્ષણો ઘટે છે, માટે તેને ભ્રાંતિકાળ (period of illusion) પણ કહે છે. 6 કલાક પછી વ્યાપક પરિતનકલાશોથનો વિકાર ઉદભવે છે. આંતરડાંનું હલનચલન બંધ હોય છે, પેટમાં પ્રવાહી ભરાયેલું છે તેવું દર્શાવી શકાય છે. નાડીના ધબકારા વધે છે અને દર્દીની સ્થિતિ બગડતી જાય છે.
ધીમી ગતિએ છિદ્રણ થયું હોય તો પીડા અને સ્પર્શવેદના ઓછાં હોય છે, પરંતુ રક્ષણાત્મક સ્નાયુસંકોચન (muscle gaurding) અને અક્કડતા જોવા મળે છે. ક્યારેક આંતરડાની લહરગતિ પણ ચાલુ રહે છે. પેટમાં થોડુંક પ્રવાહી ભરેલું હોય છે. સામાન્ય રીતે મોટા આંતરડા(સ્થિરાંત્ર)ની બાજુમાં આવેલી ખાંચ(નીક)માં ભરાય છે. પરાસ્થિરાંત્રનીક(paracolic gutter)માં ભરાયેલું પ્રવાહી પેટના જમણા નીચલા ખૂણે દુખાવો કરે છે. તેથી ક્યારેક ઍપેન્ડિસાઇટિસ (આંત્રપુચ્છશોથ) જેવો વિકાર લાગે છે. પેપ્ટિક છિદ્રણ અને ઍપેન્ડિસાઇટિસને એકબીજાથી અલગ પાડવાં પડે છે.
દર્દીને ઊભો રાખીને લેવાયેલા પેટના એક્સ-રે ચિત્રણમાં ઉરોદરપટલની નીચે હવાની પટ્ટી જોવા મળે છે. પેટમાંથી સોયની મદદથી પ્રવાહી કઢાય તો તે પિત્તવાળું આલ્કેલાઇન પ્રવાહી હોય છે. આ બે કસોટીઓથી નિદાન નિશ્ચિત થાય છે.
સારવાર : મુખ્ય સારવાર રૂપે શસ્ત્રક્રિયા કરીને કાણાને સાંધી દેવાય છે. દર્દી શસ્ત્રક્રિયા માટે હા પાડે પછી જ પીડાશામક ઔષધ (દા. ત., મૉર્ફીન) આપવાનું સૂચવાય છે. છિદ્રને બંધ કરવા ઉદરાગ્રપટલ(omentum)ને સાથે લઈને અંતરાલીય (interuppted) ટાંકા મારવામાં આવે છે. જો જઠરમાં ચાંદું હોય તો પેશીપરીક્ષણ (biopsy) માટે પેશીનો ટુકડો લેવાય છે. પરિતનગુહાનું શોધન (peritoneal toilet) કરાય છે. તેમાં પરિતનગુહામાંનું પ્રવાહી અને ખોરાકનું દ્રવ્ય શોષી લેવાય છે. શસ્ત્રક્રિયા પછી જઠરમાં એકઠું થતું પ્રવાહી સતત શોષવામાં આવે છે, નસ વાટે પ્રવાહી અને પોષણ અપાય છે. મોટી ઉંમરની વ્યક્તિઓમાં શ્વાસોચ્છવાસની કસરત પણ શીખવવામાં આવે છે. હાલ હવે ઉદરનિરીક્ષા (laparoscopy) વડે પણ છિદ્રસંધાન કરાય છે. જો ટૂંકા સમયનું છિદ્રણ હોય તો કેટલાક સર્જ્યનો પેપ્ટિક વ્રણની સારવારરૂપ બહુવિસ્તારી ચેતાછેદન (vagotomy) અને જઠરાંત પુનર્ગઠન(pyloroplasty)ની શસ્ત્રક્રિયા પણ કરે છે; પરંતુ આવું એકદમ વિકસિત અને સગવડવાળી હૉસ્પિટલમાં અનુભવી સર્જ્યન જ કરે એ હિતાવહ છે. તેથી મોટેભાગે આવી શસ્ત્રક્રિયા જો જરૂર પડે તો, પાછળથી યોજનાપૂર્વક કરવાનું સૂચવાય છે.
ઘણા દર્દીઓમાં શસ્ત્રક્રિયા પછી તકલીફ શમે છે, પરંતુ પહેલા વર્ષમાં 40 % દર્દીઓ અને પહેલાં 5 વર્ષમાં 70 % દર્દીઓને પેપ્ટિક વ્રણનો ફરી ઊથલો મારે છે; માટે બધા દર્દીઓને વારંવાર નિયમિતપણે તપાસવામાં આવે છે અને પેપ્ટિક ચાંદાની યોગ્ય સારવાર અપાય છે. ક્યારેક પેપ્ટિક છિદ્રણ પછી ઉરોદરપટલની નીચે કે શ્રોણી(pelvis)માં ગૂમડું થાય છે. તેવા સંજોગોમાં તેની યોગ્ય સારવાર આપવી જરૂરી બને છે.
શિલીન નં. શુક્લ
સોમાલાલ ત્રિવેદી