પેપેવરેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળ 28 પ્રજાતિઓ અને 250 જાતિઓનું બનેલું છે. તેનું વિતરણ મોટેભાગે ઉત્તર ગોળાર્ધના ઉપોષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. તેનાં કેન્દ્રો પશ્ચિમ-ઉત્તર અમેરિકા અને પૂર્વ એશિયા છે; જે પૈકી 12 પ્રજાતિઓ અમેરિકન અને 9 પ્રજાતિઓ એશિયન છે. દક્ષિણ ગોળાર્ધમાં આ કુળ બહુ ઓછા પ્રમાણમાં થાય છે. Glaucium (20 જાતિઓ) અને Papaver (90 જાતિઓ) પ્રાથમિકપણે ભૂમધ્ય પ્રદેશની પ્રજાતિઓ છે. જોકે Papaverની થોડીક જાતિઓ એશિયા અને અમેરિકામાં થાય છે. બીજી મોટી પ્રજાતિઓમાં Meconopsis (એશિયા, 45 જાતિઓ), Hypecoum (ચીન, 15 જાતિઓ) અને Argemone(કૅલિફૉર્નિયાથી મેક્સિકો, 10 જાતિઓ)નો સમાવેશ થાય છે.

એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય, ભાગ્યે જ ક્ષુપ (Dendromecon) કે વૃક્ષ (Bocconia, 9.0 મી. સુધી વધતું વૃક્ષ); ક્ષીરરસ દૂધ જેવો અથવા રંગીન (પાણી જેવો Eschscholzia, Hunnemannia); પર્ણો સાદાં, એકાંતરિક [Platystemonમાં સૌથી ઉપરનાં પર્ણો ભ્રમિરૂપ (whorled)], અખંડિત કે પક્ષવત્ (pinnately) અથવા પાણિવત્ (palmately) છેદન પામેલાં, અનુપપર્ણીય; પર્ણકિનારી કંટકીય; પુષ્પો મોટેભાગે એકાકી (solitary), macleayaમાં લઘુપુષ્પગુચ્છી (paniculate), ક્યારેક દ્વિશાખી (biparous) પુષ્પવિન્યાસ; પુષ્પો ત્રિજ્યાસમમિત (actinomorphic), દ્વિલિંગી, અધોજાયી (અપવાદ : Eschscholzia), સફેદ, ગુલાબી-લાલ, પીળા કે જાંબલી રંગનાં, દેખાવે સુંદર; વજ્રપત્રો 2 કે 3, મુક્ત (Eschscholziaમાં યુક્ત), શીઘ્રપાતી (caducous); દલપત્રો 4થી 6 અથવા 8થી 12 (Macleayaમાં ગેરહાજર), એક કે બે ચક્રમાં (ભાગ્યે જ ત્રણ ચક્રો), મુક્ત, કોરછાદી (imbricate),

(અ) : Papaver Somniferumની પુષ્પીય શાખા (આ) : પુષ્પનો ઊભો છેદ (ઇ) : બીજાશયનો આડો છેદ (ઈ) : છિદ્રલ પ્રાવર

કલિકા અવસ્થામાં અતિવલિત (crumpled); પુંકેસરો અસંખ્ય, ઘણાં ચક્રોમાં (Pteridophyllum અને Hypecoumમાં 4 પુંકેસરો), અધોજાયી (hypogynous); મુક્ત; પરાગાશય દ્વિખંડી, સ્ફોટન લંબવર્તી; દ્વિથી બહુયુક્તસ્ત્રીકેસરી સ્ત્રીકેસરચક્ર, ઊર્ધ્વસ્થ બીજાશય, એકકોટરીય ભિત્તિસ્થ (parietal) જરાયુવિન્યાસ, આભાસી પટના નિર્માણથી દ્વિકોટરીય બને, પ્રત્યેક જરાયુ પર અસંખ્ય અંડકો (Bocconiaમાં એકાકી અને તલસ્થ), અધોમુખી (anatropous) કે વક્રમુખી (campylotropous); પરાગવાહિની સામાન્યત: એક કે લુપ્ત (obsolete), Platystemonમાં ઘણી  પરાગવાહિની, પરાગાસનો સ્ત્રીકેસરોની સંખ્યા જેટલાં, જરાયુઓથી એકાંતરિક કે સમ્મુખ; ફળ વિવરીય (loculicidal) કે છિદ્રલ (porous), પ્રાવર ભાગ્યે જ અસ્ફોટનશીલ; તૈલી ભ્રૂણપોષ અને અત્યંત નાનો ભ્રૂણ ધરાવતાં બીજ.

ગુજરાતમાં Argemone mexicana L. (દારૂડી) અને Papaver somniferum L. (અફીણ, ખસખસ) નામની જાતિઓ થાય છે. Papaverની કેટલીક જાતિઓ શોભન-જાતિ તરીકે ઉદ્યાનોમાં ઉગાડાય છે.

દીનાઝ પરબિયા

મીનુ પરબિયા