પેપિસ, સૅમ્યુઅલ (. 23 ફેબ્રુઆરી 1633, લંડન; . 26 મે 1703, લંડન) : અંગ્રેજ રોજનીશીકાર. 1825માં પ્રગટ થયેલી તેમની સૌપ્રથમ ડાયરીથી તે પ્રસિદ્ધ બન્યા. તેમાં 1 જાન્યુઆરી, 1660થી 31 મે, 1669 સુધીની વિગતોમાં પુન:સ્થાપના પછીના લંડનના ઉચ્ચવર્ગ અને અમલદારોની જિંદગીનું સુંદર ચિત્રણ છે. આ ડાયરી સાંકેતિક ભાષા (shorthand)માં હતી. 1825માં જૉન સ્મિથે તેની સંકેત-લિપિ ઉકેલીને તેનું અર્થોદઘાટન કર્યું હતું.

તેમના પિતા પરગણામાંથી લંડન આવેલા અને દરજીકામ કરતા. તેમણે શાળાનો અભ્યાસ લંડનમાં અને કૉલેજનો કૅમ્બ્રિજમાં કર્યો. 27 વર્ષની વયે તેમણે નૌકાદળમાં કારકુનની સામાન્ય નોકરીથી કારકિર્દીની શરૂઆત કરેલી.

1 જાન્યુઆરી, 1660થી તેમણે ડાયરી લખવાની શરૂઆત કરેલી. ડચ સાથેનાં બે નૌકાયુદ્ધો (1665થી 1667 અને 1672થી 1674) દરમિયાન તેમની પ્રભાવક કામગીરીથી તેમણે રાજાનો અને તેમના ભાઈ જેમ્સ-યૉર્કના શાસકનો વિશ્વાસ જીતી લીધો. 1673માં ત્રીજા ડચયુદ્ધ વખતે કૅથલિક ધર્મસંઘ તરફથી પરિવર્તન માટે દબાણ થવાથી તેમણે ઑફિસમાંથી રાજીનામું આપ્યું. 1669માં આંખોની તકલીફના કારણે તેમને ડાયરી લખવાનું બંધ કરવું પડ્યું.

તેમની મહેનત, ક્ષમતા, નિષ્ઠા અને લગનથી તેઓ નૌકાસેના પર દેખરેખ રાખનાર મંડળના ઉપરી બન્યા. પાર્લમેન્ટના સદસ્ય તરીકે પણ સેવા આપી. તેઓ રૉયલ સોસાયટીના પ્રમુખ પણ બન્યા.

સૅમ્યુઅલ પેપિસ

નિવૃત્તિ પછીનાં છેલ્લાં 14 વર્ષ તેમણે ટેમ્સ કાંઠાના ઘરે આનંદમાં ગાળ્યાં. પાછલી ઉંમરના મિત્રોમાં સર આઇઝેક ન્યૂટન, સર ક્રિસ્ટોફર ડોન, સર ગૉડફ્રી નેલર જેવા તે જમાનાના વિદ્વાનો હતા. તેઓ પુસ્તકોના અને અભ્યાસના પ્રેમી હતા. તેઓ સંગીત, નાટક અને વિજ્ઞાનમાં ખૂબ રસ લેતા હતા. 1660માં ચાર્લ્સ બીજાનું ઇંગ્લૅન્ડની ગાદી પર પુન: આગમન, પ્લેગ, ડચયુદ્ધો જેવી તે સમયની મુખ્ય ઘટનાઓ સાથે તેઓ સંકળાયેલા હતા. સાંકેતિક ભાષામાં લખાયેલી તેમની ડાયરી (1660થી 1669) કૅમ્બ્રિજની કૉલેજમાં, પેપિસ લાઇબ્રેરીમાં સચવાયેલી. તેમના અવસાન પછી છેક 1825માં તે પ્રકાશિત થયેલી. તેમાં સવા દસ લાખ જેટલા શબ્દો છે.

યોગેશ જોશી