પેન્ટાઝોસીન : અફીણજૂથની ઓછી વ્યસનાસક્તિ કરતી, અસરકારક, દુખાવો ઘટાડતી અને સુયોજિત વૈજ્ઞાનિક પ્રયાસોથી સંશ્લેષિત (synthesized) કરાયેલી દવા. તે બેન્ઝોમૉર્ફીન નામના રસાયણમાંથી મેળવાયેલું ઉપોપાર્જિત દ્રવ્ય (derivative) છે. તેનું રાસાયણિક બંધારણ નીચે મુજબ છે :
મૉર્ફીનના અણુમાંના 17મા સ્થાનના નાઇટ્રોજન પર એક મોટું અવેજી ઘટક (substituent) છે, જે તેની સમધર્મી-વિષમધર્મી ક્રિયા માટે જવાબદાર છે, તેનો લીવો-સમગુણક (l-isomer) અણુ પીડાશમન અને શ્વસનક્રિયાનું અવદાબન કરવાના ગુણધર્મો ધરાવે છે.
તેની ઔષધીય ક્રિયાઓ મૉર્ફીન કે અન્ય અફીણજૂથનાં ઔષધો જેવી છે. તે પીડાશમન, ઘેન (sedation) અને શ્વસનક્રિયાનું અવદાબન કરે છે. તે ઇન્જેક્શન દ્વારા યોગ્ય માત્રા(dose)માં આપવામાં આવે તો દુખાવો ઘટાડે છે, પરંતુ શ્વસનક્રિયાનું અવદાબન ઓછું રહે છે. જેમ માત્રા વધે છે તેમ શ્વસનક્રિયાનું અવદાબન વધે છે અને જો ઘણી વધારે માત્રા હોય તો નેલૉર્ફીનની માફક દુ:ખાભાસ (dysphoria) કે અન્ય માનસિક વિકારો થાય છે. તે અમુક અંશે પિત્તમાર્ગમાં દબાણ વધારે છે. વધુ માત્રા હોય તો લોહીનું દબાણ, હૃદયના ધબકારાનો દર તથા હૃદયનો કાર્યભાર વધારે છે. જ્યારે ઔષધસહ્યતાને લીધે મૉર્ફીનની પીડાશમનની અસર ઓછી થયેલી હોય ત્યારે પણ પેન્ટાઝોસીન અસરકારક રહે છે. મોં વાટે, ચામડીની નીચેથી કે સ્નાયુમાંના ઇન્જેક્શનમાંથી સારી રીતે અવશોષિત થાય છે. મોં વાટે લેવાયેલી દવાની ઉચ્ચતમ રુધિરસપાટી 1થી 3 કલાકમાં થાય છે, જ્યારે ઇન્જેક્શન દ્વારા લેવાતી દવા 15 મિનિટથી 1 કલાકમાં ઉચ્ચતમ રુધિરસપાટી મેળવે છે. તેનો અર્ધક્રિયાકાળ 4 કલાકનો છે અને તેનો ચયાપચય યકૃતમાં થાય છે. ત્યાં બનતાં તેનાં સંયોજનો મૂત્રપિંડ દ્વારા બહાર જાય છે. તે ગર્ભની ઓર(placenta)માંથી અમુક અંશે પસાર થઈને ગર્ભને પણ અસર કરે છે. તે ગોળી તથા સ્નાયુમાં આપવાના ઇન્જેક્શન રૂપે મળે છે. બંને માટે અલગ અલગ ક્ષારો વપરાય છે – ઇન્જેક્શન માટે પેન્ટાઝોસીન લૅક્ટેટ અને મુખમાર્ગ માટે પેન્ટાઝોસીન હાઇડ્રોક્લોરાઇડ. મુખમાર્ગી ગોળીમાં ક્યારેક નેલૉક્સોન પણ ઉમેરેલું હોય છે. 30થી 60 મિગ્રા. પેન્ટાઝોસીનથી થતું પીડાશમન 10 મિગ્રા. મૉર્ફીન જેટલું કે 60 મિગ્રા. મુખમાર્ગી કોડીન જેટલું હોય છે.
મુખ્ય આડઅસરોમાં ઘેન, પરસેવો થવો, અંધારાં આવવાં (dizziness) કે માથું ખાલી થઈ ગયેલું લાગવું, ઊબકા થવા, ક્યારેક ઊલટી થવી વગેરે જોવા મળે છે. મૉર્ફીન કરતાં ઓછી ઊલટી થાય છે. વધુ માત્રામાં દવા અપાઈ હોય તો નેલૉર્ફીનની માફક થતા માનસિક વિકારોમાં અનિયંત્રિત વિચારો, મનોવિકારી ચિંતા, દુ:સ્વપ્નો અને મનોભ્રાંતિ (hallucination) જોવા મળે છે. વધુ માત્રામાં ઔષધ લેવાથી મૃત્યુ થઈ જવાની સંભાવના ઓછી રહે છે. વારંવાર ઇન્જેક્શન લેવાથી સ્નાયુમાં ચચરાટ (સંક્ષોભન) અને સ્થાનિક તંતુતા (fibrosis) થાય છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી અફીણની બંધાણી હોય તો તેને પેન્ટાઝોસીન આપવાથી અફીણલક્ષી ઔષધવિયોગિતા (opioid with-drawal syndrome) થાય છે. માટે અફીણ બંધ કર્યાના 1થી 2 દિવસના સમયગાળા પછી જ પેન્ટાઝોસીન શરૂ કરાય છે. લાંબા સમયના ઉપયોગ પછી પેન્ટાઝોસીનની પીડાશમનની ક્ષમતા ઘટે છે. તેને ઔષધસહ્યતા (drug tolerance) કહે છે. પેન્ટાઝોસીનના લાંબા ગાળાના ઉપયોગ પછી તે બંધ કરવામાં આવે તો પેટમાં ચૂંક, મનોવિકારી ચિંતા, મંદ ધ્રુજારી, તાવ આવવો, ઊલટી થવી, આંખમાંથી પાણી વહેવું તથા વધુ પરસેવો થવો જેવા અનેક ઔષધવિયોગિતાનાં લક્ષણો જોવા મળે છે. ક્યારેક તે બંધાણ અથવા વ્યસનાસક્તિ કરે છે, માટે તેનું વેચાણ-વિતરણ નિયંત્રિત કરાયેલું છે.
પેન્ટાઝોસીનનો મુખ્ય ઉપયોગ કૅન્સર જેવાં દર્દોના લાંબા ગાળાના તીવ્ર દુખાવાને કાબૂમાં લેવામાં થાય છે. ઔષધ-વ્યસનાસક્તિમાં પણ તે ઉપયોગી છે. મોં વાટે પેન્ટાઝોસીન આપવાથી વ્યસનાસક્તિ થવાની સંભાવના ઓછી રહે છે. તેથી તેને મુખ્યત્વે મોં વાટે ગોળી રૂપે અપાય છે.
સંજીવ આનંદ
શિલીન નં. શુક્લ