પેન્ટૅથ્લૉન : પાંચ રમતોની સ્પર્ધા. દરેક રમતમાં ભાગ લેવો હરીફ માટે ફરજિયાત હોય છે. ગુજરાતીમાં આને ‘પંચ રમત સમૂહસ્પર્ધા’ કહેવામાં આવે છે. પ્રાચીન ગ્રીસમાં ઑલિમ્પિક રમતોત્સવમાં આ રમત રમાતી હતી, જેમાં 192 મી. દોડ (સ્ટેડિયમ દોડ), લાંબો કૂદકો, ચક્રફેંક, ભાલાફેંક અને કુસ્તીની રમતોનો સમાવેશ થતો હતો. પ્રથમ ચાર રમતોમાં પ્રથમ અને દ્વિતીય નંબરે આવતા સ્પર્ધકો વચ્ચે કુસ્તીની સ્પર્ધા કરાવીને વિજેતા – શ્રેષ્ઠ રમતવીર – નક્કી કરવામાં આવતો હતો.

આધુનિક પેન્ટૅથ્લૉન 200 મી. દોડ, લાંબો કૂદકો, ચક્રફેંક, ભાલાફેંક અને 1,500 મી. દોડનો સમાવેશ કરીને 1912ની ઑલિમ્પિક રમતોત્સવમાં દાખલ કરવામાં આવી. પેન્ટૅથ્લૉન સ્પર્ધાના મૂળ ધ્યેયની પ્રાપ્તિ માટે આ રમતો પૂરતી ન હતી. આ રમતોથી ફક્ત ખેલકૂદ-શક્તિનું જ માપન થતું હતું. આધુનિક પેન્ટેથ્લોનનું નવીનીકરણ કરવામાં આવ્યું. આધુનિક પેન્ટૅથ્લૉનમાં 800મી. વિઘ્ન ઘોડેસવારી, પટાબાજી (ફેન્સિંગ), પિસ્તોલ-નિશાનબાજી, 300 મી. તરણ અને 4,000 મી. ક્રૉસ કંટ્રી દોડ સ્પર્ધાનો સમાવેશ થાય છે. યુદ્ધના મેદાનમાં ઉપયોગી એવા ગુણો અને કૌશલ્યો ધરાવતી આ રમતો હોવાથી તે મિલિટરી પેન્ટૅથ્લૉન તરીકે પણ ઓળખાય છે. સર્વસંપૂર્ણ રમતવીર બનવા માટે હરીફ સારો ઘોડેસવાર, દોડવીર, તરવૈયો, તથા નિશાનબાજ હોવો જરૂરી છે. આ રમતો દ્વારા રમતવીરનાં ઝડપ, બળ, સહનશક્તિ, ત્વરિત નિર્ણયશક્તિ, ચપળતા, પ્રતિકારશક્તિ તથા મનની સ્વસ્થતા વગેરે લક્ષણોનું માપન થઈ શકે છે. સામાન્યત: આ રમતો દેશના સૈનિકોને અનુકૂળ આવે તેવી છે. પેન્ટૅથ્લૉનની શરૂઆતની સ્પર્ધાઓમાં જે તે દેશના સૈનિકોનું પ્રભુત્વ રહ્યું હતું, પાછળથી સામાન્ય લોકો પણ પેન્ટૅથ્લૉનની રમતો રમવા લાગ્યા અને ચંદ્રકો મેળવતા થયા.

1948 સુધી આ રમતો વૈયક્તિક રીતે રમાતી હતી, પરંતુ 1952ના ઑલિમ્પિક રમતોત્સવથી પેન્ટૅથ્લૉનની રમત વૈયક્તિક અને જૂથ-રમત તરીકે દાખલ કરવામાં આવી હતી. દરેક ટીમ ચાર હરીફોની રહેતી, પરંતુ ફક્ત ત્રણ જ હરીફો ભાગ લઈ શકતા. આ રમતોની સ્પર્ધા જે તે રમતોના આંતરરાષ્ટ્રીય ફેડરેશનના નિયમો મુજબ  રમાડવામાં આવે છે. પાંચેય રમતોમાં હરીફે પ્રાપ્ત કરેલા ગુણોનો સરવાળો કરીને વિજેતા-ક્રમ આપવામાં આવે છે.

હરીફોએ મેળવેલા ગુણોનો આધાર લઈને જૂથ-ચૅમ્પિયનશિપ આપવામાં આવે છે. ઘણી વાર રમતવીર તથા જૂથના કુલ ગુણ સરખા થાય ત્યારે ગાંઠ પડે છે અને પંચરમતસ્પર્ધાઓના નિયમ મુજબ એ ગાંઠનો ઉકેલ લાવવામાં આવે છે.

રમતોનો ક્રમ ઘોડેસવારી, પટાબાજી, પિસ્તોલ-નિશાનબાજી, તરણ અને ક્રૉસ કંટ્રીદોડ-સ્પર્ધા એવો રહે છે. દરરોજ એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. નશા અથવા કેફી પદાર્થની ચકાસણી પણ દરરોજ કરવામાં આવે છે. નિયમાનુસાર અવેજીકરણ પણ કરવા દેવામાં આવે છે.

હર્ષદભાઈ પટેલ