પેનિગર, એરિક (. 28 ડિસેમ્બર 1904, સહારનપુર, ઉત્તરપ્રદેશ; અ. 30 ડિસેમ્બર 1996, એડિનબર્ગ, ગ્રેટબ્રિટન) : ભારતના મહાન હૉકી-ખેલાડી. એમ તો 1928માં ઑલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેવા ગયેલી ભારતીય હૉકી-ટીમના ઉપસુકાની તરીકે તેમની પસંદગી થઈ હતી; પરંતુ સુકાની જયપાલસિંહને રમતોત્સવ દરમિયાન ઇંગ્લૅન્ડ જવાનું હોવાથી સેમિફાઇનલ તેમજ ફાઇનલ સ્પર્ધાઓમાં સુકાની તરીકે આગેવાની એરિક પેનિગરે સંભાળી હતી અને ઑલિમ્પિકમાં હૉકીમાં ભારતને સર્વપ્રથમ સુવર્ણચંદ્રક અપાવનાર ટીમના સુકાની તરીકેનો યશ તેમને મળ્યો હતો. 1925માં સૌપ્રથમ તેઓ ઉત્તર-પશ્ચિમ રેલવે તરફથી રમ્યા હતા. ત્યારબાદ તેમણે આ ટીમનું 12 વર્ષ સુધી નેતૃત્વ કર્યું હતું. 1926માં તેમની પસંદગી પંજાબની ટીમમાં ઉપસુકાની તરીકે થઈ હતી. 1928 તથા 1930માં તો તેમણે પંજાબની ટીમનું નેતૃત્વ કર્યું હતું અને ફરી 1938માં આ ટીમમાં રમ્યા હતા. 1928 તેમજ 1932માં હેલસિન્કી ઑલિમ્પિકમાં ભાગ લઈને ભારતને સુવર્ણચંદ્રક અપાવવામાં તેમણે મદદ કરી હતી. તેમની પસંદગી 1936માં બર્લિન ઑલિમ્પિક માટે પણ થઈ હતી; પરંતુ પૂરતી રજાઓ ન મળવાને કારણે તેઓ ટીમ સાથે જઈ શક્યા નહિ. ત્યારબાદ તેમણે હૉકીમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી અને ટેનિસની રમતમાં રસ લેવા માંડ્યો હતો.

પ્રભુદયાલ શર્મા