પેણગંગા (નદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં વહેતી નદી. તે ઉત્તર મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં આવેલા ચિખલી તાલુકાની પશ્ચિમ સરહદે અજંતાની ટેકરીઓમાંથી નીકળે છે. શરૂઆતમાં તેનો પ્રવહનપથ અગ્નિ દિશા તરફનો રહે છે, પછીથી અકોલા તરફ દક્ષિણમાં વહે છે, ત્યાંથી પરભણી-યવતમાળ-નાંદેડ જિલ્લાઓની સરહદ પર વહે છે. યવતમાળ જિલ્લાના વણી તાલુકામાં તે વર્ધા નદીને મળે છે. આમ તે વર્ધા નદીની સહાયક નદી બની રહે છે. તેની લંબાઈ 320 કિમી. છે. તેને મળતી સહાયક નદીઓમાં પૂસ, અરુણા, અડાણ, વાધાડીનો સમાવેશ થાય છે. મોટાભાગની સહાયક નદીઓ દક્ષિણમાંથી નીકળી એકમેકને મળીને પછી ઉત્તર તરફ પેણગંગાને મળે છે. બધી સહાયક નદીઓ સહિત તેનું જલસ્રાવક્ષેત્ર લગભગ 23,898 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. વર્ધા નદીને મળ્યા પછી બંનેનો સંયુક્ત પ્રવાહ વર્ધા નદીને નામે ઓળખાય છે અને તે પછી આ સંયુક્ત પ્રવાહ વેણગંગા નદી સાથે સંગમ રચે છે; પેણગંગા ગોદાવરી નદીની સહાયક નદી છે.
બુલઢાણા જિલ્લામાંથી નીકળતી પેણગંગા નદી વર્ધા નદીને મળે છે તેના વચ્ચેના ભાગમાં તે પશ્ચિમ વિદર્ભમાં વર્ધાનું વિશાળ મેદાન બનાવે છે. વર્ધાના ઓછા વરસાદવાળા મેદાની પ્રદેશમાં આ નદી ડાંગર, કપાસ, જુવાર અને બાજરીના વાવેતર માટે સિંચાઈની સુવિધા પૂરી પાડે છે. નાગપુર અને વર્ધાની આસપાસ સંતરાંની વાડીઓને આ નદી દ્વારા સિંચાઈ પ્રાપ્ત થાય છે. જળસિંચાઈ માટે અહીં આ નદીનું મહત્વ છે. પેણગંગાના ઉપરવાસના ભાગમાં યવતમાળ જિલ્લાના પુસદ તાલુકામાં બંધ બાંધેલો છે, ત્યાંથી ખેતીને માટે જરૂરી જળપુરવઠો અપાય છે. દેઉળઘાટ, વણી, પુસદ, પાંઢરકવડા, ચિખલી, મેહેકર વગેરે આ નદીકાંઠે આવેલાં મહત્વનાં સ્થળો છે.
સતત ઘસારાને કારણે આ નદીએ કેટલીક જગાએ ખીણપ્રદેશો રચી સુંદર ભૂમિદૃશ્યો ઊભાં કર્યાં છે. ચોમાસાની ઋતુમાં તે નીચાણવાળા ભાગોમાં દર વર્ષે પૂરપ્રકોપ પણ સર્જે છે.
આ નદીને બંને કાંઠે બીડી-ઉદ્યોગ માટે ઉપયોગી ટીમરુનાં જંગલો ઊગી નીકળેલાં છે. આ ઉપરાંત આ જંગલોમાં વાંસ અને અન્ય ઉપયોગી ઇમારતી લાકડું આપતાં પાનખરવૃક્ષો પણ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. તેના મેદાની પ્રદેશમાં ખેતીની સાથે ખનિજઉદ્યોગ પણ વિકસ્યો છે. ત્યાંથી લોહઅયસ્ક, મગેનીઝ તથા મકાનબાંધકામ માટે ઉપયોગી પથ્થરો મળે છે.
ઉત્તર અને પૂર્વ મહારાષ્ટ્રમાં પસાર થતી આ નદી તે વિસ્તાર માટે ગંગા સમાન પવિત્ર ગણાય છે, તેથી તે ‘પેણગંગા’ના નામથી ઓળખાય છે.
મહેશ મ. ત્રિવેદી