પેતાં હેન્રી ફિલિપ (બેનોની ઓમાર)

January, 1999

પેતાં, હેન્રી ફિલિપ (બેનોની ઓમાર) (જ. 24 એપ્રિલ 1856, કાઉચી-લા-તૂર; અ. 23 જુલાઈ, 1951, લિદયુ) : ફ્રાન્સના લશ્કરના સેનાપતિ તથા રાજદ્વારી નેતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનો સાથે સાથ અને સહકાર સાધવા સબબ વૃદ્ધ વયે તેમના પર કામ ચલાવીને જન્મટીપની સજા ફટકારવામાં આવી હતી.

હેન્રી ફિલિપ પેતાં

ઉત્તર ફ્રાન્સમાં એક ખેડૂત પરિવારમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ ગ્રામીણ શાળા અને માધ્યમિક શિક્ષણ ધાર્મિક શાળામાં. ત્યારબાદ તેઓ સેંટ ક્રાયની ફ્રેંચ મિલિટરી અકાદમીમાં જોડાયા. લશ્કરના અધિકારી થવા માટેનું પ્રશિક્ષણ મેળવ્યું. સેકન્ડ લેફ્ટનન્ટનો હોદ્દો ધરાવતા હતા ત્યારે આલ્પાઇન રેજિમેન્ટમાં તેમણે હાડમારીવાળું જીવન પસાર કર્યું હતું.

લશ્કરીની તાલીમ આપતી સંસ્થા(war college)માં પ્રશિક્ષક તરીકે સર્વોચ્ચ હોદ્દેદારોની વિચારસરણીના વિરુદ્ધના હોય એવા લશ્કરી હિલચાલ અંગેના સિદ્ધાંતો તેમણે પ્રબોધ્યા હતા. 1914માં તેઓ સેનામાં જનરલ બન્યા.

1916માં તેમને વરડુનના કિલ્લેબંધ શહેર પરના જર્મનોના હુમલાને રોકવાની જવાબદારી સોંપવામાં આવી. તે અંગે વિકટ પરિસ્થિતિમાં તેમણે અગ્રિમ ક્ષેત્રોમાં સેનાના એકમોની પુનર્રચના કરી અને તોપદળના બુદ્ધિપૂર્વકના ઉપયોગ દ્વારા તેઓ પોતાના સૈનિકોમાં વીરતાપૂર્વક ઝૂઝવાનું જોમ જગાવી શક્યા હતા. આને કારણે તેમને લોકપ્રિય નાયક તરીકેની કીર્તિ પ્રાપ્ત થઈ. ફ્રાન્સની સેનામાં જનરલ રૉબર્ટ જ્યૉર્જિસના અવિચારી હુમલાઓને લીધે સેનામાં બળવો થયો અને ત્યારબાદ, (મે, 1917) પેતાંએ લશ્કરની કમાન સંભાળી. માર્ચ, 1918 સુધી સરસેનાપતિના પદે રહ્યા બાદ, નવેમ્બર-1918માં તેમને ફ્રાન્સની સેનામાં માર્શલનો હોદ્દો એનાયત કરવામાં આવ્યો.

1925-26માં મોરૉક્કોમાં અબ્દ-અલ-કરીમના બળવાને ડામી દેવાની સફળ કામગીરી તેમણે કરી. 1929માં ફ્રેંચ અકાદમીમાં ચૂંટાયા બાદ પેતાંએ 1934માં યુદ્ધમંત્રી તરીકે ટૂંકી મુદત માટે સેવાઓ આપી.

તેમને 1939માં સ્પેનમાં ફ્રાન્સના રાજદૂત તરીકે મોકલવામાં આવ્યા; પરંતુ 1940માં જર્મનોના આક્રમણને ખાળવામાં ફ્રાન્સ નિષ્ફળ રહ્યું, તે સમયે તેમને સ્વદેશ પાછા બોલાવવામાં આવ્યા. જૂન, 1940માં તેમણે ફ્રાન્સના વડાપ્રધાન તરીકે હોદ્દો ધારણ કર્યો. તથા જૂન, 1940માં પોતાના કેટલાક સાથીદારોની સલાહ વિરુદ્ધ જર્મનો સાથે યુદ્ધતહકૂબીના કરાર પર હસ્તાક્ષર કર્યા. ત્યારબાદ ફ્રાંસનું પાટનગર વિચી ખાતે ખસેડવામાં આવ્યું અને ચેમ્બર ઑવ્ ડેપ્યુટીઝ અને સેનેટની સંયુક્ત બેઠકે ફ્રાન્સ માટે નવું બંધારણ ઘડવાની સંપૂર્ણ સત્તા સાથે પેતાંને રાજ્યાધ્યક્ષ તરીકે ચૂંટ્યા. આ સત્તાનો ઉપયોગ કરીને તેમણે ફ્રાન્સના બંધારણમાં કેટલાક  સુધારાઓ કર્યા. આ સુધારાઓને ‘રેવૉલ્યૂશન નૅશનલ’ તરીકે ઓળખાવાયા.

મોન્ટોઇરે ખાતે જર્મનીના સરમુખત્યાર હિટલર સાથે તેમની મુલાકાત થઈ. ત્યારપછી પેતાંએ એક અનિવાર્ય જરૂરિયાત તરીકે જર્મનો સાથે સાથ અને સહકારની નીતિ અપનાવી; યહૂદીઓ વિરુદ્ધ કેટલાંક પગલાંઓ લેવામાં આવ્યાં; જર્મનોને ભારે ખંડણી ચૂકવી અને જર્મનીમાં મોટી સંખ્યામાં ફ્રાન્સના કામદારો મોકલવામાં આવ્યા.

જૂન, 1944માં ફ્રાન્સના કિનારે સાથી દળોનું આગમન થતાં જર્મનો પેતાંને બાડેન ખાતે લઈ ગયા, જ્યાં તેઓ યુદ્ધ-સમાપ્તિ સુધી રહ્યા. 1945માં તેઓ સ્વિટ્ઝર્લૅન્ડ ગયા અને ત્યાં ટૂંકા રોકાણ પછી સ્વેચ્છાએ ફ્રાન્સ પરત આવ્યા. 1940 પછીની તેમની લશ્કરી અને રાજદ્વારી કામગીરી બદલ તેમની સામે રાજ્યદ્રોહનો ખટલો ચલાવવામાં આવ્યો. 15 ઑગસ્ટ, 1945ના રોજ પેતાંને દેહાંતદંડની સજા ફટકારવામાં આવી, જે કામચલાઉ પ્રમુખ ચાર્લ્સ દ ગોલ દ્વારા જન્મટીપમાં બદલાવામાં આવી. અટકાયત દરમિયાન 95 વર્ષની વયે તેમનું મૃત્યુ થયું.

નવનીત દવે