પેડર્સન, ચાર્લ્સ જે. (Pedersen, Charles J.)

January, 1999

પેડર્સન, ચાર્લ્સ જે. (Pedersen, Charles J.) [. 3 ઑક્ટોબર 1904, પુસાન, કોરિયા(Pusan, Korea); . 26 ઑક્ટોબર 1989, સાલેમ, ન્યૂ જર્સી, યુ.એસ..] : ક્રાઉન ઈથર સંશ્લેષણ માટેના અતિખ્યાતનામ અમેરિકન કાર્બનિક રસાયણવિદ અને 1987ના રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કારના સહવિજેતા.

સી. જે. પેડર્સનનો જન્મ દક્ષિણ-પૂર્વ કોરિયાના દરિયાકાંઠાના પુસાનમાં થયો હતો. તેમના પિતા બ્રેડ પેડર્સન (Brede Pedersen) નૉર્વેજિયન અને માતા ટેકિનો [Takino (nee Yasui)] કોરિયન હતાં. તેમના પિતા દરિયાઈ ઇજનેર (marine engineer) હતા અને પૂર્વ એશિયામાં કોરિયા કસ્ટમ્સ સર્વિસમાં હોદ્દો મળતાં નૉર્વે છોડી દીધું હતું.  તેમની માતા 1874માં જાપાનમાં જન્મેલાં, પરંતુ તેમનું કુટુંબ કોરિયામાં સોયાબીન અને રેશમના કીડાના વેપાર સાથે સંકળાયેલું હતું, જેથી તેઓ કોરિયામાં રહેતાં હતાં.

સી. જે. પેડર્સન બાલ્યાવસ્થાથી જ અંગ્રેજી બોલતાં બોલતાં ઊછરેલા અને ઉત્તર કોરિયાના જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં અમેરિકન લશ્કરનું શાસન હતું. તેમણે સેન્ટ જૉસેફ કૉલેજ સહિત જાપાનની કૅથલિક શાળાઓમાં શિક્ષણ મેળવેલું.

1922માં તેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં ગયા અને કેમિકલ એન્જિનિયરિંગના અભ્યાસ માટે ઓહાયો(Ohio)ની યુનિવર્સિટી ઑવ્ ડેયટોનમાં દાખલ થયા હતા. ત્યાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા બાદ તેમણે ‘મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(MIT)માંથી કાર્બનિક રસાયણમાં અનુસ્નાતક પદવી (Master’s degree) પ્રાપ્ત કરી હતી. MIT ખાતે તેમના પ્રાધ્યાપકોએ તેમને પીએચ.ડી.ના અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા, પરંતુ લાંબો સમય પિતાશ્રીના સહારે રહેવાની અનિચ્છાના કારણે કારકિર્દી વહેલી શરૂ કરી હતી.

1927માં તેમણે E. I. du Pont de Nemowrs & Co.માં સંશોધન રસાયણજ્ઞ તરીકે પોતાના કાર્યની શરૂઆત કરી હતી. અને ત્યાં તેમણે 42 વર્ષ સેવા આપી 65 વર્ષની વયે નિવૃત્ત થયા. ડ્યુપોન્ટ (Du Pont) ખાતેનું તેમનું સંશોધનકાર્ય 25 સંશોધનપત્રો(papers) અને 65 પેટન્ટોમાં (Patents) પરિણમ્યું હતું.

1960ના દાયકામાં પેડર્સને સંશ્લેષિત કરેલાં સંયોજનોના એક વર્ગને ‘ક્રાઉન ઈથર’ નામ આપ્યું હતું. તે કાર્બન પરમાણુઓનાં બનેલાં શિથિલ(loose) અને લવચીક (ie નમ્ય; flexible) વલયોની રચનાવાળાં હતાં, જેમાં નિયમિત અંતરાલે (regular intervals) ઑક્સિજન-પરમાણુઓ આવેલા હતા. વલયના કદમાં ફેરફાર કરીને તેમણે શોધી કાઢ્યું કે ક્રાઉન ઈથર તેના કેન્દ્રમાં અમુક ધાતુ-તત્ત્વોના આયનોને બંધિત બનાવે છે. 1967માં પ્રસિદ્ધ કરાયેલાં સંશોધનોમાં ક્રાઉન ઈથર(crown ethers)નાં સંશ્લેષણોનું સંશોધન પ્રથમ કક્ષાનું એટલે કે અતિશ્રેષ્ઠ ગણાય છે. ત્યારબાદ આ સંશોધનો લેહ્ન (Lehn) અને ક્રેમ (Crum, Donald J.) દ્વારા આગળ વિકસાવવામાં આવેલાં. તેમણે શોધેલું કે જે રીતે ઉત્સેચકો તથા અન્ય જૈવિક અણુઓ વર્તે છે, તેવી જ રીતે ક્રાઉન ઈથરના અણુઓ બીજા અણુઓ સાથે વરણાત્મક (Selectively) રીતે પ્રક્રિયા કરી શકે છે.

પીએચ.ડી. પદવી વિના વિજ્ઞાનમાં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર થોડી વ્યક્તિઓ પૈકીના તેઓ એક હતા.

ક્રાઉન ઈથર(ethers)નાં સંશ્લેષણ સંશોધનો માટે 1987નો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર પેડર્સન, ડોનાલ્ડ જે. ક્રેમ અને જિન-મેરી લેહ્નને સંયુક્તપણે એનાયત કરવામાં આવ્યો હતો.

1983માં તેમને ‘myeloma’ની બીમારી થતાં તેઓ વધુ પ્રમાણમાં અશક્ત થયા. એમ છતાં 1987માં નોબેલ પુરસ્કાર સ્વીકારવા સ્ટૉકહોમ(Stockholm) ગયા હતા. ત્યારબાદ થોડા વખતમાં જ તેમને ડ્યુપોન્ટ સંશોધન ફેલો (Research Fellows) દ્વારા શ્રેષ્ઠતા (excellence) માટે ચંદ્રક (medal) અર્પણ કરવામાં આવ્યો હતો.

પ્રહલાદ બે. પટેલ