પેટ્રોલ અથવા ગૅસોલીન (Petrot or Gasoline)

January, 1999

પેટ્રોલ અથવા ગૅસોલીન (Petrot or Gasoline) : પેટ્રોલ અથવા ગૅસોલીન એટલે 30oથી 200o સેં. ઉત્કલન પરાસ ધરાવતું ચારથી બાર કાર્બન પરમાણુઓવાળા હાઇડ્રોકાર્બનનું મિશ્રણ.

સામાન્ય વપરાશમાં પેટ્રોલ તરીકે જાણીતું અને યુ.એસ.માં ગૅસ (gas) તરીકે ઓળખાતું ગૅસોલીન અંતર્દહન એંજિનોમાં ઇંધન તરીકે વપરાય છે. પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન કરવાથી પારદર્શક પ્રવાહી રૂપે પેટ્રોલ (ગૅસોલીન) મળે છે, જે મોટે ભાગે (mostly) કાર્બનિક હાઇડ્રોકાર્બનોનું બનેલું હોય છે. તેમાં વિવિધ ઉમેરણો/યોગજો (additives) કરીને વધુ કાર્યક્ષમ બનાવાય છે.

ઉત્તર અમેરિકામાં ઑટૉમોબાઇલ(મોટરગાડી)નું સૌથી વધુ લોકપ્રિય ઇંધન ગૅસોલીન તરીકે ઓળખાય છે. 1863થી ઑક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીમાં તેના પ્રથમ વપરાશની નોંધ છે અને તેની અંગ્રેજી જોડણી ‘Gasolene’ છે. તે ક્યારેય વેપારી-છાપ (trademark) તરીકે જોવા મળ્યું નથી, પરંતુ ‘Cazeline’ and ‘Gazeline’ જેવી લાંબા વખત પહેલાંની સ્થાપિત વેપારી-છાપો (Trademarks) ઉપરથી સાધિત થયેલું નામ છે. 16મી સદીથી અપરિષ્કૃત પેટ્રોલિયમ(raw petroleum)ના ઉલ્લેખ માટે ગૅસોલીનના વિવિધ સ્પેલિંગો/શબ્દો(variant spellings)નો ઉપયોગ થયો છે.

1870ના અરસામાં પ્રથમ વાર બ્રિટિશ વિક્રેતા (British wholesaler) કાર્લેશ, કેપિલ અને લિયોનાર્ડ (Carless, Capel & Leonard) એ શુદ્ધ પેટ્રોલિયમની નીપજના નામ માટે ‘પેટ્રોલ’ (Petrol) શબ્દનો ઉપયોગ કર્યો હતો અને તેને દ્રાવક તરીકે બજારમાં વેચેલું.

હવા અને પેટ્રોલ(ગૅસોલીન)ની બાષ્પના મિશ્રણને દબાવીને તેનું વિદ્યુત-તણખા (Spark-ignited) વડે દહન કરવામાં આવે છે ત્યારે દહન નિયમિત રીતે અમુક સમયે જ થવું જરૂરી છે. અમુક સંજોગો/પરિસ્થિતિમાં આ મિશ્રણ અનિયમિત રીતે સળગી ઊઠે છે અને ગડગડાટ થાય છે, જેના કારણે યંત્ર ધ્રુજારી અનુભવે છે. આ પરિસ્થિતિ અપસ્ફોટન(Knocking) તરીકે ઓળખાય છે. આલ્કેનના બંધારણ અને અપસ્ફોટનના અભ્યાસ ઉપરથી જાણવા મળ્યું છે કે સુરેખ શૃંખલાવાળા આલ્કેન(દા. ત., n-હેપ્ટેન)નું અપસ્ફોટન વધુ થાય છે જ્યારે ઉપશૃંખલાવાળા આલ્કેન (દા. ત., આઇસોઑક્ટેન)નું અપસ્ફોટન ઓછું થાય છે. આઇસોઑક્ટેનનું અપસ્ફોટન નહિવx થતું હોઈ તેને પ્રમાણ તરીકે લઈને ગૅસોલીનના નમૂનાઓનો ઑક્ટેન-આંક નક્કી કરવામાં આવે છે. આઇસોઑક્ટેનનો(ઑક્ટેન) આંક 100 અને n-હેપ્ટેનનો  (ઑક્ટેન) આંક (બહુ જ નોકિંગ કરતો હોઈ) શૂન્ય રાખવામાં આવે છે. વિવિધ ઇંધનોની દહનક્ષમતા આઇસોઑક્ટેન અને n-હેપ્ટેનનાં ભિન્ન ભિન્ન પ્રમાણોવાળાં મિશ્રણો સાથે સરખાવવામાં આવે છે; દા. ત., જે ઇંધનની દહનક્ષમતા 80 % આઇસોઑક્ટેન અને 20 % n-હેપ્ટેનના મિશ્રણ જેવી જ હોય તે ઇંધનનો ઑક્ટેન-આંક 80 ગણાય છે. ગૅસોલીનની ઇંધન તરીકેની દક્ષતા તેના ઑક્ટેન-આંક ઉપર આધાર રાખે છે, જેમ ઊંચો ઑક્ટેન-આંક તેમ ઇંધન સારું ગણાય છે.

ટેટ્રાઇથાઇલેડ (Tetraethyllead; TEL) અને તેના જેવાં સંયોજનો ઉમેરીને ઇંધનનો ઑક્ટેન-આંક ઊંચો લાવી શકાય છે. તેની સાથે ઇથિલીન બ્રોમાઇડ (BrCH2 CH2Br) પણ ઉમેરવામાં આવે છે. આથી દહન પછી સીસું(lead) બાષ્પીય બ્રોમાઇડ રૂપે નિષ્કાસ/ નિર્ગમ વાયુઓ સાથે બહાર આવી જાય છે. તેને કારણે પ્રદૂષણના પ્રશ્નો ઊભા થાય છે. આથી 1970થી તેનો ઉપયોગ લગભગ બંધ કરવામાં આવ્યો છે અને તેના વિકલ્પ રૂપે અન્ય સંયોજનો શોધવામાં આવી રહ્યાં છે.

ગુણધર્મો : ગૅસોલીન અતિ જ્વલનશીલ, વિશિષ્ટ ગંધવાળું, ઝડપથી બાષ્પિત થતું (evaporates quickly), ગતિશીલ(mobile) પ્રવાહી છે. તેનો પ્રજ્વલનાંક (flash point) 40o 70o સેં. ઉત્કલનબિંદુ 32-210o સેં. અને ઘનતા 0.71-0.77 Kg/Lના વ્યાપ(વિસ્તાર)માં હોય છે. હવામાં તેની નિમ્ન વિસ્ફોટી સીમા-કદથી 1.4 % અને ઉપરી વિસ્ફોટી સીમા-કદથી 7.6 % છે. ગૅસોલીનની બાષ્પ હવામાં ઝડપથી ભળે (મિશ્ર થાય) છે અને પ્રસરે છે. આવું મુક્ત ગૅસોલીન (unconstrained gasoline) ઝડપથી જ્વાળાગ્રાહી(જ્વલનશીલflammable) બને છે. તે પાણી ઉપર તરે છે, તેથી તેની આગને બૂઝવવા પાણી વાપરી શકાય નહિ. તેનું ઉષ્મીય મૂલ્ય (ઉષ્મીય માન; calorific value or heating value) 42-44 MJ/Kg. છે. એક બેરલ (barrel) અશુદ્ધ તેલ/ક્રૂડ તેલ(crude oil)માંથી લગભગ 74 લિટર (74 L) ગૅસોલીન પ્રાપ્ય છે.

બાષ્પશીલતા (Volatility) : બાષ્પશીલતા એ ગૅસોલીનનો વિશિષ્ટ ગુણધર્મ છે. ગૅસોલીન-સંચાલિત એંજિન(gasoline-powered engine)ના દહનકક્ષ(combustion chamber)માં તેના ચૂષણ (aspiration) દરમિયાન ઉત્કલબિંદુનો વ્યાપ/વિસ્તાર (boiling range) અગત્યનો ફાળો આપે છે. ઇંધનના ઉત્કલન-વ્યાપના કાર્યમાં બાષ્પ-દબાણ પણ અગત્યનું છે.

ઉત્કલન વ્યાપ (boiling range) અને બાષ્પદબાણ – બંને બાષ્પશીલતા સાથે જ સંકળાયેલાં છે. જુદી જુદી ઊંચાઈઓએ, જુદી જુદી આબોહવામાં અને જુદી જુદી મોસમો (seasons) દરમિયાન એંજિન સારી રીતે કાર્યરત (run better) રહે તે માટે નિર્માતાઓ (manufacturers) પેટ્રોલ(ગૅસોલીન)ના નમૂનાઓ(પ્રકારો)નું યોગ્ય મિશ્રણ બનાવે છે. આથી પ્રજ્વલન માટે નીચા વાયુ-તાપમાને પણ પૂરતા પ્રમાણમાં હાઇડ્રોકાર્બન-બાષ્પ હંમેશાં પ્રાપ્ય થઈ શકે છે. ઠંડા વાતાવરણ(cold weather)માં ગૅસોલીનમાં વધારે માત્રામાં બ્યૂટેન અને પેન્ટેન જેવા હાઇડ્રોકાર્બનો (એટલે કે હલકા ઘટકો) ઉમેરવા પડે છે જેના લીધે તેની બાષ્પશીલતા વધે છે. ગરમ મોસમમાં નીચા તાપમાને ઉત્કલન પામી શકે તેવા થોડા જ હાઇડ્રોકાર્બનો ઉમેરી પેટ્રોલ-મિશ્રણો તૈયાર કરવામાં આવે છે.

પારિસ્થિતિક અભ્યાસ (environmental studies) ઉપરથી જાણવા મળ્યું છે કે મોટરગાડીઓમાં વપરાતા ગૅસોલીનમાં સમાવાયેલા હલકા ઘટકો(હાઇડ્રોકાર્બનો)ના બાષ્પીભવનના કારણે મોટાં શહેરો નજીકના વાતાવરણ(atmosphere)માં એ ઘટકો ભળે છે. આ પરિસ્થિતિના નિવારણમ માટે બદ્ધ-ઇંધન પ્રણાલીઓ અને ઇંધન-અંત:ક્ષિપ્ત રચનાવાળાં એંજિનોનો ઉપયોગ કરવો જોઈએ.

ગૅસોલીનનું ઉત્પાદન : વિશ્વમાં પરિવહન અને ઉદ્યોગોમાં વપરાતાં અંતર્દહન એંજિનોમાં ઇંધન તરીકે ગૅસોલીનનો બહોળા પ્રમાણમાં વપરાશ થાય છે. તેના ઉત્પાદન અંગેની કેટલીક રીતો (પદ્ધતિઓ) નીચે મુજબ છે :

(i) નિસ્યંદન અથવા વિભાગીય નિસ્યંદન : કુદરતમાં મળતા અપરિષ્કૃત પેટ્રોલિયમ(crude petroleum)માંથી નિસ્યંદન દ્વારા ફક્ત બાષ્પશીલ અને અત્યંત ઉપયોગી અંશો(ઘટકો)ને અલગ પાડી પ્રથમ વાર ગૅસોલીનનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. આ રીતે પ્રાપ્ત થતા ગૅસોલીનને સીધા નિસ્યંદિત ગૅસોલીન તરીકે ઓળખવામાં આવે છે. તેમાં અલ્પ પ્રમાણમાં ઍરોમેટિક્સ (aromatics), કેટલાંક સાઇક્લોઆલ્કેન્સ (some cycloalkanes) એટલે કે નેપ્થીન્સ (naphthenes) હોય છે, પરંતુ તેમાં ઑલેફિન્સ (olefins or alkenes) હોતાં નથી. આવા ગૅસોલીનનો ઑક્ટેન-આંક નીચો હોય છે.

(ii) વિભંજન (cracking) : રિફાઇનરીમાં સાદા નિસ્યંદન દ્વારા મળતા ગૅસોલીન કરતાં તેનો વપરાશ વધુ થતો હોવાથી તેને મેળવવા માટે ઉષ્મીય ભંજન (thermal cracking), દબાણ હેઠળ ગરમ કરવું વગેરે રીતો શરૂઆતમાં વપરાવા લાગી.

ઉષ્મીય ભંજન દ્વારા કૅરોસીન અને ગૅસ-ઑઇલ(Diesel oil)ના ઊંચા ઉત્કલનબિંદુવાળા વિભાગનું વિભાજન કરી ગૅસોલીનનું પ્રમાણ વધારી શકાય છે. આ રીતે મળતા ગૅસોલીનમાં ઓલેફિન(olefin)નું પ્રમાણ વધે છે. જેના લીધે તે ઊંચી અપસ્ફોટરોધી ગુણવત્તા પણ ધરાવે છે. પરિણામે ઉષ્મીય પુનરુત્પાદન વિધિ શોધાઈ. તેમાં સીધા નિસ્યંદિત ગૅસોલીનનું દબાણ હેઠળ પરિવર્તન કરવામાં આવે છે. ઉષ્મીય ભંજન તથા ઉષ્મીય પુનરુત્પાદન  એમ બંને વિધિઓ દ્વારા ઇથિલીન વગેરે વાયુમય હાઇડ્રોકાર્બનોનું પ્રમાણ વધે છે. આવી નીપજો બનાવવા અન્ય રીતો પણ શોધાઈ છે. જેમાં બહુલીકરણ (polymerization) દ્વારા પણ તેમને ગૅસોલીનમાં ફેરવી શકાયા છે. અન્ય રીતો દ્વારા તેમને પેટ્રોરસાયણો બનાવવાના કાચા માલ તરીકે વાપરી શકાય છે. ઉષ્મીય ભંજન વિધિની અમુક મર્યાદાઓને લીધે તેમાં સુધારાઓ કરતાં ઉદ્દીપકીય ભંજન (catalytic cracking) અને ઉદ્દીપકીય પુનરુત્પાદનની રીતો શોધાઈ. આ ઉદ્દીપકીય રીતો ગૅસોલીનની આવશ્યક જરૂરિયાતો સંતોષજનક રીતે પૂરી પાડે છે. ઉદ્દીપકીય ભંજન વિધિમાં ઉદ્દીપકો (દા.ત., SiO2, Al2O3 વગેરે)ની હાજરીના લીધે પ્રક્રિયા સરળતાથી થાય છે અને સારી ગુણવત્તાવાળું ગૅસોલીન મળે છે. તેમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનો, ઍરોમેટિક (aromatic) અને શૃંખલાયુક્ત હાઇડ્રોકાર્બનો હોય છે, જેના લીધે (કારણે) આવા ગૅસોલીનોનું ઑક્ટેન-મૂલ્યાંકન (ie 80-100) ઘણું જ ઊંચું હોય છે.

આ રીતોમાં માત્ર પ્રક્રિયાના પ્રકારનો જ તફાવત છે. ઉષ્મીય ભંજનમાં મુક્તમૂલક શૃંખલાપ્રક્રિયા થાય છે જ્યારે ઉદ્દીપકીય ભંજનમાં વપરાતા ઍસિડિક ઉદ્દીપકને લીધે આયનિક પ્રક્રિયા થાય છે. તદુપરાંત વિભંજન વિધિને સહાયક (auxiliary) થતી કેટલીક સાંશ્લેષિક પદ્ધતિઓ જેવી કે બહુલીકરણ, આલ્કાઇલેશન, સમાવયવીકરણ (isomerization), પુનર્વિન્યાસ વગેરે રીતોનો ઉપયોગ થાય છે.

બહુલીકરણ (polymerization) : પ્રવાહી બહુલક ગૅસોલીન બનાવવા માટે ઉપયોગી રીત છે.

ભંજનક્રિયા દરમિયાન પેદા થતા અસંતૃપ્ત વાયુરૂપ હાઇડ્રોકાર્બનો (દા.ત., ઇથિલીન, પ્રોપિલીન, બ્યુટિલીન વગેરે) ઊંચા ઑક્ટેન-આંકવાળું (High octane) મોટર-ઇંધન બનાવવા માટે કીમતી મધ્યવર્તીઓ છે. તેમનો પ્રથમ મોટા પાયે ઉપયોગ બહુલીકરણ દ્વારા પ્રવાહી બહુલક ગૅસોલીન (polymer gasoline) બનાવવામાં થયો. તેનો ઑક્ટેન-આંક લગભગ 90 હોય છે. આ માટે ઉદ્દીપક તરીકે ફૉસ્ફોરિક કે સલ્ફયુરિક ઍસિડ વપરાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એવિએશન ગૅસોલીન (Aviation gasoline) માટે જરૂરી આઈસો-ઑક્ટેનના ઉત્પાદન માટે આ વિધિનો વ્યાપક ઉપયોગ થયેલો. આઇસોબ્યુટિલીનના બે અણુઓનું બહુલીકરણ કરવાથી આઇસો-ઑક્ટીન(Isooctene)નો એેક અણુ મળે છે જેનું હાઇડ્રોજિનેશન કરવાથી આઇસો-ઑક્ટેન મળે છે :

બહુલીકરણ પ્રક્રિયા ખૂબ મોટા પાયે પ્રોપિલીન કે (પ્રોપિલીન + બ્યુટિલીન) મિશ્રણ ઉપર કરવાથી મળતી નીપજમાં ગૅસોલીન જેવી બાષ્પશીલતા હોય છે. પ્રોપિલીનમાંથી મુખ્યત્વે 2, 3-ડાઇમિથાઇલ બ્યુટીન-2 બને છે.

(2) આલ્કાઇલેશન (Alkylation) : અસંતૃપ્ત અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની મિશ્રણને ઉદ્દીપક ઉપરથી પસાર કરતાં આલ્કાઇલેશન પ્રક્રિયા થવાથી ઉપશૃંખલાવાળા ઊંચા ઑક્ટેન-આંક ધરાવતા અણુઓ મળે છે. આ પ્રક્રિયાને રિફૉર્મિંગ પ્રક્રિયા કહે છે; દા.ત.,

2-મિથાઇલપ્રોપેન                        2-મિથાઇલપ્રોપીન

 અથવા                                         અથવા

આઇસોબ્યુટેન                               આઇસોબ્યુટીન

   

આઇસોઑક્ટેન

(2, 2, 4 – ટ્રાયમિથાઇલપેન્ટેન)

આ રીતે મળતા આલ્કીલેટ (alkylate) ગૅસોલીનમાં ઍરોમેટિક્સ (aromatics) અને આલ્કીન્સ (alkenes) સંયોજનો હોતાં નથી અને તે ઊંચો મોટર ઑક્ટેન-આંક (high motor octane number : high MON) ધરાવે છે.

(iii) સમાવયવીકરણ (Isomerization) : સામાન્ય ગૅસોલીન એટલે કે નીચા ઑક્ટેન-આંકવાળું સ્ટ્રેઇટ-રન ગૅસોલીનને અમુક ઉદ્દીપકો (દા.ત., AlCl3) ઉપરથી પસાર કરતાં સરળ શૃંખલાવાળા અણુઓમાં પુનર્વિન્યાસ થતાં ઉપશૃંખલાવાળા અણુઓ મળે છે. આ પ્રક્રિયાને રિફૉર્મિંગ પ્રક્રિયા કહે છે. આ રીતે મળતી નીપજમાં ઍરોમેટિક્સ અને ઑલેફીન્સ હોતાં નથી. વળી તેમનો RON અને MON (ie. Research Octane-Number and Motor Octane-Number) મધ્યમ હોય છે.

 n-બ્યુટેન                                      આઇસોબ્યુટેન

સંઘટન (સંરચના; બંધારણ : Composition) : પેટ્રોલ એટલે કે ગૅસોલીન સો જેટલા વિવિધ હાઇડ્રોકાર્બનોનું બનેલું સંકીર્ણ મિશ્રણ છે. તેમાં સૌથી વધુ પ્રમાણમાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બનો હોય છે અને અણુદીઠ ચારથી બાર કાર્બન પરમાણુઓ હોય છે. તેમનાં ઉત્કલન-બિંદુઓ 300 સે.થી 2000 સે. વચ્ચેના પરિસરમાં હોય છે. બાષ્પ દબાણ જળવાઈ રહે તે માટે 380 સે.થી નીચેના ઉત્કલન/ક્વથનવાળા કેટલાક બ્યુટેન્સનો સમાવેશ કરવામાં આવે છે.

ગૅસોલીનમાંના હાઇડ્રોકાર્બનોમાં આઇસોપૅરેફિન (isoparaffins), સાઇક્લોપૅરેફિન (cycloparaffins or naphthenes) અને ઍરોમેટિક (aromatics) વગેરેનો સમાવેશ થાય છે. વળી વિભાજિત ગૅસોલીનમાં તો 15થી 25 % ઑલેફિન પણ હોય છે. દરેક સમૂહમાંનાં સંયોજનો વચ્ચે આણ્વિક સંરચના અને ઉત્કલનબિંદુ આધારિત તફાવતો હોય છે અને દરેક સંયોજન ગૅસોલીન મિશ્રણોના ઑક્ટેન-મૂલ્યાંકનમાં ફાળો આપે છે.

ભૂમિ-વાહનો કરતાં વિમાનો(air planes)માં વપરાતા ગૅસોલીનનાં ઑક્ટેન-મૂલ્યાંકનો ઘણાં જ ઊંચાં હોય છે, જેથી કરીને ઘણાં વિમાનનાં એંજિનોમાં હવા(પ્રાણવાયુ)નો દબાણ નીચે વધારે જથો ભરવાની જરૂર પડે છે અને તે ઊંચા સંપીડન-ગુણોત્તર સમતુલ્ય હોય છે. વળી વિમાનના એંજિનમાં ગૅસોલીનના પ્રવાહમાં અવરોધ (interference) ઉદભવે નહિ માટે વિમાન ઇંધનો (air palne fuels) ચીકણો પદાર્થ બનાવતાં ઑલેફિનોના અતિ અલ્પ અંશથી પણ મુક્ત હોવાં જરૂરી છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિમાનો માટે લડાયક-પ્રકારનાં ઇંધનો- (fighting-grade aviation fuels)નું ઉત્પાદન કરવામાં આવેલું જે ઊંચા ઑક્ટેન-આંકવાળાં ગૅસોલીન મિશ્રણો હતાં અને મોટેભાગે ઉદ્દીપકીય વિભંજિત ગૅસોલીનો [એટલે કે આલ્કીલેટ (alkylates) પ્રકારનાં ગૅસોલીનો] હતાં. તેમનું સફળ કામગીરીનું મૂલ્યાંકન (performance ratings) આઇસોઑક્ટેનના ઑક્ટેન-આંકની સરખામણીમાં 130 ઑક્ટેન-આંકની ઉપર હતું. તેમાં બાષ્પદબાણ માટે આઇસોપેન્ટેન અને અલ્પ માત્રામાં ટેટ્રાઇથાઇલલેડનો પણ સમાવેશ થયો હતો.

જેટ-ઇંધનો (jet-fuels) કેરોસીન-પ્રકાર (Kerosene-type) અથવા નેપ્થા-પ્રકાર(naphtha-type)નાં હોઈ શકે છે, જે મુખ્યત્વે સ્ટ્રેઇટ-રન ગૅસોલીનનાં બનેલાં હોય છે.

ઉચ્ચ ગુણવત્તાવાળા ગૅસોલીનના ઘટકોમાં ચોક્કસ પ્રમાણમાં બીજા પદાર્થો ભેળવવા પડે છે.

વ્યાપારિક એટલે કે બજારુ (commercial) ગૅસોલીન સંમિશ્રણોમાં સંખ્યાબંધ ઉમેરણોનો સમાવેશ કરવામાં આવે છે, જે મોટરગાડીમાં વપરાતા ગૅસોલીનના કુલ કદના 0.50 %થી પણ ઓછા પ્રમાણમાં હોય છે, એમ છતાં ગૅસોલીનના રાસાયણિક ગુણધર્મોને સ્પષ્ટપણે અસર કરે છે; દા.ત., ટેટ્રાઇથાઇલલેડ(TEL)નું 0.1 % જેટલું પ્રમાણ (માત્રા) ઑક્ટેન-આંકમાં 5થી 10 જેટલો વધારોે કરે છે.

આવાં કેટલાંક ઉમેરણો નીચે મુજબ છે :

અપસ્ફોટરોધકો (antiknock additives) : ઇંધનનો અપસ્ફોટરોધી ગુણ (antiknock quality) પ્રાથમિકપણે (primarily) તેના હાઇડ્રોકાર્બન સંઘટન વડે નક્કી થાય છે. ખાસ કરીને (particularly) શાખીય (branched), ચક્રીય (cyclic) અને ઍરોમેટિક ઘટકોના સરળ શૃંખલાવાળા ઘટકો સાથેના ગુણોત્તરથી નિર્ધારિત થાય છે. ઍરોમેટિક એમાઇન (amines) અથવા ટેટ્રાઇથાઇલલેડ (TEL), ટેટ્રામિથાઇલલેડ (TML), મિથી મિથાઇલ-ઇથાઇલલેડ. આલ્કીલો (mixed methylethyllead alkyls) અથવા મિથાઇલસાઇક્લોપેન્ટાડાઇનીલ મગેનીઝ ટ્રાઇકાર્બોનીલ (methylcyclopentaclienyl manganese tricarbonyl : MMT) જેવાં કાર્બ-ધાત્વિક સંયોજનો ઉમેરીને તેનો અપસ્ફોટરોધી ગુણ વધારી શકાય છે.

ટેટ્રાઇથાઇલલેડ (TEL) અસરકારક અસ્ફોટરોધક છે. તેની સાથે ઇથિલીન ડાઇબ્રોમાઇડ કે ડાઇક્લૉરાઇડ પણ ઉમેરવામાં આવે છે. ઇંધનના દહન પછી સીસું (લેડ; lead) તેના બાષ્પીય બ્રોમાઇડ રૂપે નિર્ગમ વાયુઓ સાથે બહાર આવી જાય છે. સીસું ઝેરી હોઈ પર્યાવરણ પ્રદૂષિત બને છે તેમ જ સ્વાસ્થ્યને પણ નુકસાન કરે છે. તેના કારણે TELનો વપરાશ લગભગ બંધ થયો છે. લગભગ 1975થી TELના બદલે મિથાઇલસાઇક્લોપેન્ટાડાઇનીલ મગેનીઝ ટ્રાયકાર્બોનીલ (MMT) અપસ્ફોટરોધક તરીકે વપરાય છે.

તદુપરાંત ઍરોમેટિક હાઇડ્રોકાર્બનો, ઈથર-સંયોજનો દા.ત. મિથાઇલ તૃતીયક બ્યુટાઇલ ઈથર (MTBE), આલ્કોહૉલ (ઈથેનોલ કે મિથેનોલ) જેવાં સંયોજનો ઉમેરણો તરીકે વપરાય છે.

પેટ્રોલ-નિર્માતાઓ મોટરગાડીઓ (cars) માટે લેડયુક્ત (leaded) અને લેડરહિત (unleaded)  એમ બે પ્રકારનાં ઇંધન બનાવે છે.

ઇંધન સ્થાયીકારકો (ઉપચયન અવરોધકો અને ધાતુ-નિષ્ક્રિયકારકો) [Fuel stabilizers : (antioxidants and metal deactivators)] : ઉપચયનક્રિયા પ્રત્યે ઓછાં સુગ્રાહી હોય તેવાં બનાવેલાં ગૅસોલીનોમાં અતિશય ચીકણો પદાર્થ બનતો નથી અને લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે.

ગૅસોલીનમાં સક્રિય હાઇડ્રોકાર્બનો અને અલ્પ જથામાં ઑક્સિજનયુક્ત સંયોજનો હોય છે. ઉપચયન-અવરોધકની ગેરહાજરીમાં તેમનું ઉપચયક અવક્રમણ (oxidative degradation) થવાથી ચીકણા પદાર્થો બને છે, જે એંજિનના સીમાન્ત ભાગો (critical parts) ઉપર એકઠા થઈ ત્યાં ચોંટી જાય છે. આથી એંજિનનું યોગ્ય રીતે પ્રચલન થઈ શકતું નથી. ચીકણા પદાર્થો બનતા અટકાવવા માટે પસંદગીવાળાં ઑક્સિજનયુક્ત (preferentially oxidated) સંયોજનો ઉપચયન અવરોધકો તરીકે વપરાય છે.

વિસ્થાપિત ફિનોલો (દા.ત., 2, 4-ડાઇ-મિથાઇલ-6-તૃતીયક-બ્યુટાઇલ ફિનોલ અથવા 2, 6-ડાઇ-તૃતીયક-બ્યુટાઇલ-4-મિથાઇલ ફિનોલ અથવા n-બ્યુટાઇલ-પૅરા-એમિનૉફિનોલ વગેરે) તેમ જ ફિનિલીનડાઇએમાઇન (phenylenediamine) વ્યુત્પન્નો (દા.ત., N, N’-ડાઇ-દ્વિતીયક-બ્યુટાઇલ-પૅરા-ફિનિલીનડાઇ-એમાઇન) વગેરે સંયોજનો ઉપચયન-અવરોધકો તરીકે (5100 ppm માત્રામાં) વપરાય છે.

ઇંધનમાં પ્રાકૃતિક રીતે ઍસિડો બને છે. તેમની એંજિનના ધાતુ ભાગો (metallic parts) સાથે પ્રતિક્રિયા (action) થવાથી ઇંધનમાં ધાતુ-આયનો પ્રવેશે છે અને તેમની અસરથી ચીકણા પદાર્થો બનવાની ક્રિયા ઝડપથી થાય છે, જેને અટકાવવા ઇંધન(ગૅસોલીન)માં ધાતુ-નિષ્ક્રિયકારકો ઉમેરવા પડે છે. દા.ત., સાલપન (Salpn) એટલે કે N, N’-ડાયસેલિસિલિડીન-1, 2-પ્રોપેન ડાયએમાઇન-(N, N’-disalicylidene-1, 2-propane diamine) મોટર-ઇંધન માટેનો અગત્યનો ધાતુ-નિષ્ક્રિયકારક છે.

આ ઉપરાંત ગૅસોલીનમાં ટ્રાઇક્રેસાઇલ ફૉસ્ફેટ (TCP), એમોનિયમ પૉલિઆલ્કીલ, બેન્ઝિન સલ્ફોનેટ (ક્ષારણ-પ્રતિકાર માટે), પ્રતિહિમ (antifreeze) તરીકે 2-મિથાઇલ પેન્ટેન-2, 4-ડાયોલ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, હેક્ઝિલીન ગ્લાયકોલ, પૃષ્ઠસક્રિયક તરીકે એમાઇન ફૉસ્ફેટ, અપમાર્જક (detergent) તરીકે આલ્કીલ એમાઇન્સ (alkyl amines), આલ્કીલ ફૉસ્ફેટ (alkyl phosphates), તથા ગૅસોલીનના અભિનિર્ધારણ (identification) અને જાહેરાત (વિજ્ઞાપન) (advertising purposes)ના ઉદ્દેશથી તેલ-દ્રાવ્ય (oil-soluble) રંગકો ઉમેરાય છે.

પેટ્રોલની કિંમત : પેટ્રોલ અને ડીઝલની કિંમત ભારતમાં દરેક રાજ્યમાં જુદી જુદી જોવા મળે છે. આમાં કેન્દ્ર અને રાજ્યના કરવેરા જો બાદ કરીએ તો કિંમત લગભગ અડધી થઈ જાય. કેન્દ્ર-સરકારના જુદા જુદા કરવેરા 24-26 % થાય છે. જ્યારે રાજ્ય-સરકારના 20-25 % જેટલા હોય છે. એટલે આપણે જે પેટ્રોલની લિટરદીઠ કિંમત ચૂકવીએ છીએ તેમાંથી અડધોઅડધ ભાગ કરવેરામાં જાય છે.

2 એપ્રિલ, 2018ના રોજ દિલ્હીમાં પેટ્રોલની લિટરદીઠ કિંમત જે હતી તેમાંથી પેટ્રોલની કિંમત રૂ. 31.08, કેન્દ્ર-સરકારને એક્સાઇઝ ડ્યૂટી અને અન્ય વેરાના રૂ. 19.48; રાજ્ય સરકારના વેરા રૂ. 15.70 અને વેચાણનું કમિશન રૂ. 3.60 હોવાનું જાણવા મળે છે.

ભારતમાં પેટ્રોલ-પંપ : ભારતમાં નવેમ્બર, 2017 સુધીમાં 60,799 પેટ્રોલ-પંપ હતા. તેમાંથી ઇન્ડિયન ઑઇલ(IOL)ના 26,849; ભારત પેટ્રોલિયમ(BPCL)ના 14,675 અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ(HPCL)ના 14,161 હતા. ભારતમાં પંજાબમાં 3300 અને હરિયાણામાં 2500 પેટ્રોલ પંપ હતા. આ ઉપરાંત એલ.પી.જી. (LPG) અને સીએનજી(CNG)ના પંપ પણ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ., એસ્સાર ઑઇલ, શૅલ ઇન્ડિયા અને ઓ.એન.જી.સી.(ONGC)ના પેટ્રોલ-પંપ પણ છે. શૅલના 88 પેટ્રોલ પંપ ભારતમાં છે. ઑક્ટોબર, 2014 અનુસાર એસ્સારના 2225 પેટ્રોલ પંપ ભારતમાં હતા. જે વાડીનાર, ગુજરાતની રિફાઇનરીમાંથી રોજના 2,80,000 બૅરલ (પીપ) પેટ્રોલ અને ડીઝલ મેળવે છે.

ઇન્દ્રપ્રસ્થ ગૅસ લિમિટેડ દ્વારા ભારતમાં સીએનજી(CNG)ના પંપ દિલ્હીમાં છે. હવે તો ગ્રામીણ વિસ્તારમાં પણ પેટ્રોલ-પંપ હોય છે. શૅલના પેટ્રોલ-પંપ બૅંગાલુરુમાં છે.

31 માર્ચ, 2016ની યાદી મુજબ જુદાં જુદાં રાજ્યોમાં જુદી જુદી કંપનીઓના પેટ્રોલ-પંપ નીચે મુજબ છે. આમાં ઇન્ડિયન ઑઇલના 25,363; હિન્દુસ્તાન પેટ્રોલિયમના 13,802; ભારત પેટ્રોલિયમના 13,439; અન્ય (રિલાયન્સ, એસ્સાર, શૅલ, ઓએનજીસીના) 3586 પેટ્રોલ-પંપ છે 2016માં કુલ 56,190 પેટ્રોલ-પંપ હતા, તે સંખ્યા વધીને 2017માં 60,799 થઈ હતી.

જુદાં જુદાં રાજ્યોમાં આવેલા પેટ્રોલપંપ 31 માર્ચ, 2016 મુજબ

રાજ્યકેન્દ્રશાસિત

પ્રદેશ

IOCL HPCL BPCL Others

RIL/Essar

Oil/Shell/

ONGC

Total
આંધ્રપ્રદેશ 1199 929 720 210 3050
અરુણાચલપ્રદેશ 48 0 7 16 71
આસામ 503 91 129 65 788
બિહાર 1351 475 610 75 2511
છત્તીસગઢ 481 329 275 23 1108
દિલ્હી 189 97 107 0 393
ગોવા 31 36 47 0 114
ગુજરાત 1274 738 771 601 3384
હરિયાણા 1334 666 385 151 2536
હિમાચલપ્રદેશ 218 109 62 7 396
જમ્મુ અને કાશ્મીર 221 130 134 0 485
ઝારખંડ 496 265 319 71 1151
કર્ણાટક 1803 888 966 179 3836
કેરળ 885 587 457 80 2009
મધ્યપ્રદેશ 1295 814 917 243 3269
મહારાષ્ટ્ર 1846 1542 1678 353 5419
મણિપુર 69 0 12 4 85
મેઘાલય 116 23 39 12 190
મિઝોરમ 30 3 2 1 36
નાગાલૅન્ડ 45 3 9 12 69
ઓરિસા 748 314 414 84 1560
પંજાબ 1685 878 610 143 3316
રાજસ્થાન 1630 977 819 310 3736
સિક્કિમ 16 7 23 1 47
તમિળનાડુ 1881 1158 1317 236 4702
તેલંગાણા 911 644 565 108 2228
ત્રિપુરા 62 0 2 3 67
ઉત્તરપ્રદેશ 3394 1374 1313 535 6616
ઉત્તરાખંડ 242 166 114 29 551
પશ્ચિમ બંગાળ 1119 488 563 74 2244
આંદામાન-નિકોબાર 10 0 0 0 10
ચંડીગઢ 20 11 10 0 41
દાદરા-નગર હવેલી 11 11 4 5 31
દમણ-દીવ 11 10 7 3 31
લક્ષદ્વીપ 0 0 0 0 0
પુદુચેરી (પોંડીચેરી) 79 39 32 6 156
કુલ 25,363 13,802 13,439 3,586 56,190

પ્રહલાદ બે. પટેલ

કિશોર પંડ્યા