પેટ્રિશિયન–પ્લેબિયન વિગ્રહો : રોમના બે વર્ગો વચ્ચે થયેલ આંતરવિગ્રહ. રોમની પ્રજાએ ઈ. સ. પૂ. છઠ્ઠી સદીના પ્રારંભે રાજાશાહીનો અંત લાવીને પ્રજાસત્તાકની સ્થાપના કરી (ઈ. સ. પૂ. 509). આ પછી રાજાશાહી પુન:સ્થાપિત થાય તથા એક વ્યક્તિ સરમુખત્યાર ન બને તે માટે લોકશાહી માળખું ઊભું કરવામાં આવ્યું. તે અનુસાર લોકો મારફત કૉન્સલ નામે ઓળખાતા બે મૅજિસ્ટ્રેટો(વરિષ્ઠ વહીવટકર્તાઓ)ની ચૂંટણી કરવામાં આવી. તેમની મુદત માત્ર એક વર્ષની રાખવામાં આવી તથા તેઓ એકબીજા પર નિયંત્રણ રાખે તેવી ગોઠવણ કરવામાં આવી. તેમને સમાન નાગરિક તેમજ લશ્કરી સત્તા આપવામાં આવી.
એ સમયે રોમન સમાજમાં મુખ્ય બે વર્ગો (1) પેટ્રિશિયન તથા (2) પ્લેબિયન હતા. પેટ્રિશિયન વર્ગ ઉમરાવો, શ્રીમંતો, ઉદ્યોગપતિઓ વગેરેનો બનેલો હતો; જ્યારે પ્લેબિયનમાં ખેડૂતો, કારીગરો, મજૂરો વગેરેનો સમાવેશ થતો હતો. પેટ્રિશિયનોની નાની લઘુમતી હતી તથા પ્લેબિયનોની મોટી બહુમતી હતી, તોપણ પેટ્રિશિયનોને રાજકીય, આર્થિક, સામાજિક ઇત્યાદિ તમામ પ્રકારના હકો હતા, જ્યારે પ્લેબિયનોને આ હકોથી વંચિત રાખવામાં આવ્યા હતા.
રાજ્યના ઉચ્ચ હોદ્દાઓ પેટ્રિશિયનો પૂરતા મર્યાદિત રાખવામાં આવ્યા હતા. પ્લેબિયનો તે પ્રાપ્ત કરી શકતા નહિ. રાજ્યની મોટા ભાગની જમીન, ઘણાખરા ઉદ્યોગો, વેપાર-વાણિજ્ય વગેેરે પેટ્રિશિયનો હસ્તક હોવાથી તેઓ સમૃદ્ધ બન્યા હતા, જ્યારે પ્લેબિયનો પાસે પ્રમાણમાં ઘણી ઓછી જમીન તથા ઓછા કામ-ધંધા હતા, એટલે તેઓ ગરીબીમાં જીવતા હતા. પેટ્રિશિયનો પ્લેબિયનો સાથે લગ્ન તેમજ અન્ય સામાજિક વ્યવહારો રાખતા નહિ. એટલે તેઓ અપમાનિત સ્થિતિમાં હતા. આમ એક શોષક વર્ગ તથા બીજો શોષિત વર્ગ હતો. તેમાંથી બંને વર્ગો વચ્ચે લાંબા આંતરવિગ્રહનાં બીજ રોપાયાં. આ વિગ્રહ ઇતિહાસમાં પેટ્રિશિયન-પ્લેબિયન વિગ્રહ તરીકે જાણીતો થયેલ છે. આ વિગ્રહ આશરે 200 વર્ષથી વધુ સમય (ઈ. સ. પૂ. 494થી ઈ. સ. પૂ. 287) ચાલ્યો; પરંતુ આ આંતરવિગ્રહનું સ્વરૂપ શાંત, બંધારણીય તથા અસહકારનું હતું.
રોમમાં બે રાજકીય સભાઓ હતી : (1) સેનેટ અને (2) ટ્રિબ્યૂન. સેનેટ પેટ્રિશિયનોના પ્રતિનિધિઓની બનેલી હતી અને ટ્રિબ્યૂનમાં પ્લેબિયનોના પ્રતિનિધિઓ હતા. સેનેટને તમામ અધિકારો હતા, જ્યારે ટ્રિબ્યૂન આ અધિકારોથી વંચિત હતી. સેનેટનો કેન્દ્રસરકાર પર અંકુશ હતો, પરંતુ ટ્રિબ્યૂનને આવો કોઈ હક ન હતો. સેનેટના ઠરાવોનું પાલન કરવા કેન્દ્રસરકાર બંધાયેલ હતી, પણ ટ્રિબ્યૂનના ઠરાવોનો અમલ થતો નહિ. આને લીધે પણ વર્ગવિગ્રહ ઉગ્ર બન્યો. વળી રોમના ઘણાખરા કાયદા પેટ્રિશિયનતરફી હતા. ન્યાયાધીશો પણ પેટ્રિશિયનો હતા. એટલે પ્લેબિયનોને ન્યાય મળતો નહિ, જેથી તેમણે અસહકારનું આંદોલન શરૂ કર્યું.
આ અરસામાં રોમની પ્રજાસત્તાક સરકાર ગંભીર પ્રકારની બે મુસીબતોનો સામનો કરી રહી હતી : (1) પડોશી રાજ્યોમાંથી અટ્રુ્રુસ્કનો તથા ગોલ જાતિઓ અવારનવાર રોમ પર હુમલા કરતી હતી. (2) પ્લેબિયનોએ સામુદાયિક અસહકારનું આંદોલન શરૂ કર્યું હતું; તોપણ એટ્રુસ્કનો તથા ગોલ જાતિઓ સામેની લડાઈઓમાં સૈનિકો તરીકે પ્લેબિયનો જ મોખરે હતા. આમ રાષ્ટ્રપ્રેમને લીધે તેમને સહન કરવું પડતું હતું. તેમને જરૂરી અધિકારોથી પણ વંચિત રાખવામાં આવતા હતા. એટલે તેમણે સામુદાયિક રીતે રોમ છોડીને બીજું નગર વસાવવાનો નિર્ણય લીધો; જેને પરિણામે પેટ્રિશિયન સરકારે તેમને અમુક હકો આપવા પડ્યા તથા તેમની તરફેણમાં કાયદા પણ હળવા કરવા પડ્યા. વળી ટ્રિબ્યૂને કરેલા ઠરાવોનો અમલ કરવાની પણ ખાતરી આપવી પડી.
વળી પ્લેબિયનોના દબાણથી રોમની સરકારને રોમના પ્રણાલિકાગત કાયદાઓની અસમાનતા દૂર કરવા એક સમિતિની રચના કરવી પડી. તેણે ગ્રીસના કાયદાઓ તેમજ રોમના મૅજિસ્ટ્રેટોએ આપેલા ચુકાદાઓનો ઊંડો અભ્યાસ કરીને બાર કોષ્ટકો (The twelve tables) સહિતનો કાયદાનો સંગ્રહ તૈયાર કર્યો, જેમાં દૈવી તત્ત્વવાળા, પ્રણાલિકાગત તથા અસમાન કાયદાઓને સ્થાને સમાનતાના સિદ્ધાંતોનો સ્વીકાર કરતા કાયદાઓનો સમાવેશ કરવામાં આવ્યો. તે અનુસાર રોમના પ્રત્યેક નાગરિકને વ્યક્તિસ્વાંત્ર્ય, વાણીસ્વાતંત્ર્ય, મુક્ત મતદાન, સમાન દરજ્જો, મુક્ત વ્યવસાય વગેરેના અધિકારો આપવામાં આવ્યા. આ કાયદા-સંગ્રહ રોમની માનવજાતને મોટામાં મોટી ભેટ છે. તેણે રોમના આંતરવિગ્રહનો અંત લાવવામાં મહત્ત્વનો ફાળો આપેલો છે.
નવા કાયદા અનુસાર સેનેટ તથા ટ્રિબ્યૂનને સમાન અધિકારો આપવામાં આવ્યા. ટ્રિબ્યૂનને એક કૉન્સલ ચૂંટવાનો હક મળ્યો. કાયદા અનુસાર જમીનમાલિકીની ટોચમર્યાદા નક્કી કરવામાં આવી તથા ફાજલ પડેલી વધારાની જમીન પ્લેબિયન ખેડૂતોને ફાળવી દેવામાં આવી. ઋણરાહત ધારા તથા કરજમુક્તિના ધારા ઘડવામાં આવ્યા. આનાથી પ્લેબિયનોની આર્થિક, સામાજિક સ્થિતિ સુધરી. તેઓ રોમના નાગરિક બન્યા. પરિણામે લાંબા સમયથી ચાલતા વર્ગવિગ્રહનો અંત આવ્યો. રોમનોમાં એકતા આવી. રોમની સરકાર વાસ્તવિક અર્થમાં પ્રજાની સરકાર બની તથા રોમનું પ્રજાતંત્ર પ્રજાનું પ્રતિનિધિત્વ ધરાવતું તંત્ર બન્યું. પરિણામે રોમ વિશ્વસામ્રાજ્ય બનવાને માર્ગે આગળ વધ્યું; આમ શાંતિમય રીતે વર્ગવિગ્રહનો અંત આવ્યો. આમાં પ્લેબિયનો જેટલો જ હિસ્સો પેટ્રિશિયનોનો પણ હતો તે નોંધવું ઘટે.
રમણલાલ ક. ધારૈયા