પેટ્રોડૉલર : ખનિજ તેલની પેદાશ કરતા દેશો પાસે કેન્દ્રિત થયેલી વધારાની ખરીદશક્તિ. 1973થી શરૂ થઈને ખનિજ તેલના ભાવોમાં થયેલા મોટા વધારાને કારણે ખનિજ તેલની નિકાસ કરતા દેશોના હાથમાં જે ખરીદશક્તિ કેન્દ્રિત થઈ તે એ દેશોએ યુરોપ-અમેરિકામાં આવેલી બકોમાં ડૉલરની થાપણો રૂપે મૂકી હતી અને તેમાંથી પેટ્રોડૉલરનું સર્જન થયું.

1973થી 1981 દરમિયાન ખનિજ તેલના આંતરરાષ્ટ્રીય ભાવોમાં વિવિધ કારણોથી મોટો વધારો થયો હતો. 1973માં થયેલા આરબ-ઇઝરાયલ યુદ્ધને કારણે ખનિજ તેલની નિકાસ કરતા દેશોના સંગઠન(OPEC)ના આરબ સભ્યોએ ઇઝરાયલતરફી દેશોમાં ખનિજ તેલની નિકાસ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો હતો. તેને પરિણામે ખનિજ તેલના આંતરરાષ્ટ્રીય ભાવોમાં વધારો થવા પામ્યો હતો. ત્રણ મહિના પછી 1974માં એ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો; પરંતુ ‘ઓપેક’ના દેશો એ જોઈ શક્યા કે ખનિજ તેલના ઊંચા ભાવો ઉપજાવી શકાય તેમ છે. તેથી તેમણે પેટ્રોલિયમ પેદાશોના ભાવો વધાર્યા. 1978માં ઈરાનમાં રાજકીય ક્રાંતિ થતાં ત્યાંથી થતી ખનિજ તેલની નિકાસો બંધ પડી ગઈ. તેથી ખનિજ તેલના ભાવો ફરીથી વધ્યા. એ પછી ઈરાન અને ઇરાક વચ્ચે થયેલા યુદ્ધે ખનિજ તેલના ભાવવધારાને પ્રોત્સાહન  આપ્યું. આને પરિણામે 1981માં સાઉદી અરેબિયાના ‘લાઇટ ક્રૂડ ઑઇલ’નો ભાવ બૅરલદીઠ 32 ડૉલર પર પહોંચ્યો હતો, જે 1973ના ભાવવધારા પહેલાં 2.59 ડૉલર હતો.

ખનિજ તેલના ભાવો વધતાં ‘ઓપેક’ના સભ્ય દેશોની નિકાસ-કમાણીમાં મોટો વધારો થયો, પરંતુ તેનો ઉપયોગ કરી તેઓ તત્કાળ તેમની આયાતોમાં મોટો વધારો કરી શકે તેમ ન હતા; કારણ કે ચીજવસ્તુઓની મોટા જથ્થામાં આયાતોને સમાવવાની તેમનાં અર્થતંત્રોની ગુંજાશ ન હતી. તેથી તેમના લેણદેણના સરવૈયા પર મોટી પુરાંત સર્જાઈ. એકલા 1974ના વર્ષમાં જ ‘ઓપેક’ના દેશોના સરવૈયા પર 60 અબજ ડૉલર જેટલી પુરાંત સર્જાઈ હતી. બીજી બાજુ, ખનિજ તેલની આયાત કરતા દેશોના સરવૈયા પર મોટી ખાધ ઊભી થઈ. ખાધનો પ્રશ્ન ત્રીજા વિશ્વના દેશો માટે વધારે ગંભીર બન્યો હતો.

ઉપર્યુક્ત પ્રશ્નનો આખરી ઉકેલ ખનિજ તેલની નિકાસ કરતા દેશો પાસે આવતા ડૉલર, સરવૈયામાં ખાધ ધરાવતા ત્રીજા વિશ્વના દેશોને ધિરાણ રૂપે મળે તેમાં હતો; પરંતુ તેમાં એક સમસ્યા હતી. ખનિજ તેલની નિકાસ કરતા દેશો તેમનાં નાણાં ગમે ત્યારે કાઢી શકાય એવી અને જોખમ વિનાની અસ્કામતોમાં રોકવા ઇચ્છતા હતા, જ્યારે ત્રીજા વિશ્વના દેશો લાંબા ગાળાની અને અમુક અંશે જોખમી અસ્કામતોની સામે ધિરાણ મેળવવા ઇચ્છતા હતા. આમ આ કિસ્સામાં ‘દ્વિપક્ષી જરૂરિયાતના સુમેળનો અભાવ’ હતો. તેથી એવી મધ્યવર્તી આંતરરાષ્ટ્રીય વિત્તીય સંસ્થાઓની આવશ્યકતા ઊભી થઈ હતી, જે ટૂંકા ગાળા માટે થાપણો સ્વીકારે અને એ રીતે મળેલી થાપણોનું લાંબા ગાળા માટે રોકાણ કરે.

ઉપર્યુક્ત કામગીરી યુરોડૉલર તરીકે ઓળખાતા બજારમાં કામ કરતી બૅંકોએ ઉપાડી લીધી. એ બૅંકોએ ખનિજ તેલની નિકાસ કરતા દેશોની થાપણો ડૉલરના રૂપમાં સ્વીકારી, જે પેટ્રોડૉલર તરીકે ઓળખાઈ. આ રીતે મળેલી થાપણોનો ઉપયોગ તેમણે સરવૈયામાં ખાધ ધરાવતા, મુખ્યત્વે ત્રીજા વિશ્વના દેશોને લાંબા ગાળાનું ધિરાણ આપવા માટે કર્યો. એક અંદાજ પ્રમાણે 1976થી ’82 વચ્ચે ‘ઓપેક’ના દેશોએ 750 અબજ ડૉલરથી અધિક થાપણો યુરોડૉલર રૂપે મૂકી હતી.

1980ના દસકાના ઉત્તરાર્ધમાં પેટ્રોડૉલરનો પ્રશ્ન રહ્યો નહિ. તે માટે કેટલાંક કારણો જવાબદાર હતાં. આંતરરાષ્ટ્રીય બજારમાં ખનિજ તેલના ભાવો ઘટી ગયા હતા; કેમ કે ખનિજ તેલના ઊંચા ભાવોને કારણે ખનિજ તેલ માટેની માંગ સંકોચાઈ હતી. વળી, કેટલાક દેશોમાં ખનિજ તેલના ઉત્પાદનમાં વધારો થતાં તેમની તે માટેની આયાતોની માંગ ઘટી હતી. બીજી બાજુ ‘ઓપેક’ના સભ્ય દેશોની આયાતોમાં અને તેમના ભાવોમાં વધારો થયો હતો. આ બધાં કારણોથી ‘ઓપેક’ના સભ્ય દેશોના સરવૈયા પરની પુરાંતો મોટા પ્રમાણમાં ઘટતાં પેટ્રોડૉલર નોંધપાત્ર ઘટના રહી નહીં.

રમેશ ભા. શાહ