પેટુ (aneurysm) : લોહીની નસમાં ફુગ્ગાની માફક ફૂલેલો ભાગ, જેમાં લોહી ભરાયેલું હોય. જન્મજાત કારણો કે કોઈ પાછળથી ઉદભવેલાં કારણથી લોહીની નસની દીવાલનો તે ભાગ નબળો પડી ગયેલો હોય છે. તેમાં ભરાયેલું લોહી ગંઠાઈ જાય છે અને તેથી ક્યારેક તેમાંથી લોહીના નાના ગઠ્ઠા છૂટા પડીને શરીરના કોઈ અન્ય ભાગમાં પહોંચી જાય છે. ત્યાંની નાની ધમનીમાં ફસાઈ જઈને ત્યાંના રુધિરાભિસરણમાં અટકાવ લાવે છે. ક્યારે આ ફૂલેલો ભાગ વધુ અને વધુ ફૂલે છે અને ફાટી પણ જાય તો તેવે સમયે નસમાંનું લોહી બહાર વહી જાય તેવું પણ બને છે; પરંતુ જો તે મગજની ધમનીમાં કે મહાધમની(aorta)માં થાય તો ક્યારેક જીવલેણ પણ નીવડે. હૃદયરોગના હુમલા પછી ક્યારેક હૃદયના સ્નાયુનો થોડો ભાગ મૃત્યુ પામે ત્યારે ત્યાંની દીવાલ નબળી પડે છે અને તેથી તેમાં પણ પેટુ વિકસી શકે છે.

નસોમાં ઉદભવતાં પેટુને વાહિનીપેટુ (vascular aneurysm) પણ કહે છે. જો નસની દીવાલના ત્રણેય પડનો વિકાર થયેલો હોય તો તેને યથાર્થ પેટુ (true aneurysm) કહે છે, પરંતુ જો કોઈ ઈજાને કારણે નસમાંથી લોહી બહાર વહી તેની દીવાલની બહાર લોહીનો ગઠ્ઠો બનાવે અને તે પેટુ જેવો દેખાવ સર્જે તો તેને છદ્મપેટુ (false aneurysm) કહે છે.

વાહિનીપેટુ 2 આકારના હોય છે – કોથળી જેવા (કોશારૂપી, saccular) અને તકલીરૂપી (fusiform). કોશારૂપી પેટુમાં લોહીનો ગઠ્ઠો જામવાની સંભાવના વધુ રહે છે જ્યારે તકલીરૂપી પેટુ મોટી ધમનીની લંબાઈ સાથે ઉદભવેલું હોય છે.

ધમની, શિરા તથા હૃદયમાં પેટુ ઉદભવે છે. ધમનીમાં થવાની સંભાવના વધુ રહે છે. ક્યારેક કેશવાહિનીઓમાં પણ તે ઉદભવે છે. મોટા મગજની નીચલી સપાટી પર વિલિસનું ધમનીવર્તુળ (circle of Willis) નામની જુદી જુદી ધમનીઓ વચ્ચેના આંતર-જોડાણથી ઉદભવતી સંરચના હોય છે. તેમાં વાહિનીપેટુ થવાની સૌથી વધુ સંભાવના રહે છે.

વાહિનીપેટુ ઘણે ભાગે કોઈ લક્ષણો કે ચિહ્નો કરતું નથી પરંતુ જ્યારે ઘણું મોટું થાય, તેમાં લોહીનો ગઠ્ઠો જામે અને તેમાંથી નાના ગઠ્ઠા શરીરમાં અન્યત્ર જઈને લોહી વહેવામાં અટકાવ કરે કે વાહિની-પેટુ પોતે ફાટે અને બહાર લોહી વહેવા માંડે ત્યારે લક્ષણો અને ચિહ્નો થઈ આવે છે અને જે તે અવયવને અનુરૂપ તકલીફો ઉદભવે છે જેમ કે, મગજમાં થતા પેટુવિકારમાં થાક લાગવો, સંવેદનાઓના અર્થઘટનમાં વિકાર ઉદભવવો, સંતુલન ઘટવું, બેવડું દેખાવું, ખૂબ માથું દુખવું, અંધાપો થઈ આવવો, ડોકમાં દુખાવો થવો કે બેભાનાવસ્થા થઈ આવવી વગેરે થાય છે. પેટમાંના વાહિનીપેટુથી પડખામાં, પીઠમાં કે કમરમાં દુખાવો થાય છે, લોહીનું દબાણ વધે, પેશાબમાં લોહી વહે કે લોહી વહી જવાથી રુધિરાભિસરણીય આઘાત(circulatory shock)નો વિકાર થઈ આવે છે.

મધુપ્રમેહ, મેદસ્વિતા (obesity), લોહીનું ઊંચું દબાણ, તમાકુનું વ્યસન, મદ્યવશતા (alcoholism), લોહીમાં કોલેસ્ટેરૉલનું વધેલું પ્રમાણ, તાંબાની ઊણપ, વધતી ઉંમર, ઉપદંશ(syphilis)નો ત્રીજો તબક્કો વગેરે વિવિધ પરિબળો વાહિનીપેટુ થવાની સંભાવના વધારે છે. ક્યારેક ક્ષયરોગના દર્દીને ફેફસામાં ઉત્પન્ન થતી ચેપગુહા- (cavity)માં કે તેની પાસેની ધમનીમાં તથા મગજના ચેપમાં ત્યાંની ધમનીઓમાં ચેપજન્ય વાહિનીપેટુ થઈ આવે છે. ક્યારેક ક્યારેક તે વારસાજન્ય રોગ તરીકે થઈ આવે; જેમ કે, મૂત્રપિંડમાં પ્રવાહી ભરેલી અનેક પોટલીઓવાળા રોગ  દેહસૂત્રી પ્રભાવી બહુકોષ્ઠી મૂત્રપિંડી રોગ (autosomal dominant polycystic renal disease) કે કૌટુંબિક વક્ષસ્થ મહાધમની પેટુ (thoracic aortic aneurysm). ક્યારેક જન્મજાત ધમની-શિરાની કુરચના (arteriovenous malfrmation) થયેલી હોય તો વર્તુલાભ વાહિનીપેટુ (cirsoid aneurysm) થઈ આવે છે.

નિદાન અને સારવાર : મગજમાં કે અન્ય સ્થળે લોહી વહે તે પછી સીટીસ્કેન કે અન્ય રીતે ચિત્રણો દ્વારા વાહિનીપેટુ દર્શાવીને નિદાન કરાય છે. લોહીનું દબાણ સમપ્રમાણ કરીને, શક્ય હોય ત્યાં શસ્ત્રક્રિયા કરીને સારવાર કરાય છે.

શિલીન નં. શુક્લ