પેટ્રાર્ક, ફ્રાન્સિસ્કો

January, 1999

પેટ્રાર્ક, ફ્રાન્સિસ્કો (. 20 જુલાઈ 1304, અરેઝો, ઇટાલી; . 20 જુલાઈ 1374, આર્ક્યૂઆ પેટ્રાર્ક, ઇટાલી) : ઇટાલિયન અને પ્રોવિન્શ્યલ ભાષાના મહાન કવિ. મધ્યયુગીન યુરોપમાં રેનેસાંસના પુરોગામી માનવતાવાદના પુરસ્કર્તા કવિ, વિદ્વાન અને ખ્રિસ્તી-ધર્મવેત્તા. તેમના સમય વખતે પોપની રોમની ગાદીના વિરોધમાં સ્થપાયેલા ઍવીન્યોનની સંસ્થામાં ધર્માચાર્યની પદવી માટે સજ્જતા મેળવી. તેમની નવયુવાનીમાં માતાનું અવસાન થયું. તેનું દર્દ વર્ણવતાં 66 કાવ્યો ‘એપિસ્તોલાય મેટ્રિકલ’ તે તેમની પ્રથમ રચના. તે લૅટિનમાં પત્ર રૂપે લખાયેલી કાવ્યકૃતિ છે. યુવાન પેટ્રાર્કનું જીવન રાગ અને વૈરાગ્ય વચ્ચે ઝોલા ખાતું હતું. સેન્ટ ઑગસ્ટિનના ‘કન્ફેશન્સ’ની તેમના ઉપર ઘેરી અસર હતી. ખ્રિસ્તી ધર્મગ્રંથોનો અભ્યાસ કરવા માટે લૅટિન ભણતાં ભણતાં તેમને પૂર્વકાલીન લૅટિન સાહિત્યમાં પણ રસ જાગ્યો.

ફ્રાન્સિસ્કો પેટ્રાર્ક

આ પ્રાચીન સાહિત્યમાં પ્રેમ અને સૌંદર્યની પ્રતિષ્ઠા થયેલી જણાતી હતી, જ્યારે તેમનો ખ્રિસ્તી ધર્મ તો દેહપ્રેમ અને સૌંદર્યને ઈશ્વર-ઉપાસનામાં બાધક લેખતો હતો. આ ગજગ્રાહમાં તેમની યુવાની વીતી. તેમની 23 વરસની ઉંમરે તેમને થયેલો એક ઊંડો પ્રેમાનુભવ તેમના જીવનનું કેન્દ્રબિંદુ બની રહ્યો. કહેવાય છે કે ઍવીન્યોનમાં લગભગ 37 વરસની ઉંમરની લૉરા નામની વિધવાના અલૌકિક દેહસૌંદર્યની તેમના ઉપર એવી ઊંડી અસર થઈ કે તેમનાં તમામ જીવનમૂલ્યો ખળભળી ઊઠ્યાં. આખું જીવન તેમણે આ સૌંદર્યના ચિંતન અને ઉપાસનામાં વ્યતીત કર્યું. આ પ્રેમભાવ દૈહિક કે ઇન્દ્રિયસુખથી અલિપ્ત હતો. ગ્રીક ફિલસૂફ પ્લેટોએ કરેલી પરિકલ્પના મુજબનો આ અફલાતૂન પ્રેમસંબંધ બની રહ્યો. સૌંદર્ય-ચિંતન, કલ્પના, લાગણીના ઉદ્રેક, વિષાદ, આત્મશક્તિ વિશેની અશ્રદ્ધા જેવા વિવિધ ભાવોને લગતી નાની નાની 14 પંક્તિની કાવ્યરચનાઓ તેમણે કરી. આ રચનાઓ પાછળથી સૉનેટ નામે ઓળખાઈ; પરંતુ તે તો તેને ‘રાઇમ’ કહેતા. આખી રચના 14 પંક્તિઓની રહેતી. તેમાં બે કંડિકાઓ રહેતી; પહેલી 8 લીટીની અને બીજી 6 લીટીની. પ્રાસરચના abbaabba, cdecde જેવી રહેતી. 8 લીટી પછી બીજી કંડિકામાં પ્રથમમાં ઉદભવેલા પ્રશ્નનું નિરાકરણ આવતું. આવો પદ્યબંધ લખવો કઠિન છે, પણ ઇટાલિયનમાં આવી પ્રાસરચના સારી રીતે ઉપલભ્ય બને છે. આ પ્રકારની કાવ્યકૃતિ પૂર્વકાલીન ઇટાલિયન કવિતાથી બે રીતે જુદી પડી : વિષયની દૃષ્ટિએ અને સ્વરૂપની દૃષ્ટિએ. પેટ્રાર્કની પ્રેમગીતિઓના ભાવ માનવસહજ છે.

1340માં પેટ્રાર્કને પોએટ લૉરિયટ તરીકે લૉરલનો મુગટ રોમ અને ઍવીન્યોનમાં પહેરાવવામાં આવ્યો હતો.

પેટ્રાર્કના જીવનમાં 6 એપ્રિલનો દિવસ અત્યંત મહત્ત્વનો લેખાય છે. તે જ દિવસે 1329માં તેમને લૉરાનું પ્રથમ દર્શન થયું અને તે જ દિવસે 1348માં લૉરાનું પ્લેગમાં મૃત્યુ થયું. તેમની પ્રેમગીતિઓના સંચયના બે ભાગ છે. લૉરાના મૃત્યુ પૂર્વેનાં અને તેના મૃત્યુ પછીનાં કાવ્યોમાં પેટ્રાર્કના જીવનનો મુખ્ય સંઘર્ષ છે સરજનહારની ભક્તિ અને પૂજા કરવી કે તેના સર્જનની પૂજા કરવી. તેમનો ઝોક સર્જનની તરફેણમાં છે. આમ પેટ્રાર્ક યુરોપીય પ્રેમકવિતાના, લિરિક કાવ્યના પૂર્વસૂરિ છે. ‘ડિકેમરન’ના કર્તા ઇટાલિયન લેખક બૉકચિઓ અને અંગ્રેજ કવિ ચૉસર પર પેટ્રાર્કની કવિતાની અસર છે. ત્યારપછી અંગ્રેજી સાહિત્યના પુનરુત્થાનયુગના કવિઓ, વાઇટ અને સરે; સર ફિલિપ સિડની, શેક્સપિયર, ડેઇટન વગેરે અનેક કવિઓએ આ સૉનેટ-સ્વરૂપની રચનાઓ કરી છે. અંગ્રેજી સાહિત્યની અસર તળે વીસમી સદીના ચારથી પાંચ દાયકાઓ સુધી અનેક ગુજરાતી કવિઓએ  બ. ક. ઠાકોરથી માંડીને સુન્દરમ્, ઉમાશંકર, નિરંજન ભગત, રાજેન્દ્ર શાહ, જયન્ત પાઠક, ઉશનસ્ વગેરે અનેક કવિઓએ સૉનેટ-રચનાઓ કરી છે.

રજનીકાન્ત પંચોલી