પેટલીકર, ઈશ્વર મોતીભાઈ (જ. 9 મે 1916, પેટલી; અ. 22 નવેમ્બર 1983, અમદાવાદ) : જાણીતા ગુજરાતી લેખક અને સમાજચિંતક. મૂળ નામ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ; પરંતુ સાહિત્યજગતમાં ‘ઈશ્વર પેટલીકર’ તરીકે પ્રસિદ્ધ. નવલકથાઓ, વાર્તાઓ, ચરિત્રો, નિબંધો વગેરેના લેખક.
વ્યવસાયે શિક્ષક અને પછી પત્રકાર. ગુજરાતના સામાજિક સેવાક્ષેત્રે પણ તેઓ પ્રવૃત્ત. તેમણે વર્ષો સુધી ‘પાટીદાર’નું સંપાદન કરેલું. ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘સ્ત્રી’, ‘નિરીક્ષક’ વગેરેમાં કટાર લખતા હતા. તેમને 1961માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો.
ઈશ્વર પેટલીકરે અનેક નવલકથાઓ આપી છે. એમાં ‘જનમટીપ’ (1944) તેમની કીર્તિદા કૃતિ છે. આ કૃતિથી તેઓ સાહિત્યકાર તરીકે જાણીતા થયા. આ કૃતિમાં મહીકાંઠાની પછાત કોમોનું હૃદયસ્પર્શી અને પ્રતીતિકારક આલેખન થયું છે. અન્ય નોંધપાત્ર નવલકથાઓમાં ‘ભવસાગર’ (1951), ‘પાતાળકૂવો’ (1947), ‘પંખીનો મેળો’ (1948), ‘કાજળની કોટડી’ (1949), ‘ધરતીનો અવતાર’ (1946), ‘મારી હૈયાસગડી’ (1950) વગેરેનો સમાવેશ થાય છે. આ બધી નવલકથાઓમાં તેમણે ગ્રામપ્રદેશનું આબેહૂબ ચિત્રણ કર્યું છે. એ પ્રદેશની પ્રજાઓનાં સુખદુ:ખ અને અરમાનો તથા એમની વિશિષ્ટ સમસ્યાઓને વાચા આપી છે. પેટલીકરનું નિરૂપણ સ્વાનુભવઆધારિત હોઈ પ્રતીતિકારક બને છે. તે વાસ્તવિક તો હોય જ, પણ કોઈ ને કોઈ રીતનો ભાવનાસ્પંદ એમાં હોઈ એ હૃદયસ્પર્શી પણ બને છે. પેટલીકરે માત્ર ગ્રામપ્રદેશનું ચિત્રણ કર્યું નથી; તેમણે શહેરી જીવનનું આલેખન પણ કર્યું છે. આ નવલકથાઓમાં સામાજિક પ્રશ્નો, સ્ત્રીપુરુષ-સંબંધો અને લગ્નજીવનની સંકુલ સમસ્યાઓ પણ નિરૂપી છે. તે એક સન્નિષ્ઠ સમાજસેવક હોઈ માત્ર સમસ્યાઓ જ રજૂ કરતા નથી, પણ એના ઉકેલો પણ દર્શાવે છે. આ ઉકેલોમાં તેમનાં ચિંતનમનન ઉપરાંત સ્વાનુભવ પણ ભળેલો હોય છે. તેમનું સમગ્ર નિરૂપણ સમભાવશીલ, સમતોલ અને કૌટુંબિક જીવનના હિતની ચિંતા કરનાર એક સારસ્વતનું રહ્યું છે. આ દૃષ્ટિએ એમની ‘તરણા ઓથે ડુંગર’ (1954), ‘યુગનાં એંધાણ’ (1961), ‘ઋણાનુબંધ’ (1969), ‘લાક્ષાગૃહ’ (1965), ‘જૂજવાં રૂપ’ (1967), ‘સેતુબંધ’ (1969) વગેરે નવલકથાઓ નોંધપાત્ર છે.
પેટલીકરે ટૂંકી વાર્તાઓ પણ લખી છે. એમના નવલિકાસંગ્રહોમાં ‘પારસમણિ’ (1949), ‘ચિનગારી’ (1950), ‘આકાશગંગા’ (1958), ‘કઠપૂતળી’ (1962) વગેરે જાણીતા છે. પેટલીકરની વાર્તાઓ મુખ્યત્વે ઘટનાપ્રધાન છે. ઘટનાનું સાંગોપાંગ નિરૂપણ કર્યા પછી પણ તે ઉપદેશ આપતા નથી. એમનું કથયિતવ્ય વાર્તામાંથી જ સહજ રીતે નિષ્પન્ન થાય છે. એમની ‘લોહીની સગાઈ’, ‘ગૃહત્યાગ’, ‘ચતુર મુખી’ જેવી વાર્તાઓ સાહિત્યરસિકોમાં પ્રિય થયેલી છે; ખાસ કરીને લોકબોલીના રૂઢિપ્રયોગો અને કહેવતોનો એમાં જે ઉપયોગ થયો છે તે એમની કૃતિઓને અસરકારક બનાવે છે.
પેટલીકરે ‘ગ્રામચિત્રો’માં ગામડાનાં કેટલાંક પાત્રોનો યથાર્થ પરિચય આપ્યો છે. આ સંગ્રહ 1944માં પ્રગટ થયો હતો. 1953માં પ્રગટ થયેલ ‘ધૂપસળી’માં તેમણે રવિશંકર મહારાજ, દાદાસાહેબ માવળંકર, મુનિ સંતબાલજી વગેરે મહાનુભાવોની મુલાકાત દ્વારા એમના અસામાન્ય વ્યક્તિત્વને ઉપસાવી આપ્યું છે.
‘વિદ્યાનગરના વિશ્વકર્મા’(1964)માં તેમણે ભાઈકાકાની વિશિષ્ટ પ્રતિભા આલેખી છે. તેમના હેતુલક્ષી પત્રકારત્વના ફલરૂપે ‘જીવનદીપ’ (1953), ‘લોકસાગરને તીરે તીરે’ (1954), ‘સંસારનાં વમળ’ (1957), ‘મંગલકામના’ (1964), ‘અમૃતમાર્ગ’ (1968) જેવા લેખસંગ્રહો મળ્યા છે.
ઈશ્વર પેટલીકર તળપદી શૈલીના સાહિત્યસર્જક, સમાજહિતચિંતક, સાંસારિક અને રાજકીય પ્રશ્નોના સ્વસ્થ અને દૃષ્ટિસંપન્ન વિશ્લેષક પત્રકાર હતા.
પન્નાલાલની જેમ પેટલીકર પણ તેમની કૃતિઓમાં ગ્રામજીવનના મર્મી તરીકે પ્રગટ થાય છે. તેઓ તો હતા ‘નિજ ધરતીના ખેડુ.’ લોકસમુદાયમાંથી પ્રેરણા મેળવી લખનારા સાહિત્યકારોમાં મેઘાણી પછી જે બેત્રણ સર્જકો યાદ આવે એમાં એક પેટલીકર છે. આગવી કોઠાસૂઝથી લોકસંગ્રહાર્થે કર્મની દિશામાં તે પ્રવૃત્ત થયેલા સર્જક હતા.
રમણલાલ જોશી