પેખ્સ્ટીન, મૅક્સ (. 31 ડિસેમ્બર 1881, જ્રિવક્કાઉ(Zwickau) જર્મની; . 29 જૂન 1955, વેસ્ટ બર્લિન) : જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર. ડ્રેસ્ડન નગરમાં તાલીમ લીધા બાદ તેઓ 1906માં ડાય બ્રુક જૂથના સભ્ય બન્યા. આ જૂથની સ્થાપના 1905માં કીર્ખનર અને શ્મિટરૉટલફ જેવા આગળ પડતા અભિવ્યક્તિવાદી કલાકારોએ કરેલી. 1907-08માં તેમણે ઇટાલી અને પૅરિસની મુલાકાત લીધેલી અને 1914માં તે પૅસિફિક મહાસમુદ્રના પાલાઉ ટાપુ પર જઈ શક્યા, જ્યાં દોરાયેલાં તેમનાં ચિત્રો પર ગોગાંની અસર જોઈ શકાય છે. 1915માં જાપાની દળોએ તેમની ધરપકડ કરી. તેમને નાગાસાકી મોકલ્યા. ત્યાંથી ન્યૂયૉર્ક થઈ તેઓ જર્મની પાછા આવ્યા. 1918 સુધી તેમણે જર્મન ભૂમિદળમાં ફરજ બજાવી. 1934માં પ્રશિયન અકાદમીમાંથી તેમની હકાલપટ્ટી થઈ અને તેમની પ્રદર્શન-યોજના પર પ્રતિબંધ મુકાયો. 1945 પછી તેઓ બર્લિનમાં પ્રોફેસર તરીકે નિમણૂક પામ્યા. મૃત્યુ પછી તેમની આત્મકથાનું પ્રકાશન થયું.

પેખ્સ્ટીનનાં ચિત્રોમાં તત્કાલીન કચડાયેલા જર્મન માનસનું પ્રતિબિંબ દેખાય છે. અરુચિકર રંગઆયોજન અને  પીંછીના જોશીલા લસરકા તેમના માનસિક તણાવને વ્યક્ત કરે છે. રંગો ભડકીલા હોવા છતાં તેમાં ફોવવાદી ચિત્રકારોનાં ચિત્રો જેટલી મોહકતા નથી. વધતો જતો ઔદ્યોગિકીકરણનો ભાર, ધંધાદારી દૃષ્ટિથી કેળવાયેલો સમાજ અને નાગરિક જીવનમાં મનુષ્યનો એક વ્યક્તિ તરીકે થતો હ્રાસ-આવાં આવાં પરિબળોને આ પ્રકારની ચિત્રશૈલી માટે પરોક્ષ રીતે જવાબદાર ગણી શકાય.

અમિતાભ મડિયા