પૅક્સટન, જોસેફ (. 3 ઑગસ્ટ 1803 બેડફૉર્ડશાયર, યુ. કે.; . 8 જૂન 1865, લંડન, યુ.કે.) : ખ્યાતનામ અંગ્રેજ સ્થપતિ. 1823માં તે ચૅટ્સવર્થ ખાતે ડ્યૂક ઑવ્ ડેવનશાયરના ઉદ્યાનમાં કામે જોડાયા હતા. એમની પ્રતિભા પારખી ડ્યૂકે ટૂંકસમયમાં જ એમને ઉદ્યાનના ઉપરી બનાવ્યા. ત્યાં એમણે છોડની જાળવણી માટે મુખ્યત્વે લોખંડ અને કાચનો ઉપયોગ કરી કાચગૃહ (glasshouse) બનાવ્યું, જેમાંના સૌથી મોટા કાચગૃહની લંબાઈ આશરે 83 મી., પહોળાઈ આશરે 40 મી. અને ઊંચાઈ આશરે 20 મી. હતી.

1851માં સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન માટે બનાવેલ ગંજાવર ઇમારત ‘ક્રિસ્ટલ પૅલેસ’ સ્થાપત્ય-ક્ષેત્રે એમનું વિશિષ્ટ પ્રદાન ગણાય છે. કાચગૃહ બનાવવામાં મેળવેલ અનુભવ કામે લગાડી સર પૅક્સટને પ્રીફૅબ્રિકેશનની પદ્ધતિ વિકસાવી અને પ્રથમ વાર એનો મોટા પાયે ઉપયોગ કર્યો. કાચની પૅનલના કદ પરથી બાંધકામનો મૂળ એકમ રાખવામાં આવ્યો હતો અને દરેક ભાગ ફૅક્ટરીમાં બનાવી સ્થળ પર જોડવામાં આવ્યો હતો. આ પદ્ધતિને લીધે ફક્ત ચાર માસના ટૂંકા ગાળામાં આશરે 555 મી. લાંબી અને આશરે 90,000 ચોમી. ક્ષેત્રફળ ધરાવતી આ વિરાટ ઇમારત ઊભી કરી શકાઈ હતી.

સ્થાપત્યક્ષેત્રે પૅક્સટનનું સ્મરણીય પ્રદાન : ક્રિસ્ટલ પૅલેસ

પ્રદર્શન પછી ક્રિસ્ટલ પૅલેસના ભાગો છૂટા પાડી સિડનહૅમ ખાતે એને ફરી ઊભો કરવામાં આવ્યો હતો, જ્યાં 1936માં આગમાં એનો નાશ થયો. ક્રિસ્ટલ પૅલેસ એના વિશાળ કદ, આકાર ઉપરાંત ઈંટ, પથ્થર જેવી એ સમયે બાંધકામની પ્રચલિત સામગ્રીના સદંતર અભાવને કારણે તેમજ ખાસ તો એની પ્રીફૅબ્રિકેશનની પદ્ધતિને લીધે ઓગણીસમી સદીની યુગપ્રવર્તક સ્થાપત્ય-રચનાઓમાં મહત્ત્વનું સ્થાન પામ્યો.

બાગાયત સર પૅક્સટનનો મુખ્ય વિષય હતો. તેમને જાહેર બગીચાઓની રચનામાં ઘણો રસ હતો. ‘ગાર્ડનર્સ ક્રૉનિકલ’ના આદ્યસ્થાપકમાંના તેઓ એક હતા. નગર-આયોજનમાં પણ એમને વિશેષ રસ હતો. નગર-આયોજન વિશેના એમના વિચારો 1855માં ‘ગ્રેટ વિક્ટોરિયન વેઝ’માં રજૂ થયા હતા. 1854માં લિબરલ પાર્ટી તરફથી તેઓ પાર્લમેન્ટમાં ચૂંટાયા હતા.

કલ્લોલ જોશી