પેક્ટિન : ઊંચા અણુભારવાળો, કાર્બોદિતો સાથે સંબંધિત હાઇડ્રોકલીલીય પૉલિયુરોનાઇડ વર્ગનો પદાર્થ. ફળો તથા છોડવાઓમાં વિવિધ પ્રમાણમાં પેક્ટિન હોય છે. રાસાયણિક રીતે તે લાંબી શૃંખલાવાળાં અને આંશિક મિથૉક્સિલેશન પામેલાં ગેલૅક્ટ્યુરોનિક ઍસિડ-સંયોજન છે.

સિટ્રસ ફળોની આંતરછાલ અથવા સફરજન જેવાં ફળોના ફલપેષ(pomaces)માંથી મંદ ઍસિડ દ્વારા નિષ્કર્ષણ વડે તે મેળવવામાં આવે છે. આ રીતે મેળવેલા નિષ્કર્ષિત દ્રાવણને રંગવિહીન કરીને બાષ્પીભવન દ્વારા સંકેન્દ્રિત કરાય છે અથવા નિષ્કર્ષિત દ્રાવણમાં આલ્કોહૉલ કે ઍસિટોન ઉમેરી તેનું અવક્ષેપન કરી શકાય છે.

પેક્ટિન સફેદ પાઉડર રૂપે કે સિરપ રૂપે પ્રાપ્ય હોય છે. ઔદ્યોગિક વપરાશમાં સામાન્ય તાપમાને ફળોના રસમાં ખાંડ ઉમેરવાથી જામ અને જેલી બનાવવાની તેની ક્ષમતા ધ્યાનમાં લેવાય છે.

પેક્ટિન પાણીમાં દ્રાવ્ય પરંતુ કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. શુદ્ધ પેક્ટિનમાં 6.7 %થી ઓછા મિથૉક્સિ-સમૂહ તથા 74 %થી ઓછા ગેલૅક્ટ્યુરોનિક ઍસિડ ન હોવા જોઈએ. વિવિધ મંદકો (diluents) ધરાવતા 150 -, 200 – તથા 250 – જેલી ગ્રેડનાં પેક્ટિન મળતાં હોય છે.

પેક્ટિન જેલી, રક્ષિત કલીલો તથા નિર્જલીયકારકો (ભેજશોષકો, dehydrating agents) બનાવવામાં, ખાદ્ય પદાર્થો, શૃંગારસાધનો, ઔષધો અને પાયસીકારકો(emulsifying agents)માં વપરાય છે.

જ. પો. ત્રિવેદી