પૅતિયો : મકાનની અંદર ચોતરફ થાંભલીઓની રચનાથી શોભતો ખુલ્લો ચૉક. પાશ્ચાત્ય સ્થાપત્યની પરિભાષા પ્રદેશાનુસાર જુદી જુદી હોય છે; પરંતુ તેના મૂળમાં લૅટિન ભાષાનો ઘણો ફાળો રહેલો છે. સમયાંતર અને વિકાસને લઈને ઐતિહાસિક સંકલનને પરિણામે પ્રાંતીય પરિભાષાઓ પણ તેટલી જ સમૃદ્ધ થઈ અને જુદા જુદા પ્રાંતોમાં સ્થાપત્યના વિકાસની સાથે સાથે આની પણ સમૃદ્ધિ ઘણી વધી. `પૅતિયો’નો અર્થ મકાનની અંદરનો ચૉક; તેને ફરતી રચાતી સ્તંભાવલિ, પરિણામે, ચૉકની ચારે બાજુ અવરજવર કરવા માટે બંધાયેલ પગથી બનતી, જેથી મકાનની અંદરની હરફર પ્રતિકૂળ હવામાનમાં પણ અનુકૂળતાથી થઈ શકતી. આવી સ્તંભાવલિવાળો ચૉક સ્પેનનાં મકાનોની એક મહત્વની રચના તરીકે ઊપસી આવે છે. આવાં પૅતિયોના નમૂના અલામ્બ્તાનાં મકાનોની પણ વિશિષ્ટતા બનેલ છે અને તે સ્થાપત્યનાં ઉત્કૃષ્ટ ઉદાહરણો લેખાય છે.
રવીન્દ્ર વસાવડા