પૂર્વ ગોદાવરી  (જિલ્લો) : આંધ્રપ્રદેશ રાજ્યના સમુદ્રકાંઠે આવેલો  જિલ્લો.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 16 30´ ઉ. અ.થી 18 20’ ઉ. અ. અને 81 31’ પૂ. રે.થી 82 30’ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે વિશાખાપટ્ટનમ્ જિલ્લો, વાયવ્યે ઓડિશા રાજ્યનો મલકાનગિરિ જિલ્લો, તથા છત્તીસગઢ રાજ્યના ખમ્મામ જિલ્લા અને સુકમા જિલ્લા, પૂર્વે અને દક્ષિણે બંગાળનો ઉપસાગર જ્યારે પશ્ચિમે પશ્ચિમ ગોદાવરી જિલ્લો સીમા રૂપે આવેલા છે. આ જિલ્લાને 144 કિમી. લાંબો દરિયાકિનારો મળેલ છે. સમુદ્રકાંઠે કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરી(પુદુચેરી)નો યમન જિલ્લો એન્ક્લેવ તરીકે આવેલો છે. જેનો વિસ્તાર 30 ચો.કિમી. જેટલો છે.

આ જિલ્લાની વાયવ્યે 900થી 1350 મીટરની ઊંચાઈ ધરાવતી પૂર્વ ઘાટની રામ્પા ટેકરીઓ આવેલી છે.  ઈશાન તરફ ગુન્ડાલમ્મા કોંડા શિખર આવેલું છે. જિલ્લાના મધ્યભાગમાં અને પૂર્વે ફળદ્રૂપ મેદાનો આવેલાં છે.  જે ગોદાવરી નદી દ્વારા નિક્ષેપિત થયેલાં છે. જિલ્લાની પશ્ચિમે ગોદાવરી નદી ઉત્તર-દક્ષિણ વહે છે. જિલ્લાની ઉત્તર સીમાએ સિલેરુ (Sileru) નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે, જે હેઠવાસ તરફ આગળ વધતા સાબરીને મળે છે. તે આગળ જતાં ગોદાવરી નદીની શાખા નદી તરીકે ઓળખાય છે. જ્યારે જિલ્લાના મધ્યભાગમાં થઈને એલુરુ (Eluru) નદી ઉત્તરથી દક્ષિણે વહે છે. પરિણામે નદીઓ દ્વારા રચાયેલાં મેદાનો રસાળ અને ફળદ્રૂપ છે. ગોદાવરી નદીની બંને બાજુ ટેકરીઓ આવેલી છે જે તેલંગાણાના ભદ્રાચલમ્ સુધી ફેલાયેલી છે.

સમુદ્રકાંઠાને કારણે આ જિલ્લાની કંઠાળ પ્રદેશની આબોહવા વર્ષ દરમિયાન ભેજવાળી રહે છે. મહદંશે જિલ્લો ઉષ્ણકટિબંધની ગરમ ભેજવાળી અને સૂકી આબોહવા ધરાવે છે. ઉનાળાનું સરેરાશ તાપમાન 27 થી 30 સે. જ્યારે શિયાળાનું 22 થી 25 સે. જેટલું રહે છે. વર્ષાઋતુ દરમિયાન અહીં સરેરાશ વરસાદ 1000થી 2000 મિમી. જેટલો પડે છે. કિનારાના વિસ્તારમાં વરસાદની માત્રા વધુ  હોય છે. અવારનવાર અહીં ચક્રવાત અનુભવાય છે. પરિણામે પારાવાર નુકસાન પહોંચે છે.

અર્થતંત્ર : ભેજવાળી આબોહવાને કારણે જિલ્લામાં હરિયાળી વધુ જોવા મળે છે. વાયવ્ય ભાગમાં ઉષ્ણકટિબંધીય ભેજવાળાં પાનખર જંગલો આવેલાં છે. અહીં મુખ્યત્વે સાગ, સાલ, સીસમ, ચંદન, વાંસનું પ્રમાણ અધિક છે. કિનારાના વિસ્તારમાં મૅન્ગ્રોવ પ્રકારનાં વૃક્ષો, જેમાં સુંદરીનું પ્રમાણ અધિક જોવા મળે છે.  આ જંગલો રાજ્યના અર્થતંત્રમાં મહત્ત્વનો ફાળો આપે છે.

વાયવ્યે આવેલી ટેકરીઓના પ્રદેશને બાકાત કરતાં જિલ્લાની મોટા ભાગની જમીનો નદીજન્ય કાંપની બનેલી હોવાથી ફળદ્રૂપ છે. અહીંના કેટલાક વિસ્તારોમાં તળાવો અને નહેરો દ્વારા સિંચાઈનો લાભ મળ્યો છે. પરિણામે જિલ્લાના અર્થતંત્રમાં ખેતીનો ફાળો મહત્ત્વનો છે. અહીંના મુખ્ય ખાદ્યાન્ન પાકોમાં ડાંગર મુખ્ય છે. આ સિવાય રાગી, કોલમ, બાજરી, જુવાર, ટોપિયાકો અને કઠોળની ખેતી લેવાય છે. રોકડિયા પાકોમાં મગફળી, તેલીબિયાં, કપાસ, શેરડી, તમાકુ મુખ્ય છે. અહીં નાળિયેરી, કૉફી અને મરીની બાગાયતી ખેતી થાય છે. શાકભાજી અને ફળોનો ફાળો અર્થતંત્રમાં રહેલો છે. ફળોમાં કેળાં, નારંગી, લીંબુ,  અનેનાસ, ફણસ, કાજુ મુખ્ય છે.

ખેતી સાથે પશુપાલનપ્રવૃત્તિનું પ્રમાણ અધિક છે. ગાય, ભેંસ, ઘેટાં-બકરાં અને ભૂંડનું પ્રમાણ વધુ છે, જેને પરિણામે ડેરીપેદાશો વધુ મેળવાય છે. જેમાં દૂધ, માખણ, પનીર, ચીઝનું ઉત્પાદન વધુ છે. પશુપાલનપ્રવૃત્તિને કારણે માંસ તેમજ સમુદ્રકિનારા અને નદીઓને કારણે મત્સ્યપ્રવૃત્તિ પણ વધુ વિકસી છે.

આ જિલ્લામાં બાગાયતી ખેતીનું પ્રમાણ વધતું જાય છે. જેને કારણે નાળિયેરી, કૉફી, મરી, કાજુની ખેતી વૈજ્ઞાનિક ઢબે થાય છે. શેતૂરનાં વૃક્ષોને આધારે રેશમના કીડાનો ઉછેર વધુ છે. જેથી રેશમ અને રેશમી કાપડને આધારે ગૃહઉદ્યોગો પણ વિકસ્યા છે. આ જિલ્લો ફૂલોની ખેતી માટે વધુ જાણીતો છે. કડીયમ, રાજમહેન્દ્રપુરમમાં નર્સરીનું પ્રમાણ અધિક છે. આશરે 1,400 હેક્ટરમાં નર્સરી ફેલાયેલી છે. ફૂલોની ખેતી માટે સંશોધનમથક પણ છે. દેશમાં અને વિદેશમાં ફૂલોની નિકાસ થાય છે. આ સિવાય દીવાસળી, પ્લાયવુડ, કાગળ, રસાયણો, દવાઓ બનાવવાના એકમો ઊભા થયા છે. ખેતીને લગતાં યંત્રો અને ઓજારો બનાવવાના ઉદ્યોગોને વધુ મહત્ત્વ મળ્યું છે.

પરિવહન : અહીં આવેલા રાજ્ય ધોરી માર્ગોની લંબાઈ 1,271 કિમી. જેટલી છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 16, 216, 365BB /516 D , 516E , 216 A પસાર થાય છે. રાજ્ય ધોરી માર્ગ નં. 40, 41 જ્યાં વાહનોની અવરજવર અધિક રહે છે. રાજમહેન્દ્રવરમ્ અને કાકીનાડા વચ્ચે આવેલો નહેર માર્ગ જે ખાનગી એકમ અને સરકારના સહયોગથી નિર્માણ થઈ રહ્યો છે. સાગરમાલા પ્રકલ્પ અન્વયે NHAI માર્ગનું મહત્ત્વ વધ્યું છે.

આ જિલ્લામાં બ્રોડગેજ રેલમાર્ગનું મહત્ત્વ વધુ છે. મહત્ત્વના જંકશનોમાં રાજમહેન્દ્રવરમ્, દ્વારપુડી, અનાપાર્તિ, સમલકોટ, પીઠાપુરમ્, અન્નાવરમ્, ટુનીનો સમાવેશ થાય છે. રેલવેસ્ટેશનોનું વ્યાપારીકરણ કરવા મૉલ, હોટેલ, પાર્ક, નવાં પ્લૅટફૉર્મ ઊભાં કરીને આધુનિક સગવડો ઊભી કરાઈ રહી છે.

અહીં રાજમહેન્દ્રવરમ્ હવાઈ મથક મહત્ત્વનું છે. આ હવાઈ મથક આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જાહેર થાય તે માટે લોકો ઉત્સુક છે. હવાઈ દળને ઉપયોગી બને તે માટે નાનું હવાઈ મથક ઊભું થઈ રહ્યું છે. ફૂલો, ખાદ્યપેદાશોની નિકાસ વધે અને પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે અદ્યતન હવાઈ મથક બનાવવાની જરૂર ઊભી થઈ છે. અહીંનું હવાઈ મથક ONGC, GAIL, IOCL, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી મોટી કંપનીઓ ઉપયોગ વધુ કરે છે.

કેન્દ્ર સરકારે 2008ના રોજ આંધ્રપ્રદેશ, તમિળનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીને સાંકળતા જળમાર્ગને રાષ્ટ્રીય જળમાર્ગ-4 તરીકે જાહેર કર્યો છે. જે કાકીનાડા, રાજમહેન્દ્રવરમ્, ટાડેપલ્લીગુડેમ, ઈલુરુ અને પોંડિચેરી(પુદુચેરી)ને સાંકળે છે. આ માર્ગમાં ક્રિશ્ના અને ગોદાવરી નદીના કેટલાક ભાગનો સમાવેશ થાય છે. આ માર્ગ ‘Inland Waterways Authority of India’ના તાબામાં રહેલો છે. રાજ્ય સરકાર અને ખાનગી કંપનીની બોટો પણ ઉપયોગી બને છે. કાકીનાડા મહત્ત્વનું બંદર બન્યું છે.

વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 12,805 ચો.કિમી. (રાજ્ય સરકારની માહિતી દ્વારા ઉપલબ્ધ) છે, જ્યારે વસ્તી (2011 મુજબ) 52.86 લાખ છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 1010 મહિલાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ 71.35% છે. અહીં હિન્દુઓ 95.62%, મુસ્લિમ 2.47%, ક્રિશ્ચિયન 1.58% જ્યારે અન્યનું પ્રમાણ 0.33% છે. પછાત જાતિ અને આદિવાસી જાતિનું પ્રમાણ અનુક્રમે 19.97% અને 1.08% છે.  અહીં બોલાતી ભાષામાં તેલુગુ 97.36%, ઉર્દૂ 1.84% અને અન્ય 0.80% છે.

આંધ્રપ્રદેશ રાજ્યમાં આ જિલ્લામાં જૂની સંસ્કૃતિને સારી રીતે ટકાવેલી જોવા મળે છે. જે વેદ-પંડિત અને મહેમાનોને આવકાર માટે ખૂબ પ્રખ્યાત છે. આ જિલ્લાનું મુખ્ય શહેર રાજમહેન્દ્રવરમ્ જે ‘આંધ્રપ્રદેશના સાંસ્કૃતિક પાટનગર’ તરીકે ઓળખાય છે. સંગીત, કલા અને ચિત્રપટ માટે આગવું સ્થાન મેળવ્યું છે.

અહીં પ્રાથમિક, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ખાનગી શાળાઓમાં રાજ્યસરકાર દ્વારા માન્ય અભ્યાસક્રમને પ્રાધાન્ય અપાય છે. રાજ્ય સરકાર દ્વારા માન્ય આદિકવિ નન્નાયા યુનિવર્સિટી, પોટ્ટી શ્રીરામુલુ તેલુગુ યુનિવર્સિટી, આચાર્ય એન. જી. રંગા ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી વધુ જાણીતી છે. આ સિવાય જવાહરલાલ નહેરુ ટૅકનૉલૉજિકલ યુનિવર્સિટી, એન્જિનિયરિંગ, મેડિકલ, લૉ, ફાર્મસી, પોલિટૅકનિકલ અને અનુસ્નાતક કૉલેજો આવેલી છે. આ ઉપરાંત સરકારમાન્ય અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે.

જોવાલાયક સ્થળો : આ જિલ્લામાં મંદિરો અને નર્સરીનું પ્રમાણ અધિક છે. જેમાં ઐતિહાસિક મંદિરો જેમાં સોમેશ્વરમ્, અમલાપુરમ્, અન્નાવરમ્, અંતરવેદી, દર્કશરમમ્ (Darksharamam), કોટીપલ્લી, પીથાપુરમ્, રાજમહેન્દ્રવરમ્, સમરલાકોટા વગેરે વધુ જાણીતા છે. આ સિવાય  કોરીંગા વન્યજીવ અભિયારણ્ય, NTR રેતીપટ, હૉપ ટાપુ, નર્સરીઓ, સર અર્થુર કોટન મ્યુઝિયમ,. હેવલોક બ્રિજ, ઈકો ટૂરિઝમ પ્રકલ્પો વગેરે.

રાજમહેન્દ્રવરમ્ (પાટનગર – શહેર) :

પૂર્વ ગોદાવરી જિલ્લાનું પાટનગર  અને શહેર. જે રાજહુમુન્દ્રી તરીકે પણ ઓળખાય છે.

ભૌગોલિક સ્થાન : તે 16 98´ ઉ. અ. અને 81 78´ પૂ. રે. પર સ્થિત છે. જે સમુદ્રસપાટીથી સરેરાશ 14 મીટરની ઊંચાઈ ધરાવે છે. ભૌગોલિક  દૃષ્ટિએ જિલ્લાના મધ્યભાગમાં આવેલ છે. ગોદાવરી નદી આ શહેરના પશ્ચિમ ભાગમાંથી વહે છે. આ શહેર દક્ષિણ ભારતના લાવાયિક ભાગમાં આવેલ છે.  આથી ભૂસ્તરશાસ્ત્રીઓ માટે વધુ રસપ્રદ પ્રદેશ છે.

અહીંની આબોહવા ગરમ અને ભેજવાળી તેમજ ઉષ્ણકટિબંધીય પ્રકારની છે. આથી આ શહેરમાં ઋતુભેદ વધુ જોવા મળતો નથી. અહીંનું સરેરાશ મહત્તમ તાપમાન 32 સે. રહે છે. એપ્રિલ અને જૂન માસમાં ગરમી વધુ અનુભવાય છે. આ સમયગાળામાં તાપમાન 34 સે.થી 48 સે. હોય છે. 2002માં મે માસમાં અહીં મહત્તમ તાપમાન 52 સે. અનુભવાયું હતું. જ્યારે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં શિયાળાનો અનુભવ થાય છે. આ સમયમાં તાપમાન 27 સે.થી 30 સે. રહે છે. ઉનાળાના અંત ભાગમાં મહત્તમ વરસાદ બંગાળના ઉપસાગરમાં નિર્માણ થતા હળવા દબાણને કારણે પડે છે.  ચક્રવાત પણ અનુભવાય છે.

આ શહેર પૂર્વ ગોદાવરી અને પશ્ચિમ ગોદાવરી જિલ્લાનું મહત્ત્વનું વ્યાપારિક કેન્દ્ર છે. અહીં વિવિધ ઔદ્યોગિક એકમો આવેલા છે. ONGC, GAILનું મુખ્ય મથક છે. ક્રિશ્ના–ગોદાવરીના મુખત્રિકોણ પ્રદેશમાંથી ખનિજતેલ મેળવવામાં આવે છે. આ ઉપરાંત અહીં કાગળ બનાવવાની વિશાળ મિલો આવેલી છે. વીજળી ઉત્પન્ન કરવાના બે મોટા એકમો આવેલા છે. રાજ્ય સરકારે આ શહેરમાં જાડીગાટલા, પલ્લાકડીઅસ, રાજનગરમ્, કડિયામ, જેગુરાપડુ જેવા વિસ્તારોમાં ઔદ્યોગિક કેન્દ્રો ઊભાં કર્યાં છે. રાજ્ય સરકાર ભવિષ્યમાં આ શહેરને ‘IT Hub’ બનાવવાનું વિચારે છે.

અહીં અનેક નર્સરીઓ આવેલી છે. જ્યાં વિવિધ પ્રકારનાં ફૂલો માટે સંશોધનો કરવામાં આવે છે. વિપુલ ફૂલોના ઉત્પાદનને કારણે રાજ્ય સરકારના મહેસૂલી વિભાગને વધુ આર્થિક લાભ મળે છે. સોના, ચાંદી અને પ્લૅટિનમ ઘરેણાં બનાવવાનો વ્યવસાય જોવા મળે છે. આ ઘરેણાંનાં વ્યાપારમાં આ શહેરને આગળ પડતું સ્થાન  મળ્યું છે.

આ શહેરના વિકાસમાં ગોદાવરી બ્રિજનો ફાળો મહત્ત્વનો છે. લંબાઈની દૃષ્ટિએ આ બ્રિજ ભારતનો ત્રીજા ક્રમે આવતો ‘Railroad Bridge’ છે. આ પુલનું નિર્માણ 1997માં થયું હતું. જ્યારે ‘Old Godavari Bridge’ (The Havelock Bridge) જે 1897માં બંધાયો હતો. જ્યારે ત્રીજો પુલ ‘Dowleswaram Cotton Barage Bridge’ અને ચોથો પુલ જે પૂર્વ ગોદાવરી અને પશ્ચિમ ગોદાવરી જિલ્લાઓને સાંકળે છે. આ શહેરમાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 16, 365 BB, 516 D, 216 A , 516 E જિલ્લા પસાર થાય છે. જ્યારે રાજ્યનાં ધોરી માર્ગો નં. 40, 41, 172 પણ રાજ્યના વિવિધ શહેરોને સાંકળે છે.

રાજહમુન્દ્રી રેલવેસ્ટેશનની આધુનિક રેલવેસ્ટેશનમાં ગણતરી થાય છે. જે દક્ષિણ મધ્ય રેલવે વિભાગમાં આવે છે. શહેર સાથે સંકળાયેલાં રેલવેસ્ટેશનોમાં ગોદાવરી, કડીયામ અને કોવીપુર છે.

આ શહેરમાં  આવેલ  આંતરિક જળમાર્ગ જે રાષ્ટ્રીય જળમાર્ગ 4 તરીકે  ઓળખાય છે.

રાજહુમુન્દ્રી હવાઈ મથક મધુરાપડી ખાતે આવેલ છે. જે રાજમહેન્દ્રવરમની ઉત્તરે આવેલ છે.

આ હવાઈ મથક બૅંગાલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ ખાતે સંકળાયેલું છે. ભવિષ્યમાં મુંબઈ અને દિલ્હીને પણ સાંકળવામાં આવશે. આ હવાઈ મથકે આવેલી હવાઈપટ્ટીની લંબાઈ 1,747 મીટર અને 3,165 મીટર છે.

આ શહેરનો વિસ્તાર 44.50 ચો.કિમી. છે અને વસ્તી 3,41,831 છે. જ્યારે મેટ્રોની વસ્તી 4,76,873 (2011) છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 972 મહિલાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ 84.28% છે. અહીં હિન્દુઓ 92.21%, મુસ્લિમ 4.21%, ક્રિશ્ચિયન 2.65%, જૈન 0.53% જ્યારે અન્ય 0.40% છે. તેલુગુ અહીંની મુખ્ય ભાષા છે. 94.12% તેલુગુ, 3.49% ઉર્દૂ ભાષા બોલનારા છે. આ શહેર વિસ્તરતું જતું હોવાથી તે 238.5 ચો.કિમી. જ્યારે મેટ્રોનો વિસ્તાર 770.73 ચો.કિમી. થવા પામ્યો છે. આ મેટ્રો વિસ્તારમાં શહેરની ફરતે આવેલાં 23 ગામડાંઓને સમાવાયાં છે. જે આજે ‘ગોદાવરી શહેર વિકાસ સત્તામંડળ’ તરીકે ઓળખાય છે. (GUDA)

અહીં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. જે સરકાર હસ્તક છે. કેટલીક ખાનગી શાળાઓ પણ આવેલી છે. જુનિયર કૉલેજો સરકાર દ્વારા સંચાલિત છે. સરકારી આર્ટ્સ કૉલેજની સ્થાપના 150 વર્ષ પહેલાં થઈ હતી. બી.એડ. ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જે ભારતની સૌથી જૂની સંસ્થા ગણાય છે. આદિકવિ નન્નાયા યુનિવર્સિટી, પોટ્ટી શ્રીરામુલુ તેલુગુ યુનિવર્સિટી, આચાર્ય એન.જી. રંગા ખેતી યુનિવર્સિટી આવેલી છે. કેન્દ્ર સરકાર હસ્તક કેટલીક સંસ્થાઓ આવેલી છે. જેમાં સેન્ટ્રલ ટોબેકો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નૅશનલ સેન્ટર ફોર ડીસીસ કન્ટ્રોલ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોલિયમ ઍન્ડ એનર્જી વગેરે આવેલી છે.

ઇતિહાસ : દક્ષિણ ભારતમાં નંદાસ અને મૌર્યનું પ્રભુત્વ હતું. તેઓની પડતી થતાં મૌર્યોએ આ પ્રદેશ ઉપર રાજ્ય કર્યું. ત્રીજી સદી સુધી હાલાએ પ્રભુત્વ સ્થાપ્યું. પાંચમી સદી સુધી વિક્રમેન્દ્રવર્મા–I એ ગાદી  મેળવી ત્યારબાદ વર્મા કુટુંબીઓએ રાજગાદી સંભાળી. સાતમી સદીમાં બદામી ચાલુક્યએ પ્રભુત્વ મેળવ્યું. 12મી સદી સુધી વિવિધ હિંદુ રાજાઓએ સત્તા સંભાળી હતી. 11મી સદીમાં સુલતાનોએ દક્ષિણનાં રાજ્યો ઉપર પ્રભુત્વ મેળવ્યું હતું. 1687માં ઔરંગઝેબે આ પ્રદેશ ઉપર જીત મેળવી હતી. 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ પ્રદેશ જીતી લીધો હતો. ત્યારબાદ બ્રિટિશરોની હકૂમત હેઠળ આ પ્રદેશ આવ્યો હતો. જે ભારત આઝાદ થયું ત્યાં સુધી તે રહ્યો હતો.

નીતિન કોઠારી

બીજલ પરમાર