પૂર્વપ્રાથમિક શિક્ષણ : અઢીથી છ વરસનાં બાળકોને પ્રાથમિક શિક્ષણની પૂર્વે અપાતું શિક્ષણ. મનુષ્યના જીવનનો આ ગાળો ખૂબ મહત્વનો છે; કારણ કે આ ગાળા દરમિયાન બાળક અપરિપક્વ બુદ્ધિવાળું હોય છે. પ્રૌઢવયે ઉપસ્થિત થતાં માનસિક સંઘર્ષો અને લાગણીનાં તોફાનો માટે બાળવયમાં પડેલા સંસ્કારો જવાબદાર હોય છે. આ ઉંમર દરમિયાન બાળકનાં સ્વાસ્થ્ય તથા માનસિક અને નૈસર્ગિક વલણોનું ઘડતર થાય છે.
પૂર્વપ્રાથમિક શિક્ષણ આપતી સંસ્થા કિન્ડરગાર્ટન, નર્સરી, મૉન્ટેસોરી, બાળમંદિર, બાળવાડી અને આંગણવાડી તરીકે ઓળખાય છે. પશ્ચિમમાં વિલ્હેમ ફ્રૉબેલ, મારિયા મૉન્ટેસોરી વગેરે તો ગુજરાતમાં ગિજુભાઈ બધેકા, તારાબહેન મોડક, જુગતરામભાઈ દવે વગેરે આ શિક્ષણપદ્ધતિના પ્રણેતા હતા.
વિદેશોમાં પૂર્વપ્રાથમિક શિક્ષણ : કિન્ડરગાર્ટન કે બાલોદ્યાન પદ્ધતિના પ્રણેતા વિલ્હેમ ફ્રૉબેલે 1837માં જર્મનીમાં સર્વપ્રથમ એક બાળમંદિર બ્લેન્કેનબર્ગ ખાતે શરૂ કર્યું. તેમણે બાલમાનસના વિકાસ માટે રમત અને રમકડાં, સંગીત, નૃત્ય, માટીકામ, કાગળકામ વગેરેને બાળકેળવણીમાં સ્થાન આપ્યું. કિન્ડરગાર્ટનમાં બાળકોને ચોથા વરસે દાખલ કરવામાં આવે છે.
ગંદા વિસ્તારમાં વસતા અને કારખાનામાં કે અન્યત્ર કામ કરતી માતાઓનાં બાળકોને શિક્ષણ માટે નર્સરીશાળાનો વિચાર યુરોપમાં ઓગણીસમી સદીમાં ઉદભવ્યો. ઇંગ્લૅન્ડમાં તેને 1918માં સ્થાન મળ્યું.
1918માં બ્યૂરો ઑવ્ એજ્યુકેશનલ એક્સપેરિમેન્ટ સંસ્થાએ ઇંગ્લૅન્ડમાં પ્રયોગ તરીકે નર્સરી શાળા શરૂ કરી. ઓવાયોની યુનિવર્સિટીએ 1921માં આવી શાળા શરૂ કર્યા પછી યુ.એસ.માં તેને સાર્વત્રિક માન્યતા મળી. બાળક મુક્ત વ્યાપાર દ્વારા વિવિધ આકારની વસ્તુઓ, રમકડાં, ચિત્રો વગેરે તથા રેતી, પાણી, માટી વગેરેનો ઉપયોગ કરી વિકાસ સાધે છે. શિક્ષણ સાથે મધ્યાહ્ન – ભોજન તથા આરામ(નિદ્રા)ને ઇંગ્લૅન્ડની નર્સરી શાળામાં સ્થાન અપાય છે.
ઇટાલીમાં મારિયા મૉન્ટેસોરી મંદબુદ્ધિનાં બાળકોના પ્રશ્ર્નો સાથે સંકળાયેલાં હતાં. તેમની શિક્ષણ-પદ્ધતિમાં ગણિતની શક્તિ કેળવવા વિવિધ કદના મણકા, લાકડાના દટ્ટા, સ્નાયુ કેળવવા વિવિધ કદના વ્યાયામયોગ્ય નળાકારો વગેરેનો ઉપયોગ થાય છે. ભારતનાં વિવિધ રાજ્યોમાં 1940-1948 દરમિયાન મેડમ મૉન્ટેસોરીએ ટૂંકા ગાળાના વર્ગો દ્વારા આ પદ્ધતિનું શિક્ષણ આપ્યું. ગુજરાતમાં ગિજુભાઈએ આ પદ્ધતિનો પ્રચાર કર્યો.
ગુજરાતમાં પૂર્વપ્રાથમિક શિક્ષણ : ગુજરાતમાં વડોદરા રાજ્યે કિન્ડરગાર્ટન પદ્ધતિનાં બાળમંદિરો પાટણ, મહેસાણા, સિદ્ધપુર, કડી, અમરેલી, દ્વારકા, વડોદરા, નવસારી વગેરે શહેરોમાં શરૂ કર્યાં. તે અંગે ભાનુશંકર મહેતા તથા અન્ય લેખકો દ્વારા ગુજરાતીમાં પુસ્તકો પણ તૈયાર કરાવ્યાં.
મૉન્ટેસોરી પદ્ધતિનાં બાળમંદિરના પ્રારંભિક પ્રચારકો સરલાદેવી સારાભાઈ, દરબાર ગોપાળદાસ અને મોતીભાઈ અમીન હતાં. ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ના આ અંગેના લેખનો અભ્યાસ કરી મોતીભાઈ અમીને વસોમાં આ પદ્ધતિનું બાળમંદિર 1905માં શરૂ કર્યું. ગિજુભાઈ તેમના પુત્રના શિક્ષણ માટે ચિંતિત હતા. તેમણે આ પદ્ધતિનો અભ્યાસ કરી 1920માં ભાવનગરમાં ‘ટેકરીનું બાળમંદિર’ શરૂ કર્યું. ગિજુભાઈ વકીલ મટીને કેળવણીકાર થયા. 1922માં તારાબહેન મોડક રાજકોટના કન્યાઓ માટેના અધ્યાપનમંદિર(બાર્ટન કૉલેજ)નું અચાર્યાપદ છોડીને ગિજુભાઈ સાથે જોડાયાં. શિક્ષકોની તાલીમ માટે તેમણે શરૂઆતમાં વર્ગ અને ત્યારબાદ અધ્યાપનમંદિર શરૂ કર્યું.
1940માં પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં રસ લેતા કાર્યકરોની પરિષદ ભરાઈ. અહીં જુગતરામભાઈએ બાળવાડીનો વિચાર રજૂ કર્યો. 1944માં બોરડી ખાતે ‘બાળશિક્ષણકેન્દ્ર’ની તારાબહેને સ્થાપના કરી. જુગતરામભાઈએ પૂર્વ-બુનિયાદી શિક્ષણનો વિચાર રજૂ કરી, માતા જ બાળશિક્ષણનું કામ કરી શકે તે વાત ઉપર ભાર મૂક્યો. 4થી 6 વયજૂથનાં બાળકોને બાળવાડીમાં દાખલ કરવામાં આવે છે. રમતગમત, માટીકામ, સંગીત, ચિત્રકામ વગેરેને તેમાં સ્થાન છે. બાળવાડી બાળકોના ઘર નજીક હોવી જોઈએ, એવું મંતવ્ય પણ જુગતરામભાઈએ રજૂ કર્યું. સમાજકલ્યાણ ખાતું આવી બાળવાડીઓના સંચાલનનું નિયમન કરે છે અને તેમને અનુદાન આપે છે.
ગુજરાતમાં 1984-85 દરમિયાન 1103 બાળમંદિરોમાં 1,31,762 બાળકો હતાં. 199495માં બાળમંદિરોની સંખ્યા વધીને 2450 થઈ હતી અને તેમાં 1,61,888 બાળકો હતાં. ગ્રામવિસ્તારનાં બાળમંદિરોને પ્રાથમિક શિક્ષણાધિકારી કુલ ખર્ચના પ્રમાણે આપે છે. શહેરી વિસ્તારનાં બાળમંદિરોને એ રીતે અનુદાન અપાતું નથી, પણ નગરપાલિકા, મહાનગરપાલિકા દ્વારા અનુદાન અપાય છે.
ગ્રામવિસ્તારમાં પૂર્વપ્રાથમિક શિક્ષણ : બાળમંદિરનો લાભ સામાન્ય રીતે શહેરો અને મોટાં ગામો લે છે. ગ્રામવિસ્તારો, શહેરની ઝૂંપડપટ્ટી તથા આદિવાસી વિસ્તારમાં પૂર્વપ્રાથમિક શિક્ષણનો લાભ બાળકોને મળે તે માટે બાળવાડી અને આંગણવાડીની વ્યવસ્થા કરવામાં આવી છે. મજૂર વિસ્તારોમાં પણ બાળવાડી ખોલાય છે. રમતગમત, સ્વચ્છતા, ગીતનું ગાન, વાર્તાકથન વગેરે ઉપર લક્ષ અપાય છે. બાળકોનાં સ્વાસ્થ્ય, સ્વચ્છતા, સુટેવોનું ઘડતર વગેરે માટે બાળવાડી અને આંગણવાડી પર ભાર મુકાયો છે. બાળકોનાં સંવર્ધન, પોષણ, દેખરેખ અને સંભાળની તાલીમ આપવાના હેતુથી આંગણવાડીનો પ્રયોગ હાથ ધરાયો છે. લોકો જ્યાં રહેતા હોય તે જગ્યાએ તે શરૂ કરાય છે અને 3થી 5 વરસનાં બાળકોને તેમાં દાખલ કરાય છે. રમતગમત, ગીતગાન, વાર્તાકથન તથા કાગળકામ અને માટીકામ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓનું તેમાં મહત્વનું સ્થાન હોય છે. તેમાં શિક્ષણકાર્ય માટે ઘણું કરીને બહેનોને પસંદ કરવામાં આવે છે.
શિવપ્રસાદ રાજગોર