પૂર્વના ખ્રિસ્તી સંપ્રદાયો

January, 1999

પૂર્વના ખ્રિસ્તી સંપ્રદાયો : પ્રાચીન રોમન સામ્રાજ્યના પૂર્વ વિસ્તારના ખ્રિસ્તીઓના ધર્મપંથો. ચારેક સૈકા સુધી એક અને અખંડ ધર્મ તરીકે રહેલ ખ્રિસ્તી ધર્મમાં એના એક યા બીજા પાસાને વધુ પડતું મહત્વ અપાતાં વિવાદો શરૂ થયા. નેસ્તોરવાદ, એકાત્મવાદ યા અભિન્નવાદ તેમજ રોમ અને કૉન્સ્ટંટિનોપલ વચ્ચેના વિવાદોથી ઊભું થયેલું વૈમનસ્ય – એ સૌને કારણે જુદા જુદા સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા.

પૂર્વના ખ્રિસ્તી સંપ્રદાયો એ કોઈ એક જૂથને માટે વપરાતો શબ્દપ્રયોગ નથી. એમાં નેસ્તોરપંથ, એકાત્મવાદ (monophyrite), સનાતની (orthodox), કૅથલિક એકત્વવાદી પંથ (uniyets) અને સુધારાવાદી પંથ (પ્રોટેસ્ટંટ) – એમ પાંચેક જૂથોનો સમાવેશ થાય છે.

ખ્રિસ્તી ધર્મ પ્રમાણે પ્રભુ ઈસુ ઈશ્વરના અવતાર લેખે માનવ રૂપે આવેલ સાક્ષાત્ ઈશ્વર છે અને સાથોસાથ પૂર્ણ પુરુષોત્તમ પણ છે. આ બંનેનું અદ્વૈત સમજાવવાની મુશ્કેલીને કારણે માનવ યા ઈશ્વર-સ્વરૂપને વધુ પડતું મહત્વ આપવાને કારણે જુદા જુદા સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા. નેસ્તોર નામના ધર્મગુરુએ પ્રભુ ઈસુના માનવસ્વરૂપને એટલું તો મહત્વ આપ્યું કે એમનું દૈવી સ્વરૂપ લગભગ વીસરાઈ ગયું. ઈસુના માનવી સ્વરૂપને મહત્વ આપતો આ સંપ્રદાય તે નેસ્તોરિયન સંપ્રદાય. ભારત, ચીન અને મૉંગોલિયા સુધી ફેલાયેલો આ સંપ્રદાય હાલ માત્ર ઇરાક અને ભારતમાં માંડ 75,000 ભક્તો પૂરતો સીમિત છે.

આ આત્યંતિક વલણનો વિરોધ કરવામાં વળી પાછું બીજું આત્યંતિક વલણ અપનાવવામાં આવ્યું અને પ્રભુ ઈસુના દૈવી સ્વરૂપ પર વધુ પડતો ઝોક આપવામાં આવ્યો. આ સંપ્રદાય તે એકાત્મવાદ. ઇજિપ્તનો કૉપ્ટિક પંથ, ઇથિયોપિયાનો પંથ, પશ્ચિમ સીરિયાનો મુખ્યત્વે ભારતમાં આવેલ પંથ અને આર્મેનિયાનો પંથ – એ સૌ આ વિભાગમાં આવે. આ પંથોના ભક્તોની સંખ્યા દોઢ કરોડ જેટલી છે.

કૉન્સ્ટંટિનોપલ, ઍલેક્ઝાન્ડ્રિયા, અંત્યોખ અને જેરૂસલેમની પ્રાચીન ધર્મપીઠોમાં ફેલાયેલો અને હાલમાં ગ્રીસ, રશિયા, રુમાનિયા, યુગોસ્લાવિયા, બલ્ગેરિયા જેવા દેશોમાં પ્રચલિત સનાતની પંથ નવ કરોડની ભક્તસંખ્યા ધરાવે છે. આ પંથના ભક્તો રોમની ધર્મપીઠના વડા ધર્મગુરુને સર્વોચ્ચ વડા તરીકે સ્વીકારતા નથી. એ સિવાય ધર્મસિદ્ધાંતોની બાબતમાં એ પશ્ચિમી કૅથલિક સંપ્રદાયથી મૂળભૂત રીતે કોઈ ખાસ ભેદ ધરાવતો નથી.

ભારતમાં ખ્રિસ્તી ધર્મનાં મંગલાચરણ પ્રભુ ઈસુના જ અંતેવાસી શિષ્ય સંત ટૉમસે કર્યા એમ મનાય છે. એ રીતે કેરળના ખ્રિસ્તી સંઘો પૂર્વના ખ્રિસ્તી સંપ્રદાયોમાં આવે. કેરળનો ખ્રિસ્તી સંઘ પારસ યા ઈરાનના સંઘ પર આધારિત હતો. એમની ધર્મની વિધિઓ સીરિયાક ભાષામાં થતી હોવાથી એમને સીરિયન ખ્રિસ્તીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.

પંદરમી સદીમાં ફિરંગીઓના આગમન પછી કેરળના ખ્રિસ્તી સંઘોને પશ્ચિમના રોમન કૅથલિક સંઘ સાથે જોડવાના પ્રયત્નો થયા. કેરળના જે સંઘો રોમન કૅથલિક સંઘમાં ભળી ગયા એમણે સીરિયન ધર્મવિધિઓ ચાલુ રાખી. આ સંઘ સિરોમલબાર સંઘ તરીકે ઓળખાય છે. આ સંઘ હવે ધર્મવિધિઓમાં મલયાળમ ભાષાનો જ પ્રયોગ કરે છે.

જે ભક્તો ફિરંગીઓના દબાણને વશ ન થતાં પોતાના અસલ સંપ્રદાયમાં જ ચાલુ રહ્યા તેમનો સંઘ જેકોબાઇટ સંઘ તરીકે ઓળખાય છે.

એ પછી 1930માં આ જેકોબાઇટ સંઘનો એક ભાગ રોમન કૅથલિક સંઘ સાથે ભળી ગયો. સીરિયન વિધિવિધાનો માન્ય રાખતો આ સંઘ સિરોમલંકાર સંઘને નામે ઓળખાય છે.

આમ પ્રભુ ઈસુ-પ્રબોધિત ને એમના પ્રેષિતોને નામે ઓળખાતા એમના અંતેવાસી શિષ્યો દ્વારા પ્રસરેલો ખ્રિસ્તી ધર્મ, મૂળભૂત રીતે એક જ ધર્મ હોવા છતાં, એમાં એ શ્રદ્ધાની સમજ આપવાની રીતો, વિધિવિધાનો, ધર્મસંઘોનું બાહ્ય માળખું વગેરે બાબતોમાં જુદા પડતા સંઘોના કારણે જુદા જુદા સંપ્રદાયોમાં વહેંચાયેલો છે. આ સૌ સંઘો એક જ બને ને એકીઅવાજે એક જ ખ્રિસ્તની સાક્ષી પૂરે એ માટે સતત પ્રયત્નો ચાલુ છે.

ફ્રાન્સિસ પરમાર