પૂયરોધકો અને ચેપરોધકો (antiseptics and disinfectants)

January, 1999

પૂયરોધકો અને ચેપરોધકો (antiseptics and disinfectants)

સૂક્ષ્મજીવોને મારતાં કે તેમની સંખ્યાવૃદ્ધિ અટકાવતાં દ્રવ્યો તે પૂયરોધકો અને સૂક્ષ્મજીવોને મારીને ચેપ લાગતો અટકાવતાં દ્રવ્યો તે ચેપરોધકો. પૂયરોધકો સજીવ પેશી પર લગાડવામાં આવતાં દ્રવ્યો છે. ચેપરોધકો નિર્જીવ પદાર્થ પર લગાવાય છે, જેથી તેના સંસર્ગમાં આવવા છતાં ચેપ લાગતો નથી. નિર્જીવ પદાર્થોને સર્વસૂક્ષ્મજીવમુક્ત (sterilized) કરતા દ્રવ્યને સર્વસૂક્ષ્મજીવમુક્તક (sterilizer) કહે છે, જે જે તે પદાર્થ સાથે સંકળાયેલા બધા જ સૂક્ષ્મજીવોનો નાશ કરે છે; જ્યારે સફાઈકારક(sanitizer) દ્રવ્ય આરોગ્યલક્ષી જાહેર સફાઈની જે ગુણવત્તા નક્કી કરાઈ હોય તેટલા પ્રમાણમાં સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. સૂક્ષ્મજીવ મુક્તક બધા જ સૂક્ષ્મજીવોનો નાશ કરતો હોવાથી તેને સર્વસૂક્ષ્મજીવ-નાશક (sterilizer) પણ કહે છે. સૂક્ષ્મજીવમુક્તક અને સફાઈકારક દ્રવ્યો ચેપનાશકોના પ્રકારો ગણાય છે. સૂક્ષ્મજીવનાશક (germicide) એક સર્વગ્રાહી સંજ્ઞા છે જે સજીવપેશી કે નિર્જીવ પદાર્થ સાથે સંકળાયેલા સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો પ્રમાણે સૂક્ષ્મજીવનાશકના વિવિધ પ્રકારો છે; જેમ કે, જીવાણુનાશક (bactericide), ફૂગનાશક (fungicide), વિષાણુનાશક (virucide), અમીબાનાશક (amoebicide) વગેરે. સૂક્ષ્મજીવોનો નાશ કરવા માટે વપરાતાં દ્રવ્યોનું વર્ગીકરણ આકૃતિ 1 મુજબ છે.

વિશ્વમાં સૌથી વધુ વપરાતા ઔષધજૂથ તરીકે આ જૂથ આવે છે. સૂક્ષ્મજીવોને કારણે ઘણા રોગો થાય છે એવી સંકલ્પનાને સ્વીકારતાં તબીબી વ્યવસાયને ઘણો સમય લાગ્યો હતો; પણ હાલ તો સામાન્ય માણસ પણ તે સહેજે સ્વીકારે છે. સામાન્ય માણસને સૂક્ષ્મજીવોને કારણે ઘણા રોગો થાય છે એવી સંકલ્પના સ્વીકારવાનો અતિઉત્સાહ અમુક અંશે તેની અજ્ઞાનતામાંથી પણ પ્રગટે છે. તેને કારણે આવાં દ્રવ્યોનું ઉત્પાદન અને વેપાર કરતા લોકો જાહેરાતો પાછળ પુષ્કળ નાણાં ખર્ચીને તેનો ફાયદો પણ ઉઠાવે છે. ઘણા પ્રચલિત ચેપરોધકો તેમના વપરાશના પ્રમાણમાં ઓછા અસરકારક પણ હોય છે તે વાત નોંધવાલાયક છે. તેમનો વૈજ્ઞાનિક ઉપયોગ કરવાને બદલે એક રૂઢિની રીતે ઉપયોગ કરવાથી ક્યારેક તે જોખમી પણ નીવડી શકે છે. અતિશય પ્રચાર પામેલા ઘણા ચેપરોધકો વધુ પડતા ખર્ચાળ પણ નીવડે છે. વ્યાપારી જાહેરાતો એક પ્રકારનો સૂક્ષ્મજીવભયવિકાર (germophobia) પણ સર્જે છે. જોકે કેટલાક ચેપરોધકોનો ઘર અને હૉસ્પિટલની સફાઈમાં ઉપયોગ કરવો જરૂરી પણ છે.

આકૃતિ 1

સ્થાનિક ચેપ લાગેલો હોય ત્યારે પૂયરોધકો ઉપયોગી છે. આ એમનો સારવારલક્ષી ઉપયોગ છે અને તેથી તે અમુક અંશે વૈજ્ઞાનિક પણ છે. હાલ તેમનો ઉપયોગ નવી ઍન્ટિબાયૉટિક દવાઓની શોધોને કારણે ઘટ્યો છે.

ઇતિહાસ : પાશ્ચર અને રૉબર્ટ કોકના વૈજ્ઞાનિક પ્રયોગોએ સૂક્ષ્મજીવોની રોગકારકતા સાબિત કરી તે પહેલાં ઘણા સમયથી ઘા પાકી ન જાય તે માટે તથા ચેપી (સંક્રામક, infectious) રોગોનો ફેલાવો ઘટાડી શકાય તે માટે રસાયણો વપરાતાં હતાં. તેઓ આદિકાળના સૂક્ષ્મજીવનાશકો હતા. આયુર્વેદમાં શસ્ત્રક્રિયા પછીના ઘાને રૂઝવવામાં વપરાતાં ઔષધોમાં મધનો ઉપયોગ આ જ કારણસર કરાતો હતો. હિપોક્રેટસના જમાનામાં દારૂ કે વિનેગારની મદદથી ઘામાં પરું થતું અટકાવાતું હતું. પૌરાણિક કાળમાં ભારતીયો તથા ઇજિપ્તવાસીઓ પણ વિવિધ પ્રકારના તેજાના (spices), વનસ્પતિ – તેલ તથા ગુંદર(gum)ને પરિરક્ષકો (preservative) તરીકે ઉપયોગમાં લેતા હતા. ઇજિપ્તમાં જોવા મળતા શુષ્ક મૃતદેહ(mummy)માં આ દ્રવ્યો વપરાતાં હતાં. ધાન્યના દાણાના પરિરક્ષણ માટે ભારતમાં દિવેલનો ઉપયોગ થાય છે. ભારતમાં પીવાના પાણી માટે તાંબાના પાત્રનો ઉપયોગ કરાતો હતો. પર્શિયામાં એક કાયદા દ્વારા પીવાનું પાણી ચળકતા તાંબાના પાત્રમાં જ ભરવું જરૂરી કરાયેલું હતું. ખોરાકને ક્ષારીકરણ (salting) કે ધૂમ્રીકરણ (smoking) દ્વારા સંગ્રહવાનું આદિકાળથી ચાલ્યું આવે છે.

આયોડિન અને અન્ય રસાયણોનો ઉપયોગ ઓગણીસમી સદીથી શરૂ થયો. ક્લોરિનમાં સૂક્ષ્મજીવનાશન સાથે દુર્ગંધનિવારક (deoderant)નો પણ ગુણધર્મ છે માટે તેનો વપરાશ વધુ થાય છે. વિયેનાના ક્રેન્કેનહૉસે દર્શાવ્યું કે ક્લોરિનવાળા ચૂનાના પાણીથી હાથ ધોયા પછી પ્રસૂતિ કરાવાય તો ચેપ લાગવાનો ભય 11.4 %થી ઘટીને 1.27 % થાય છે. લિસ્ટર દ્વારા પ્રચાર પામેલી સૂક્ષ્મજીવરહિત (aseptic) શસ્ત્રક્રિયામાં ચામડીનું ચેપરોધન (disinfection) મહત્વનું ગણવામાં આવેલું છે. ચામડીની ચેપરોધનક્રિયામાં દર્દીની જ્યાં શસ્ત્રક્રિયા કરવાની હોય તે ચામડી તથા સર્જ્યનના હાથની ચામડીનો સમાવેશ થાય છે. તેણે શસ્ત્રક્રિયામાં વપરાતાં સાધનો અને અન્ય પદાર્થો (દા.ત., દોરો) પણ ચેપરોધિત (disinfected) કરાયેલાં હોવાં જોઈએ તેવું દર્શાવ્યું હતું. હૉસ્પિટલ અને ખાસ કરીને શસ્ત્રક્રિયાકક્ષ(operation theatre)નું વાતાવરણ પણ સૂક્ષ્મજીવ વગરનું બને તેનું મહત્વ પણ તેણે દર્શાવ્યું હતું. આ સમયગાળામાં વાસણો અને પાત્રોનું ચેપરોધન મહત્વનું ગણાતું થયું.

આદર્શ સૂક્ષ્મજીવનાશકના ગુણધર્મો : તેમને બે ભાગમાં વહેંચી શકાય : (1) આદર્શ ચેપરોધકના ગુણધર્મો અને (2) આદર્શ પૂયરોધકના ગુણધર્મો. બંનેની સૂક્ષ્મજીવનાશનની ક્ષમતા ઘણી વધુ હોવી જરૂરી છે અને તેમનો અસરકારકતા-પટ (spectrum of activity) વિશાળ હોય તો તે ઘણાબધા અથવા તો બધા જ મહત્વના રોગકર્તા સૂક્ષ્મજીવોનો નાશ કરી શકે. આદર્શ ચેપરોધક તત્કાલ અસરકારક હોવો જોઈએ અને તે ખૂણા, ખાડા, તિરાડો કે સેન્દ્રિય (organic) પડની નીચે પણ પ્રવેશી શકે એવો જોઈએ. તે સાબુનો સહસંગક (compatible) હોવો જોઈએ. તે દરેક ભૌતિક કે રાસાયણિક પરિસ્થિતિમાં સ્થિર અને ક્રિયાશીલ હોવો જોઈએ તથા તે સાધનોને કાટ ચઢાવતો, રંગના ડાઘા આપતો કે દુર્ગંધ મારતો ન હોવો જોઈએ. વળી તે મોંઘો પણ ન હોવો જોઈએ. આદર્શ પૂયરોધક ઔષધ સૂક્ષ્મજીવનાશક (germicidal) હોવું જોઈએ પણ સૂક્ષ્મજીવદાબક (germistatic) ન હોવું જોઈએ. સૂક્ષ્મજીવોનો નાશ કરવાને બદલે તેમની સંખ્યાવૃદ્ધિ થતી અટકાવે કે તેમની રાસાયણિક પ્રક્રિયાઓને અટકાવીને તેમને નિષ્ક્રિય કરે તેવાં ઔષધોને સૂક્ષ્મજીવદાબકો કહે છે. આવાં ઔષધોની અસર પૂરી થાય એટલે સૂક્ષ્મજીવો ફરીથી સક્રિય બને છે. માટે આદર્શ પૂયરોધક કે ચેપરોધક સૂક્ષ્મજીવદાબકને બદલે સૂક્ષ્મજીવનાશક હોવો જરૂરી ગણાય છે. સ્થાનિક ઉપયોગમાં લેવાતાં આ ઔષધોનું પૃષ્ઠતાણ (surface tension) ઓછું હોવું જોઈએ અને તે શરીરના વિવિધ પ્રવાહીઓની હાજરીમાં પણ સક્રિય રહેવું જોઈએ. તેની અસર ઝડપી અને લાંબા ગાળા સુધી ટકી રહેતી હોવી જોઈએ. તેની ઝેરી અસર ઓછી હોવી જોઈએ અને તેની લાભકારક અને ઝેરી અસર માટેની જરૂરી માત્રા (dose) વચ્ચે ઘણું અંતર હોવું જોઈએ. આવા અંતરને ચિકિત્સીય સુરક્ષાંક (therapeutic index) કહે છે. આ ઉપરાંત આ દ્રવ્યોની ઍલર્જીકારકતા પણ ઓછી હોવી જોઈએ.

વિવિધ વૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા ચેપરોધકો અને પૂયરોધકોની ક્ષમતા જાણી શકાય છે. જીવાણુઓ અને સૂક્ષ્મજીવોના સંવર્ધન (culture) કરવાનો ક્રિયાકલાપ (technique) શોધાયા પછી સૂક્ષ્મજીવનાશનની ક્ષમતા જાણવાની વિવિધ બહિર્દેહી (in vitro) કસોટીઓ શોધાઈ છે. 1903માં સૌપ્રથમ રિડિયલ અને વૉકરે ફિનૉલ માટે શોધેલી કસોટીને ફિનૉલ સહક્ષમતાંક કસોટી (pheno co-efficient test) કહે છે. તેમાં અનેક સુધારા થયા અને હાલ તે પ્રકારની અનેક કસોટીઓ ઉપલબ્ધ છે. આવી પદ્ધતિઓ મુખ્યત્વે ચેપરોધનની ક્ષમતા દર્શાવે છે. પૂયરોધન માટેની કસોટીઓ પણ વિવિધ પ્રકારની છે. તેઓ ખુલ્લા ઘાવમાં ચેપ લાગતો અટકાવવાની ક્ષમતા શોધવાનો પ્રયત્ન કરે છે.

સારણી 1 : પૂયરોધકો અને ચેપરોધકોનું વર્ગીકરણ

જૂથ ઉદાહરણ
1. ફિનૉલ, ક્રેસૉલ, રેસૉર્સિનૉલ અને અન્ય સંયોજનો ફિનૉલ. અવેજીઘટકયુક્ત (substituted) ફીનૉલ્સ : ક્રેસૉલ, ક્રિયૉસોટ, રેસૉર્સિનૉલ, ક્રિથાયમોલ, પિક્રિક ઍસિડ, પૅરાક્લૉરોફીનૉ, ડામરજૂથ, હેક્સાક્લૉરોફિન
2. દારૂ વિવિધ પ્રકારના આલ્કોહૉલ
3. આલ્ડિહાઇડ ફૉર્માલ્ડિહાઇડ, મિથેનેમાઇન
4. ઍસિડ (અમ્લ) અસેન્દ્રિય ઍસિડ, બેન્ઝોઇક ઍસિડ, પૅરાએન્સ, એસિટિક ઍસિડ, બોરિક ઍસિડ, સૅલિસિલિક ઍસિડ, મૅન્ડેલિક ઍસિડ, મિથેનેમાઇન મૅન્ડેલેટ, મિથેનેમાઇન હિપ્યુરેટ, નેલિડિક્સિક ઍસિડ, મંદામ્લો
5. હેલોજન અને હેલોજનયુક્ત સંયોજનો આયોડીન, આયોડિફોર્મ, આયાડોફૉર, ક્લૉરિન સોડિયમ હાય પોક્લૉરાઇટ, ક્લોરિનયુક્ત ચૂનો, ક્લોરેમાઇન્સ
6. ઑક્સિકારી દ્રવ્યો પેરૉક્સાઇડ્ઝ, પરમૅંગેનેટ્સ, પોટૅશિયમ ક્લોરેટ
7. ભારે ધાતુઓ અને તેમના ક્ષારો મર્ક્યુરિક ક્લોરાઇડ, પારાનાં અદ્રાવ્ય  સંયોજનો, પારાનાં સેન્દ્રિય સંયોજનો,  સિલ્વર નાઇટ્રેટ, સિલ્વર લૅક્ટેાટ, સિલ્વર પિક્રેટ, સિલ્વરયુક્ત પ્રોટીન, સિલ્વર હેલાઇડ, જસતના ક્ષારો, જસત ઑક્સાઇડ, ઝિંક સ્ટિયરેટ, તાંબું, કૉપર સલ્ફેટ
8. સપાટી-સક્રિય દ્રવ્યો બેન્ઝાયલકોનિયમ ક્લોરાઇડ, બેન્ઝેથોનિયમ ક્લોરાઇડ સેટાયલ પાયરિડિનિયમ ક્લૉરાઇડ, મિથાયલ બેન્ઝેથોનિયમ ક્લોરાઇડ
9. ફ્યુરાન સંયોજનો નાઇટ્રોફ્યુરેન્ટોઇન, નાઇટ્રોફ્યુરેઝોન, ફ્યુરાઝોલિડોન, નિફ્યુરોક્ઝાઇમ
10. રંગો (dyes) એઝોજૂથના રંગો  ઇવાન્સ બ્લૂ, ફેનાઝોપાયરિડીન; એફ્રિડિન રંગ; ફ્લોરેસિન રંગ; ફેનોફ્થેલિન રંગો ફિનૉલ સલ્ફોન્થેલિન ટ્રાયફિનાયલ મિથેન રંગો  જેન્શ્યન વાયોલેટ, મિથિલિન બ્લૂ
11. પ્રકીર્ણ સલ્ફર, સલ્ફર ડાયૉકસાઇડ, ઇક્થેમોલ, ક્રિસેરોબિન, એન્થ્રાલિન, બાલ્સમ્સ

શરીરની અંદર પ્રવેશીને કાર્ય કરતી ઍન્ટિબાયૉટિક દવાઓના હાલના યુગમાં બહારથી દવા ચોપડીને કરાતું પૂયરોધન પાછળ પડી ગયેલું છે. શરીરમાં પ્રવેશતી દવાઓ લોહી દ્વારા વ્યાપક રૂપે પ્રસરે છે અને તેથી તે સ્થાનિક પૂયરોધકો કરતાં વધુ અસરકારક રહે છે. કેટલાક સ્થાનિક ચેપ પર વિશાળ અસરકારકતા-પટવાળી ઍન્ટિબાયૉટિક દવાઓની અસર થતી નથી. તેવા સંજોગોમાં સ્થાનિક પૂયરોધકો હજુ પણ ઉપયોગી થાય છે. જોકે હાલ શરીરમાં પ્રવેશીને કામ કરતી ઘણી ઍન્ટિબાયૉટિક દવાઓનાં આંખ-કાન માટેનાં ટીપાં કે ચામડી પર ચોપડવાના મલમ મળે છે, જે પૂયરોધનનું કાર્ય કરે છે. કેટલાક પૂયરોધકોને શરીરમાં પ્રવેશ આપીને મૂત્રમાર્ગમાં પહોંચાડાય છે. તેને મૂત્રમાર્ગી પૂયરોધકો (urinary antiseptics) કહે છે. તેઓ મૂત્રમાર્ગમાં સ્થાનિક પૂયરોધન કરીને ત્યાંનો ચેપ અટકાવે છે કે મટાડે છે.

રાસાયણિક વર્ગીકરણ : વિવિધ પ્રકારનાં રસાયણો પૂયરોધકો કે ચેપરોધકો તરીકે વપરાય છે. તેથી તેમનું વર્ગીકરણ કરવું જરૂરી બને છે. સારણી 1માં તેમનું વર્ગીકરણ દર્શાવેલું છે તથા સારણી 2માં કેટલાક વધુ વપરાશના ચેપરોધકો અને પૂયરોધકો દર્શાવ્યા છે.

(1) ફિનૉલજૂથ : લિસ્ટરે 1867માં ફિનૉલ(કાર્બોલિક ઍસિડ)ની સૂક્ષ્મજીવનાશકતા દર્શાવી હતી. હાલ ફિનૉલનો કોઈ ખાસ ચિકિત્સીય ઉપયોગ નથી, પરંતુ તેનાં કેટલાંક ઓછાં ઝેરી સંયોજનો હાલ વપરાશમાં છે. ફિનૉલ પ્રોટીનના અણુને વિકૃત કરીને સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. તે પેશીમાં ઊંડે સુધી ઊતરે છે. તે રંગવિહીન સ્ફટિકો રૂપે મળે છે અને તેનું પ્રવાહી સ્વરૂપ બનાવવા માટે તેને 10 % નિસ્યંદિત પાણી સાથે ભેળવાય છે. તે ક્ષારક (corrosive) પ્રકારનું ઝેર છે. ફિનૉલ્સ અને ક્રેસલ કોલસીડામરમાંથી મળે છે. તે બધા પ્રકારના જીવાણુઓનો નાશ કરે છે, પરંતુ તેમના બીજાણુઓ (spores) પર તેમની ખાસ અસર નથી. તેમનાં હેલોજનવાળાં સંયોજનો ફૂગનો નાશ કરે છે. મેદના આવરણવાળા વિષાણુઓનો તે નાશ કરે છે, પરંતુ આવરણ વગરના વિષાણુઓ પર તેમની અસર નથી. તે શ્યામ અને શ્વેત એ બે પ્રકારનાં પ્રવાહી રૂપે મળે છે જેમાંનું શ્વેતપ્રવાહીરૂપ વધુ સ્થિર પ્રકારનું હોય છે.

અવેજીઘટકયુક્ત ફિનૉલસંયોજનો (substituted phenols) રૂપે ઘણાં રસાયણો ઉપલબ્ધ છે. ક્રેસૉલ જૂથમાં 3 સમગુણક (isomers) દ્રવ્યો મળે છે. ઑર્થો-, મેટા- અને પૅરાક્રેસલ. સામાન્ય રીતે ત્રણ સમગુણકોનું મિશ્રણ ઉપલબ્ધ હોય છે. તે ક્ષયના જીવાણુ સહિત અનેક જીવાણુઓનો નાશ કરે છે. તેનું સાબુનીકૃત (saponated) દ્રાવણ બજારમાં ઉપલબ્ધ છે. તેને વપરાશમાં લેવાયેલી અનેક વસ્તુઓના ચેપરોધન માટે ઉપયોગમાં લેવાય છે. કફ, મળ, પેશાબ તથા ઊલટી જેવા ઉત્સર્ગદ્રવ્યો(excrement)ના ચેપરોધન માટે તે સૌથી વધુ ઉપયોગી છે. તેનું 2 % દ્રાવણ હાથ ધોવા માટે અને 0.5 % દ્રાવણ યોનિશોધન (vaginal douche) તરીકે પણ ક્યારેક વપરાય છે. તેનું ગ્યુએઇકોલ સાથેનું મિશ્રણ કિયોસોટ કહેવાય છે અને તે લાકડાના પરિરક્ષણ માટે ઉપયોગી છે.

રેસૉર્સિનૉલ જીવાણુ તથા ફૂગનો નાશ કરે છે. તેનો કેટલાક ચામડીના રોગોની સારવારમાં અગાઉ ઉપયોગ થતો હતો. હાલ પણ દાદર, ખરજવું, સોરિયાસિસ વગેરે રોગો માટેના મલમ રૂપે વ્યાપારિક ધોરણે મળતી કેટલીક બનાવટોમાં તે જોવા મળે છે. હેક્સાયલ રેસૉર્સિનૉલ સર્વગ્રાહી પૂયરોધક તરીકે તથા કૃમિનાશક તરીકે વપરાય છે.

થાયમોલ પણ એક પ્રકારનું ફિનૉલજૂથનું દ્રવ્ય છે. તે મુખ્યત્વે ફૂગનાશક તરીકે કાર્ય કરે છે. પિક્રિક ઍસિડ એક પ્રકારનું પૂયરોધક અને ચામડીને બહેરી કરનારું દ્રવ્ય છે. તેને મોં વાટે લેવામાં આવે ત્યારે તે ભારે દાહક ઝેર તરીકે કાર્ય કરે છે. પિક્રિક ઍસિડનું શાસ્ત્રીય નામ ટ્રાયનાઇટ્રોફિનૉલ છે. હાલ તેનો પૂયરોધક તરીકે ખાસ ઉપયોગ થતો નથી.

સારણી 2 : બજારમાં ઉપલબ્ધ કેટલાક ચેપરોધકો કે પૂયરોધકો

ચેપરોધક સાંદ્રતા વ્યાપારિક નામો
1 2 3
1. આયોડિનનું પાણીમાં દ્રાવણ (ચેપનાશક) 1 % w/v ઓપેડિન
2. ક્લૉરહેક્ઝિડિન ગ્લુકોનેટ હાથને ઘસીને સાફ કરવા માટે – હસ્તીય ઘર્ષશોધન (hand scrub) 4 % w/v એસેપ્ટિક, હેક્સિસ્રાવ,

માઇક્રોશિલ્ડ-4

3. ક્લૉરહેક્ઝિડિન ગ્લુકોનેટ 7.5 % v/v એસેપ્ટિક એચ.સી. હેક્સિસિટા, માઇક્રોશિલ્ડ ઍન્ટિસેપ્ટિક કૉન્સન્ટ્રેટ

ન્યૂ વ્લોન હૉસ્પિટલ  કૉન્સન્ટ્રેટ

સેટ્રિમૉલ દ્રાવણ આઇસો 15 % w/v
પ્રોપાયલ આલ્કોહૉલ (હૉસ્પિટલ વપરાશ માટે) 7 %
4. ક્લૉરહેક્ઝિડિન ગ્લુકોનેટ I.P. 1.5 % v/v આઇટેલ-3 એસેપ્ટિક
સ્ટ્રાગ સેટ્રિમૉલ દ્રાવણ, 3 % v/v એલ.એ. સિટાલૉન,
આઇસોપ્રોપાયલ આલ્કોહૉલ

(ઘરવપરાશ માટે)

4 % w/v માઇક્રોશિલ્ડ, ન્યૂ વ્લોન
5. ક્લૉરોઝાયલીન ટર્પિનિઓલ 4.8 % w/v ડેટૉલ (દ્રાવણ)
પૂર્ણ આલ્કોહૉલ 91 % v/v
(ચેપરોધક, પૂયનાશક) 13 % v/v
6. ગ્લુટેરાલ્ડિહાઇડ દ્રાવણ

(સાધનોના ચેપરોધન માટે)

2 % w/v કૅડિસાઇડ, સૂડાસોલ, ગ્લૂટિહાઇડ, રેડમૅક્સ, રેન્ડૅક્સ-9, પ્રિઓપ,

સાઇડૅક્સ

7. ગ્લૂટેરાલ્ડિહાઇડ 7 % w/W કોર્સોલૅક્સ
1-6-ડાઇહાઇડ્રૉક્સિ 2, 5 ડાયોએહેકઝેન, 8.2 % w/w
પૉલિમિથાયલ યુરિયામાંથી નીપજતું સંયોજન (હૉસ્પિટલનાં સાધનોનું સર્વસૂક્ષ્મજીવનાશન કરવા માટે) 17.6 % w/w
8. ટ્રિક્લોસાન (ચેપનાશક) 0.3 % w/w ડેટૉલ (સાબુ)
9. ગ્લૂટેરાલ્ડિહાઇડ 5 % w/w બેસિલોઇડ સ્પેશિયલ
1, 6, ડિહાડ્રૉક્સિ 2, 5 ડાઓહેક્ઝેન 11.2 % w/w
બેન્ઝાલ્કોનિયમ ક્લોરાઇડ 5 % w/w
આલ્કાઇલ યુરિયામાંથી નીપજતું સંયોજન (સપાટી અને વાતાવરણની સફાઈ) 3 % w/w
10. ડી. સી. એન. એક્સ. ટેર્પિનિયોલ સાબુનીકૃત વાહક (ચેપનાશક) 2 % w/v સેપ્ટૉલ
11. પોવિડોન આયોડિન 5 % અથવા બિટાડિન, વૉકાડિન, પાયોડિન, કેડિન, માઇક્રોશિલ્ણ, પીવીપી અને પી.વી.એસ.એસ.
(પૂયરોધક, ચેપનાશક) 10 %
12. પોવિડોન આયોડિન

(હાથનું સઘર્ષ ક્ષાલન માટે)

7.5 % જેટાડિન, બિટાડિન એચ. એસ., વૉકાડિન એચ.એસ.
13. 2-પ્રોપેનૉલ બેન્ઝાલ્કોનિયમ ક્લોરાઇડ 60 % w/w ક્યુરાસેપ્ટ
(ચામડીનું ચેપનાશન) 0.5 % w/w
14. 2-પ્રોપેનૉલ આઇસોપ્રોપેનૉલ 50 % w/w લેવરમેડ
બેન્ઝાલ્કોનિયમ 20 % w/w
ક્લોરાઇડ (હસ્તઘર્ષશોધન) 0.5 % w/v
15. બેઝિલકોનિયમ ક્લોરાઇડ 6.6 % w/w લિવરસેપ્ટ
ફૉર્માલ્ડિહાઇડ 5 % w/w
ગ્લુટેરાલ્ડિહાઇડ 3.4 % w/v
ઇથેન ડાયાલ્ડિહાઇડ (સાધન-ચેપનાશન) 8.4 % w/w
16. બેન્ઝાલ્કોનિયમ ક્લોરાઇડ પૉલિમેરિક 10 % w/w ટોસ્કિ-કૉમ્બેટાન ડી. એસ.
બાયગ્વેનાઇડ હાઇડ્રોક્લેરસાઈડ 12 % w/w
ફૉર્માલ્ડિહાઇડ 15 % w/w
ઇથેન ડાયાડિહાઇડ (હૉસ્પિટલમાં સપાટીઓ પરનું ચેપનાશન) 30 % w/w
17. બેન્ઝાલ્કૉનિયમ ક્લોરાઇડ (હૉસ્પિટલસપાટીનું ચેપનાશન) 11.5 % w/w ટેસ્કિપ્રોટેસાન ડી. એસ.
18. બેન્ઝાલકોનિયમ ક્લૉરાઇડ I.P. (ચેપનાશક) 4.5 % v/v આઇટેલ-એચ.
19. રેક્ટિફાઇડ સ્પિરિટ 62 %થી

68 % v/v

સિટાસેપ્ટિક
ઍબ્સોલ્યુટ આલ્કોહૉલ (ચેપનાશક) 0.5 % v/v
20. સિલ્વર સલ્ફાડાયાઝિન મલમ (ઘાવ પરનો પૂયરોધક) 1 % સિલ્વર સલ્ફાડાયાઝિન
21. સ્ટ્રૉંગ સેટ્રિમાઇડ (ઘાવ પરનો પૂયરોધક) 20 % w/v સ્ટ્રૉંગ સેટ્રિમાઇડ
22. ફૉર્માલ્ડિહાઇડ 11.1 ગ્રામ સેક્યુસેપ્ટ ફોર્ટ
ગ્લાયોક્સલ 12 ગ્રામ
ગ્લુટેરાલ્ડિહાઇડ 3.75 ગ્રામ
બેન્ઝાલકોનિયમ ક્લોરાઇડ (સાધન-ચેપરોધક) 2.7 ગ્રામ
23. 2 પ્રોપાનેટલ 70 ગ્રામ સ્ટીટાડમ
ક્લૉરહેક્સિડિન ડાયગ્લુકોનેટ 0.5 ગ્રામ
હાઇડ્રોડન પૅરૉક્સાઇડ3 % (હાથનું ક્ષાલક) 1.5 ગ્રામ
25. ગ્લાયોક્સલ 8.8 ગ્રામ ઇન્સિડ્યુર
ગ્લુટેરાલ્ડિહાઇડ (હૉસ્પિટલ-સપાટી પરનું ચેપરોધક) 4.5 ગ્રામ

પૅરાક્લૉરોફિનૉલ અને હેક્સાક્લોરોફિનૉલ નામનાં દ્રવ્યો ક્લોરિનયુક્ત ફિનૉલ છે. તેઓ સૂક્ષ્મજીવનાશકો છે. પૅરાક્લોરોફિનૉલ અને કપૂરનું મિશ્રણ દાંતની સારવારમાં અને હેક્સાક્લોરોફિનૉલનું સાબુયુક્ત દ્રાવણ શસ્ત્રક્રિયા પહેલાંની તૈયારીમાં વપરાય છે. શસ્ત્રક્રિયા કરતાં પહેલાં સર્જ્યન સૂક્ષ્મજીવનાશક અને સાબુને ઘસીને હાથ ધુએ છે. તેને સંઘર્ષક્ષાલન (scrubing) કહે છે. હેક્સાક્લોરોફિનૉલ તે માટે ઉપયોગી છે. હાલ વધુ સારાં અને સુરક્ષિત રસાયણોને કારણે તેનો ઉપયોગ ઘટ્યો છે.

(2) આલ્કોહૉલ : વિવિધ પ્રકારના એલિફેટિક આલ્કોહૉલ સૂક્ષ્મજીવનાશકો છે. જેમ તેમનું આણ્વિક વજન વધારે તેમ તેમનું સૂક્ષ્મજીવનાશન પણ વધારે હોય છે. તેને કારણે ઇથાયલ આલ્કોહૉલનો સૂક્ષ્મજીવનાશક તરીકે ઘણો વ્યાપક ઉપયોગ થાય છે. મિથાયલેટેડ સ્પિરિટનો ચેપરોધક તરીકે વ્યાપક ઉપયોગ થાય છે. આઇસોપ્રોપાયલ આલ્કોહૉલ વધુ શક્તિશાળી સૂક્ષ્મજીવનાશક છે અને સાધનોને કાટ ચઢતો પણ અટકાવે છે. તેથી તેનો ઘણો ઉપયોગ કરાય છે.

(3) આલ્ડિહાઇડ સંયોજનો : જે વિવિધ આલ્ડિહાઇડ સંયોજનો ઉપયોગમાં લેવાય છે તેમાં મુખ્ય છે ફૉર્માલ્ડિહાઇડ તથા ગ્લુટેરાલ્ડિહાઇડ. તે સામાન્ય તાપમાને વાયુરૂપ હોય છે અને તેથી તેનો મુખ્ય ઉપયોગ ઓરડાઓને ધૂમ્રિત (fumigated) કરવામાં થાય છે. પશ્ચિમી દેશોમાં સૂક્ષ્મજીવનાશન માટે ધૂમ્રન (fumigation)ની પ્રક્રિયા ઓછી વપરાય છે, પરંતુ હાલ ભારતની ઘણી હૉસ્પિટલોમાં તે નિયમિત સ્વરૂપે વપરાય છે. તે માટે મળતું દ્રાવણ ફૉર્માલિન કહેવાય છે, જેમાં 37 % ફૉર્માલ્ડિહાઇડ સાથે મિથાયલ આલ્કોહૉલ ભેળવેલો હોય છે જે ફૉર્માલ્ડિહાઇડના અણુઓનું બહુગુણન (polymerifzation) તથા નિષ્ક્રિયભવન અટકાવે છે. તે પ્રોટીનનું અધ:ક્ષેપન (precipitation) કરીને પેશીને સાચવે છે; માટે તે પેશીવિદ્યા(histology)નાં પ્રવાહીઓ સ્થાપન (fixation) વપરાય છે. તે 1 : 200ની સાંદ્રતા (concentration) હોય ત્યારે 6થી 12 કલાકમાં જીવાણુ, ફૂગ અને વિષાણુઓને મારે છે અને 2થી 4 દિવસ સુધી કાર્ય કરવા દેવામાં આવે તો બીજાણુઓ(spores)નો પણ નાશ કરે છે. તે ક્ષયના જંતુવાળા ગળફાને જીવાણુરહિત કરવા માટે પણ વપરાય છે. વળી તે વિવિધ પ્રકારનાં ઝેર અથવા વિષ(toxin)ને ઓછાં ઝેરી વિષાભ (toxoid) દ્રવ્યોમાં પણ ફેરવે છે. (દા.ત., ડિફ્થેરિયાની રસીમાં વપરાતો વિષાભ). મિથેનૉલને લેવામાં આવે ત્યારે તેની ઝેરી અસરો મૂળભૂત રીતે ફૉર્માલ્ડિહાઇડ કે તેનો ઍસિડ  ફૉર્મિક ઍસિડ  બનવાથી થાય છે. ગ્લુટેરાલ્ડિહાઇડના વિવિધ પ્રકારનાં ઉત્પાદનો હૉસ્પિટલોમાં ચેપરોધન માટે વપરાય છે; જેમ કે, સપાટીઓને તથા વાતાવરણને સાફ કરવાનાં દ્રાવણો તેમજ અંત:દર્શક (endoscope) જેવાં સાધનોનું ચેપરોધન.

મિથેનેમાઇન નામની દવા એક પ્રકારનો આલ્ડિહાઇડ છે અને તે 1894થી ઉપયોગમાં છે. તેનું મેન્ડેલિક ઍસિડ સાથેનું મિશ્રણ મૂત્રમાર્ગના ચેપનો નાશ કરવા માટે વપરાય છે. માટે તેને મૂત્રમાર્ગી પૂયરોધક (urinary antiseptic) પણ કહે છે.

(4) ઍસિડ : પુરાણકાળથી ઍસિડ અનાજના પરિરક્ષણમાં વપરાય છે. હાલ તેનો ઉપયોગ પૂયરોધક તરીકે પણ થાય છે. તેમનામાંથી છૂટો પડતો હાઇડ્રોજનનો આયન સૂક્ષ્મજીવનાશક છે. જોકે કેટલાક ઍસિડને પોતાની આગવી ક્રિયાપદ્ધતિ પણ છે.

નાઇટ્રિક ઍસિડ અને ક્રોમિક ઍસિડ જેવાં અસેન્દ્રિય અમ્લો(inorganic acids)નો અગાઉ પૂયરોધક તરીકે ઉપયોગ થતો હતો. હાલ ઍન્ટિબાયૉટિક ઔષધોના યુગમાં તેમનું સ્થાન ઐતિહાસિક નોંધ પૂરતું સીમિત થઈ ગયું છે. બેન્ઝોઇક ઍસિડ અન્નપરિરક્ષણ(food-preservation)માં વપરાય છે. પૅરાબેન-જૂથના ઍસિડ ઔષધના પરિરક્ષણમાં વપરાય છે. તેમનો કેટલાક ચામડીના રોગોમાં સારવાર માટે ઉપયોગ થતો હતો. એસેટિક ઍસિડ સ્યૂડોમોનાસ એરુજિનોઝા નામના જીવાણુનો નાશક છે તેથી તેનો શસ્ત્રક્રિયાજન્ય ઘાની પાટાપિંડીમાં ઉપયોગ કરાતો હતો. બોરિક ઍસિડ એક મંદ સૂક્ષ્મજીવનાશક છે. વળી તે ચચરાટ કરતો નથી. તેથી તેનો ઉપયોગ આંખ આવે ત્યારે પાણીમાં નાંખીને શેક કરવામાં કરાય છે. સેલિસિલિક ઍસિડનો ઉપયોગ ફૂગનો ચેપ રોકવા માટે કરાય છે. મેન્ડેલિક ઍસિડનો ઉપયોગ મૂત્રમાર્ગમાં પ્રોટિયેસ કે અન્ય જૂથનાં જીવાણુઓ વડે થતા ચેપને રોકવા અથવા મટાડવામાં કરાય છે. મિથેનેમાઇન નામનો આલ્ડિહાઇડ અને મેન્ડેલિક ઍસિડનું સંયોજન (મિથેનેમાઇન-મેન્ડેલેટ) મૂત્રમાર્ગી પૂયરોધન માટેનું પ્રસ્થાપિત ઔષધ છે. તે ગોળી તથા નિલંબિત દ્રાવણ રૂપે મળે છે મિથેનેમાઇનનો હિપુરિક ઍસિડ સાથેનો ક્ષાર પણ આ જ કાર્ય માટે મળે છે. બંને પ્રકારનાં ઔષધોની અસર એકસરખી છે. મેલિડિક્સિક ઍસિડ પણ ગ્રામ-અનભિરંજિત (gram negative) સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. જોકે સ્યૂડોમોનાસ પર તેની ખાસ અસર નથી. તેનો ઉપયોગ મૂત્રમાર્ગના ચેપને રોકવા અથવા મટાડવા માટે થાય છે. મેદામ્લો(fatty acids)નો ઉપયોગ ફૂગનો ચેપ રોકવા માટે થાય છે.

(5) હેલોજન અને હેલોજન સંયોજનો : તેમાં આયોડિન, ક્લોરિન તથા તેમનાં સંયોજનો વપરાય છે. આયોડિન વિશ્વના સૌથી જૂના પૂયરોધકોમાંનું એક છે. 1839માં એક ફ્રેન્ચ સર્જ્યને આયોડિનના વર્ણકાસવ(tincture of iodine)નો સૌપ્રથમ ઉપયોગ કર્યો હતો. અમેરિકાના આંતરિક યુદ્ધ(civil war)માં પણ તેનો ઉપયોગ ઘાની સારવારમાં કરાયો હતો. આયોડિન અસરકારક, કિફાયતી અને ઓછી ઝેરી અસરોવાળી દવા હોવાથી તેનો હજુ ઉપયોગ થઈ રહ્યો છે. આયોડિનનું તત્વસ્વરૂપ (elemental form) સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. તેની જીવાણુનાશનની ક્રિયાપ્રવિધિ જાણમાં નથી. જીવાણુઓના બીજાણુ(spore)સ્વરૂપનો પણ નાશ થાય છે. જો કોઈ સેન્દ્રિય દ્રવ્ય હાજર ન હોય તો તેનું 1 : 20,000 જેટલી ઓછી સાંદ્રતાવાળું દ્રાવણ 1 મિનિટમાં મોટાભાગના જીવાણુને મારે છે, જ્યારે 1 : 2,00,000 જેવું મંદ દ્રાવણ 15 મિનિટમાં મોટાભાગના જીવાણુને મારે છે. તે જીવાણુ, ફૂગ, વિષાણુ તથા અમીબાને મારે છે. આયોડિનના વર્ણકાસવમાં 2 % આયોડિન, 2 % સોડિયમ આયોડાઇડ અને મંદ આલ્કોહૉલ હોય છે. આયોડિન કોઈ આયોડિનના ક્ષારની હાજરીમાં પાણીમાં ઓગળે છે અને અસરકારક સૂક્ષ્મજીવનાશક બનાવે છે. આ પ્રકારનું 5 % આયોડિન અને 10 % પોટૅશિયમ આયોડાઇડવાળું દ્રાવણ લ્યુગોલના દ્રાવણ તરીકે ઓળખાય છે. 2 % આયોડિન અને 2 % સોડિયમ આયોડાઇડવાળું સાદું આયોડિન દ્રાવણ પણ મળે છે. જો અકસ્માતથી કે આત્મહત્યાના હેતુથી, 30થી 250 મિ.લિટર આયોડિનનો વર્ણકાસવ લેવાય તો મૃત્યુ નીપજે છે. આયોડિનનું તત્વસ્વરૂપ ઝેરી અસરો કરે છે. તે જઠર અને આંતરડામાં દાહક ઝેર (corrosive poison) તરીકે કાર્ય કરે છે, પરંતુ ખોરાકનાં દ્રવ્યો સાથે ઝડપથી સંયોજાઈને અક્રિય બને છે. તેની સારવારમાં જઠરને સાફ કરાય છે (જઠરશોધન) અને પ્રતિવિષ (antidote) રૂપે સોડિયમ થાયૉસલ્ફેટ અથવા પ્રોટીન વપરાય છે. ક્યારેક તેનો ચામડી સાથેનો સંસર્ગ ઍલર્જીજન્ય વિકાર સર્જે છે. તેનો મુખ્ય ઉપયોગ ચામડી પરના સૂક્ષ્મજીવોનો નાશ કરવા માટે તથા ઘાને સૂક્ષ્મજીવોથી મુક્ત કરવા કરાય છે. અગાઉ આ કાર્ય આયોડિનનો વર્ણકાસવ કરતો હતો પણ હવે તે કાર્ય પોવિડોન આયોડિન નામનું રસાયણ કરે છે. ગ્લિસરીનવાળા આયોડિનના વર્ણકાસવ (મંદ) તથા પોવિડોન આયોડિન વડે મોંની અંદરની દીવાલ (શ્લેષ્મકલા) પર પણ સૂક્ષ્મજીવનાશન કરાય છે. આયોડિનનું CHI3-રૂપનું સંયોજન આયોડોફૉર્મ તરીકે ઓળખાય છે. અગાઉ તેનો સૂક્ષ્મજીવનાશક તરીકે ઉપયોગ થતો હતો પણ તે અસરકારક દ્રવ્ય નથી.

આયોડિનને ઓગાળતું અને તેનું વહન કરીને થોડા પ્રમાણમાં ધીમે ધીમે છૂટું કરતું (વિમોચક) દ્રવ્ય જ્યારે આયોડિન સાથે ભેળવવામાં આવે ત્યારે આયોડોફૉર નામનો પદાર્થ બને છે. પોવિડોન-આયોડિન તેનું ઉદાહરણ છે. તે સર્વલક્ષી (general) પૂયરોધક અને સૂક્ષ્મજીવનાશક છે. તેને કાપા વગરની કે ઘા વાળી ચામડી પર લગાવી શકાય છે. તેની સૂક્ષ્મજીવનાશનની ક્ષમતા આયોડિન જેટલી જ છે.

ઘણા જૂના સમયથી ક્લોરિનનો ઉપયોગ કોહવાટ (putrefaction) અને તેનાથી ઉદભવતી દુર્ગંધ રોકવા માટે થતો આવ્યો છે. વીસમી સદીની શરૂઆતથી પાણીમાંના સૂક્ષ્મજીવોના નાશ માટે તેનો ઉપયોગ થતો આવેલો છે. પ્રથમ વિશ્વયુદ્ધના સમયથી તેનો ઉપયોગ તબીબી ક્ષેત્રે પણ થવા માંડ્યો છે. હાલ ક્લોરિનનાં સંયોજનોનાં દ્રાવણોનો ઉપયોગ શસ્ત્રક્રિયાના ઘાની સારવારમાં થતો નથી, કેમ કે વધુ અસરકારક અને ઓછો ચચરાટ કરતી દવાઓ ઉપલબ્ધ થઈ છે. ક્લોરિન વાયુ પાણી સાથે સંયોજાઈને હાઇપૉક્લૉરસ ઍસિડ બનાવે છે, જે સૂક્ષ્મજીવનાશક છે. જો આલ્કેલાઇન માધ્યમ હોય તો હાઇપૉક્લૉરાઇટ આયન બને છે અને તેની જીવાણુનાશક તરીકેની ક્ષમતા ઓછી હોય છે. તેથી ઍસિડિક માધ્યમમાં ક્લોરિનની અસરકારકતા વધુ રહે છે. 0.1થી 0.25 પાર્ટ્સ-પ્રતિ-મિલિયન(ppm)ની સાંદ્રતા હોય ત્યારે તત્વરૂપી ક્લોરિન 15થી 30 સેકન્ડમાં મોટાભાગના સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. તે વિષાણુઓ તથા અમીબાનો પણ નાશ કરે છે; પરંતુ તે ક્ષયના જીવાણુઓનો નાશ કરવામાં નિષ્ફળ રહે છે. તેમનો નાશ કરવા માટે તેની સાંદ્રતા 500 ગણી વધારવી પડે છે. જ્યારે સેન્દ્રિય પદાર્થો (organic matter) વધુ હોય ત્યારે ક્લોરિન તેમની સાથે સંયોજાય છે અને તેથી તેની સૂક્ષ્મજીવનાશકતા ઘટે છે. તેથી પ્રદૂષણ વગરના પાણીમાં 0.5 ppmની સાંદ્રતા પૂરતી ગણાય છે, જ્યારે પ્રદૂષણવાળા પાણીમાં તેની સાંદ્રતા 20 ppm હોય તોપણ ઓછી પડે છે. ઉદ્યોગોમાં ક્લોરિન વાયુની કોઈ અકસ્માતને કારણે ક્યારેક ઝેરી અસરો જોવા મળે છે. તે શ્વસનતંત્રમાં ચચરાટ કરે છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં સૌપ્રથમ રાસાયણિક શસ્ત્ર તરીકે તે વાયુ વપરાયેલો. તે વાયુથી અસર પામેલાઓની સારવાર ઑક્સિજન અને અન્ય સહાયકારી ઉપચારો દ્વારા કરાય છે.

ક્લોરિનવાળાં સંયોજનો પણ સૂક્ષ્મજીવનાશકો તરીકે વપરાય છે. સોડિયમ હાઇપોક્લોરાઇટ દ્રાવણમાં 5 % NaOCl હોય છે. જૂના જમાનામાં પરુવાળા ઘાની સારવારમાં તે વપરાતું હતું. હાલ પગમાં ફૂગનો ચેપ ન લાગે માટે ક્યારેક પગ ધોવા માટે વપરાય છે. ક્લોરિનેટેડ ચૂના(lime)નો ઉપયોગ પદાર્થો કે પાણીને સૂક્ષ્મજીવો વગરનું કરવા માટે વપરાય છે. ક્લોરિનના નાઇટ્રોજન સાથેનાં સંયોજનોને ક્લૉરેમાઇન્સ કહે છે (દા. ત., હેલોઝાઇન) અને તે પાણીમાંના સૂક્ષ્મજીવોના નાશ માટે વપરાય છે.

(6) ઑક્સિકારી (oxidizing) પદાર્થો : વિવિધ પ્રકારનાં સંયોજનો ઑક્સિજનના આયનો સર્જે છે અને તેના વડે તેઓ સૂક્ષ્મજીવોનો નાશ કરે છે; દા. ત., હાઇડ્રોજન પેરૉક્સાઇડ, ધાતુમય પેરૉક્સાઇડ (દા. ત., ઝિંક પેરૉક્સાઇડ), પરમૅંગેનેટ્સ (દા. ત., પોટૅશિયમ પરમૅંગેનેટ), પોટૅશિયમ ક્લોરેટ વગેરે.

હાઇડ્રોજન પેરૉક્સાઇડ એક પ્રકારનું અસ્થિર સંયોજન (unstable compound) છે.  તે 3 % હાઇડ્રોજન પેરૉક્સાઇડના પાણીમાંના દ્રાવણ રૂપે મળે છે. જ્યારે તેને પેશી પર લગાડવામાં આવે ત્યારે તેમાંથી ઝડપથી ઑક્સિજન છૂટો પડે છે. તે સમયે થોડીક ક્ષણો માટે તે સૂક્ષ્મજીવનાશક બને છે. તે પેશીમાં ઊંડે સુધી ઊતરી શકતો પદાર્થ નથી અને તે એક પ્રકારનો મંદ સૂક્ષ્મજીવનાશક છે. તેથી તેનો મુખ્ય ઉપયોગ ઘાને ધોઈને સાફ કરવામાં થતો હતો. તેનો ઉપયોગ શિશ્નમુકુટશોથ (balanitis) તથા ટ્રાઇકોમોનાસ યોનિશોથ (vaginitis) નામના પુરુષો અને સ્ત્રીઓના જનનાંગોના વિકારોમાં પણ થતો હતો. હાલ વધુ સારાં ઔષધોને કારણે આ પ્રકારનો ખાસ ઉપયોગ થતો નથી.

ઝિંક, સોડિયમ, મૅગ્નેશિયમ અને કૅલ્શિયમ જેવી ધાતુઓના પેરૉક્સાઇડનો પણ સૂક્ષ્મજીવનાશક તરીકે ઉપયોગ થતો હતો. ઝિંક પેરૉક્સાઇડની મદદથી મોંના ઑક્સિજન વગરના વાતાવરણમાં જીવતા (અજારક) જીવાણુઓનો નાશ કરી શકાય છે અને તેથી તે મોંની ગંધ પણ ઘટાડે છે. અન્ય ધાતુના પેરૉક્સાઇડોનો હાલ ખાસ ઉપયોગ થતો નથી.

પોટૅશિયમ પરમૅંગેનેટ અને ઝિંક પરમૅંગેનેટ એમ 2 પ્રકારના પરમૅંગેનેટ વપરાય છે. ઝિંકવાળો ક્ષાર પ્રોટીનનો ગઠ્ઠો પણ બનાવે છે. તેને પ્રોટીનગંઠન (astringent action) કહે છે. પોટૅશિયમ પરમૅંગેનેટના ગાઢા જાંબલી રંગના સ્ફટિકો મળે છે, જે પાણીમાં ઓગળે છે. તે કપડાં તથા પેશીમાં ડાઘા પાડે છે. જો 1 : 10000ના પ્રમાણમાં તેને ભેળવવામાં આવે તો 1 કલાકમાં મોટાભાગના સૂક્ષ્મજીવોનો નાશ થાય છે. સેન્દ્રિય દ્રવ્યોની હાજરીમાં તેની અસરકારકતા ઘટે છે, માટે તેનું દ્રાવણ બમણી સાંદ્રતાવાળું કરીને વપરાય છે. હાલ તેનો સારવાર-ક્ષેત્રે ઉપયોગ ઘટી ગયો છે; પરંતુ તે પીવાના પાણીને સૂક્ષ્મજીવરહિત કરવા માટે અમુક અંશે વપરાય છે. સાપ તથા ઝેરી વનસ્પતિનું વિષ ઑક્સિજનની હાજરીમાં તેની અસરકારકતા ગુમાવે છે, માટે તેમના ડંખ કે ઘાને પોટૅશિયમ પરમૅંગેનેટ વડે સાફ કરાય છે.

પહેલાં પોટૅશિયમ ક્લોરેટનો ઉપયોગ મોં સાફ કરવા થતો હતો; પરંતુ તે સેન્દ્રિય પદાર્થો સાથે સ્ફોટક દ્રવ્ય બનાવે છે. તે તથા બ્રોમેટનાં સંયોજનો ઝેરી અસર કરી મેટહીમોગ્લોબિન બનાવે છે કે મૂત્રપિંડની નિષ્ફળતા સર્જે છે; માટે હાલ તેમનો ઘરવપરાશ માટેની વસ્તુઓના સૂક્ષ્મજીવનાશનમાં ઉપયોગ થતો નથી.

(7) ભારે ધાતુઓ અને તેમના ક્ષારો : પારાનાં અસેન્દ્રિય (inorganic) સંયોજનો ઘણા જૂના સમયથી સૂક્ષ્મજીવનાશકો તરીકે વપરાય છે. રૉબર્ટ કોકે પણ તેની અસરકારકતા નોંધી છે. કોઈ પદાર્થ પ્રવાહીમાં ઓગળેલો હોય કે નિલંબિત (suspended) હોય અને તે છૂટો પડીને નીચે ઠરે તો તેને અધ:ક્ષેપન કહે છે. પારાનો આયન પ્રોટીનનું અધ:ક્ષેપન (precipitation) કરે છે. તેને કારણે કોષમાંના સલ્ફિડ્રિલ જૂથના ઉત્સેચકો(enzymes)નું કાર્ય ઘટે છે. તે મોટેભાગે સૂક્ષ્મજીવોને મારી નાંખવાને બદલે તેમને નિષ્ક્રિય (inactive) કરે છે. તેમને સૂક્ષ્મજીવદાબકો (germstatics) કહે છે. આમ તે આદર્શ ઔષધો બનતાં નથી. મર્ક્યુરી ક્લોરાઇડ આ જૂથનો સૌથી જૂનો પૂયરોધક છે. તે સારો એવો ચચરાટ કરે છે. વિવિધ પ્રકારના મર્ક્યુરીના અદ્રાવ્ય ક્ષારો(પીળો મર્ક્યુરી ઑક્સાઇડ અને એમોનિએટેડ મર્ક્યુરી)ના મલમનો ઉપયોગ કરીને ચામડીમાં થતી ફૂગ કે ખૂજલીની સારવાર કરાતી  હતી. હજુ પણ તેમાંના કેટલાક મલમો બજારુ વેચાણમાં ઉપલબ્ધ છે. તેમની મદદથી ચામડી પરની ફૂગ, ગુદા વિસ્તારની ખૂજલી, જૂનો ઉપદ્રવ તથા ચેપી જીવાણુજન્ય ગડગૂમડની સારવાર કરાય છે.

પારાનાં સેન્દ્રિય સંયોજનો ઓછાં ઝેરી હોય છે અને તેમનો પૂયરોધકો તરીકે ઘણા સમય સુધી ઉપયોગ થતો રહ્યો હતો. મર્ક્યુરોક્રોમનું દ્રાવણ ગૂમડા પર લગાડવાની ‘લાલ દવા’ તરીકે જાણીતું હતું. તે સૂક્ષ્મજીવનાશક નથી, પરંતુ સૂક્ષ્મજીવદાબક છે અને તેથી ખાસ અસરકારક પૂયરોધક નથી. આ જૂથમાં બીજાં ત્રણ સંયોજનો છે – નિટ્રોમર્સોલ, ફિનાયલ મર્ક્યુરિક નાઇટ્રેટ અને થિમેરોસાલ. તેમનો સાધનોને સૂક્ષ્મજીવરહિત કરવામાં વપરાશ થતો હતો. હાલ તેમનો ખાસ ઉપયોગ થતો નથી. પારા ઉપરાંત ચાંદી, જસત અને તાંબાનાં સંયોજનો પણ સૂક્ષ્મજીવનાશકો તરીકે વપરાય છે. ચાંદીનાં સંયોજનો દાહક (caustic), પ્રોટીનગંઠકો (astrigent) અને પૂયરોધકો છે. ચાંદીનાં સંયોજનો બે પ્રકારનાં છે : (1) આયનકારી દ્રાવણો; દા. ત., સિલ્વર નાઇટ્રેટ, સિલ્વર લૅક્ટેટ અને સિલ્વર પ્રિક્રેટ તથા (2) ચાંદીનાં કલિલ (colloidal) દ્રાવણો. ચાંદીનો આયન પ્રોટીન સાથે સંયોજાઈને તેને દ્રાવણમાંથી અલગ પાડીને તેનું ઠારણ (અધ:ક્ષેપન) કરે છે. આ રીતે તે સૂક્ષ્મજીવોમાંના પ્રોટીનને નિષ્ક્રિય કરીને તેમને મારે છે. સિલ્વર નાઇટ્રેટનું 1 : 1000 સાંદ્રતાવાળું દ્રાવણ સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. તેની મદદથી અગાઉ જન્મ સમયે શિશુની આંખમાં પરમિયા(gonorrhoea)નો રોગ થતો અટકાવાતો હતો. ચાંદીનાં કલિલમય દ્રાવણો વડે સૂક્ષ્મજીવોનો નાશ શક્ય નથી. તેમને તે નિષ્ક્રય (સ્થિર) કરે છે. અગાઉના જમાનામાં મોંમાં પૂયરોધન કરવા માટે તેનાથી કોગળા કરવામાં આવતા હતા. સિલ્વર સલ્ફાડાયેઝિન નામનો સલ્ફોનેમાઇડ હાલ દાઝ્યા પછીના કે કેટલીક શસ્ત્રક્રિયા પછીના ઘાની સારવારમાં વપરાય છે. જસતનાં સંયોજનો પણ દાહક, ક્ષારક (corrosive), પ્રોટીનગંઠક તથા પૂયરોધક છે. ઝિંક સલ્ફેટનો ઉપયોગ અગાઉ ખીલ તથા ફટકિયા વા(impetigo)ની સારવારમાં થતો હતો. ઝિંક ઑક્સાઇડ હાલ ઘા પર લગાડાતી ચોંટણપટ્ટી(adhesive tapes)માં તથા કેલેમાઇન લોશનમાં વપરાય છે. તાંબાના ક્ષારો પણ સૂક્ષ્મજીવનાશકો છે. તેને કારણે અગાઉના જમાનામાં તાંબાના પાત્રમાં પાણી ભરાતું. હાલ પણ કૉપર સલ્ફેટ વડે સ્નાનાગારોનું પાણી સૂક્ષ્મજીવરહિત રખાય છે. તે ફૂગ, જીવાણુ તથા અમીબાનો નાશ કરે છે.

(8) સપાટીસક્રિય દ્રવ્યો : સપાટી પર સક્રિય હોય એવાં દ્રવ્યોનો ઉપયોગ ઘરમાં તથા ઉદ્યોગોમાં થાય છે. તેઓ બે પ્રવાહી જે સપાટી પર મળે તે આંતરસપાટી (interface) પરના ઊર્જા(શક્તિ)ના સંબંધોને અસર કરે છે. તેથી તેમને સપાટીસક્રિય (surface active) દ્રવ્યો કહે છે. તેમાંનાં કેટલાંક દ્રવ્યો પ્રોટીનનું અધ:ક્ષેપણ કરે છે. તેઓ સૂક્ષ્મજીવોને તેમનાં પ્રોટીનને વિકૃત કરીને મારે છે. મુખ્ય સપાટીસક્રિય દ્રવ્યોમાં બેન્ઝાલ્કોનિયમ ક્લોરાઇડ, બેન્ઝેથોનિયમ ક્લોરાઇડ, સિટાયલપાયરિડિયમ ક્લોરાઇડ અને મિથાયલબેન્ઝે-થોનિયમ ક્લોરાઇડનો સમાવેશ થાય છે. તે ચચરાટ (ક્ષોભન) કરતા નથી. ચામડીને ભીની કરે છે અને તેમાં પ્રવેશે છે. તે ચામડીને સાફ કરે છે (ક્ષાલન, detergent action). તેઓ મુખ્યત્વે ક્ષાલક તરીકે તથા સફાઈદ્રવ્ય (sanitizer) તરીકે વપરાય છે. તે દરેક રીતે વપરાય એવા સર્વથા ઉપયોગી (all purpose) પૂયરોધક અને ચેપનાશક તરીકે વપરાય છે. તેમને ચામડી પર કે શ્લેષ્મકલા પર લગાવી શકાય છે તથા તેનાથી તબીબી સાધનો પરના સૂક્ષ્મજીવોનો નાશ પણ કરાય છે. તેમની અસર સાબુની હાજરીમાં ઘટે છે. તેમને ચામડી પર લગાડવામાં આવે ત્યારે તેમની સપાટીની નીચે ક્યારેક જીવાણુઓ ઊછરે છે. જુદા જુદા ઉપયોગ માટે જુદી જુદી સાંદ્રતામાં તેમનો વપરાશ થાય છે (સારણી 3). સાધનો તથા રૂ અને હાથમોજાં જેવી વસ્તુઓના સૂક્ષ્મજીવનાશન માટે પણ તે વપરાય છે. જોકે વારંવાર એ જ દ્રાવણ વાપરવામાં આવે તો તેની ક્ષમતા ઘટે છે અને તેથી તેમાં સચવાઈ રહેતા જીવાણુ હૉસ્પિટલમાં કોઈ ચેપનો ઉપદ્રવ પણ કરે છે. તેથી તેનું સૂક્ષ્મજીવનાશન માટેનું દ્રાવણ વારંવાર બદલવું પડે છે. સપાટીસક્રિયકોમાં ક્વૉર્ટર્નરી એમોનિયમ સંયોજનોનો સૂક્ષ્મજીવોના નાશ માટે વધુ ઉપયોગ થાય છે. તે બીજાણુ ન બનાવતા જીવાણુઓ, ગ્રામ-અનભિરંજિત જીવાણુઓ તથા મેદના આવરણવાળા વિષાણુઓનો નાશ કરે છે. શ્યુડોમોનાલ નામના જીવાણુ પર તેમની ખાસ અસર નથી.

સારણી 3 : જુદા જુદા ઉપયોગ માટે જરૂરી બેન્ઝાલ્કોનિયમના દ્રાવણની સાંદ્રતા

પ્રકાર સાંદ્રતા સૂક્ષ્મજીવનાશનનું સ્થાન
વર્ણકાસવ (tincture) 1:1000 શસ્ત્રપ્રક્રિયા પહેલાંની કાપા વગરની ચામડી
જલીય દ્રાવણો 1:1000 ઊંડા ચીરાને સાફ કરવા
(aqueous solutions) 1:3000 ઊંડા ઘાને સાફ કરવા
1:2000થી 1:5000 આંખ અથવા યોનિ (vagina)
1:5000 ચામડીના આવરણ વગરના ઘા પર ભીની પાટાપિંડી કરવા
1:2000થી 1:10000 શસ્ત્રક્રિયા પહેલાં ઉઝરડાયેલી ચામડી કે શ્લેષ્મકલા
1:5000થી 1:10000 વ્યાપક રીતે ઉઝરડાયેલી ચામડી
1:20,000 મૂત્રાશય, મૂત્રાશયનલિકાનું પૂયરોધન
1:40,000 મૂત્રાશયશોધન (bladder lavage) માટે મૂત્રાશયમાં ભરી રાખવાનું હોય તો

(9) ફ્યુરાનનાં સંયોજનો : ફ્યુરાનમાંથી ઉદભવતાં સંયોજનો સૂક્ષ્મજીવો સામે સક્રિય હોય છે. મુખ્ય સંયોજનોમાં નાઇટ્રોફ્યુરેન્ટોઇન, નાઇટ્રોફ્યુરેઝોન, ફ્યુરાઝોલિડિન અને નિફ્યુરોક્ઝામનો સમાવેશ થાય છે. તેઓ 1:100000થી 1:200000ની સાંદ્રતામાં ઘણા ગ્રામ-અભિરંજિત અને ગ્રામ-અનભિરંજિત જીવાણુઓને નિષ્ક્રિય કરે છે. નિફ્યુરોક્ઝાઇમ કેટલીક ફૂગને પણ અક્રિય કરે છે. ફ્યુરાડેનિન મોં વાટે આપીને પેશાબમાંના જીવાણુઓનો નાશ કરવામાં વપરાય છે. તેથી તેને મુખમાર્ગી મૂત્રમાર્ગ પૂયરોધક (oral urinary antiseptic) પણ કહે છે. નાઇટ્રોફ્યુરેઝોનનો મલમ બનાવીને ઘાની સારવારમાં વપરાય છે. ફ્યુરાઝોલિડિનનો ઉપયોગ આંતરડામાંના ચેપને રોકવા તથા યોનિમાંના ચેપને રોકવા માટે થાય છે.

(10) રંગો (dyes) : વિવિધ પ્રકારના કોલસી-ડામર(coaltar)માંથી બનાવાયેલા (સંશ્લેષિત) રંગો પૂયરોધકો તરીકે, પ્રજીવો (protogoa) સામે વપરાતી દવાઓ તરીકે કે ઘાને રૂઝવનારી દવા તરીકે વપરાય છે. 1912માં ચર્ચમૅને જેન્શયન વાયોલેટની ગ્રામ-અભિરંજિત જીવાણુઓ સામેની અસરકારકતા દર્શાવી હતી. તે જ વર્ષે એહિર્લચે એક્રિફ્લેવિનની ટ્રિપેનોમા નામના પરોપજીવ સામેની અસરકારકતા દર્શાવી હતી. રંગોનાં 6 જૂથ પાડવામાં આવે છે : (1) એઝો રંગો, (2) એક્રિડિન રંગો, (3) ફ્લોરેસિન (પાયરોનિન) રંગો, (4) ફિનૉલફ્થેલિન રંગો, (5) ટ્રાઇફિનાયલ મિથેન (રોઝેનિલિન) રંગો અને (6) પ્રકીર્ણ રંગો.

ઇવાન્સ બ્લૂ અને ફેનાઝોપાયરિડિન હાઇડ્રોક્લોરાઇડને એઝો રંગો કહે છે. ઇવાન્સ બ્લૂ લોહીનું કદ જાણવા માટે વપરાય છે અને ફેનોઝોપાયરિડિન હાઇડ્રોક્લોરાઇડ પેશાબને લાલ રંગનો કરે છે અને તે પેશાબમાંની બળતરાને શમાવે છે. તે મૂત્રમાર્ગનો પૂયરોધક પણ છે. હાલ તે પાયરિમિડિન નામની દવાને નામે ઉપલબ્ધ છે. સ્કારલેટ રેડ નામનો રંગ સૂક્ષ્મજીવો પર અસર નથી કરતો પણ ઘાને રૂઝવવામાં મદદ કરે છે.

એક્રિડિન રંગો પીળા રંગના હોય છે અને તેથી તેમને પીતરંગો (flavins) કહે છે. તેમાં એક્રિફ્લેવિન, એક્રિડિન અને પ્રોફ્લેવિનનો સમાવેશ થાય છે. પ્રોફ્લેવિન અને એક્રિફ્લેવિનનો તબીબી ક્ષેત્રે ઉપયોગ થતો હતો. તે જીવાણુઓનો નાશ કરે છે તેમજ તેમને નિષ્ક્રિય પણ કરે છે. તેમનો સ્થાનિક દવા તરીકે ઉપયોગ કરાતો હતો. ફલ્યુરૉસિન (પાયરોનિન) રંગો પૂયરોધકો નથી પણ તેનું પારા સાથેનું સંયોજન મર્ક્યુરોક્રોમ તરીકે જાણીતું છે જેનો પૂયરોધક તરીકે ઉપયોગ થતો હતો. ફલ્યુરેસિન પારજાંબલી કિરણમાં ચમકે છે. તેને તેની પ્રદીપ્તશીલતા (fluorescence) કહે છે. તેનાં ટીપાં આંખમાં નાખીને આંખમાં થયેલા વિકારનું નિદાન કરવામાં સરળતા થાય છે. હાલ તેનો આ જ ઉપયોગ રહેલો છે.

ફિનૉલફ્થેલિન રંગોમાં સૂક્ષ્મજીવોનો નાશ કરવાની ક્ષમતા નથી. ટ્રાઇફિનાયલમિથેન (રોઝાનિલિન) રંગોમાં મુખ્ય રંગ છે જેન્શ્યન વાયોલેટ (જાંબુડી દવા). ટ્રાઇફિનાયલ મિથેનમાંથી બનતા શુદ્ધ પેન્ટામિથાયલ સંયોજનને ક્રિસ્ટલ વાયોલેટ કહે છે અને ટેટ્રામિથાયલ, પેન્ટામિથાયલ અને હેક્સામિથાયલ સંયોજનોના મિશ્રણને જેન્શ્યન વાયોલેટ કહે છે.

1 % જેન્શ્યન વાયોલેટનું 10 % આલ્કોહૉલમાંનું દ્રાવણ તબીબી હેતુસર વપરાશ માટે ઉપલબ્ધ છે. તે ગ્રામ-અભિરંજિત જીવાણુઓ, ફૂગ અને કેટલાક કૃમિનો નાશ કરે છે. ગ્રામ-અનભિરંજિત જીવાણુઓ અને ક્ષયના જીવાણુઓનો તેનાથી નાશ થતો નથી. તે જીવાણુઓનો નાશ કરે છે તેમજ તેમને નિષ્ક્રિય પણ કરે છે. તેનો મુખ્ય ઉપયોગ ચામડી પરનાં ગડગૂમડ અને મોંમાં થતા થૂલિયા(thrush)ની સારવારમાં થાય છે. કૅન્સરની સારવારમાં મોંમાં શ્વેતફૂગ(candida albicans)થી થતા થૂલિયા નામના રોગમાં પણ તે અસરકારક રહે છે. પેશી પર સીધેસીધું લગાવવા માટે 1:1000થી 1:5000ની સાંદ્રતાવાળું દ્રાવણ વપરાય છે.

મિથિલિન બ્લૂ એ સૌપ્રથમ વપરાયેલો પૂયરોધક રંગ  હતો. 1890માં તેનો આંતરડામાંના ચેપ માટે અને 1891માં ઇન્હોર્ને પેશાબમાંના ચેપના નિયંત્રણ માટે તેને વાપર્યો હતો. 1891માં એહિર્લચ અને ગટમને તેની મલેરિયાના પરોપજીવ સામેની અસરકારકતા નોંધી હતી. તેનાથી વધુ અસરકારક ઔષધો મળતાં હોવાથી હાલ તેનો ઉપયોગ પૂયરોધક તરીકે થતો નથી. હાલ તેનો ઉપયોગ સાઇનાઇડના ઝેરના મારણ તરીકે થાય છે.

(11) પ્રકીર્ણ સૂક્ષ્મજીવનાશકો : તેમાં સલ્ફરનો ઉપયોગ ખૂબ પહેલેથી થાય છે. ‘એડિસી’માં હવાના શુદ્ધીકરણ માટે સલ્ફરને બાળવાનો ઉલ્લેખ છે. હિપોક્રેટસે પણ તેના ગુણ વર્ણવ્યા છે. ભારતમાં સલ્ફરવાળાં ઝરણાં કે ઝરામાં નાહવાથી ચામડીના રોગો (મુખ્યત્વે ફૂગજન્ય) મટે છે એવું જનસામાન્યમાં પણ જાણીતું છે. અન્ય દ્રવ્યો સાથે ભેળવીને સલ્ફર વડે સોરિયાસિસ, સિબોરિયા, ખરજવું અને રક્તકોષભક્ષિતા (lypus erythematosus) વગેરે રોગોની સારવાર કરવાના મલમ મળે છે. તેનો લાંબા ગાળાનો ઉપયોગ ચામડીનો એક પ્રકારનો વિકાર  ત્વચાશોથ (dermatitis) કરે છે. એમોનિયમ ઇક્થોસલ્ફોનેટ નામનો એક પદાર્થ સોરિયાસિસ અને રક્તકોષભક્ષિતાની સારવારમાં મલમ રૂપે વપરાતો હતો. ક્રિસેરોબિન અને એન્થ્રાલિન નામનાં સંયોજનો એક સમયે સોરિયાસિસની સારવારમાં વપરાતાં હતાં. કુદરતી રીતે મળતા રેઝિન, બાષ્પશીલ તેલો (aromatic oils) અને સેન્દ્રિય ઍસિડોના મિશ્રણને બાલ્સમ કહે છે. તે મંદ પૂયરોધક છે, તેમનો ઉપયોગ ગળફો કાઢી નાંખતી (કફોત્સારી) ઉધરસની સારવાર માટેનાં મિશ્ર દ્રાવણોમાં થાય છે.

વિવિધ પ્રકારના ફૂગનાશકો પણ ચેપરોધકો તરીકે વપરાય છે; જેમ કે, સોડિયમ પ્રોમિયોનેટ, કેપ્રિલિક ઍસિડના ક્ષાર, એન્ડિસાયલેનિક ઍસિડ અને તેના ક્ષારો, ટોલ્નાફટેટ, સૅલિસાયલેનિલિડ, એક્રિસોર્લિન, થાયમોલ, બેન્ઝોઇક ઍસિડ, સૅલિસિલિક ઍસિડ, પોટૅશિયમ પરમૅંગેનેટ, ફિનૉલનાં સંયોજનો, જેન્શ્યન વાયોલેટ તથા બેઝિક ફ્યુક્સિન વગેરે. એક સમયે ખૂબ વપરાતા વ્હિટફિલ્ડના મલમમાં બેન્ઝોઇક ઍસિડ અને સૅલિસિલિક ઍસિડનું મિશ્રણ વપરાતું હતું.

ચામડી પરના પરોપજીવોને બહિષ્પરોપજીવો (ectoparasites) કહે છે. ડીડીટી (ક્લૉરફિનૉથેન) અસરકારક જૂ-નાશક પણ છે. જોકે હાલ તેનો તે માટે ખાસ ઉપયોગ થતો નથી. પરંતુ ગામા બેન્ઝિન હેક્ઝાક્લોરાઇડ તથા બેન્ઝાયલ બેન્ઝોએટ નામનાં દ્રવ્યો જૂ અને ખસના જંતુનો નાશ કરવા માટે હાલ વ્યાપકપણે વપરાય છે. પારો તથા સલ્ફર સંયોજનો પણ આ જ રીતે બહિષ્પરોપજીવનાશકો (ectoparasiticides) તરીકે વપરાતાં હતાં.

સુયોગ્ય ઉત્પાદન-પદ્ધતિ (good manufacturing practice) : દવા અને સૌન્દર્યપ્રસાધનો બનાવતા તથા આહારી ચીજોનું ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં યોગ્ય પ્રકારની જાહેર અને અંગત સફાઈ જળવાઈ રહે તે જરૂરી ગણાય છે. તેની અંદર (1) સફાઈકાર્યનું નિયંત્રણ, (2) ચેપરોધન અને સર્વસૂક્ષ્મજીવમુક્તન(sterlization)ની પ્રક્રિયાઓ, (3) મકાન અને તેમાંનાં વિવિધ જોડાણો (fittings), હવા, પાણી, સાધનો અને ઉપકરણોનું શુદ્ધીકરણ, (4) કાચો અને તૈયાર માલ, તેનું ઢાંકણ અને આવરણ (packaging), (5) કર્મચારીઓની સફાઈ અને સંરક્ષણ વ્યવસ્થા તથા (6)  આ સર્વ માહિતીની નોંધણી અને દસ્તાવેજીકરણ (documentation) વગેરે વિવિધ બાબતોનો સમાવેશ થાય છે. ચેપરોધકો તરીકે સામાન્ય રીતે હેલોજન્સ (સોડિયમ હાઇપોક્લોરાઇડ), ક્લોરિન વાયુ તથા પોવિડોન આયોડિન, ક્વૉટર્નરી એમોનિયમ સંયોજનો, ફિનૉલ્સ અને તેને સંબંધિત સંયોજનો, ઇથેનોલ અથવા આઇસોપ્રોપેનોલ, એમ્ફેટેરિક સંયોજનો, હાઇડ્રોજન પૅરૉક્સાઇડ, ડાયગ્વેનાઇડ્સ, ફૉર્માલ્ડિહાઇડ અને ગ્લુટરાલ્ડિહાઇડ તેમજ ઇથિલિન ઑક્સાઇડ જેવા ચેપનાશકો અને પૂયરોધકોનો વિવિધ કાર્યો માટે ઉપયોગ થાય છે. આ ઉપરાંત ઉદ્યોગોમાં સર્વસૂક્ષ્મજીવમુક્તન(sterilization)ની વિવિધ ભૌતિક તેમજ રાસાયણિક પદ્ધતિઓનો પણ ઉપયોગ થાય છે.

હૉસ્પિટલોમાં થતાં ચેપરોધનનાં વિવિધ પાસાં : 1868માં લિસ્ટરે હૉસ્પિટલમાં પ્રતિપૂયકારી ક્રિયાકલાપ(antiseptic technique)ની સંકલ્પના વિકસાવી હતી. તેમણે દર્શાવ્યું હતું કે શસ્ત્રક્રિયા સાથે સંબંધિત માંદગી (morbidity) તથા મૃત્યુવદૃશ્યતા(mortality)નું મહત્વનું કારણ સૂક્ષ્મજીવોથી ચેપ લાગવો તે છે. તેથી આવો ચેપ ન લાગે એવી પૂયરોધી(antiseptic) પદ્ધતિઓ વિકસાવવી જોઈએ એવું તેમનું માનવું હતું. તેમના આ વિચાર પછી ધીમે ધીમે અપૂયતા (asepsis), ચેપરોધન અને સર્વસૂક્ષ્મજીવનાશનની સંકલ્પનાઓ અને પદ્ધતિઓ વિકસી. હાલ મોટાભાગની વિકસિત હૉસ્પિટલોમાં કેન્દ્રીય સર્વસૂક્ષ્મજીવમુક્ત (sterile) શસ્ત્રક્રિયાનાં સાધનો, પાટાપિંડીના પદાર્થોનો પુરવઠો પૂરો પાડવાની વ્યવસ્થા ઉદભવેલી છે. તેને કેન્દ્રીય સર્વસૂક્ષ્મજીવમુક્ત પુરવઠા-પ્રણાલી (central sterile supply system) માટે કેન્દ્રીય રીતે ગળાઈને હવા આવે તેવી પણ વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે. તેને કારણે હાલ હૉસ્પિટલોમાં ચેપ લાગવાનો દર 5 %થી નીચો ચાલ્યો ગયો છે.

હૉસ્પિટલોમાં મુખ્યત્વે મૂત્રમાર્ગમાં શસ્ત્રક્રિયા કે અકસ્માત પછી થયેલા ઘામાં કે શ્વસનમાર્ગમાં ચેપ લાગે છે. મોટાભાગનો ચેપ દર્દીના શરીરમાંના સૂક્ષ્મજીવોથી જ ઉદભવે છે. હૉસ્પિટલમાં લાગતા ચેપને ઉપચારસ્થાનીય ચેપ (nosocomial infection) કહે છે. વૃદ્ધ, નવજાત શિશુ કે ગંભીર રીતે બીમાર વ્યક્તિને ઉપચારકક્ષ(care unit)માંથી ચેપ લાગે છે. તેમાં મધુપ્રમેહ, લોહીનું કૅન્સર, કૅન્સરની સારવાર માટે દવાઓ, વિકિરણ-ચિકિત્સા (radiotherapy), કોર્ટિકોસ્ટિરોઇડ કે રોગપ્રતિકારકતા ઘટાડતી પ્રતિરક્ષાદાબક સારવાર વગેરે વિવિધ પરિબળો પણ હૉસ્પિટલમાં ચેપ લાગવાની સંભાવના વધારે છે. જટિલ શસ્ત્રક્રિયા, લાંબા સમય માટે નસ વાટે અપાતી સારવાર, મૂત્રાશયનળી કે અન્ય સ્થળે નંખાયેલી નિવેશનનળીઓ (catheters), કૃત્રિમ શ્વસન માટેના યંત્રનો ઉપયોગ વગેરે વિવિધ ઉપચારલક્ષી પ્રક્રિયાઓ પણ ચેપ લાગવાની સંભાવના વધારે છે. યોગ્ય અંગત સફાઈનું ધ્યાન ન રાખનારા હૉસ્પિટલના કર્મચારીઓ (તબીબો, પરિચારિકાઓ તથા સેવકો) પણ એક દર્દીથી બીજા દર્દી સુધી ચેપને ફેલાવવામાં ઘણી વખત મદદ કરે છે. હૉસ્પિટલોમાં ઍન્ટિબાયૉટિક દવાઓનો વ્યાપક ઉપયોગ થાય છે. તેથી પણ વિવિધ ઍન્ટિબાયૉટિકો સામે ટકી રહેતા સૂક્ષ્મજીવોનો ઉપદ્રવ વધે છે. હૉસ્પિટલોમાં ચેપરોધકોના ઉપયોગમાં કે સર્વસૂક્ષ્મજીવમુક્તનની પ્રક્રિયામાં ક્યાંય પણ સહેજ ચૂક આવી જાય તો જોખમી પ્રકારના ચેપી રોગોનો ઉપદ્રવ કે વાવડ થઈ જવાની સંભાવના રહે છે. તેથી દરેક હૉસ્પિટલ પોતાની ચેપરોધન અને પ્રતિપૂયરોધનની નીતિ ઘડે છે અને તેના ચુસ્ત પાલનનું ધ્યાન રાખે છે. બીજાણુ (spore) બનાવતા જીવાણુઓ, યકૃતમાં પીડાકારક સોજો અને કમળો કરતા યકૃતશોથ(hepatitis)ના વિકારો તથા ક્ષયના જીવાણુઓનો ચેપ ન પ્રસરે તેનું ખાસ ધ્યાન રખાય છે. તેથી ચેપી કે પ્રદૂષિત પદાર્થો, દ્રવ્યો, વસ્ત્રો અને કાપડ તથા સાધનોના સર્વસૂક્ષ્મજીવમુક્તન માટેની આગવી વ્યવસ્થા કરાય છે. કેટલીક ફેંકી દઈ શકાય તેવી ચીજોનો કાયમી નાશ કરવાની કે બાળી નાંખવાની ક્રિયા પણ હાથ ધરાય છે. હૉસ્પિટલના મકાન, તેમાંનાં જોડાણો, હવા, પાણી અને આહારના પુરવઠાની શુદ્ધિ કરાય છે અને જરૂર પડ્યે ત્યાં પણ સર્વસૂક્ષ્મજીવમુક્તન કરવું જરૂરી બને છે.

શિલીન નં. શુક્લ

પારિજાત નિ. ગોસ્વામી

શાંતિ પટેલ

અનુભાઈ વિ. પટેલ