પુસ્તકસંગ્રહાલય (bookmuseum) : પ્રાચીન, વિરલ તથા કોઈક રીતે વિશિષ્ટતા ધરાવતા મુદ્રિત ગ્રંથો, હસ્તપ્રતો તથા આનુષંગિક વસ્તુઓનો સાર્વજનિક પ્રદર્શનના હેતુથી કરાયેલો સંગ્રહ તથા તેવો સંગ્રહ ધરાવતું સ્થળ.

પ્રાચીન ભારતમાં પુસ્તકાલયો હતાં. નાલંદા, તક્ષશિલા, વલભી, વિક્રમશીલા જેવી વિદ્યાપીઠોના સરસ્વતીભંડારો જગપ્રસિદ્ધ હતા. વિશેષ અવસરે તેમનાં પ્રદર્શનો યોજાતાં, પણ બહુધા તે નિયમિત અભ્યાસીઓને જ આકર્ષતાં. મધ્યયુગમાં યુરોપમાં નવજાગરણના પ્રભાવે વિદ્યાધામો સાથે પુસ્તકાલયો અને પુસ્તકપ્રદર્શનોની પ્રવૃત્તિ પણ જન્મી. આધુનિક સ્વરૂપે પુસ્તકપ્રદર્શનનો ઉદભવ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં થયો.

આ ક્ષેત્રે લોકોનું ધ્યાન ખેંચવા તથા પ્રવૃત્તિને લોકપ્રિય બનાવવાના હેતુથી રશિયાના વ્લાદિમિર ઇલ્યિચ લેનિન પુસ્તકાલયના પુસ્તકસંગ્રહાલયે એક સ્તુત્ય પ્રયત્ન રૂપે 1987માં પુસ્તક-સંગ્રહાલય તરીકે સ્વીકારી શકાય તેવી 209 સંસ્થાઓની એક નિર્દેશિકા બહાર પાડી. આમાંનાં 51 સંગ્રહાલયો તો રશિયાનાં (પૂર્વ સોવિયેત સંઘનાં) છે; બાકીનાં બીજા 45 દેશોમાં આવેલાં છે. એમાં એક બંગાળના શ્રીરામપુરનું કેરી (Carey) ગ્રંથાલય અને પુસ્તકસંગ્રહાલય છે. નિર્દેશિકામાં 209 સંગ્રહાલયોના બાર વર્ગો પાડવામાં આવ્યા છે :

વર્ગ ક્ષેત્ર સંખ્યા
 1. શુદ્ધ પુસ્તક-સંગ્રહાલયો 10
 2. પ્રકાશન-સંગ્રહાલયો 10
 3. કાગળપ્રૌદ્યોગિકી સંગ્રહાલયો 35
 4. પુસ્તકબાંધણી સંગ્રહાલયો 6
 5. બીબાં તથા બીબાં ઢાળણનાં સંગ્રહાલયો
 6. ચિત્રણ-આલેખન અને પુનર્મુદ્રણ સંગ્રહાલયો 4
 7. મુદ્રણ અને બહુચિત્રણ સંગ્રહાલયો

(museums of printing and polygraphy)

35
 8. પુસ્તક-આકાર સંગ્રહાલયો (museums of book sizes) 2
 9. મુદ્રણયંત્ર સંગ્રહાલયો (museums of press) 11
10. પુસ્તકસભ્યતા પ્રતિભા સંગ્રહાલયો

(museums of book culture personalities)

3
11 સ્થાયી પુસ્તક – સંગ્રહાલયો 34
12. અસ્થાયી પુસ્તક – સંગ્રહાલયો 59

સમયાંતરે કેટલાક સ્થાયી સંગ્રહો કે પ્રદર્શનો સ્થાયી સંગ્રહાલયો બની ગયાં છે; ઉદા., ભારતનું કેરી ગ્રંથાલય અને ઇંગ્લૅન્ડનાં બ્રિટિશ, હૉર્નબી અને હરફર્ડ ગ્રંથાલયો.

રશિયાનું સ્ટેટ લેનિન પુસ્તકાલય

રશિયામાં વ્લા. ઈ. લેનિન રાજ્ય પુસ્તકાલયનું રાજ્ય પુસ્તક અને પુસ્તકમુદ્રણ સંગ્રહાલય નોંધપાત્ર છે. તેની સ્થાપના 17 મે, 1972ના દિવસે થઈ હતી. તા. 23 એપ્રિલ, 1975ના દિવસથી તે નવા ભવનમાં ખસેડાયું છે. ભવન અઢારમી સદીના સ્થાપત્યનો એક સુંદર નમૂનો છે. તે આંતરિક ગઠન અને આધુનિક પ્રદર્શનની સામગ્રીનો સુભગ સમન્વય છે. એનો એક વિભાગ સંશોધકો માટે છે. બીજો વિજ્ઞાપન અને હરતાફરતા પ્રદર્શનનો છે. સંશોધન-વિભાગમાં આ પ્રમાણે પેટાવિભાગો છે :

(ક) હસ્તપ્રતો અને મુદ્રિત ગ્રંથો (અગિયારમીથી અઢારમી સદી)
(ખ) પુસ્તકો અને મુદ્રણ (અઢારમી સદીના ઉત્તરાર્ધથી ઓગણીસમી સદીનો પૂર્વાર્ધ)
(ગ) સોવિયેત ગ્રંથો અને પ્રકાશનો (1917થી 1941)
(ઘ) સોવિયેત ગ્રંથો અને પ્રકાશનો (1941થી 1958)
(ચ) સોવિયેત ગ્રંથો અને પ્રકાશનો (1959થી 1982)
(છ) બહુચિત્રણ અને પુસ્તકકલા

ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય, અમદાવાદ

સાત વિશાળ કક્ષોમાં 800 ચોમી.માં 3,000 નમૂના પ્રદર્શિત કરાયા છે. વિવિધ રુચિના માણસને સંગ્રહાલયમાં કંઈક ને કંઈક મળી રહે એ રીતે આકર્ષક ઢબે ગોઠવણી કરાઈ છે. સંશોધકો તેમજ સામાન્ય મુલાકાતીઓ માટે ભવનની અંદર તેમજ બહાર ફરવાની વિશિષ્ટ સુવિધા છે.

ભારતમાં પશ્ચિમ બંગાળના શ્રીરામપુરમાં આવેલી શ્રીરામપુર કૉલેજ એક નોંધપાત્ર પ્રાચીન કૉલેજ રહી છે. તેનાં કેરી ગ્રંથાલય અને કેરી સંગ્રહાલય બેવડી સેવા આપી રહ્યાં છે. સંશોધન માટેનું સારું ગ્રંથાલય ઉપરાંત સર્વસંગ્રહાલય તરીકે પણ તેનું મોટું આકર્ષણ છે. વિશેષત: સોળમીથી ઓગણીસમી સદી સુધીનાં 101 ભાષાનાં તેનાં નાનાંમોટાં પુસ્તકો અમૂલ્ય સામગ્રી પૂરી પાડે છે. આ ગ્રંથાલયમાં અંગ્રેજી, ઊડિયા, બંગાળી, હિંદી, સંસ્કૃત, પાલિ, તિબેટી, ચીની અને ફારસી ભાષાની તથા બહુભાષી હસ્તપ્રતો; પ્રારંભિક બ્રિટિશ સમયના ભારતના ઇતિહાસને સ્પર્શતા વિવિધ વિષયોનાં ચોપાનિયાં, પત્રો, આવેદનો, સંસદીય પત્રો આદિ; ભારતનાં તથા પરદેશોનાં અઢારમી અને ઓગણીસમી સદીનાં અગ્રણી સામયિકો આદિ; 31 ભાષાઓનાં વ્યાકરણ, 30 ભાષાઓના શબ્દકોશો અને 29 બહુભાષી શબ્દકોશો, છેલ્લે જ્ઞાનવિજ્ઞાનનાં વિવિધ ક્ષેત્રોનાં પુસ્તકો પણ ઠીક – ઠીક સંખ્યામાં છે.

ભારતમાં એવાં પ્રતિષ્ઠિત સંગ્રહાલયો છે, જે પુસ્તકો, હસ્તપ્રતો તથા દસ્તાવેજો રૂપે વિરલ અને મૂલ્યવાન વાચનસામગ્રી ધરાવે છે. આવા પદાર્થોને પ્રદર્શનજોગ ગણી લોકોને તેમાં રુચિ લેતા કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. સર્વસામાન્ય પ્રદર્શનોમાં તેમને એક અંગ તરીકે પ્રસ્તુત કરવામાં આવે ત્યારે દર્શકો એમાં રસ લેતા જણાતા નથી. એટલે વિશેષ ભાવે પુસ્તકસંગ્રહાલયની રીતે વિચાર કરવાથી લોકરુચિ કેળવવાની દિશામાં કંઈક નક્કર પરિણામ મેળવી શકાય છે. આ બાબતમાં શિક્ષણસંસ્થાઓ, ધાર્મિક તથા સાંસ્કૃતિક સંસ્થાઓ પણ સહાયક બની શકે.

આપણે ત્યાં એવાં પુસ્તકાલયો છે, જેમાં લગભગ સ્થાયી સ્વરૂપનાં પુસ્તક-પ્રદર્શનો વિશેષ રુચિવાળા પુસ્તકપ્રેમીઓને આકર્ષે છે. કેટલાંક ઉલ્લેખનીય નામો આ પ્રમાણે છે : દિલ્હીમાં સાર્વજનિક પુસ્તકાલય, કૉલકાતામાં એશિયાટિક સોસાયટીનું તથા રાષ્ટ્રીય પુસ્તકાલય, ચેન્નાઈમાં કોનેમરા ગ્રંથાલય, પટણામાં જ્ઞાનપીઠ ગ્રંથાલય, તમિળનાડુમાં તંજાવુરમાં પ્રાચીન તમિળ અને સંસ્કૃત હસ્તપ્રતાદિનું સંગ્રહાલય, મુંબઈ તથા પુણેનાં સાર્વજનિક તથા સંસ્થાકીય વિશેષ પુસ્તકાલયો, દાર્જીલિંગ તથા ગંગટોક(સિક્કિમ)માં બૌદ્ધ મઠોમાંનાં પ્રદર્શનોના ગ્રંથવિભાગો, પુણેનું ભાંડારકર પ્રાચ્યવિદ્યા શોધ સંસ્થાનનું પુસ્તકાલય, વારાણસીનાં ગ્રંથાલયો વગેરે. ગુજરાતમાં જૈન આચાર્યો દ્વારા હસ્તપ્રતોનાં સર્જન-સંમાર્જનની પ્રશસ્ય પ્રવૃત્તિની પરંપરા છે. પાટણ, ખંભાત, કોબા, ડભોઈ, પાલિતાણા આદિ સ્થળોએ ગ્રંથભંડારો છે.

રાષ્ટ્રીય પુસ્તકાલય, કૉલકાતા

વડોદરામાં પ્રાચ્યવિદ્યા મંદિર, અમદાવાદમાં ભો. જે. વિદ્યાભવન, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, મા. જે. પુસ્તકાલય, ગુજરાત વિદ્યાસભા, ગૂજરાત વિદ્યાપીઠ, સૂરતમાં ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન, દ્વારકામાં પ્રાચ્ય વિદ્યા સંશોધન સંસ્થાન, મુંબઈમાં ફાર્બસ ગુજરાતી સભા, નડિયાદમાં ડાહીલક્ષ્મી લાઇબ્રેરી, રાજકોટમાં લૅંગ ગ્રંથાલય, ભુજમાં કચ્છ સંગ્રહાલય, ભાવનગરમાં ગાંધીસ્મૃતિ અને બાર્ટન ગ્રંથાલય. આમાંનાં કેટલાંક સ્થાયી પ્રદર્શન ધરાવે છે તો કેટલાંક પ્રસંગોપાત્ત પ્રદર્શનો પ્રયોજે છે.

પુસ્તક-સંગ્રહાલયનું સ્વરૂપ લગભગ આવું હોય છે :

ક. સંગ્રહ-વિભાગ
ખ. વ્યવસ્થા અને જાળવણી
ગ. પ્રદર્શન-કક્ષ
ઘ. સંશોધન-વિભાગ
ચ. દર્શન-ભ્રમણ (excursion) અને ફરતા પ્રદર્શનનો વિભાગ

શેઠ મા. જે. પુસ્તકાલય, અમદાવાદ

સામગ્રીની જાળવણી તથા સુરક્ષા માટે ઉચિત વ્યવસ્થા કરવામાં આવે છે. સ્થાયી પ્રદર્શન માટે સામગ્રીનું ચયન કરવામાં આવે છે. પસંદ કરેલી સામગ્રી પ્રદર્શન માટે તૈયાર કરતાં પહેલાં તેનું સૂક્ષ્મ છબીકરણ (microfilming) જરૂરી ગણાય છે. દર્શકોના હસ્તસ્પર્શથી થતા ઘસારા સામે રક્ષણ આપવા વસ્તુને પાતળા પ્લાસ્ટિક આવરણથી (lamination) મઢી લેવામાં આવે છે. આનુષંગિક વિગતો મોટા અક્ષરે પોસ્ટર રૂપે સાથે જ પ્રસ્તુત કરવામાં આવે છે.

સંશોધકોને ઉપયોગી થવા માટે આવશ્યક અભ્યાસવ્યવસ્થા ઉપરાંત નિષ્ણાત માર્ગદર્શકની સેવા પણ ઉપલબ્ધ હોય છે. ટૂંકમાં, હવે, પુસ્તક-સંગ્રહાલયને વ્યાપક શિક્ષણવ્યવસ્થાના આવશ્યક અંગ તરીકે જોવામાં આવે છે.

સોનલ મણિયાર