પુષ્યેણ : આઠમી સદીમાં થઈ ગયેલ વલ્લભપુરનો રાજા. વળા(વલ્લભીપુર)માંથી મહારાજ અહિવર્માના પુત્ર મહારાજ મહાસેનાપતિ પુષ્યેણનું મુદ્રાંક મળેલું. અગાઉ આ પુષ્યેણ તે ઘૂમલીના દાનશાસનમાં જણાવેલ પહેલો રાજા પુષ્યદેવ હોવાનો સંભવ મનાયેલો, પરંતુ હવે આંબળાસ(જિ. જૂનાગઢ)માંથી મળેલ તામ્રપત્ર પરથી એ બે વ્યક્તિ ભિન્ન હોવાનું માલૂમ પડ્યું છે. આ દાનશાસન મહારાજ મહાસેનાપતિ પુષ્યેણના પુત્ર મહારાજ અહિવર્માનું છે. પુષ્યેણનો પિતા અહિવર્મા પહેલો સિંધમાં ‘મહારાજ’ તરીકે રાજ્ય કરતો હશે, જ્યારે એનો પુત્ર પુષ્યેણ સિંધમાં થયેલા અરબી ઉપદ્રવ(ઈ. સ. 711)ના કારણે વતન તજી, સૌરાષ્ટ્રમાં આવી વસ્યો લાગે છે. વળાના મુદ્રાંક પરથી સૂચિત થાય છે કે એણે શરૂઆતમાં વલભીના મૈત્રકરાજ્યમાં ‘મહાસેનાપતિ’નો અધિકાર અંગીકાર કર્યો હશે ને આગળ જતાં સૌરાષ્ટ્રમાં ક્યાંક રાજસત્તા પામી ‘મહારાજ’ બિરુદ ધારણ કર્યું હશે.
પુષ્યેણનો ઉત્તરાધિકાર એના પુત્ર અહિવર્મા બીજાને પ્રાપ્ત થયો.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી