પુષ્યદેવ : ઈ. સ.ની આઠમી સદીમાં સૈન્ધવ વંશનો ઘૂમલીનો રાજા. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આઠમી સદીમાં ‘સૈન્ધવ’ નામે રાજવંશ સ્થપાયો. એ વંશ પાંડવોના સમકાલીન સિંધુરાજ જયદ્રથમાંથી ઉત્પન્ન થયેલો મનાતો હતો. ઘૂમલીનાં દાનશાસનોમાં પૂર્વજોની વંશાવળી પુષ્યદેવ સુધી આપવામાં આવી છે. પુષ્યદેવ લગભગ ઈ. સ. 735થી 750માં રાજ્ય કરતો હતો. એ અહિવર્મા પહેલાના પુત્ર પુષ્યેણથી ભિન્ન છે. પુષ્યેણ અરબોના ઉપદ્રવના કારણે સિંધ છોડી સૌરાષ્ટ્રમાં આવી વસ્યો. શરૂઆતમાં ત્યાંના મૈત્રકરાજ્યનો મહાસેનાપતિ બની આગળ જતાં ક્યાંક ‘મહારાજ’ થયો. એનો પુત્ર મહારાજ અહિવર્મા બીજો ઈ. સ. 723માં કુબેરનગરમાં રાજ્ય કરતો હતો. એનો ઉત્તરાધિકાર એના પુત્ર પુષ્યદેવને પ્રાપ્ત થયો. એ મૈત્રકનરેશ શીલાદિત્ય પહેલાનો સમકાલીન હતો. એની રાજધાની ભૂતાંબિલિકા(ભૂપલીઘૂમલી)માં હતી. એ નગરી બરડા ડુંગરની ઉત્તર ઉપત્યકામાં વસી હતી. પુષ્યદેવ પછી એેનો પુત્ર કૃષ્ણરાજ પહેલો ગાદીએ આવ્યો.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી