પુષ્પભૂતિ વંશ : ઉત્તર ભારતનો છઠ્ઠી અને સાતમી સદી દરમિયાનનો રાજવંશ. પૂર્વ પંજાબમાં શ્રીકંઠ નામે દેશ હતો. એનું પાટનગર સ્થાણ્વીશ્વર (કે થાનેશ્વર – થાનેસર) સરસ્વતી નદીના તીરે આવ્યું હતું. ત્યાં પુષ્પભૂતિ રાજાએ પોતાનું રાજ્ય સ્થાપ્યું. એ વૈશ્ય હતો. શંકરનો ઉપાસક હતો. ભૈરવાચાર્ય નામે શૈવ આચાર્યની કૃપાથી મળેલ ‘અટ્ટહાસ’ નામે ખડ્ગ વડે એણે દેવોની સાધના કરી હતી.

પુષ્પભૂતિના વંશમાં અનેક રાજાઓ થયા. અભિલેખો પરથી જે માહિતી મળે છે તેમાં પહેલું નામ મહારાજ નરવર્ધનનું આવે છે. એના પછી એનો પુત્ર રાજ્યવર્ધન પહેલો ગાદીએ આવ્યો, એનો પુત્ર આદિત્યવર્ધન હતો. એના પુત્ર પ્રભાકરવર્ધનના સમયમાં આ રાજવંશની સત્તાનો અભ્યુદય થયો. પ્રભાકરવર્ધને હૂણ, સિંધુરાજ, ગૂર્જર, ગંધારરાજ, લાટ અને માલવના રાજ્ય પર ધાક વર્તાવી હતી. આ પ્રતાપી રાજા ‘પ્રતાપશીલ’ તરીકે ખ્યાતિ પામ્યો. એણે ‘મહારાજાધિરાજ’નું મહાબિરુદ ધારણ કર્યું. એ પરમ આદિત્યભક્ત હતો. એને યશોમતી નામે રાણી હતી. રાજપુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન પણ પ્રતાપી હતા. એની રાજપુત્રી રાજ્યશ્રીને કનોજના મૌખરિ રાજા ગ્રહવર્મા વેરે પરણાવી હતી.

રાજ્યવર્ધન હૂણોને હણવા ઉત્તરાપથ ગયો, ત્યારે વયોવૃદ્ધ રાજા પ્રભાકરવર્ધન મૃત્યુ પામ્યા. મહાદેવી યશોમતી એ પહેલાં સતી થઈ ગયાં. માલવરાજે કનોજ પર આક્રમણ કરી ગ્રહવર્માનો વધ કર્યો ને રાજ્યશ્રીને કેદ કરી. રાજ્યવર્ધને કનોજ તરફ કૂચ કરી માલવરાજની સેનાને જીતી લીધી; પરંતુ એ શત્રુના દગાનો ભોગ બન્યો.

હર્ષવર્ધને માલવરાજને મદદ કરનાર ગૌડ રાજા સામે કૂચ કરી, કારાગારમાંથી નાસી છૂટેલી બહેન રાજ્યશ્રીને શોધી સધિયારો આપ્યો. ઈ. સ. 606માં રાજ્યારોહણ કરીને હર્ષે ગૌડરાજ શશાંકને હરાવ્યો ને સમસ્ત ઉત્તરાપથ પર આધિપત્ય પ્રવર્તાવી તે ચક્રવર્તી બન્યો. એણે કનોજની ગાદી સંભાળી લીધી ને ‘શીલાદિત્ય’ નામ ધારણ કર્યું. હર્ષે પોતાનો દિગ્વિજય ઈ. સ. 612 સુધીમાં કર્યો હતો. એણે પોતાની કુંવરી વલભીના મૈત્રકરાજા ધ્રુવસેન બીજા વેરે પરણાવી. દક્ષિણાપથ પર હર્ષવર્ધને આક્રમણ કર્યું, પરંતુ ત્યાંના ચાલુક્ય રાજા પુલકેશી સામે એ ફાવ્યો નહિ. ઈ. સ. 643માં હર્ષવર્ધને ચીની મહાશ્રમણ યુઆન શ્વાંગને આસામથી કનોજ તેડાવ્યા. કુલપરંપરાએ હર્ષ (પરમ) માહેશ્વર હતો, પરંતુ એ બૌદ્ધ ધર્મમાંય ભારે આસ્થા ધરાવતો હતો. એ દર પાંચ વર્ષે પ્રયાગમાં મોક્ષપરિષદ ભરતો હતો. એણે કનોજમાં ધર્મપરિષદ ભરી, બૌદ્ધ ધર્મનું બહુમાન કરેલું. બાણભટ્ટ જેવો મહાકવિ એનો (પરમ) પ્રશંસક હતો. એણે તેને અનુલક્ષીને ‘હર્ષચરિત’ લખ્યું છે. હર્ષદેવે પોતે ‘પ્રિયદર્શિકા’ તથા ‘રત્નાવલી’ નામે બે નાટિકાઓ અને ‘નાગાનંદ’ નામે નાટક રચેલ છે. હર્ષવર્ધન ઈ. સ. 647ના અરસામાં મૃત્યુ પામ્યો. એ અપુત્ર હતો. એનું મૃત્યુ થતાં પુષ્પભૂતિ વંશની સત્તા અસ્ત પામી.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી