પુષ્પગુપ્ત : ઈ. સ. પૂ. ચોથી સદીમાં મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તનો સૌરાષ્ટ્રનો રાજ્યપાલ. રાજા મહાક્ષત્રપ રુદ્રદામાના જૂનાગઢ-શૈલલેખમાં ગિરિનગરના ‘સુદર્શન’ નામે જળાશયના સેતુ(બંધ)ના સમારકામની સમકાલીન ઘટના નિમિત્તે એ જળાશયના નિર્માણનો પૂર્વવૃત્તાંત પણ આપવામાં આવ્યો છે. એ અનુસાર આ જળાશયનું નિર્માણ મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્પગુપ્તે કરાવ્યું હતું. પુષ્પગુપ્ત વૈશ્ય હતો ને સુરાષ્ટ્રના રાષ્ટ્રીય(રાજ્યપાલ)નો અધિકાર ધરાવતો હતો. ચંદ્રગુપ્તના પૌત્ર અશોક મૌર્યના રાષ્ટ્રીય યવનરાજ – તુષાસ્ફે આ જળાશયમાંથી નહેરો કઢાવી હતી. સુદર્શન જળાશય ઊર્જયત્ (ગિરનાર) પર્વતમાંથી નીકળતી સુવર્ણસિક્તા પલાશિની વગેરે નદીઓના પ્રવાહ આડે સેતુ (બંધ) બાંધીને કરવામાં આવ્યું હતું. મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત(લગભગ ઈ. સ. પૂ. 322-298)ના રાજ્યકાલમાં બંધાયેલો આ બંધ ગુજરાતના જ નહિ, સમસ્ત ભારતના ઇતિહાસમાં નોંધાયેલ બંધનું સહુથી પ્રાચીન જ્ઞાત ઉદાહરણ છે. એ બંધ અને એ દ્વારા બંધાયેલ સુદર્શન જળાશયના નિર્માણનો યશ સૌરાષ્ટ્રના એ સમયના રાજ્યપાલ પુષ્પગુપ્તને ફાળે જાય છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી