પુષ્કલાવતી : ગાંધાર દેશની પ્રાચીન રાજધાની. વિષ્ણુપુરાણમાં જણાવ્યા મુજબ ભરતના પુત્ર પુષ્કરે પોતાના નામ પરથી પુષ્કલાવતી કે પુષ્કરાવતી નામે નગર વસાવેલું. ગ્રીક વર્ણનોમાં એનો ‘પ્યૂકેલૉટિસ’ નામથી ઉલ્લેખ થયેલો છે. સિકંદરના આક્રમણ (ઈ. પૂ. 326) વખતે પુષ્કલાવતી એક સ્વતંત્ર રાજ્ય હતું અને તે કાબુલથી સિંધુ નદી સુધીના માર્ગ પર આવેલું હતું. એ વખતે અહીં ઇસ્ટીજ (અષ્ટક કે હસ્તી) નામે રાજા રાજ્ય કરતો હતો, જે સિકંદર સામે પોતાના રાજ્યનું રક્ષણ કરતાં યુદ્ધમાં માર્યો ગયો હતો. ઈસવી સનની સાતમી સદીમાં યુઅન શ્વાંગે આ નગરનો ‘પુ-સે-કિ-અ-લો-ફ-તી’ નામે ઉલ્લેખ કર્યો છે. એ અહીં થઈને પસાર થયો હતો. એણે નોંધ્યા પ્રમાણે આ નગર ગીચ વસ્તી ધરાવતું હતું અને ત્યાં હિંદુ દેવમંદિરો તથા બૌદ્ધ સ્તૂપો આવેલાં હતાં. પેશાવરની પડોશમાં આવેલ પેખલી કે પખોલી આજે પણ સંસ્કૃત શબ્દ ‘પુષ્કલ’ની યાદ આપે છે. પુષ્કલાવતીને સ્થાને આજે પેશાવરની ઉત્તરે હસ્તનગર ગામ વસેલું છે. આ સ્થાન સ્વાત્ નદીને કાંઠે આવેલું છે.
પ્રવીણચંદ્ર પરીખ