પુષ્કરમૂળ : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા ઍસ્ટરેસી (ભૃંગરાજાદિ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Inula racemosa Hook. f. (સં. પુષ્કરમૂલ, પદ્મપત્ર, કાશ્મીરા, કુષ્ઠભેદ; હિં. પોહકરમૂલ; મ. બાળવેખંડ; ગુ. પુષ્કરમૂળ; મલ. ચન્નાકૂવા; તે. પુષ્કર મૂલામુ; ક્ધન. પુષ્કરમૂળ; કા. પાતાલપદ્મિની; અં. ઇંડિયન એલિકેમ્પેન) છે.

વિતરણ : તે ભારત, ચીન અને યુરોપમાં વિપુલ પ્રમાણમાં મળી આવે છે. તે સમશીતોષ્ણ અને ઉચ્ચ પર્વતીય (alpine) પશ્ચિમ હિમાલયમાં 1300-4500 મી. ઊંચાઈએ; કાશ્મીરથી કુમાઉન સુધી અને અફઘાનિસ્તાનથી મધ્ય નેપાલ સુધી તથા ઉત્તર-પશ્ચિમ હિમાલયની શીત-શુષ્ક આબોહવામાં 2700-3500 મી.ની ઊંચાઈએ પૂર્વ લડાખ વિસ્તારમાં થાય છે. જમ્મુના પહાડી પ્રદેશોમાં જળાશયોની નજીક જ્યાં કુઠ થાય છે ત્યાં તે થાય છે.

બાહ્યાકારવિદ્યા (morphology) : તે એક મજબૂત શાકીય વનસ્પતિ છે. તેની ઊંચાઈ 1.5 મી. સુધીની હોય છે. પર્ણો ચર્મિલ, ઉપરની સપાટીએથી ખરબચડાં, નીચેની સપાટીએ ગાઢપણે રોમિલ, દંતુર (toothed); મૂળ પર્ણો (radical leaves) 20-45 સેમી.  12.5-20 સેમી. લાંબા પર્ણદંડવાળાં, ઉપવલયી-ભાલાકાર (elliptic-lanceolate); સ્તંભીય (cauline) પર્ણો અંડ-લંબચોરસ (ovate-oblong) અને અર્ધપરિસ્તંભ (semiamplexicaul), ઘણી વાર તલપ્રદેશેથી ઊંડાં ખંડિત હોય છે.

  (આ) 

 (અ)

 

 

 

 

 

 

આકૃતિ 1 : (અ) પુષ્કરમૂળની શાખા અને

પુષ્પવિન્યાસ, (આ) મૂળ

પુષ્પવિન્યાસ સ્તબક (capitulum) પ્રકારનો, પીળા રંગનો અને તે કલગી સ્વરૂપે ગોઠવાયેલો હોય છે. ફળ લાલ રંગનો રોમગુચ્છ (pappus) ધરાવતાં ચર્મફળ (achene) પ્રકારનાં, પાતળાં અને 4.2 મિમી. જેટલાં લાંબાં હોય છે.

તાજાં મૂળ બદામી રંગનાં હોય છે અને ઉગ્ર સુવાસ ધરાવે છે. તેની સુવાસ કપૂર જેવી હોય છે. શુષ્ક મૂળ ભૂખરા રંગનાં હોય છે અને તેની સુવાસ મંદ હોય છે. પ્રકંદ (root stock) શાખિત હોય છે. કંઠ પ્રદેશે(collar zone)થી કેટલીક વાર અનેક મૂળ ઉત્પન્ન થાય છે; જોકે સામાન્ય રીતે દરેક પુંજમાં થોડાંક જ મૂળ થાય છે. મૂળનો અંદરનો ભાગ પીળાશ પડતો હોય છે. તેનો સ્વાદ કડવો હોય છે.

વનસ્પતિરસાયણ (phytochemistry) : પુષ્કરમૂળ 10 % ઇન્યુલિન અને 1.3 % બાષ્પશીલ તેલ ધરાવે છે. આ તેલમાં સેસ્ક્વિટર્પીન લૅક્ટોનો વિપુલ પ્રમાણમાં હોય છે; જેમાં એલેન્ટો લૅક્ટોન (C15H20O2; ગ.બિં. 76o, ALT) અને આઇસોએલેન્ટો લૅક્ટોન (ILAT) મળી આવ્યા છે. જ્યારે ડાઇહાઇડ્રોએલેન્ટો લૅક્ટોન, ડાઇહાઇડ્રોઆઇસોએલેન્ટો લૅક્ટોન, ઇન્યુનોલાઈડ, ડાઇહાઇડ્રોઇન્યુનોલાઈડ, નીઓએલેન્ટો લૅક્ટોન, આઈસોએલોએલેન્ટો લૅક્ટોન, એલોએલેન્ટો લૅક્ટોન, ઇનુનલ, આઇસોઇનુનલ, ટેલેક્ધિા, 4(15) – α – એપૉક્સિટેલેક્ધિા એલેન્ટોડાયેન અને આઇસોએલેન્ટોડાયેન મૂળના અધ્રુવીય (non-polar) અંશોમાંથી અલગ તારવવામાં આવ્યા છે.

મૂળમાંથી ડોકોસ્ટેરૉલ, D-મૅનિટોલ અને β-સિટોસ્ટેરૉલ સારી માત્રામાં મળી આવ્યાં છે.

હવાઈ અંગોમાંથી અન્ય કેટલાંક સેસ્ક્વિટર્પીન લૅક્ટોન મળી આવ્યા છે; જેમાં ઈવેલિન ઍસિટેટ, ડાઇહાઇડ્રોએલેન્ટોલૅક્ટોન, 1-ડેસૉક્સિ-8-એપિ-ઈવાન્ગુસ્ટિન, 8-એપિ-આઇસોઇવાન્ગુસ્ટિન, 9-β-OH કોસ્ટુનોલાઇડ, 9β-પ્રોપિયોનાઈલઑક્સિકોસ્ટુનોલાઈડ, 9-β-(2 મિથાઈલબ્યુટેરાઈલ ઑક્સાઈલ) કોસ્ટુનોલાઈડ, 4-β-5a-એપોક્સિ-10a, 14-H-ઇનુવિસ્કોલાઈડ, 4β, 5α-એપોક્સિ-4, 5-સિસ-ઇનુનોલાઇડ, 4-H-ટોમેન્ટોસિન અને 4H કાર્બ્રોનનો સમાવેશ થાય છે.

વનસ્પતિ રસાયણોની જૈવિક સક્રિયતા : સેસ્ક્વિટર્પીન લૅક્ટોન તેમની વિવિધ જૈવિક સક્રિયતાઓ અને ઉત્સેચકોના વંશગત (generic) પ્રતિરોધને કારણે મહત્વના છે. તેઓ વિવિધ રોગજન્ય (pathogenic) સજીવો, કીટકો અને સસ્તનો સામે વનસ્પતિને રક્ષણ આપે છે. તેઓ દ્વિતીયક ચયાપચયકો (metabolites) છે અને અન્ય વનસ્પતિઓ ઉપર વિવિધ જૈવરાસાયણિક અસરો અને પૃષ્ઠવંશીઓ(vertebrates)માં વિષાળુતા ઉત્પન્ન કરે છે.

ALT અન IALTના મિશ્રણને ‘ઇન્યુલા કૅમ્ફર’ કહે છે. એલેન્ટોન નામનું ઔષધ આ બંનેનું મિશ્રણ છે. તેનો વ્રણીભવન (ulceration) માટે ઉપયોગ થાય છે. તે શોથહર (anti-inflamatory) અને પ્રતિ-પ્રોટીનસંલાયી (antiproteolytic) છે. તે જઠરના ઍસિડિક કાર્યનું નિયમન કરે છે; શ્લેષ્મ(mucin)ના ઉત્પાદનમાં વધારો કરે છે અને જઠરીય શ્લેષ્મસ્તર(mucosa)ની પુનરુત્પાદક ક્ષમતાને ઉત્તેજે છે.

ALT અને IALT મગ(Phaseolus aureus)માં નિયંત્રિત (control) કરતાં મૂલિકાઓ(rootlets)ની 2.0-2.5 ગણી વધારે સંખ્યામાં ઉત્પન્ન કરે છે.

ALT અને IALT લિપિડની પ્રતિ-ઉપચાયી (anti-oxidant) સક્રિયતામાં વધારો કરે છે. તેઓ ઘણાં ગ્રામ (+) અને ગ્રામ (-) બૅક્ટેરિયા સામે પ્રતિજીવાણુક (Antibacterial) સક્રિયતા અને તેઓ ફૂગરોધી (antifungal) સક્રિયતા દર્શાવે છે.

ઔષધગુણવિજ્ઞાનીય (pharmacological) ગુણધર્મો : પુષ્કરમૂળના ઔષધગુણવિજ્ઞાનીય ગુણધર્મો આ પ્રમાણે છે : શોથહર, વેદનાહર (analgesic), કોષવિષાળુ (cytotoxic), ફૂગરોધી, પ્રતિજીવાણુક, યકૃતસંરક્ષી (hepatoprotective), પ્રતિ-પ્રત્યૂર્જક (anti-allergic), ડિમ્ભનાશક (larvicidal), પ્રતિ-ઉપચાયી, દમરોધી (anti-asthmatic), પ્રતિવિકૃતિજન્ય (anti-mutagenic), પ્રતિ-ક્રમિક-મૃત્યુધર્મી (anti-apoptotic), અનુકૂલજન્ય (adaptogenic), એડ્રીનાલિનધર્મોત્તેજક (adrenergic) β – ગ્રાહી (receptor) અવરોધ, અલ્પગ્લુકોઝરક્ત (hypoglycemic) અને હૃદ્સંરક્ષી (cardioprotective).

ચિરપ્રતિષ્ઠિત (classical) વર્ગીકરણ : ચરક પુષ્કરમૂળને શ્વાસહર અને હિક્કાનિગ્રહણમાં અને સુશ્રુત તેને ફલવર્ગમાં મૂકે છે.

આયુર્વેદિક ગુણધર્મો : રસ (taste)  તિક્ત (bitter), કટુ (pungent)

ગુણ (qulities) : લઘુ (lightness), તીક્ષ્ણ (piercing, strong)

વીર્ય (potency) – ઉષ્ણ (hot)

વિપાક (conversion after digestion) – કટુ

ત્રિદોષ ઉપર અસર – તે કટુ અને તિક્ત હોવાને કારણે કફ તથા ઉષ્ણવીર્ય હોવાથી વાત દોષનું સંતુલન કરે છે.

ભારતની આ પ્રાચીન અને સુપ્રસિદ્ધ જડીબુટ્ટીની નિકાસ અહીંથી બીજા દેશોમાં વિશેષ થતી હતી એવું ઇતિહાસથી જાણવા મળે છે. અધિક નિકાસ થવાથી તે અપ્રાપ્ય બની ગઈ હશે અને તેના સ્થાને તેને મળતી આવતી કુઠ વનસ્પતિનો ઉપયોગ થવા લાગ્યો. પણ તેથી પુષ્કરમૂળનેય કુઠનો એક પ્રકાર માની લેવો એ ભૂલ છે. ચરક અને સુશ્રુતાદિ પ્રાચીન સંહિતાકારોએ કેટલાક રોગોમાં પુષ્કરમૂળ અને કુઠના અલગ અલગ ચિકિત્સાયોગ બતાવેલા છે.

પુષ્કરમૂળ અને કુઠ બંને કટુ, વિપાકી તથા ઉષ્ણવીર્ય અને કફવાતશામક છે. તેમ છતાં પુષ્કરમૂળમાં હૃદ્ય અને આમપાચનગુણની વિશેષતા હોવાથી તે કાસ, શ્વાસ, પાર્શ્વશૂલ, હૃદ્રોગ આદિ પ્રાણવહ સ્રોત સંબંધી વ્યાધિઓમાં કુઠ કરતાં વધુ ઉપયોગી છે. પુષ્કરમૂળ હેડકી, અરુચિ, શોથ અને પાંડુરોગને પણ દૂર કરે છે. તેનો રસ કટુ, તિક્ત, ઉષ્ણવીર્ય; વિપાક કટુ; અને વાત તથા કફ દોષઘ્ન છે.

પુષ્કરમૂળ અનુલોમક હોવા છતાં વિશેષ ગ્રાહી નથી. કુઠ અનુલોમક હોવા છતાં ગ્રાહી છે.

પુષ્કરમૂળ અને લઘુપંચમૂળનો બનાવેલો ક્ષીરપાક પાર્શ્વશૂલની અકસીર મહૌષધિ છે. અરડૂસી, ભારંગી, જેઠીમધના યોગ સાથે બકરીના દૂધમાં પુષ્કરમૂળનું સેવન કરવામાં આવે તો ક્ષય અને ખાંસી નષ્ટ થઈ જાય છે.

તેનું ચૂર્ણ મધ સાથે દિવસમાં 3 વાર સેવન કરાવી તથા શૂલ-સ્થાન પર ગરમ ઘી અથવા ગરમ તેલમાં રૂની પોટલી બોળીને 10થી 20 મિનિટ સુધી વારંવાર શેક કરતા રહેવાથી પાર્શ્વશૂલમાં લાભ થાય છે.

તેના 3 ગ્રામ ચૂર્ણમાં 60 મિગ્રા. રસસિંદૂર મેળવી મધ સાથે ચાટવાથી શ્વાસમાં વિશેષ લાભ થાય છે.

તે કફ-વાતના ઘણા રોગોમાં ઉપયોગી અને ફળદાયી ઔષધ છે.

ઉપયોગી અંગ – મૂળ.

માત્રા – 1-3 ગ્રામ, વિભાજિત માત્રાઓમાં.

આડઅસર – અતિરક્તદાબી (hypertensive) વ્યક્તિઓએ આ ઔષધનો ઉપયોગ આયુર્વેદિક ચિકિત્સકના નિરીક્ષણ હેઠળ કરવો હિતાવહ છે. અતિ માત્રાથી રક્તદાબ નીચો જઈ શકે છે.

વિશિષ્ટ યોગ – શ્વાસહર કષાય, મહાપંચાંગવ્ય ઘૃત, પંચતિક્તકષાય, અરિમેદાદિ તૈલમ્, પુષ્કરગુગ્ગુલ.

पौष्करं कटुकं तिक्तं उष्णं वातकफ ज्वरान् ।

हन्ति कास अरुचि श्वासान् विशेषात् पार्श्वशूलनुत् ।।

ભાવપ્રકાશ

तिक्तं पुष्करमूलं तु कटुष्णं कफवातजित् ।

ज्वर आरोचक कासघ्नं शोफ आध्मान विनाशनम् ।।

श्वासं हिक्कां जयत्वेव सेव्यमानं शनै: शनै:

ધન્વન્તરિ નિઘંટુ

બળદેવભાઈ પટેલ

આદિત્યભાઈ છ. પટેલ