પુષ્કર : રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલું નગર તથા હિંદુઓનું પવિત્ર યાત્રાધામ. ભૌ. સ્થાન : 26o 30′ ઉ. અ. અને 74o 33′ પૂ. રે. તે અજમેરથી વાયવ્ય દિશામાં આશરે 18 કિમી.ને અંતરે અરવલ્લીની હારમાળામાં સમુદ્રસપાટીથી લગભગ 727 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ નગરની ત્રણ બાજુએ ટેકરીઓ આવેલી છે.
આજુબાજુના પ્રદેશમાં થતી જુવાર, બાજરી, મકાઈ, ઘઉં અને શેરડી જેવી કૃષિપેદાશોના સ્થાનિક બજાર માટે તેમજ કલાત્મક કુટિર-વસ્ત્રઉદ્યોગ, કાષ્ઠ-ચિત્રકલા તથા પશુઓના વેપાર માટે તે જાણીતું બનેલું છે. વર્ષમાં એક વાર કારતક મહિનાની અગિયારશથી પૂર્ણિમા સુધી અહીં ધાર્મિક તેમજ વેપારી હેતુથી મોટો મેળો ભરાય છે. મેળામાં ઘોડા, ઊંટ, ગાય-બળદ જેવાં પશુઓનું ખરીદ-વેચાણ થાય છે. ઊંટગાડીઓની દોડ-સ્પર્ધા પણ યોજાય છે. આ કારણે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહેલું છે.
ધાર્મિક મહત્વ : પુષ્કર હિંદુઓનું પવિત્ર યાત્રાધામ ગણાય છે. અહીં ઘણાં મંદિરો આવેલાં છે; પરંતુ તે પૈકી બ્રહ્માજી અને સાવિત્રીનું મંદિર, બદરીનારાયણનું મંદિર, શિવ આત્મેશ્વરનું મંદિર, વરાહમંદિર તથા શ્રીરંગ મંદિર ઉલ્લેખનીય છે. અહીં ગાયત્રી શક્તિપીઠ પણ છે. અહીંનું બ્રહ્માજીનું મંદિર સમગ્ર ભારતમાં એકમાત્ર જાણીતું હોઈ તેનું વિશેષ ધાર્મિક મહત્વ અંકાય છે. (બ્રહ્માજીનું અન્ય એક મંદિર સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં પણ છે.) મંદિરની નજીકમાં જ પવિત્ર મનાતું પુષ્કર સરોવર પણ છે.
1658થી 1707ના ગાળા દરમિયાન મુઘગલ શહેનશાહ ઔરંગઝેબે અહીંનાં ઘણાં પ્રાચીન મંદિરોનો નાશ કરેલો, પરંતુ રાજપૂત રાજાઓ દ્વારા તે ફરીથી આધુનિક બાંધણી મુજબ બાંધવામાં આવેલાં છે.
પદ્મપુરાણમાં પુષ્કર અંગેનો ઉલ્લેખ મળે છે. કહેવાય છે કે પ્રાચીન કાળમાં યજ્ઞ કરવા માટે યોગ્ય સ્થાનની ખોજમાં બ્રહ્માજી પૃથ્વીલોકમાં ફરતા હતા ત્યારે તેમના હાથમાંથી ત્રણ જગાએ કમળ પડેલાં, ત્યાં ત્રણ સરોવરો તૈયાર થયાં. તે પૈકીની એક આ પુષ્કરની જગા પસંદ કરીને તેમણે કાર્તિકી અગિયારશથી પૂર્ણિમા સુધી યજ્ઞ કરેલો. પુષ્કરનું આ એ જ યજ્ઞસ્થળ છે, જ્યાં બ્રહ્માજીનું મંદિર બંધાયેલું છે. આ જ કારણે અહીંના સરોવરમાં સ્નાન કરવાનો મહિમા છે. સરોવરમાં સ્નાન કરવાનું મહત્વ હોવાથી યાત્રાળુઓની સુવિધા માટે રાજસ્થાનના કેટલાક શ્રીમંતોએ દેશી રાજ્યોના સમયમાં સ્નાનઘાટ બંધાવેલા છે. દર વર્ષે કારતકમાં ભરાતા મેળા વખતે (તેમજ વર્ષભર) હજારોની સંખ્યામાં યાત્રાળુઓ અહીં દર્શનાર્થે તથા સ્નાનાર્થે આવે છે.
પુષ્કર અંગેનો બીજો એક ઉલ્લેખ રામાયણમાં પણ મળે છે. સર્ગ 62ના શ્લોક 28માં મહર્ષિ વિશ્વામિત્રે અહીં તપ કર્યાની માહિતી છે. સર્ગ 63ના શ્લોક 15માં અપ્સરા મેનકા અહીંના સરોવરના પવિત્ર જળમાં સ્નાન કરવા આવેલી હોવાની વાત છે.
ઈ. પૂ. બીજી શતાબ્દીના સાંચી સ્તૂપના દાનલેખોમાં કેટલાય બૌદ્ધ ભિક્ષુઓનાં દાનનાં વર્ણનો મળે છે. તે મુજબ કહેવાય છે કે તેઓ પુષ્કરમાં રહેતા હતા. પાંડુલેન ગુફાના ઈ. સ. 125નો હોવાનું મનાતા લેખમાં ઉષમદવત્તનું નામ આવે છે. આ પ્રખ્યાત રાજા નહપાણનો જમાઈ થતો હતો. તેણે પુષ્કર આવીને 3,000 ગાયો અને એક ગામનું દાન કરેલું હોવાની વિગત મળે છે.
પુષ્કરની આજુબાજુ આવેલી ટેકરીઓ પૈકીની પૂર્વ તરફની નાગ-પહાડીમાં પ્રાચીન સમયની ગુફા અને પંચકુંડ આવેલાં છે. એક માન્યતા એવી છે કે આ જગા પર અગસ્ત્ય ઋષિનો આશ્રમ હતો.
આ ઉલ્લેખો કે લેખો પરથી એટલું તારવી શકાય છે કે ઈસવી સનના પ્રારંભથી અથવા તેની અગાઉથી પુષ્કર એક તીર્થસ્થાન તરીકે જાણીતું હતું. આ ઉપરાંત પુષ્કરમાંથી પણ કેટલાય પ્રાચીન લેખ મળી આવ્યા છે, તે પૈકીનો જૂનો ગણાતો લેખ 925ની સાલનો હોવાનું મનાય છે. આ લેખ આજે અજમેરના રાજસ્થાન સંગ્રહસ્થાન ખાતે જાળવી રખાયેલો છે. આ જ સંગ્રહસ્થાનમાં બીજો એક લેખ રાજા વાક્પતિરાયનો પણ છે, જે સંભવત: અજમેરનો ચૌહાણ રાજા હતો. આ લેખ પણ પુષ્કરમાંથી જ મળેલો છે અને એનો સમય 1010ની સાલનો હોવાનું ગણાય છે.
ગિરીશભાઈ પંડ્યા