પુલકેશી-2 : બાદામીના ચાલુક્ય વંશનો શ્રેષ્ઠ રાજવી. વાતાપીના ચાલુક્ય વંશનો પ્રથમ સ્વતંત્ર રાજા પુલકેશી-1 (ઈ. સ. 535થી 566) હતો. તેના પછી તેના મોટા પુત્ર કીર્તિવર્મન્ ઉર્ફે કીર્તિરાજે 566થી 597 સુધી રાજ્ય કર્યું. કીર્તિવર્મન્ના અવસાન-સમયે એના પુત્રો નાની વયના હતા. તેથી એના પછી એનો નાનો ભાઈ મંગલેશ (597-610) ગાદીએ આવ્યો. એણે કેટલાક નવા પ્રદેશો જીત્યા. મંગલેશની એવી ઇચ્છા હતી કે એના પછી એનો પુત્ર રાજા બને, પરંતુ કીર્તિવર્મન્ના પુત્ર પુલકેશી-2એ વિરોધ કર્યો. બંને વચ્ચે લડાઈ થઈ. એમાં મંગલેશ માર્યો ગયો અને પુલકેશી-2 રાજગાદી પર આરૂઢ થયો.
પુલકેશી-2એ 610થી 642 સુધી રાજ્ય કર્યું. બાદામી અથવા વાતાપીના ચાલુક્ય રાજવંશનો એ સૌથી વધારે શક્તિશાળી અને પ્રતાપી રાજવી હતો. એણે ‘સત્યાશ્રય’, ‘વલ્લભ’ અને ‘પરમેશ્વર’નાં બિરુદો ધારણ કર્યાં હતાં. ‘પરમેશ્વર’નું બિરુદ એણે સમ્રાટ હર્ષવર્ધનને હરાવ્યા પછી ધારણ કર્યું હોય એવી શક્યતા છે. ઈ. સ. 630ના એક દાનપત્રમાં ‘પરમ ભાગવત’ એટલે કે વૈષ્ણવ ધર્મના અનુયાયી તરીકે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પુલકેશી-2નાં યુદ્ધો અને વિજયોની માહિતી ઐહોલના જૈન મંદિરના શિલાલેખમાંથી મળે છે. આ શિલા પરની પ્રશસ્તિ જૈન કવિ રવિકીર્તિએ ઈ. સ. 635માં રચી હતી. આ પ્રશસ્તિમાં જણાવ્યા પ્રમાણે પુલકેશી-2એ વનવાસીના કદંબો, મૈસૂરના ગંગલોકો અને ઉત્તર કોંકણના મૌર્યોને હરાવી એમના પ્રદેશો જીત્યા હતા. એ પછી ઉત્તરમાં આગળ વધીને લાટ (દક્ષિણ ગુજરાત), માલવ અને ગૂર્જરોને તેણે હરાવ્યા હતા. ઉત્તરાપથના બળવાન સમ્રાટ હર્ષવર્ધનને પણ તેણે નર્મદા નદીના કિનારે (એટલે કે ભરૂચની નજીક) થયેલા યુદ્ધમાં હાર આપી હતી. પુલકેશીનો હર્ષ પરનો વિજય એક મહત્વની સિદ્ધિ હતી.
નર્મદા-કિનારેથી તે વિંધ્ય પર્વતની પૂર્વ બાજુ તરફ વળ્યો. તેણે દક્ષિણ કોશલના લોકો અને કલિંગોને હરાવ્યા. દરિયાકિનારે દક્ષિણ તરફ આગળ વધી પિષ્ટપુરના કિલ્લાનો નાશ કર્યો; વેંગી જીતી લીધું અને પલ્લવ રાજા મહેન્દ્રવર્મન્-1ને હરાવી તેના પાટનગર કાંચી સુધી તે પહોંચી ગયો. ત્યાંથી તે દૂર દક્ષિણ તરફ આગળ વધ્યો અને ચોલ, પાંડ્ય તથા કેરળના રાજવીઓને મિત્રતાની સંધિ કરવા ફરજ પાડી. ત્યાંથી પાટનગર વાતાપી પાછા ફરતાં ફરી એક વાર તેણે પલ્લવોને હરાવ્યા. આમ, પુલકેશી-2 સમગ્ર દક્ષિણ ભારતનો સમ્રાટ બન્યો. દક્ષિણ ભારત ઉપરાંત ગુજરાત અને માળવા પણ તેની સત્તા નીચે હતાં. તેની કીર્તિ અને જાહોજલાલીથી આકર્ષાઈને ઈરાનના શાહ ખુસરો2એ તેના દરબારમાં ઈરાનનું પ્રતિનિધિમંડળ તથા કીમતી ભેટો મોકલ્યાં હતાં.
પ્રસિદ્ધ ચીની યાત્રી હ્યુ-એન-ત્સંગ પુલકેશી-2ના રાજ્યકાળ દરમિયાન દક્ષિણ હિંદમાં આવ્યો હતો. તેણે દક્ષિણ હિંદના લોકો, સૈનિકો તથા લડવાની પદ્ધતિનું વિગતવાર વર્ણન કર્યું છે. તેણે જણાવ્યું છે કે ‘હિંદનું સૈન્ય કૂચ કરે છે ત્યારે આગળ નગારાં વગાડવામાં આવે છે. યુદ્ધમેદાનમાંથી સૈનિકો ભાગવા માંડે તો તેમનો પીછો કરી મારી નાખવામાં આવે છે; પરંતુ શરણાગતિ સ્વીકારે તો તેમને જીવતદાન આપવામાં આવે છે.’
પુલકેશી-2એ પલ્લવ રાજવી મહેન્દ્રવર્મન્-1ને હરાવ્યો હતો; પરંતુ મહેન્દ્રવર્મન્ના પુત્ર નરસિંહવર્મન્1એ પિતાના પરાજયનું વેર વાળવા ઈ. સ. 642માં પુલકેશી પર આક્રમણ કર્યું. પરિયલ, મણિમંગલ, શૂરમાર વગેરે સ્થળોએ પુલકેશી-2ની હાર થઈ. એ યુદ્ધમાં જ એ મૃત્યુ પામ્યો. પલ્લવોએ વાતાપીને લૂંટીને એનો નાશ કર્યો. વાતાપીની પશ્ચિમની ચાલુક્ય શાખાનો અંત આવ્યા પછી પૂર્વની વેંગીની ચાલુક્ય શાખાનો ઉદભવ થયો.
મુગટલાલ પોપટલાલ બાવીસી