પુરોહિત, યશવંત (જ. 27 ડિસેમ્બર 1916, ઘરશાળા, ભાવનગર; અ. 3 જાન્યુઆરી 1964, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગાયક. ભાવનગરના દક્ષિણામૂર્તિમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. પ્રસંગોપાત્ત, ભાવનગર આવેલા પંડિત નારાયણરાવ વ્યાસના નિમંત્રણથી અમદાવાદમાં તેમની ‘ગુજરાત સંગીત વિદ્યાપીઠ’માં જોડાયા અને સંગીતની પ્રારંભિક તાલીમ શરૂ કરી. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તેમને માસિક રૂ. 25ની શિષ્યવૃત્તિ આપી, સાનુકૂળતા કરી આપી હતી. પંડિત શંકરરાવ વ્યાસ તથા પંડિત નારાયણ મોરેશ્વર ખરે પાસે સઘન સંગીતતાલીમ મેળવીને ગ્વાલિયર ઘરાનાની ગાયકીનો ગહન અભ્યાસ કર્યો.
પંડિત શંકરરાવ વ્યાસને મુંબઈ જવાનું થવાથી તેમની સાથે તેમણે મુંબઈ-વસવાટ સ્વીકાર્યો. અહીં તેમણે પંડિત ઓમકારનાથ ઠાકુર પાસે સંગીતની ઉચ્ચ તાલીમ મેળવી. ત્યારબાદ કિરાના ઘરાનાના બાલકૃષ્ણ કપિલેશ્વરી બુવા પાસે 5 વર્ષ સંગીતની આરાધના કરી કિરાના ઘરાનાની ગાયકીમાં પ્રાવીણ્ય મેળવ્યું.
શંકરા તથા કેદાર રાગ તેમને અતિપ્રિય હતા. ખ્યાલ-ગાયકી તેમની ગાયનકલાનું મુખ્ય અંગ હતું. ઠૂમરી-ગાયકીમાં પણ તેમનું કૌશલ્ય હતું. તેમનો અવાજ મીઠો હતો અને તેમની ગાયકીમાં મધુર તાલ, સ્વર, શબ્દ, રસ તથા ભાવની અનેરી મિલાવટ હતી. તેમના સંગીત-કાર્યક્રમો ભારતનાં તમામ આકાશવાણી-કેન્દ્રો પરથી પ્રસારિત થયા હતા અને ભારતનાં અનેક શહેરોમાં રજૂ થયા હતા. આકાશવાણીના તેઓ રાષ્ટ્રીય કક્ષાના કલાકાર હતા. યુવાનવયે તેમનું અવસાન થવાથી સંગીત-જગતને તેમની ગાયકીનો પૂરો લાભ મળી શક્યો નહિ.
ભાવનગરના મહારાજાએ તેમની સ્મૃતિમાં તેમના નામે એક શિષ્યવૃત્તિની શરૂઆત કરી છે. ગુજરાત સરકારે ગુજરાત સંગીત નૃત્ય નાટ્ય અકાદમીના ઉપક્રમે ભાવનગર ખાતે બંધાવેલા નાટ્યગૃહનું ‘યશવંતરાય પુરોહિત નાટ્યગૃહ’ એવું નામાભિધાન કરી તેમની સ્મૃતિને કાયમી અંજલિ આપી છે.
બટુક દીવાનજી