પુરુસ (નદી) : દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલી ઍમેઝોન નદીની મુખ્ય શાખાનદીઓ પૈકીની એક નદી. ખંડના પશ્ચિમ છેડા પર આવેલા પેરુ(દેશ)ના લૉરેટો વિભાગમાંથી પસાર થતી ઓરિયેન્ટલ ઍન્ડિઝ પર્વતમાળામાંથી તે નીકળે છે. શરૂઆતમાં તે ઈશાન તરફ વહે છે, ત્યાંથી પેરુનાં વરસાદી જંગલોવાળા વિસ્તારમાં થઈને પસાર થાય છે. તે પછીથી બ્રાઝિલના ઍક્ર (Acre) રાજ્યમાં થઈને જ્યારે તે એમેનૉસ રાજ્યમાં પ્રવેશે છે ત્યારે તે પ્રથમ ઉત્તર તરફ, પછીથી પૂર્વ તરફ અને છેલ્લે ઈશાન તરફ ધીમી ગતિથી વહે છે અને દરેક સ્થળે સર્પાકાર માર્ગ ગ્રહણ કરતી કરતી ઍમેઝોન નદીને મળે છે. 1,200 મીટર પહોળાઈ ધરાવતો તેનો સંગમ નજીકનો મુખભાગ ઘણી શાખાઓમાં વહેંચાઈ જાય છે. આ કારણે મુખભાગમાં ઘણાં બેટ અને સરોવરો જેવી સ્થિતિ સર્જાયેલી જોવા મળે છે. આ નદી જ્યાં જ્યાં થઈને વહે છે ત્યાં ત્યાં તેના જળસ્રાવ-વિભાગે ખાઈ જેવું સ્વરૂપ ધારણ કરેલું છે. દક્ષિણ અમેરિકાની લાંબામાં લાંબી નદીઓ પૈકી ઍમેઝોન અને પારાના પછીના ત્રીજા ક્રમે તે આવે છે. મૂળથી માંડીને જ્યાં તે ઍમેઝોનને મળે છે ત્યાં સુધીની તેની લંબાઈ 3,380 કિમી. થાય છે. 3,148 કિમી.ની લંબાઈનો તેનો મોટો ભાગ નૌકા-વ્યવહાર માટે અનુકૂળ બની રહેલો છે. તેની સળંગ લંબાઈ પૈકી અર્ધો પથ સીધો અને અર્ધો પથ ખૂબ જ વાંકોચૂકો બની રહેલો હોવાથી એક જમાનામાં તે ‘કૉક્સિઆરા’(વાંકીચૂકી) નામથી પણ ઓળખાતી હતી. આ નદી રબર-ઉત્પાદન માટે જળ પૂરું પાડે છે અને તેના કિનારા નજીક આવેલાં જંગલોમાંથી રબરની પેદાશ એકત્રિત કરવામાં આવે છે.
ગિરીશભાઈ પંડ્યા