પુરુષ્ણી : પંજાબની 5 નદીઓમાંની એકનું પ્રાચીન નામ. વેદકાલીન સપ્તસિંધુમાં પંજાબની 5 નદીઓનો સમાવેશ થાય છે. તેમાંની એક નદીનું નામ ‘પુરુષ્ણી’ હતું. ગ્રીક લેખક આરિસ્તે એને ‘Hydraotes’ નામે નિર્દેશે છે. આરંભિક ઐતિહાસિક કાળમાં ‘પુરુષ્ણી’ નામ લુપ્ત થયું ને એના સ્થાને ‘ઇરાવતી’ નામ પ્રચલિત થયું. શિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં જેને ‘ઇરાવતી’ કહે છે, તે હાલની રાવી નદી છે. આ નદી કાંગડા જિલ્લાના કુલુ વિભાગમાંથી નીકળે છે. ચંબા અને માધોપુર થઈ, સિયાલકોટ-અમૃતસર જિલ્લાની વચ્ચે થઈ એ લાહોર જિલ્લામાં પ્રવેશે છે. ત્યાંથી એ મુલતાન જિલ્લા તરફ વળી ચંદ્રભાગા અર્થાત્ ચીનાબ નદીમાં ભળી જાય છે. રાવી નદી એકંદરે 720 કિમી. લાંબી છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી