પુરુષોત્તમદાસ ઠાકુરદાસ (સર પી. ટી.)
January, 1999
પુરુષોત્તમદાસ ઠાકુરદાસ (સર પી. ટી.) (જ. 1879; અ. 1961) : રૂના અગ્રગણ્ય વેપારી, રાજનીતિજ્ઞ અને દાનવીર. તેમનો જન્મ મુંબઈમાં સ્થાયી થયેલા સૂરતના વણિક કુટુંબમાં થયો હતો. તેમના પિતા ઠાકુરદાસ જાણીતા સૉલિસિટર હતા અને માતા દિવાળીબાઈ ઘરરખ્ખુ ગૃહિણી હતાં. 4 વર્ષની વયે પિતાનું અને 6 વર્ષની વયે માતાનું અવસાન થતાં બાલ્યાવસ્થામાં જ નિરાધાર થયા, પરંતુ તેમના પ્રેમાળ કાકા વ્રજભૂખણદાસે પંડના પુત્રની જેમ તેમનો ઉછેર કર્યો હતો. પ્રાથમિક શિક્ષણ મુંબાદેવી મ્યુનિસિપલ સ્કૂલ અને માધ્યમિક શિક્ષણ તેજપાલ ઍંગ્લો-વર્નાક્યુલર તથા એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં લઈને ફ્રેન્ચ ભાષામાં ઇનામ સાથે તેમણે મૅટ્રિક્યુલેશન પરીક્ષા પસાર કરી. ત્યારપછી એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાઈને 1900માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી અને તે જ અરસામાં ફર્સ્ટ એલએલ.બી.ની પરીક્ષા પસાર કરી. પિતાની જેમ તેમનો વિચાર પણ સૉલિસિટરનો વ્યવસાય કરવાનો હતો; પરંતુ તેમના પિતાની પેઢીના ભાગીદારોએ ઉષ્માસભર આવકાર આપ્યો નહિ, તેથી કાનૂની વ્યવસાયનો વિચાર પડતો મૂકીને તેમના કાકાની ‘નારણદાસ રાજારામ ઍન્ડ કંપની’ નામની રૂ અને તેલીબિયાંની વિખ્યાત પેઢીમાં શિખાઉ વાણોતર તરીકે જોડાયા. પેઢીમાં કામ કરતાં એક વાર તેમની સામાન્ય ભૂલ માટે પેઢીના વરિષ્ઠ ભાગીદારે તેમને તમાચો માર્યો છતાં તે પ્રસંગને વાણિજ્ય-જ્ઞાનસંપાદનની સ્વાભાવિક પ્રક્રિયા ગણીને અદભત સહનશીલતા દર્શાવી. આમ અખૂટ પરિશ્રમ, ખંત અને ધીરજ વડે 6 વર્ષના ટૂંકા ગાળામાં તેઓ આ પેઢીના વરિષ્ઠ ભાગીદાર બન્યા. આ સમય દરમિયાન માર્ચ, 1901માં કચ્છના દીવાનના નિકટના સ્નેહીનાં પુત્રી ધનકોર સાથે તેમનું લગ્ન થયું. આ લગ્નના પરિણામે તેમને એક જ સંતાન પ્રાપ્ત થયું – તે પદ્માવતી નામની પુત્રી, જેનો જન્મ 1902માં થયો હતો.
પેઢીનો વહીવટ સંભાળ્યા પછી નુકસાનમાં ચાલતા તેલીબિયાં વિભાગને બંધ કરી તેમણે માત્ર રૂના વેપાર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. રૂના વેપારમાં વજન વધારવા માટે રૂમાં પાણીનો છંટકાવ અને ઝીણી રેતીની મેળવણી તથા નફાનો ગાળો વધારવા માટે હલકી ગુણવત્તાવાળા રૂની ભેળસેળ જેવી અનિષ્ટ રસમો પોતાની પેઢીમાં સદંતર બંધ કરાવી. તેથી તેમની પેઢીની શાખ વધી અને તેમનું રૂ બજારભાવ કરતાં અધિમૂલ્ય(premium)થી વેચાવા માંડ્યું. ઈસ્ટ ઇન્ડિયા કૉટન ઍસોસિયેશનના મૂળ સ્થાપકોમાં તેઓ મુખ્ય હતા. તેની સાથે 35 વર્ષ સુધી સંકળાયેલા રહ્યા હતા અને રૂના ધંધાના શાસક મોગલ તરીકે ઓળખાતા હતા; પરંતુ રૂના ધંધા પૂરતો તેમનો રસ સીમિત રહ્યો ન હતો. વાણિજ્યનાં અન્ય ક્ષેત્રો અને જાહેર જીવનમાં પણ તેમણે સક્રિય રસ લેવા માંડ્યો. 28 વર્ષની યુવાન વયે તેઓ મુંબઈ ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર્સ(સાંપ્રત ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર્સ)ના ઉપપ્રમુખ તરીકે નિમાયા અને આ સંસ્થા સાથે પણ 35 વર્ષ સુધી સંકળાયેલા રહ્યા. ફેડરેશન ઑવ્ ઇન્ડિયન ચેમ્બર્સ ઑવ્ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીની 1926માં સ્થાપના કરવામાં તેઓ અગ્રેસર હતા. ધંધા-ઉદ્યોગની સફળતા અને રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય આંદોલન એકબીજા સાથે ગૂંથાયેલાં છે તેવો તેમનો દૃઢ અભિપ્રાય હતો.
1916માં મુંબઈ લેજિસ્લેટિવ કાઉન્સિલ અને 1920માં મુંબઈ લેજિસ્લેટિવ ઍસેમ્બ્લીમાં સરકારે તેમની નિયુક્તિ કરી હતી. આમ છતાં સરકારતરફી વલણ દાખવવાને બદલે તેમણે રાષ્ટ્રીય હિતને હંમેશાં મહત્વનું ગણ્યું હતું. 1920માં નિમાયેલી ભારતીય રેલવે અંગેની એકવર્થ કમિટીના સભ્ય તરીકે તેમણે ભારતીય રેલવે ઉપરની બ્રિટિશ ખાનગી ક્ષેત્રની કંપનીઓની પકડ દૂર કરાવવા માટે ભારપૂર્વક રજૂઆત કરી હતી. 1922માં નિમાયેલી ઇન્ચકેપ કમિટીના સભ્ય તરીકે તેમણે ભારતીય સૈનિકોને રૅશન આપવામાં થતો ભેદભાવ દૂર કરવા માટે અસંમતિની નોંધ (note of dissent) મૂકી હતી. 1925માં નિમાયેલા ભારતીય નાણાવ્યવસ્થા અંગેના હિલ્ટન-યંગ કમિશનના સભ્ય તરીકે ભારતીય રૂપિયા અને બ્રિટિશ સ્ટર્લિંગ-પાઉન્ડ વચ્ચે વિનિમયના દર 1 રૂપિયા બરાબર 1 શિલિંગ 4 પેન્સ જ ભારતના હિતમાં છે તેવી તેમણે રજૂઆત કરી હતી.
સત્યનિષ્ઠા અને આવડત વડે ઉદ્યોગ અને વાણિજ્યવર્તુળમાં અનહદ પ્રેમ અને રાજકીય ક્ષેત્રે જુદાં જુદાં માન-અકરામ તેમને વણમાગ્યાં મળ્યાં હતાં. સો ઉપરાંત કંપનીઓમાં તેઓ ડિરેક્ટર અથવા ચૅરમૅન-પદે હતા. વળી 1907માં કૈસરે હિંદ, 1919માં સી.આઈ.ઈ., 1920માં મુંબઈના શેરિફ 1923માં નાઇટહુડ (સર) અને 1944માં કે.બી.ઈ. – એમ વિવિધ ઇલકાબોથી તેમને સન્માનવામાં આવ્યા હતા, કોઈ પણ રાજકીય પક્ષમાં તેઓ વિધિસર જોડાયા ન હતા છતાં જનસમૂહના કાર્ય માટે હંમેશાં તત્પરતા દાખવી હતી. ડાકોરના મંદિરમાં હરિજનોને પ્રવેશ અપાવવા તથા ફિજી ટાપુમાં ભારતીય નિવાસીઓને થતી કનડગત દૂર કરવા માટે તેમણે સંનિષ્ઠ પ્રયત્નો કર્યા હતા. તેમની દાન-પ્રવૃત્તિ મુખ્યત્વે શિક્ષણસંસ્થાઓ સાથે સંકળાયેલી હતી.
જયન્તિલાલ પો. જાની