પુરુષાર્થ : જગતમાં મનુષ્યની પ્રત્યેક પ્રવૃત્તિ કરવા પાછળ રહેલાં પ્રયોજનો કે ઉદ્દેશો. હિન્દુ ધર્મ મુજબ આવાં પ્રયોજનો કુલ 4 છે : (1) ધર્મ, (2) અર્થ, (3) કામ અને (4) મોક્ષ. આ ચારેયના સમુદાયને ‘ચતુર્વર્ગ’ કહે છે. આ પુરુષાર્થો અંગેની વિચારસરણી ભારતીય છે. એમાં અંતિમ પુરુષાર્થ મોક્ષ આ જગતમાં શરીરને ફળતો નથી, પરંતુ પરલોકમાં ફક્ત આત્માને ફળે છે. જ્યારે પ્રથમ ત્રણ પુરુષાર્થો આ જગતમાં મુખ્યત્વે શરીરને ફળતા હોવાથી એ ત્રણેને ‘ત્રિવર્ગ’ શબ્દથી પણ ઓળખવામાં આવે છે.

પુરુષાર્થનો સર્વપ્રથમ ઉલ્લેખ ‘આપસ્તંબધર્મસૂત્ર’માં થયો છે. એ પછી અન્ય સૂત્રગ્રંથોમાં, સ્મૃતિઓમાં, પુરાણોમાં, મહાકાવ્ય મહાભારતમાં, ધર્મશાસ્ત્રના નિબંધગ્રંથોમાં અને તે પરનાં ભાષ્યોમાં એના વિશે ઘણી ચર્ચા કરવામાં આવી છે.

ધર્મ પહેલો પુરુષાર્થ છે. વ્યક્તિ ધર્મશાસ્ત્રમાંનાં દાન, જપ, તપ વગેરે વિહિત કર્મો કરે અને ચોરી, જુગાર વગેરે નિષિદ્ધ કર્મો ન કરે તેને ધર્મ કહેવાય. આવા શુદ્ધ, નૈતિક કે ધાર્મિક આચરણથી વ્યક્તિને પુણ્ય મળે છે. ધર્મ માટે ‘મનુસ્મૃતિ’ વગેરે ધર્મશાસ્ત્રના ગ્રંથો માર્ગદર્શન આપે છે.

અર્થ બીજો પુરુષાર્થ છે. અર્થ એટલે જીવનનો વ્યવહાર ચલાવવા જરૂરી ધન કે સ્થાવર-જંગમ માલમિલકત. અર્થ વગર જીવનનો વ્યવહાર અશક્ય છે. આથી અર્થનું યોગક્ષેમ એટલે નહિ મળેલા અર્થની સાથે યોગ થવો અને મળેલા અર્થનું ક્ષેમ એટલે રક્ષણ થવું આવશ્યક છે. અલબત્ત, અર્થનો લોભ નિંદાપાત્ર છે. અર્થ માટે ચાણક્યરચિત ‘અર્થશાસ્ત્ર’ વગેરે ગ્રંથો માર્ગદર્શન આપે છે.

કામ ત્રીજો પુરુષાર્થ છે. કામ એટલે ઇન્દ્રિયને અનુકૂળ વિષયનો સુખોપભોગ. કામ પુરુષાર્થની તૃપ્તિ ન થાય તો વિકૃતિઓ થાય છે. ધર્મથી વિરુદ્ધ હોય તે કામ નિંદ્ય છે, જ્યારે ધર્મથી અવિરુદ્ધ કામ પરમેશ્વરનું સ્વરૂપ છે એમ ‘ભગવદગીતા’ જણાવે છે. વાત્સ્યાયનરચિત ‘કામસૂત્ર’ વગેરે ગ્રંથો કામ વિશે માર્ગદર્શન આપે છે.

ચોથો અને અંતિમ પુરુષાર્થ મોક્ષ છે. જગતના અંતિમ તત્વનો સાક્ષાત્કાર કે પ્રત્યક્ષ અનુભૂતિ થાય એનું નામ મોક્ષ. મોક્ષ મળવાથી સંસારમાં જન્મમરણની ઘટમાળમાંથી છૂટી જવાય છે. મોક્ષ પ્રાપ્ત ન થાય તો જીવન એળે જાય છે. મોક્ષ થાય એટલે દુ:ખો દૂર થઈ કાયમી આનંદ મળે છે. મોક્ષ મનુષ્યજીવનનું અંતિમ લક્ષ્ય છે. ઉપનિષદો અને તેના સારરૂપ વેદાંતસૂત્રો તથા ‘ભગવદગીતા’ જેવા ગ્રંથો મોક્ષનો રાહ બતાવે છે.

આ 4 પુરુષાર્થો વિશે ઋષિમુનિઓએ સૂક્ષ્મ વિચારણા કરી છે. રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો ધર્મ વડે અર્થ અને કામની પ્રાપ્તિ થાય છે એમ કહે છે. ચાણક્ય ધર્મ અને કામ અર્થમૂલક હોય છે એમ કહે છે. ચાર્વાક-દર્શન કામને પ્રધાન માને છે, જ્યારે અન્ય દર્શનો કામને હીન ગણે છે. વળી ચાર્વાક-દર્શન મોક્ષને હીન માને છે, જ્યારે વેદાંત વગેરે બીજાં દર્શનો મોક્ષને મુખ્ય પુરુષાર્થ ગણે છે. આ ચારે પુરુષાર્થો વ્યક્તિની જેમ સમાજ માટે પણ મહત્વના છે.

મહાભારતને માટે લેખકનો દાવો એવો છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થો વિશે જે કંઈ ‘મહાભારત’માં છે તે જ બીજે છે. ‘મહાભારત’ની પુરુષાર્થો વિશેની વિચારણા સૂક્ષ્મ અને સર્વગ્રાહી છે.

મહાભારત મુજબ ધર્મ આચારથી ઉત્પન્ન થાય છે અને ધર્મ પાળવાથી આયુષ્ય અને અર્થ વધે છે. દયા શ્રેષ્ઠ ધર્મ છે. અહિંસા પરમ ધર્મ છે. ધર્મ પ્રત્યેક કાર્યનો સાક્ષી છે. (1) યજ્ઞ, (2) અધ્યયન, (3) દાન, (4) તપ, (5) સત્ય, (6) ક્ષમા, (7) સંયમ અને (8) અલોભ એ ધર્મના 8 પ્રકારો છે. અદ્રોહ, અહિંસા, અક્રોધ એ તો ધર્મનાં લક્ષણો છે. ધર્મ સહાયક વગર યુવાનવયે આચરવો વધુ યોગ્ય છે. ધર્મનું તત્વ ગહન છે. અર્થથી ધર્મ થવાને કારણે અર્થ જ પરમ ધર્મ છે. ધર્મ વગરનું જ્ઞાન નિરર્થક છે. ધર્મ જ પરલોકમાં મદદગાર છે. તેનું પાલન મનુષ્યને ટકાવે છે. ધર્મ સૂક્ષ્મ છે તેથી જ્ઞાની જ તેને જાણી શકે છે. ધર્મથી રાજા રાજ્ય મેળવી શકે છે. ક્ષત્રિયે ધર્મ માટે જ યુદ્ધ કરવું જોઈએ. સત્ય હોય ત્યાં જ ધર્મ હોય છે. ભગવાન ધર્મને સ્થાપવા અવતાર લે છે. બ્રહ્મચર્ય એ પરમ ધર્મ છે. ધર્મ હોય ત્યાં જ વિજય હોય છે. ધર્મ અને અર્થ પરસ્પર આધાર રાખે છે.

અર્થ કોઈનો દાસ નથી. અર્થથી ધર્મ, કામ અને સ્વર્ગ મળે છે. અર્થનું મૂળ ધર્મ છે અને અર્થનું ફળ કામ છે. ધર્મ, અર્થ અને કામ સમાન રીતે સેવે તે ઉત્તમ મનુષ્ય છે. જે ગમે તે એકને સેવે છે તે અધમ મનુષ્ય છે. જ્ઞાન અને ગુરુસેવાથી ધર્મ અને અર્થની સમજ મળે છે.

ધર્મવિરોધી કામ નરકનું દ્વાર છે. ધર્મથી અવિરોધી કામ એ પરમાત્માનું સ્વરૂપ છે.

જ્ઞાનથી મનુષ્ય મોક્ષ પામે છે. અભય, સત્વશુદ્ધિ વગેરે દૈવી સંપત્તિ વડે મોક્ષ પ્રાપ્ત થાય છે, જ્યારે આસુરી સંપત્તિનાં તત્ત્વોથી બંધન પ્રાપ્ત થાય છે. મોક્ષનું સુખ એ જ સાચું સુખ છે અને એમાં પુરુષાર્થનું સાર્થક્ય છે.

પ્ર. ઉ. શાસ્ત્રી