પુરુષાભ વાનર (anthropoid apes) : માનવઆકૃતિને મળતા આવતા પુચ્છવિહીન મોટા કદના કપિ. મુખ્યત્વે તેમનો આવાસ વૃક્ષો પર હોય છે. ગોરીલા, ચિમ્પાન્ઝી, ગિબન અને ઉરાંગઉટાંગનો તેમાં સમાવેશ થાય છે. આ પૈકી ગોરીલા અને ચિમ્પાન્ઝી મધ્ય આફ્રિકાનાં જંગલોમાં, ગિબન અગ્નિ એશિયામાં અને ઉરાંગઉટાંગ ઇન્ડોનેશિયાના બૉર્નિયો અને સુમાત્રાના ટાપુઓમાં જોવા મળે છે. આ બધાં સસ્તન વર્ગનાં પ્રાણીઓ છે અને વર્ગીકરણની દૃષ્ટિએ તેમને અંગુષ્ઠધારી ગણી પૉન્ગિડી કુળમાં મૂકવામાં આવેલાં છે.
ગોરીલા, ઉરાંગઉટાંગ અને ચિમ્પાન્ઝી કદમાં મોટા અને હૃષ્ટપુષ્ટ હોય છે. તેમનાં વજન અનુક્રમે લગભગ 271, 77 અને 49.89 કિગ્રા. હોય છે; ગિબન નાના કદવાળું અને માત્ર 9.97 કિગ્રા. વજન ધરાવે છે.
પુરુષાભ વાનરો જ્યારે ઊભા થાય ત્યારે તેમનો દેહ મનુષ્યની જેમ સીધો રહી શકે છે અથવા કમરથી જરાક વળેલો રહે છે. તેમના આગલા પગ પાછલા પગની સરખામણીમાં વધુ લાંબા હોવાથી ઢીંચણથી નીચેનો ભાગ લટકેલો રહે છે. ગોરીલા, ચિમ્પાન્ઝી અને ઉરાંગઉટાંગ ચાલતી વખતે તેમના ચારે પગનો ઉપયોગ કરે છે, માત્ર ગિબન જ પાછલા પગ પર સીધું ચાલી શકે છે.
આ પુરુષાભ વાનરો પૂંછડી વિનાના હોવા ઉપરાંત અન્ય વાનરોથી જુદા પડી આવે છે. તેમની છાતીનો ભાગ પહોળો અને મનુષ્યની છાતી જેવો સીધો અને ચપટો હોય છે. કમરના ભાગની લંબાઈ પ્રમાણમાં ઓછી હોય છે. મસ્તકનો ભાગ મોટો અને વિકસિત હોય છે. ઉત્ક્રાંતિની કક્ષાની દૃષ્ટિએ આ વાનરો મનુષ્યની વધુ નિકટ હોવાનો નિર્દેશ કરી જાય છે. આ બધાં લક્ષણોને કારણે અન્ય વાનરોની સરખામણીમાં માનસિક વિકાસ અને વ્યવહારના સંબંધમાં માનવ સાથે વધુ સંબંધ ધરાવે છે, તેથી અન્ય વાનરોથી તેમને જુદા પાડીને મનુષ્ય કરતાં થોડી ભિન્નતા ધરાવતા હોવાથી હૉમિનિડી સાથે સરખાવેલા છે. કેટલાક નિષ્ણાતો એટલે સુધી કહે છે કે મનુષ્યની ઉત્પત્તિ પુરુષાભ વાનરોમાંથી થઈ હોવી જોઈએ, આ બાબતમાં વધુ સંશોધન થઈ રહ્યું છે.
ગિરીશભાઈ પંડ્યા