પુરુષસૂક્ત : સૃષ્ટિસર્જનની ઘટના વિશેનું 16 ઋચાનું બનેલું ઋગ્વેદના દસમા મંડળનું સૂક્ત 90. ઋગ્વેદનાં દાર્શનિક સૂક્તોમાં નાસદીય સૂક્ત, હિરણ્યગર્ભસૂક્ત, પુરુષસૂક્ત, અસ્ય વામીય સૂક્ત વગેરે ઉલ્લેખનીય છે. સૃષ્ટિવિદ્યાવિષયક વિચારોમાં પુરુષસૂક્ત આગવું  સ્થાન ધરાવે છે. આ સૂક્તના ઋષિ નારાયણ છે અને સૃષ્ટિવિદ્યા સાથે નારાયણના વિશિષ્ટ સંબંધને કારણે આ સૂક્ત ‘નારાયણસૂક્ત’ પણ કહેવાય છે. આથી જ રુદ્રની અષ્ટાધ્યાયીના પરવર્તી મંત્રો ‘ઉત્તરનારાયણીય’ કહેવાય છે. પુરુષસૂક્તના 16 મંત્રો ષોડશોપચાર પૂજા અને બીજી અનેક ધાર્મિક વિધિઓ માટે પ્રયોજાય છે.

હજારો મસ્તકવાળો, હજાર નેત્રોવાળો, હજાર ચરણવાળો પુરુષ વિશ્વને ચોમેરથી ઘેરીને 10 આંગળ ઊર્ધ્વ રહ્યો છે. આ પુરુષ જ સર્વકંઈ વર્તમાન, ભૂત અને ભવિષ્ય છે. તે અમૃતત્વનો અને અન્નથી પોષાતા હરકોઈ પ્રાણીમાનવનો પણ ઈશ છે. આ વિશ્વ તો આવા વિભુ પુરુષનો મહિમા છે, તેની વિભૂતિ છે. વસ્તુત: તો પુરુષ એનાથી પણ મોટો છે. સચરાચર જગતનાં ભૂતમાત્ર તો આ પુરુષનો એક પાદ અર્થાત્ એકચતુર્થાંશ છે. તેના ત્રણ પાદ તો દ્યુલોકમાં અમૃતના સ્વરૂપે છે. આ પુરુષમાંથી ‘વિરાજ્’ એટલે વિભિન્ન સ્વરૂપે પ્રકાશતું તત્વ ઉદભવ્યું છે. પુરુષને હવિષ તરીકે સ્વીકારી દેવોએ યજ્ઞ કર્યો ત્યારે વસંત ઋતુ તેનું ઘી બની, ગ્રીષ્મ સમિધા બની અને શરદ હવિષ બની. તે યજ્ઞમાંથી આજ્ય, ગ્રામ્ય, પશુ, ઋક્, યજુસ્, સામ અને છંદસ્ ઉત્પન્ન થયા. તે પુરુષનું મુખ બ્રાહ્મણ, બે હાથ ક્ષત્રિયો અને ઊરુ વૈશ્ય થયા. ચરણમાંથી શૂદ્ર ઉત્પન્ન થયો. પુરુષના મનમાંથી ચંદ્ર, નેત્રોમાંથી સૂર્ય, મુખમાંથી ઇન્દ્ર અને અગ્નિ તેમજ પ્રાણમાંથી વાયુ ઉત્પન્ન થયા. તે પુરુષની નાભિ અંતરિક્ષ અને દિશાઓ મસ્તક બની હતી. દેવોએ આ પુરુષને બાંધી યજ્ઞ કર્યો ત્યારે 7 પરિધિઓ અને 21 સમિધ પ્રયોજાયાં હતાં. દેવોએ યજ્ઞપુરુષ દ્વારા યજ્ઞ કર્યો. આ પ્રથમ ધર્મ થયો. આ મહિમાયુક્ત તે સ્વર્ગમાં પહોંચ્યો.

પુરુષનું આ વિભુસ્વરૂપ જ વિશ્વનો આધાર છે, સર્વસ્વ છે. અહીં ‘સહસ્ર’ શબ્દ અનંતના અર્થમાં છે. સહસ્રનામસ્તોત્રો પણ આ જ સંદર્ભમાં છે. અનંતનો વૈજ્ઞાનિક સિદ્ધાંત; ‘ત્રિપાદ’, ‘દશાંગુલ’ જેવા શબ્દો અપૂર્ણાંક અને દશાંશ ગાણિતિક પદ્ધતિના સૂચક છે. દૃશ્યમાન વિશ્વ વસ્તુત: અખિલ બ્રહ્માંડનો અંશ માત્ર છે. આ વિભુ-સ્વરૂપ ત્રિકાલથી અબાધિત છે, કાળથી પર છે. આ પુરુષ કે પ્રાણવાન ચેતન-તત્વ કાળ અને સૃષ્ટિનું પરમ નિયામક તત્વ છે. એ તો મર્ત્ય અને અમર સૌ કોઈનો ઈશ છે. પુરુષે જ બધું સર્જ્યું છે. દેવોએ પુરુષનો પશુ તરીકે ઉપયોગ કર્યો છે. અર્થાત્ આ પુરુષના કારણે જ જન્મજન્માંતરપરંપરા ચાલુ રહે છે, સૃષ્ટિની પ્રક્રિયા ચાલે છે. આ માટે પરમાત્માને સઘળું અર્પણ કરવું; અર્થાત્ વૈશ્વિક ભાવના જ વિશ્વ અને પુરુષ વચ્ચેના અભેદની બોધક બને તેમ છે.

પુરુષસૂક્તમાં અનુક્રમે પુરુષ, વિરાજ્ પુરુષ, પુરુષને યજ્ઞમાં હોમવાથી થયેલી સૃષ્ટિની ઉત્પત્તિ, યજ્ઞીય પુરુષનું શરીર અને તેનાં અંગોમાંથી વિવિધ વસ્તુઓની ઉત્પત્તિ, વિશ્વમય પુરુષ તથા યજ્ઞના ધર્મો જેવી બાબતો રજૂ થઈ છે. પુરુષના વિભુ-સ્વરૂપને લીધે પુરુષ ‘નારાયણ’ તરીકે સંબોધાયો છે. ચાર વર્ણોના બનેલા સમાજને ચતુરંગોથી નિર્દેશતું પુરુષનું રૂપક શ્રેષ્ઠ છે. વળી ઋગ્વેદનાં વાગામ્ભૃણીસૂક્ત અને અસ્ય વામસ્ય સૂક્તની જેમ પુરુષસૂક્તમાં પુરુષ વ્યાપક અહમનું પ્રતીક ગણાયું હોવાથી વ્યષ્ટિનિષ્ઠ અહમનું સમષ્ટિનિષ્ઠ કે વૈશ્વિક અહમ્માં પરિવર્તન કરીને મનુષ્ય પુરુષ કે નારાયણના સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, શુદ્ધ, બુદ્ધ, મુક્ત અને સચ્ચિદાનંદ સ્વરૂપની અનુભૂતિ કરી મોક્ષ મેળવે એવું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

બ્રાહ્મણ વગેરે ચારેય વર્ણોનો ઉલ્લેખ પણ સર્વપ્રથમ આ સૂક્તમાં પ્રાપ્ત થાય છે અને ઉપનિષદોની પરમ પુરુષની વિભાવના તેમાં રહેલી હોવાથી તે ઋગ્વેદનાં સૂક્તોમાં અર્વાચીન સૂક્ત ગણાય છે. અનેક અવસરોએ આ સૂક્તનો પાઠ થતો હોવાથી તે ખૂબ જાણીતું છે.

દશરથલાલ ગૌરીશંકર વેદિયા