પુરાણ-સાહિત્ય અને શાસ્ત્ર

January, 1999

પુરાણ-સાહિત્ય અને શાસ્ત્ર 1. સાહિત્ય : હિંદુ ધર્મના વિશિષ્ટ ધાર્મિક ગ્રંથો. તેમાં પ્રાચીન કાળની વાર્તાઓ પણ રજૂ થઈ છે. વેદની વાતો સરળતાથી અને વિસ્તારથી સમજી શકાતી નથી એટલે વેદની વાતોનું વિવેચન (ઉપબૃંહણ) પુરાણોમાંથી મળે છે. પુરાણો પ્રાચીન કાળથી જાણીતાં છે, છતાં તેનો રચનાકાળ કહેવો મુશ્કેલ છે. એનું કારણ તેમાં પાછળથી કરવામાં આવેલા અનેક શ્લોકોના પ્રક્ષેપો છે. હિંદુ ધર્મની જેમ બૌદ્ધ અને જૈન ધર્મમાં પણ આવાં જ વિશાળકાય પુરાણો રચાયાં છે.

બધાં પુરાણોના મળીને કુલ પાંચ લાખ જેટલા શ્લોકો છે. જવલ્લે તેમાં ગદ્યરચના મળે છે. પુરાણસાહિત્યમાં અઢાર મહાપુરાણો અને અઢાર ઉપપુરાણોનો સમાવેશ થાય છે. (1) બ્રહ્મ, (2) પદ્મ, (3) વિષ્ણુ, (4) શિવ, (5) ભાગવત, (6) નારદ, (7) માર્કણ્ડેય, (8) અગ્નિ, (9) ભવિષ્ય, (10) બ્રહ્મવૈવર્ત, (11) લિંગ, (12) વરાહ, (13) સ્કંદ, (14) વામન, (15) કૂર્મ, (16) મત્સ્ય, (17) ગરુડ અને (18) બ્રહ્માંડ એ અઢારને મહાપુરાણો કે પુરાણો કહે છે.

ઉપપુરાણોની સંખ્યા 18ની મનાતી હોવા છતાં જુદી જુદી 23 યાદીઓ જોતાં ઉપપુરાણોની સંખ્યા 100 જેટલી થાય છે.

મુનિઓની પુરાણ-પરંપરા સૂતો દ્વારા સચવાઈ. વેદજ્ઞાનને પુરાણોએ ભિન્ન ભિન્ન પ્રતીકો અને ભાષાના માધ્યમથી જાળવ્યું; લોકોને અનિષ્ટોનાં દુષ્પરિણામોથી સજાગ રાખ્યા અને લોકસંસ્કૃતિને જાળવી લોકસંગ્રહનું કામ કર્યું. વળી ઋષિઓની સૃષ્ટિ-વિદ્યા  એમના સર્જન અને પ્રલય વિશેના દાર્શનિક વિચારો પણ પુરાણોમાં જળવાયાં. વ્યાસ અને પાણિનિના સમયમાં વંશ અને વંશાનુચરિત ભળતાં પુરાણનું કલેવર ઘડાયું. મન્વન્તરની કલ્પના સાથે મહાકાલનું વિશદ સ્વરૂપ ભળતાં પુરાણ પંચલક્ષણાત્મક બન્યું. આખ્યાનો, ઉપાખ્યાનો, કલ્પો, વિવિધ શાસ્ત્રો, કળાઓ, વિદ્યાઓના સ્રોતો ભળ્યા અને પુરાણો સર્વજ્ઞાનસંગ્રહ બન્યાં.

સ્થાવર-જંગમ નવવિધ સૃષ્ટિનું સર્જન, ચતુર્વિધ પ્રલય, 14 મન્વન્તર અને કલ્પોનો ખ્યાલ, સૂર્ય-ચંદ્ર-અગ્નિ-જનિત વંશો, તે વંશોમાં થયેલા રાજાઓ અને ઋષિમુનિઓનાં ચરિત્રો પુરાણના વિષયવ્યાપનાં દ્યોતક છે. વિષ્ણુપુરાણ, બ્રહ્માંડપુરાણ, મત્સ્યપુરાણ વગેરે પુરાણના આ સ્વરૂપને સ્વીકારે છે. શ્રીમદ્ ભાગવતમાં આ પંચ-લક્ષણાત્મક વ્યાખ્યા ઉપરાંત દશ-લક્ષણાત્મક વ્યાખ્યા આપી છે.

સર્ગ કારણસૃષ્ટિ, વિસર્ગકાર્યસૃષ્ટિ (વિવિધ જીવસૃષ્ટિ), વૃત્તિ (આજીવિકા), રક્ષા (રક્ષણ), અન્તર-મન્વન્તર, વંશ (બ્રહ્માથી ઉત્પન્ન થયેલા વિવિધ વંશ – રાજાઓનું વર્ણન), વંશાનુચરિત  વિવિધ વંશોનાં – વંશધરોનાં ચરિત તેમજ ઋષિઓનાં સંતાનોની પરંપરામાં જીવોના ઉત્કર્ષ અને અપકર્ષ, સંસ્થા-હેતુ અને અપાશ્રય – આ દસ લક્ષણો પુરાણના મોક્ષધર્માત્મક સ્વરૂપને વ્યક્ત કરે છે.

પુરાણોનું વિશદીકરણ આખ્યાન, ઉપાખ્યાનો વગેરેથી થયું છે. આખ્યાન – પ્રત્યક્ષ-નિહાળેલું, ઉપાખ્યાન – પરંપરાથી સાંભળેલું, કર્તૃત્વ કે ઉત્પત્તિનો ખ્યાલ ન હોય તે ગાથા અને કલ્પશુદ્ધિ  શ્રાદ્ધકલ્પ, દાનકલ્પ, વ્રતકલ્પ વગેરે પુરાણોના વિષયો બન્યા. મત્સ્યપુરાણ દાનધર્મ, યજ્ઞધર્મ વગેરે બધા જ વિષયોને સ્વીકારે છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રની ‘જયમંગલા’ ટીકામાં ધર્મવિજ્ઞાનને પણ પુરાણનું એક લક્ષણ માનવામાં આવ્યું છે. આમ રાજધર્મ, સમાજધર્મ, નૃવંશશાસ્ત્ર વગેરેના જ્ઞાનરાશિ પુરાણમાં સમાવેશ થયો છે.

પુરાણો સંસ્કૃતિ, સભ્યતા, શિક્ષણ, વિભિન્ન શાસ્ત્રજ્ઞાન, કળા, ધર્મ, સંપ્રદાયો, ઇતિહાસ, ભૂગોળ વગેરે બાબતોનો ખજાનો હોવાથી અનેક વિષયોને સ્પર્શતા વિશ્વકોશ જેવું સ્વરૂપ ધરાવતા ગ્રંથો છે. દસ-લક્ષણાત્મક પુરાણ મહાપુરાણ, પંચલક્ષણાત્મક પુરાણ ઉપપુરાણ અને 5થી ઓછાં લક્ષણો હોય તો તે પુરાણ ઉપોપપુરાણ કહેવાય છે. એકાદ લક્ષણ હોય તોપણ ઉપોપપુરાણ કહેવાય. ક્યારેક કેવળ તીર્થમાહાત્મ્ય કે સ્થળમાહાત્મ્ય હોય તો સ્થલપુરાણ કહેવાય છે. વિભિન્ન વર્ણો કે જાતિની ઉત્પત્તિ, સ્થાનાંતરણ, રીતરિવાજ, ગોત્ર-પરંપરા વગેરે સાથે સંકળાયેલાં જ્ઞાતિપુરાણો ભૌગોલિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્ત્વ ધરાવે છે.

બ્રહ્મ, પદ્મ, બ્રહ્મવૈવર્ત, બ્રહ્માંડ, મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, લિંગ, સ્કંદ, અગ્નિ, ગરુડ અને ભાગવત મુખ્ય પુરાણો ગણાય છે. ઘણુંખરું સાંપ્રદાયિક પુરાણો ઉપપુરાણનું સ્વરૂપ ધરાવે છે. ગુજરાતમાં લગભગ એકવીસ જ્ઞાતિપુરાણો કે સ્થલપુરાણો મળે છે. બાણભટ્ટ વાયુપુરાણના પારાયણનો ઉલ્લેખ કરે છે. શિવમહાપુરાણ, શ્રીમદ્ભાગવતપુરાણ અને દેવી -ભાગવતની પારાયણની પરંપરા પ્રચલિત છે. શ્રીમદભાગવત, દેવી-ભાગવત અને શિવપુરાણ મહાપુરાણ તરીકે જાણીતાં છે. મહાભારતને પણ પુરાણ માનવામાં આવ્યું છે.

પુરાણો ભૌગોલિક, ઐતિહાસિક-સાંસ્કૃતિક-સામાજિક-ધાર્મિક વગેરે દૃષ્ટિએ અભ્યસનીય છે. ‘પુરાણો કપોળકલ્પિત છે’ એમ માની તેમની ઉપેક્ષા કરવા જેવી નથી; બલકે, પુરાણો સાંસ્કૃતિક વિકાસના આધાર-સ્તંભો છે, કારણ કે ભાસ, કાલિદાસ વગેરે અનેક કવિઓના તેઓ આધારગ્રંથો બન્યાં છે.

પુરાણશાસ્ત્ર : વિશ્વકોશની જેમ પુરાણગ્રંથોના વિવિધ વિષયોનું જ્ઞાન આપનાર શાસ્ત્ર કે સાધન. પુરાણોનું ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, પુરાકથા, રાજધર્મ, નીતિ, ધર્મ, સમાજ, દર્શન વગેરે દૃષ્ટિએ મહત્ત્વ સ્વીકારાયું છે. વિવિધ દૃષ્ટિએ પુરાણોના અધ્યયનની જરૂરિયાત પણ સ્વીકારવામાં આવી છે. પુરાણોમાં કળાઓ, વિવિધ વિદ્યાઓ, સૃષ્ટિવિદ્યા, નૃવંશ વગેરેની જે વિગતો મળે છે તે કારણે તેમનું શાસ્ત્રીય મહત્ત્વ ઘણું છે. સૃષ્ટિના સર્જનથી અદ્યાવધિ થયેલા વિકાસની તવારીખ પૂરી પાડતાં પુરાણો વસ્તુત: સર્વજ્ઞાનસંગ્રહ તરીકે સ્વીકાર પામ્યાં છે. પુરાણકથા, પુરાણકથાસમુચ્ચય અને પુરાકથાવિદ્યા તરીકે તેનું સવિશેષ મહત્ત્વ છે. તુલનાત્મક પદ્ધતિએ પુરાકથાનું અધ્યયન વૈશ્ર્વિક સંસ્કૃતિના અધ્યયન માટે ચાવીરૂપ બન્યું છે.

વૈદિક, હિંદુ, યહૂદી, ખ્રિસ્તી, ઇસ્લામ જેવા ધર્મોની ઉત્પત્તિ, પુરાણકથા અને ઋગ્વેદીય પુરુષસૂક્ત, નાસદીયસૂક્ત, હિરણ્યગર્ભસૂક્તાદિમાં નિરૂપિત સૃદૃષ્ટિવિદ્યા અને પ્રલયનાં કથાનકોનો તુલનાત્મક અભ્યાસ થવા લાગ્યો છે.

જગતના રચયિતા સૂર્યાદિ ગ્રહોના ભ્રમણનો મૂળ સ્રોત, દેવતાવાદ, કર્મકાંડ, વર્તમાન સમાજવ્યવસ્થા; રાજા-ધર્મ, ગુરુ વગેરેનું જ્ઞાન, સર્વસામાન્ય માનવધર્મઆચાર, શુભાશુભ કર્મવિપાક, નીતિ-અનીતિનો ખ્યાલ, સ્વર્ગ-નરકની માન્યતાઓ, દેવસુરાદિ જાતિઓ, વ્રત, દાન, યજ્ઞાદિની પરંપરા વગેરે વર્ણ્ય વિષયો પુરાણોની સાંસ્કૃતિક અને શાસ્ત્રીય અધ્યયનની દૃષ્ટિએ મહત્તા સૂચવે છે.

પુરાણરચના ઉપર પરિસ્થિતિનો પ્રભાવ : અરણ્ય-દેવતાઓ, સૂર્યાદિ ગ્રહો, કૃષિ, પશુ-શિકાર, કર્મકાંડ, સમુદ્રીય પ્રદેશો, વિવિધ તીર્થો વગેરે જે તે વિસ્તારમાં થયેલી પૌરાણિક ઘટનાઓ કે રચનાઓનો – તેના પ્રભાવાદિનો નિર્દેશ કરે છે.

કર્મકાંડનો પ્રભાવ : વેદકાલીન દેવતા, પૂજોપચાર, સ્તોત્ર, યજ્ઞ, પર્જન્યાદિ, જગતનો પ્રલય, પુરાકથા વગેરે ઉપર કર્મકાંડનો પ્રભાવ વર્તાય છે.

બુદ્ધિ-કલ્પના આદિની અસર : આદિમ માનવથી અદ્યાવધિ બુદ્ધિ-વૈભવ અને કલ્પનાનાં વિકાસ-સોપાનો સમજવામાં મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વાનર, કિન્નર વગેરેનાં વર્ણનો ઉપકારક બન્યાં છે.

નીતિ-ધર્મ-વૃત્તિ : દેવ, અસુર, માનવ, રાક્ષસ, યક્ષ, દેવદૂત, પિશાચ વગેરેનાં રૂપકો; જનનપ્રક્રિયા; મૃત્યુની પ્રવિધિ; સ્ત્રી-પુરુષના સંબંધ; વિશ્વપ્રપંચ; વિવિધ જાતિઓના વ્યવહાર; વૃત્તિઓ; ધર્મ-નીતિ; મનુષ્યવધ; નરમાંસભક્ષણ; વ્યભિચાર; યાતુક્રિયા; ધાર્મિક કર્મકાંડ; નૈતિક આદર્શ સંબંધિત વૃત્તાંતો પુરાણોના ઘડતરનાં પરિબળો બન્યાં છે. યજ્ઞદક્ષિણા, યમ-યમી, બ્રહ્મા-સરસ્વતી વૃત્તાંત, ગોધર્મ વગેરે નીતિ-અનીતિ વિશે કેટલીક રહસ્યમય બાબતો રજૂ કરે છે. સૂર્ય પૂર્વે અંધકાર હોવો, લગ્ન, મૃતસંજીવની, સત્યવાન-સાવિત્રી વૃત્તાંત વગેરે શરીર અને આત્માની સંરક્ષાલક્ષી વિચારસરણીનું પરિણામ છે.

અદ્ભુત તત્ત્વ : ઊરુમાંથી નારાયણની ઉત્પત્તિ, ગાંધારીને 100 પુત્ર હોવા, દ્ઘીચિના અસ્થિનું વજ્ર, રાવણનાં 10 મુખ, અગસ્ત્ય દ્વારા સમુદ્રપ્રાશન, શૂન્યમાંથી સર્જન, સમાગમ પછીયે સ્ત્રીનું અખંડિત કૌમાર્ય, વૃદ્ધ ચ્યવનને યુવાનીની પ્રાપ્તિ, કલ્પવૃક્ષ દ્વારા મનોવાંછાપૂર્તિ વગેરે અનેક અદ્ભુત તત્ત્વો વિચારણીય બને છે.

જડપ્રાણવાદ : સૂર્ય-ચંદ્રમાંથી માનવવંશ, પર્વતો-નદીઓ વગેરેનું માનવીકરણ પણ પૌરાણિક અધ્યયનની દિશા સૂચવે છે.

પ્રતીકાત્મકતા : મૅક્સમૂલર વગેરેએ મૃગ-ઇન્દ્ર, ઇન્દ્ર-મરુત, અશ્ર્વિનીકુમાર, દશમુખ રાવણ, કાર્તવીર્ય સહસ્રાર્જુન, બ્રહ્મા-સરસ્વતી, ઇન્દ્ર-અહલ્યા, ચન્દ્ર-ગુરુ-તારા, દક્ષ યજ્ઞ-ધ્વંસ વગેરે પાછળ છુપાયેલાં પ્રતીકોને સમજવા ઉપર ભાર મૂક્યો છે.

તીર્થમાહાત્મ્યો : ભૌગોલિક સ્થાનો, દિવ્ય ક્ષેત્રો, તીર્થો વગેરેનાં વિશેષ અને વિસ્તૃત વર્ણનો પુરાણોનાં ઘડતરની દિશામાં અગત્ય ધરાવે છે.

રતિવિદ્યા, ગ્રહચાર, છંદ-અલંકાર, જ્યોતિષ, વ્યાકરણ, નિર્વચનો, વાસ્તુવિદ્યા, દર્શન, દેવ-વિષયક સંપ્રદાય, ઉપાસના, યજ્ઞીય પરંપરા, નિમિત્ત-નૈમિત્તિક વિધાનો, પિતૃકલ્પ, મૂર્તિવિધાન, સ્થાપત્ય વગેરે વિદ્યાઓનું નિરૂપણ ધર્મ, વિદ્યા, દર્શન, વિજ્ઞાન આદિ દૃષ્ટિએ પુરાણોનું અધ્યયન કરવા પ્રેરે છે. પુરાણોનાં સંસ્કરણો તેમના ઐતિહાસિક સીમાસ્તંભો છે. પ્રાકૃતસાહિત્યનું સંસ્કૃતીકરણ ભાષાવિજ્ઞાન અને વ્યાકરણની દૃષ્ટિએ પુરાણના ઘડતરને શાસ્ત્રીય રીતે સમજવાની જરૂરિયાત પ્રસ્થાપિત કરે છે. આમ પુરાણો માત્ર પુરાણ-સાહિત્ય નથી, પુરાણશાસ્ત્ર છે. પાર્જિટરે રાજાઓની વંશાવળીઓનું ઐતિહાસિક મહત્ત્વ બતાવ્યું છે. જ્ઞાતિપુરાણો અને તીર્થમાહાત્મ્યો વર્ણજાતિ-વિકાસ, સ્થાન-સંક્રમણ અને સાંસ્કૃતિક દૃષ્ટિએ મહત્ત્વ દર્શાવે છે. ભૌગોલિક સ્થાનોના પરિચય અને પરિવર્તન દર્શાવનારાં છે. પુરાણોનું સાંસ્કૃતિક અધ્યયન પુરાણોને સાંસ્કૃતિક દસ્તાવેજો તરીકે પ્રસ્થાપિત કરવા માટે પૂરતું સક્ષમ છે. પુરાણો તો પુરાકથાઓની ખાણ છે. વિવિધ શાસ્ત્રોનું જ્ઞાન આપનાર વિશ્વકોશ જેવું સ્વરૂપ ધરાવે છે.

દશરથલાલ ગૌરીશંકર વેદિયા