પુરાકલ્પન : મુખ્યત્વે અતિપ્રાચીન પ્રકારની દંતકથા પ્રકારની રચનાઓ માટે પ્રયોજાયેલી સાહિત્યિક સંજ્ઞા. અંગ્રેજી શબ્દ myth માટે ગુજરાતીમાં ‘પુરાકલ્પન’ પર્યાય યોજાય છે.

પુરાકથાઓ ગુજરાતના લોકજીવનમાં ઓતપ્રોત છે. આ પુરાકથાનકોની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : (1) સ્વભાવે ફાંટાબાજ હોવું, (2) સ્વપ્નસૃદૃષ્ટિનું નિર્માણ કરવું; (3) અલૌકિક સાથે વારંવાર હાથ મિલાવવો; (4) કોઈક મૂલ્યવાન માનેલા ખજાનાની શોધ કરવી; ‘સ્વ’ની શોધ કરવી, અગ્નિને શોધવો, અમૃત શોધવું વગેરે; (5) માનવ કે જગતની ઉત્પત્તિ સમજાવવી; (6) સદગતિયાની પારલૌકિક સૃદૃષ્ટિ કે અવગતિયાની પ્રેતસૃદૃષ્ટિ રચવી; (7) મદનને મન ભરીને નોતરવો; (8) નૃતત્ત્વશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ધર્મસંપ્રદાય વગેરેને આંગળી ચીંધ્યાના પુણ્યનો લાભ આપવો; (9) સ્વર્ગ, નરક, પાતાળમાં પ્રવેશવાનો પરવાનો હાથમાં રાખવો.

પ્રાચીન કાળમાં જે મનુષ્યનો ઊર્ધ્વ ગોળાર્ધ હતો, દેવલોક હતો તે આજે તેની ભીતરનો મનોવૈજ્ઞાનિક લોક છે. મનોવૈજ્ઞાનિક ક્ષિતિજો વિસ્તર્યા પહેલાં પુરાકલ્પનોએ સાહિત્યમાં સ્થાન જમાવી લીધું હતું : (1) અનુબંધક ઉદાહરણ તરીકે, (2) સંદર્ભ લેખે, (3) લાગણીના સાર્થક વિભાવ લેખે અને (4) શાણપણ પ્રેરનારી રૂપકકથા લેખે.

વિજ્ઞાને ભય અને વહેમોનાં જાળાં વિદારી નાખ્યાં હોવા છતાં નૃવંશશાસ્ત્રીઓ કહે છે કે આજનો મનુષ્ય માત્ર એના રોજિંદા વ્યવહારજગતમાં વસતો નથી, પણ અસંપ્રજ્ઞાતપણે તે એક અતાર્કિક અને જાદુઈ વિશ્વનો પણ વારસદાર છે. પુરાકલ્પન દ્વારા જે માનવીય સ્થિતિનો અધ્યારોપ થાય છે તેમાં પ્રાકૃત અને સંસ્કૃત માનવ બંને સમાનપણે પોતાપણું અનુભવે છે. માનવોની અંદર એક એવું રહસ્યાત્મક પરિબળ ધબકી  રહ્યું છે, જેને પુરાકલ્પન ગહનમાં ગહન સ્તરે સ્પર્શે છે અને પ્રાગૈતિહાસિક ભયાશ્ચર્ય પેદા કરે છે.

ઇડિપસની, યૂલિસીઝની કે ઑર્ફિયસ જેવાની સમુદ્રમંથનની કથાઓ સર્વસ્પર્શી હોય છે તેનું કારણ સંભવત: વ્યક્તિમાં રહેલી સમદૃષ્ટિચેતના (‘કલેક્ટિવ કૉન્શ્યન્સ’) છે. એક વ્યક્તિમાં અનેક વ્યક્તિઓ જીવતી હોય છે. વ્યદૃષ્ટિ અને સમષ્ટિચેતનાનાં અનેક ભાવરૂપોનું એક સંકુલ પુદગલ મનુષ્યની ભીતર રચાતું હોય છે. પુરાકલ્પન તેની ઝાંખી કરાવે છે.

સાહિત્યમાં અર્થવિસ્તાર અને વ્યંજનાવિસ્તાર માટે જેમ પુરાણેતર પ્રતીક-કલ્પનોનો તેમ પુરાણગત કલ્પનોનો  પુરાકલ્પનોનો પણ વિનિયોગ કરવામાં આવે છે. પુરાકલ્પનમાં જે કથા કે ઇતિવૃત્તાત્મકતા હોય છે તેના મૂળમાં કવિની સંપ્રજ્ઞતા સાથે અન્ય કેટલીક રહસ્યાત્મક સંવેદના પણ રહેલી હોય છે. પૌરાણિક કથાસૃષ્ટિનો  પુરાકલ્પનગત રૂપસૃષ્ટિનો ઉદભવ માનવસંસ્કૃતિના ઉષ:કાળ સાથે યોગ્ય રીતે જ સાંકળવામાં આવ્યો છે અને મહદંશે જન્મ, મૃત્યુ જેવી ગૂઢ પ્રક્રિયાઓ કે અન્ય માનવસમજની બહાર રહી જતી પ્રાકૃતિક ઘટનાઓ સાથેનો તેનો સંકુલ સંબંધ-સંપર્ક પણ જોવામાં આવ્યો છે. મોટા ભાગનાં પુરાકલ્પનોનો ભાષા અને સંસ્કાર-સંસ્કૃતિના આદિમ સ્રોતો સાથે પ્રત્યક્ષ યા પરોક્ષ સંબંધ જોવા મળે છે. ધર્મનાં તેમ ભાષાનાંયે વિધિવિધાનો સાથે, પ્રાક્તાર્કિક મન:સ્થિતિ સાથે પણ તેમનો નિગૂઢ અને સંકુલ સંબંધ જોવા મળે છે. તેથી જ પુરાકલ્પનોનાં મૂળ સુધી જનારે ભાષા ને ધર્મના આદિમ સ્રોતો સુધીયે પહોંચવું પડે છે. આમ પુરાકલ્પનોને સમ્યગ્ રીતે સમજવા માટે ભાષાની એ સ્થિતિ ધ્યાનમાં રાખવી પડે, કેમ કે એનો ભાષા સાથે પ્રતીકાત્મકતાનો સંબંધ હોય છે.

આદિમ પુરાકલ્પનો બહુધા ધાર્મિક સ્વરૂપનાં હતાં. એની સાથે માન્યતા-શ્રદ્ધાનો પ્રશ્ર્ન જોડાયેલો હતો. ધાર્મિક પરંપરા સાથે જેમ જેમ સભ્યતાનો વિકાસ થતો ગયો, માનવ-અભિવ્યક્તિનું માધ્યમ વધારે ચોક્કસ થતું ગયું, તેમ તેમ એ પુરાકલ્પનોનો સાહિત્યમાં વિનિયોગ થવા લાગ્યો. જનક રાજાને હળના ચાસમાંથી સીતા સાંપડતી હોય એ કથાના મૂળમાં કૃષિના આદિમ વિધિવિધાનના પુરાકલ્પનનું પગેરું શોધી શકાય. આ સંદર્ભે ભારતીય પુરાણો આદિમ પુરાકલ્પનોના સાહિત્યિક વિનિયોગના પુરુષાર્થનો સંકેત કરે છે. આજનો સર્જક પુરાકલ્પનનો એક સાહિત્યિક પ્રયુક્તિ તરીકે ઉપયોગ કરી નૂતન અર્થઘટનો ઉપરાંત તેનામાં રહેલી અભિનવ દાર્શનિક, ધાર્મિક ગુંજાશો પ્રગટ કરવાનો પ્રયાસ કરે છે.

પ્રસાદ બ્રહ્મભટ્ટ