પુન:સ્ફટિકીકૃત કણરચનાઓ (crystalloblastic textures)

January, 1999

પુન:સ્ફટિકીકૃત કણરચનાઓ (crystalloblastic textures) : વિકૃત ખડકોમાં સ્ફટિકીકરણ પ્રક્રિયાઓને કારણે તૈયાર થતી વિવિધ લાક્ષણિક કણરચનાઓ. વિકૃત ખડકોમાં સ્ફટિકીકરણની પ્રક્રિયા દરમિયાન સ્ફટિકવિકાસ મોટે ભાગે ઘન માધ્યમમાં થતો હોય છે. તેથી મૅગ્માજન્ય દ્રવમાં મુક્ત રીતે થતા સ્ફટિકીકરણથી પરિણમતી કણરચનાઓની સરખામણીમાં તે સ્પષ્ટપણે જુદી પડી આવે છે. વિકૃતીકરણ દરમિયાન આવશ્યક ખનિજોનું સ્ફટિકીકરણ ક્રમાનુસાર નહિ, પણ એકસામટું થતું હોય છે; જેમાં પ્રત્યેક ખનિજસ્ફટિક બીજા કોઈ પણ ખનિજસ્ફટિકની અંદર રહેલું હોઈ શકે છે. આ રીતે જે પ્રકારની ખનિજ-ગોઠવણી થાય તેને પુન:સ્ફટિકીકૃત કણરચના કહેવાય છે. વળી આ જ કારણે, મિશ્ર સ્ફટિકો કે સ્ફટિકની અંદરની વિભાગીય પટ્ટીદાર સંરચના (zoning) પણ વિકૃત ખડકોમાં ભાગ્યે જ જોવા મળે છે. તેમ છતાં, જ્યારે પૂર્વઅસ્તિત્વ ધરાવતા ખડકોમાંનાં મૂળ ખનિજો અને કણરચના નવા તૈયાર થતા રૂપાંતરિત ખડકમાં જળવાઈ રહેલાં જોવા મળે ત્યારે તે માટે ‘પેલિમ્પ્સેટ’(અધૂરી ભૂંસાયેલી જૂની હસ્તપ્રત પરનું નવું લખાણ)-સંરચના શબ્દ વપરાય છે.

સ્ફટિકોના આ પ્રકારના અભ્યાસ પરથી બેકે તેમને માટે ‘બ્લાસ્ટ’ (blast) શબ્દ પ્રયોજ્યો છે, જે જરૂરિયાત મુજબ પૂર્વગ કે અંત્યગ તરીકે જે તે કણરચના માટે ઉપયોગમાં લઈ શકાય છે. બેક એમ કહે છે કે પુન:સ્ફટિકીકરણ દરમિયાન સ્ફટિકોના વિકાસની એક ચોક્કસ પ્રકારની શ્રેણી તૈયાર થાય છે, જેમાં આકારોના ઊતરતા ક્રમના વલણવાળાં વિકૃત ખનિજો જોવા મળે છે; જેમ કે મૅગ્નેટાઇટ, સ્ફીન, ગાર્નેટ, એન્ડેલ્યુસાઇટ, સ્ટોરોલાઇટ અને કાયનાઇટ જેવાં વ્યવસ્થિત પાસાવાળા (idioblast) સ્ફટિકો પ્રથમ ક્રમમાં; એપિડોટ, ઝોઇસાઇટ, એમ્ફિબૉલ, પાયરૉક્સિન બીજા ક્રમમાં; અબરખ, ક્લોરાઇટ તેમજ કાર્બોનેટ ત્રીજા ક્રમમાં અને છેવટે ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર છેલ્લા ક્રમમાં આવે છે, જે ભાગ્યે જ સ્પષ્ટ આકારોવાળા હોય છે. આમ વિકૃત ખડકોની પુન:સ્ફટિકીકૃત કણરચનાઓમાં વ્યવસ્થિત પાસાવાળાં ખનિજો ભાગ્યે જ જોવા મળતાં હોય છે, મોટે ભાગે તો તે અનિયમિત આકારોવાળાં જ હોય છે. એવા પ્રકારોને ‘ઝેનોબ્લાસ્ટિક’ (xenoblastic) કહેવાય છે, તેમ છતાં કેટલાંક ખનિજો ઘન માધ્યમનો પ્રતિકાર કરીને પણ વ્યવસ્થિત ફલકો પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે તો તેમને ‘ઇડિયોબ્લાસ્ટ’ કહેવાય છે. આ ઉપરાંત, મોટા સ્ફટિકોમાં નાનાં આગંતુક ખનિજો પણ હોય છે, જે ચાળણી જેવી સંરચના પણ દેખાડે છે.

કણરચના સંદર્ભમાં લીથ અને મીડ જેવા શોધકો એમ માને છે કે ઝેનોબ્લાસ્ટિક સ્ફટિકો કે જે ખાસ કરીને તો પતરીમય કે સળી આકારવાળાં સ્વરૂપો ધારણ કરે છે. તે વિકૃત ખડકોની રચના વખતે અસમાન દબાણના સંજોગો હેઠળ આંતરિક સંચલન(internal movement)ના તબક્કામાં પેદા થાય છે; જ્યારે શિસ્ટોઝ સંરચનાથી તદ્દન સ્વતંત્ર રીતે ઇડિયોબ્લાસ્ટ સ્ફટિકો પછીના સ્થાયી તબક્કામાં બનતા હોય છે. તેમના મંતવ્ય પ્રમાણે વિકૃત ખડકોમાં ઝેનોબ્લાસ્ટિક પ્રથમ અને ઇડિયોબ્લાસ્ટિક બીજો એ પ્રમાણેનો સ્ફટિકીકરણનો ક્રમ રહે છે.

પુન:સ્ફટિકીકરણ દ્વારા વિકૃત ખડકોમાં ઉદભવતી પુન:સ્ફટિકીકૃત કણરચનાઓમાં ‘બ્લાસ્ટ’ શબ્દ અંત્યગ તરીકે વપરાતો રહ્યો છે. પૉર્ફિરિટિક અગ્નિકૃત ખડકોના મહાસ્ફટિકોની જેમ મહાસ્ફટિકો બનાવતા ઇડિયોબ્લાસ્ટ સૂક્ષ્મ દાણાદાર ખનિજદ્રવ્યની અંદર જડાયેલા હોય ત્યારે ‘પૉર્ફિરોબ્લાસ્ટિક’ શબ્દ વપરાય છે. ‘ગ્રેનોબ્લાસ્ટિક’ શબ્દ એવી કણરચના માટે જ વપરાય છે, જેમાં મુખ્ય ઘટકો દાણાદાર કે સમપરિમાણવાળા હોય; પરંતુ ‘પેલિમ્પ્સેટ’ સંરચનામાં તો ‘બ્લાસ્ટો’ શબ્દ પૂર્વગ તરીકે મુકાય છે. મૂળભૂત ખડકની પૉર્ફિરિટિક કે ઑફિટિક કણરચનાના પારખી શકાય એવા અવશેષો રહી ગયા હોય ત્યારે ‘બ્લાસ્ટોપૉર્ફિરિટિક’ અને ‘બ્લાસ્ટોઑફિટિક’ શબ્દો ઉપયોગમાં લેવાય છે. એ જ રીતે, મૂળભૂત જળકૃત ખડકોના જુદા જુદા પ્રકારોના પારખી શકાય એવા ટુકડાઓ સંમિશ્રિત સ્થિતિમાં હોય ત્યારે વિકૃતિજન્ય કૉંગ્લોમરેટ અને બ્રેક્સિયા માટે બ્લાસ્ટોસેફિટિક, રેતીયુક્ત ખડકો માટે ‘બ્લાસ્ટોસેમિટિક’ અને મૃણ્મય ખડકો માટે ‘બ્લાસ્ટોપીલિટિક’ શબ્દો ઉપયોગમાં લેવાય છે.

ગિરીશભાઈ પંડ્યા