પુન:સંયોજક ડીએનએ (Recombinant DNA)

January, 1999

પુન:સંયોજક ડીએનએ (Recombinant DNA) : બાહ્યસ્થ (foreign) ડીએનએનું જોડાણ વાહક અણુ (vector molecule) સાથે કરવાથી નિર્માણ થયેલ સંયુક્ત ડીએનએનો અણુ. પુન:સંયોજક ડીએનએ જૈવ તકનીકી વડે અન્ય સજીવમાં આવેલ લાભકારક જનીનને અલગ કરી તેનું સંયોજન બૅક્ટેરિયા જેવા સૂક્ષ્મ  જીવોમાં આવેલ પ્લૅસ્મિડ સાથે કરવામાં આવે છે. પુન:સંયોજક ડીએનએના અણુને લીધે આ સૂક્ષ્મજીવ બાહ્યસ્થ જનીનના સંકેતો મુજબ લાભકારક જૈવિક અણુઓનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. બૅક્ટેરિયાના શરીરમાં પ્લૅસ્મિડ નામે ઓળખાતા ગોળાકારે આવેલા બેવડા તંતુઓના બનેલા ડીએનએના અણુઓ રંગસૂત્રોની બહાર આવેલા હોય છે. પુન:સંયોજક તકનીકી વડે પ્લૅસ્મિડ સાથે બાહ્યસ્થ જનીનનું જોડાણ થઈ શકે છે.

માનવીના શરીરમાં ઇન્સ્યુલિન અંત:સ્રાવની અસર હેઠળ રુધિરમાં ગ્લુકોઝનું યોગ્ય પ્રમાણ જળવાય છે. ઇન્સ્યુલિનના ઉત્પાદનના સંકેતો સાથે સંકળાયેલ જનીન માનવીના રંગસૂત્રમાં આવેલું છે. અંત:સ્રાવના યોગ્ય પ્રમાણના અભાવમાં રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે અને માનવી મધુમેહથી પીડાય છે. પુન:સંયોજક ડીએનએ તકનીકી વડે ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં બૅક્ટેરિયાનો ઉપયોગ કરી શકાય છે. માનવીના રંગસૂત્રમાં આવેલ ઇન્સ્યુલિનના ઉત્પાદન સાથે સંકળાયેલ જનીનને અલગ કરી, તેનું સંયોજન બૅક્ટેરિયાના પ્લૅસ્મિડ સાથે કરવાથી આવા બૅક્ટેરિયા ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે, જેનો ઉપયોગ મધુમેહની સારવાર માટે કરી શકાય છે. હાલમાં આ તકનીકીનો બહોળો ઉપયોગ આર્થિક અગત્યના અનેક ઔદ્યોગિક તેમજ દવાઓના ઉત્પાદનમાં થઈ રહ્યો છે.

મ. શિ. દૂબળે