પુનશ્ચેતનક્રિયા (resuscitation)

January, 1999

પુનશ્ચેતનક્રિયા (resuscitation) : હૃદય કે શ્વસનક્રિયા અચાનક અટકી પડે ત્યારે તેને ફરીથી શરૂ કરવાની સારવાર. હૃદયના ધબકારા અચાનક બંધ થઈ જાય તેને હૃદય-સ્તંભન (cardiac arrest) કહે છે. તેનું મુખ્ય કારણ હૃદયના ધબકારા બંધ થઈ જવા તે છે. તેને હૃદય-નિ:સ્પંદતા (cardiac standstill) પણ કહે છે. ક્યારેક હૃદયના સ્નાયુતંતુઓ અલગ અલગ સંકોચાય ત્યારે તેને તંતુસંકોચનો (fibrillation) કહે છે. હૃદયના ક્ષેપકોનાં તંતુસંકોચનોમાં પણ હૃદયની લોહી ધકેલવાની ક્ષમતા ઘટે છે અને તેથી હૃદયના ધબકારા સંભળાતા નથી. તેને પણ હૃદય-સ્તંભન કહે છે. હૃદયમાં ઉદભવતા વીજઆવેગો અને તેના લોહી ધકેલવાના યાંત્રિક કાર્ય વચ્ચે સુમેળ ન રહે ત્યારે તેને વીજ-યાંત્રિકી કુમેળ (electro-mechanical dissociation) કહે છે. તેમાં પણ હૃદય-સ્તંભનની  સ્થિતિ ઉદભવે છે.

હૃદયના ધબકારા બંધ થઈ જવાની સ્થિતિ વિવિધ રોગો ને વિકારોમાં થાય છે : (1) હૃદયરોગના હુમલામાં, (2) શ્વસનમાર્ગમાં બાહ્ય પદાર્થ આવીને અવરોધ કરે ત્યારે, (3) ફેફસાંની ધમનીમાં લોહીનો ગઠ્ઠો જામી જાય ત્યારે, (4) હૃદયના વાલ્વ(કપાટ)ના વિકારોમાં ધબકારાની અનિયમિતતા થાય ત્યારે, (5) શસ્ત્રક્રિયા વખતે પેટ કે છાતીના અવયવોને હલાવવાથી ઉદભવતી પરાવર્તી ક્રિયા રૂપે, (6) શસ્ત્રક્રિયા વડે ઘેનની દવાની માત્રાનું ક્ષતિયુક્ત નિયંત્રણ હોય ત્યારે, (7) શસ્ત્રક્રિયા પહેલાં શ્વસનમાર્ગમાં નળી નાંખતી વખતે ગળામાંથી ઉદભવતી પરાવર્તી ક્રિયા રૂપે, (8) શસ્ત્રક્રિયા દરમિયાન ધમનીઓમાંથી અચાનક ઘણુંબધું લોહી વહી જાય ત્યારે, (9) શસ્ત્રક્રિયા સમયે લોહીનું દબાણ એકદમ ઘટી જાય ત્યારે, (10) શસ્ત્રક્રિયા વડે હવાનો પરપોટો કે ચરબીનો ગઠ્ઠો ધમનીમાં જામી જઈને અવરોધ કરે ત્યારે, (11) શ્ર્વાસનળીમાં અંત:દર્શક (endoscope) નાંખવામાં આવે, શ્વસનમાર્ગચિત્રણ કે મૂત્રમાર્ગચિત્રણ માટે તેમાં રસાયણ નાંખવામાં આવે, હૃદયની અંદર નળી નાંખવામાં આવે, (નળીનિવેશન, catheterization) કે હૃદયની ધમનીઓનું ચિત્રણ (હૃદ્વાહિનીચિત્રણ, angiocardiography) માટે દવા નાંખવામાં આવે – એવી તપાસપ્રક્રિયાઓ કરાય ત્યારે, (12) પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જાય ત્યારે, (13) પોટૅશિયમ જેવા વિદ્યુતવિભંજ(electrolyte)નું અસંતુલન થાય ત્યારે, (14) વિદ્યુત કે ઍલર્જીજન્ય આઘાત (shock) થાય ત્યારે, (15) ડૂબી જવાતું હોય ત્યારે, (16) શરીર એકદમ ઠંડું પડવા માંડે (અલ્પોષ્ણતા, hypothermia) ત્યારે અને (17) ડિજિટાલિસ, ક્વિનિડીન, પ્રોકેનેમાઇડ, એડ્રિનાલિન, પોટૅશિયમ, ચામડીને બહેરી કરતી દવાઓ  સ્થાનિક નિશ્ચેતકો (local anaesthetics) અને ક્યારેક ઍન્ટિબાયૉટિકોનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે અને તેમની માત્રા વધુ પડતી હોય કે ઍલર્જી થઈ જાય ત્યારે, વગેરે.

હૃદયસ્તંભન થાય એટલે તુરત જ વ્યક્તિ બેભાન બને છે અને તેના કાંડા, ગળા, લમણાં કે જાંઘમાંની નાડીના ધબકારા બંધ થઈ જાય છે. થોડીક ક્ષણો પછી કીકી પહોળી થાય છે. લોહીનું દબાણ માપી શકાતું નથી અને વ્યક્તિને ક્યારેક ખેંચ આવે છે. તેના નખ, હોઠ, જીભ અને આંખનાં પોપચાંની અંદરની સપાટી પર આવેલી નેત્રકલા (conjunctiva) ભૂરાં થઈ જાય છે.

સારવાર : હૃદયસ્તંભનની સારવારને પુનશ્ચેતનક્રિયા કહે છે. સૌપ્રથમ વ્યક્તિને કઠણ પાટિયા કે જમીન પર ચત્તી અને સીધી સુવાડી દેવાય છે. ત્યારબાદ તુરત તેની છાતીના ડાબા આગળના ભાગ પર જોરથી મુક્કો (વક્ષગ્રીય મુષ્ટિપ્રહાર, chest thump) મરાય છે. છાતીના આ વિસ્તારને અધિહૃદ્વિસ્તાર (precordium) કહે છે. અધિહૃદ્વિસ્તાર પરના મુષ્ટિપ્રહારથી ઘણી વખત હૃદય ફરીથી ધબકવા માંડે છે. ત્યારબાદ 3 મહત્ત્વની ક્રિયાઓ કરાય છે  શ્વસનમાર્ગને ખુલ્લો કરાય છે તથા ખુલ્લો રખાય છે, જરૂર પડ્યે કૃત્રિમ શ્વસન અપાય છે તથા લોહીનું પરિભ્રમણ ચાલુ રાખવા છાતી પર નિયમિત દબાણો આપીને હૃદયને મસળવાની ક્રિયા (massage) કરાય છે.

(અ) શ્વસનમાર્ગને ખુલ્લો રાખવાની પ્રક્રિયા : જો દર્દી જાતે શ્ર્વાસ લઈ શકતો હોય તો તેનો શ્વસનમાર્ગ ખુલ્લો રાખવા સાદી પ્રક્રિયાઓ કરાય છે. દર્દીને કઠણ સપાટી-જગ્યા પર ચત્તો સુવાડીને તેના નીચલા જડબાના બંને બાજુ પરના ખૂણાની પાછળ આંગળીઓ લઈ જઈને તેના નીચલા જડબાને આગળ તરફ ધકેલવામાં આવે છે અને ત્યારપછી જાળીવાળું કપડું આંગળી પર વીંટાળીને ગળું સાફ કરાય છે. તેની જીભ પાછળ ગળામાં ન પડી જાય માટે મોંને એક તરફ વાળી દેવાય છે. અથવા મોંમાં જીભને દબાવી દેતું વાતમાર્ગક (airway) નામનું સાધન ભેરવી દેવાય છે. નળી કે મહોરા વડે ઑક્સિજન અપાય છે. મોં વાટે શ્ર્વાસનળીમાં નળી નંખાય છે. તેને અંત:શ્ર્વાસનળીકરણ (endotracheal intubation) કહે છે. જો ડોકના કરોડના મણકાને ઈજા થઈ હોય કે મોં ખોલી શકાય એમ ન હોય તો નાક વાટે નળી નંખાય છે. તેને નાસાશ્ર્વાસનળીકરણ (nasotracheal intubation) કહે છે.

પુનશ્ચેતનક્રિયા : (અથી ઇ) હૃદયમર્દન (cardiac massage) તથા કૃત્રિમ શ્વસન : (અ) એક વ્યક્તિ વારાફરતી છાતી પર દબાણ આપી હૃદયનું મર્દન કરે તથા મુખાનુમુખ કૃત્રિમ શ્વસન કરાવે, (આ) બે વ્યક્તિઓ અલગ અલગ રીતે પરંતુ એકસાથે બંને ક્રિયાઓ કરે. (ઇ અને ઈ) છાતી પર દબાણ આપીને તથા તે દબાણ પાછું લઈને હૃદયનું મર્દન કરે તેનું ચિત્રાંકન. (1) છાતીનો આડછેદ, (2) હૃદય, (3) વક્ષાસ્થિ (stermum), (4) દબાણ કરતો હાથ, (5) દબાણ લઈ લેતો હાથ. (ઉ) છાતી ફૂલે છે તેનું ધ્યાન રાખીને મુખાનુમુખ કૃત્રિમ શ્વસન કરાવવા માટે મોઢામાં મોઢું નાખીને જોરથી ઉચ્છ્વાસ દર્દીના મોંમાં નાખવાની ક્રિયા. (ઊ) દર્દીનો ઉચ્છ્વાસ બહાર આવવાની ક્રિયા, (એ) મુખાનુનાસા કૃત્રિમ શ્વસન માટે દર્દીના નાકમાં ઉચ્છ્વાસ ધકેલવો, (ઐ) દર્દીના મોંમાંથી તે પાછો બહાર આવે, (ઓ) કૃત્રિમ શ્વસન માટેનાં સાધનો  (6) ફર્ગ્યુસનનો રોગ, (7) ગ્યુડેલનો વાયુમાર્ગક (airway), (8) નિશ્ચેતનાવિદની ફાચર, (9) નાકમાંથી શ્ર્વાસનળીમાં નાખવાની નાસા શ્વસનનળી, (ઔ) બે વ્યક્તિ રસ્તા પર કૃત્રિમ શ્વસન અને હૃદયમર્દનની ક્રિયા કરે છે, જુઓ અંબુકોથળી(10)નો ઉપયોગ, (અં) બેભાન દર્દીનો શ્વસનમાર્ગ ખુલ્લો રહે તે માટે મોંમાં વાયુમાર્ગક નાખવા માટે પ્રથમ પાછળ તરફ માથાને ખેંચવું અને (અ:) તેમાં વાયુમાર્ગક નાખીને જીભને દબાવી રાખવી. (11) હવાનો બંધ થયેલો માર્ગ, (12) ખૂલી ગયેલો હવા માટેનો માર્ગ.

(આ) જો દર્દી શ્ર્વાસ લઈ શકતો ન હોય તો તેને ‘મોંથી મોં’ પ્રકારનું અથવા મુખાનુમુખ કૃત્રિમ શ્વસન (oro-oral artificial respiration) કરાવાય છે. જમણા હાથ વડે દર્દીની ડોકને પાછળ તરફ વાળવામાં આવે છે તથા ડાબા હાથની આંગળીઓ વડે તેની ચિબુક(chin)ને આગળ ખેંચવામાં આવે છે. હાથનો બીજો છેડો કપાળ પર રાખીને ડોકને પાછળ તરફ વાળેલી રખાય છે. તેને ડોકનું અતિલંબન (hyper- extension) કહે છે. આ સમયે દર્દીનું નાક દબાવી દેવામાં આવે છે અને તેના મોં પર રૂમાલ કે જાળીવાળું કપડું મૂકવામાં આવે છે. ત્યારબાદ પ્રથમોપચાર (first aid) આપતી વ્યક્તિ પોતાનું મોં દર્દીના  મોં પર મૂકી ઊંડો શ્ર્વાસ લઈને જોરથી ઉચ્છ્વાસ કાઢે છે, જે દર્દીના મોં વાટે ફેફસાંમાં જાય છે. ત્યારબાદ દર્દીનાં મોં-નાક પરથી હાથ હઠાવી લઈને દર્દીના ફેફસાંમાંથી અસક્રિયપણે ધીમે-ધીમે હવા નીકળવા દેવાય છે. દર્દીનું શ્વસન શરૂ ન થાય ત્યાં સુધી દર મિનિટે 12થી 15 વખત આવું કરતા રહેવું પડે છે. દરેક બલિષ્ઠ ઉચ્છ્વાસ સમયે દર્દીની છાતી ફૂલે છે કે કેમ એ ખાસ જોઈ લેવાય છે. લાંબો સમય શ્વસન સહાય (respiratory support) આપવી પડે તેમ હોય તો અમ્બુકોથળી કે કૃત્રિમ શ્વસનક(artificial ventilator)ની સગવડ ઊભી કરવાનું આયોજન કરવામાં આવે છે. દર્દીનું મોં ખૂલી શકતું ન હોય, તેને હવા-ચુસ્ત રીતે ઢાંકી શકાતું ન હોય, તેમાં લોહી કે ઊલટીનું દ્રવ્ય હોય તો દર્દીને તેના નાક દ્વારા કૃત્રિમ શ્વસન અપાય છે. તેને મુખાનુનાસિકા કૃત્રિમ શ્વસન (oro-nasal artificial respiration) કહે છે.

(ઇ) દર્દીનું રુધિરાભિસરણ ચાલુ રહે તે માટે હૃદયને મસળવાની ક્રિયા કરાય છે. તેને હૃદ્મર્દન (cardiac massage) કહે છે. શસ્ત્રક્રિયા વખતે છાતી ખોલવામાં આવેલી હોય તો હૃદય પર સીધેસીધો હાથ મૂકીને પણ મર્દન કરી શકાય છે. તેને અનાવૃત હૃદ્મર્દન (open cardiac massage) કહે છે. પરંતુ મોટાભાગના કિસ્સામાં હૃદયની આગળની છાતીના ભાગ (પ્રહૃદ્-વિસ્તાર-Precordium) પર બે હાથ વડે સમયાંતરિત દબાણ આપીને બાહ્ય હૃદ્મર્દન (external cardiac massage) કરાય છે. શ્વસનનો માર્ગ ખુલ્લો થાય અને 2થી 3 કૃત્રિમ શ્વસન ચાલુ થાય તે પછી હૃદયના ધબકારા તરફ ધ્યાન આપવામાં આવે છે અને જરૂર પડ્યે બહારથી હૃદ્મર્દન કરાય છે. તે માટે હથેળીનું મૂળ (કાંડા પાસેનો ભાગ) છાતીના વચલા હાડકા-ઉરોસ્થિ અથવા વક્ષાસ્થિ(sternum)ના નીચલા છેડે મૂકવામાં આવે છે અને તેના વડે દર મિનિટે 60 વખત વક્ષાસ્થિને 3થી 4 સેમી. જેટલું દબાવવામાં આવે છે. હૃદયનું મર્દન બરાબર થઈ રહ્યું છે કે નહિ તે ચકાસવા ગળા કે જાંઘની ધમનીમાં નાડીના ધબકારા તપાસવામાં આવે છે.

(ઈ) દર્દીનાં હૃદય અને નાડીના ધબકારા બંધ થઈ ગયા હોય ત્યારે તેમનો વીજહૃદાલેખ (electrocardiogram, ECG) લેવામાં આવે છે અથવા તો મૉનિટર પર હૃદયની વિદ્યુતક્રિયાશીલતા નોંધવામાં આવે છે. તે સમયે 3 પ્રકારના વિકારો જોવા મળે છે  (1) વીજહૃદાલેખમાં સામાન્ય રીતે જોવા મળતા વિદ્યુતતરંગો હોતા નથી. તેથી હૃદયનું સંકોચન અટકી ગયેલું હોય એવું જણાય છે. તેને હૃદય-અસંકોચન (cardiac asystole) કહે છે. તે સમયે એડ્રિનાલિન નસ વાટે આપીને આગળ વર્ણવેલી હૃદય-શ્વસનલક્ષી પુનશ્ચેતનક્રિયા 10 વખત કરાય છે અને પછી જરૂર પડ્યે ઍટ્રોપિન પણ નસ વાટે અપાય છે. જો ECGમાં ક્ષેપકીય તંતુસંકોચનો (ventricular fibrillation, VF) શરૂ થયાં હોય તો તેની સારવાર કરાય છે. પરંતુ જો હૃદય-અસંકોચન કે મંદગતિ હૃદય-તાલ(bradycardia)ના રૂપે ધીમાં સંકોચનો શરૂ થયાં હોય તો આઇસોપ્રિનાલિન નસ વાટે અપાય છે અને જરૂર પડ્યે કૃત્રિમ વીજાવેગજનક(artificial pacemaker)ની મદદથી હૃદયને ધબકતું રખાય છે. જો 15 મિનિટ સુધી હૃદયના ધબકારા ચાલુ ન થાય તો દર્દીને મૃત્યુ પામેલો જાહેર કરવામાં આવે છે. (2) ક્યારેક ECGમાં હૃદયના સ્નાયુતંતુઓનું અલગ અલગ સંકોચન થયા કરે છે. તેને ક્ષેપકીય તંતુસંકોચન (VF) કહે છે. તે સમયે તંતુસંકોચનદાબક (defibrillator) યંત્રની મદદથી 200 Jની શક્તિનો સીધા તરંગવાળો વિદ્યુતાઘાત (Direct Current Shock) અપાય છે. જરૂર પડ્યે 3 વખત સુધી વિદ્યુતાઘાત અપાય છે. વચ્ચે શ્વસનમાર્ગને ખુલ્લો રાખવા નળી નંખાય છે, નસ દ્વારા પ્રવાહી આપવાનું શરૂ કરાય છે અને નસ વાટે એડ્રિનાલિન અપાય છે. શ્વસનક્રિયા શરૂ ન થયેલી હોય તો કૃત્રિમ શ્વસનક્રિયા ચાલુ કરાય છે. ત્યારપછી પણ હૃદય ક્રિયાશીલ ન બને તો 360 Jની વધુ માત્રામાં ફરી 3 વખત સીધા તરંગના વિદ્યુતાઘાતો અપાય છે. (3) ક્યારેક દર્દીના ECGમાં QRS તરંગો જોવા મળે છે, પરંતુ હૃદય લોહી ધકેલતું હોતું નથી. તેને વીજયાંત્રિકી કુમેળ (electromechanical dissociation) કહે છે. દવાઓની ઝેરી અસર, હૃદયની આસપાસ દબાણ કરે એટલું પાણી ભરાય, ફેફસાંની આસપાસ દબાણ થાય એટલી હવા ભરાય કે ફેફસાંની ધમનીમાં લોહીનો ગઠ્ઠો જામે ત્યારે આ પ્રકારનો વીજયાંત્રિકી કુમેળ થાય છે. તાત્કાલિક સારવાર રૂપે એડ્રિનાલિન નસ વાટે અપાય છે. જરૂર પ્રમાણે હૃદયલક્ષી અને શ્વસનલક્ષી પુનશ્ચેતનક્રિયા કરાય છે અને આઇસોપ્રિનાલિન પણ નસ વાટે અપાય છે. જો દર્દી કૅલ્શિયમ માર્ગરોધકો (calcium channel blockers) નામના જૂથની દવા લેતા હોય અને કૅલ્શિયમ ઓછું હોય કે પોટૅશિયમ વધુ હોય તો કૅલ્શિયમ ક્લોરાઇડનું નસ વાટે ઇન્જેક્શન અપાય છે.

હૃદયના ધબકારા બંધ થવાથી મગજને ઑક્સિજનનો પુરવઠો મળતો બંધ થાય છે માટે 3 મિનિટથી વધુ સમય સુધી રુધિરાભિસરણ થંભેલું રહે તો મગજને ફરી મટે નહિ એવું નુકસાન થાય છે. જો દર્દી આવી સ્થિતિમાં 10 મિનિટ સુધી રહે અને પછીથી ફરી પુનશ્ચેતનશીલ બને તો તેને અતિશય પંગુતા આવે છે. જો પેશીમાં પૂરતો ઑક્સિજન મળતો રહે તેમ હોય તો 30 મિનિટ સુધી પણ પુનશ્ચેતનક્રિયા ચાલુ રખાય છે. જો તત્કાલ સારવાર-કક્ષ(intensive care unit)થી દૂરના સ્થળે હૃદય અને / કે શ્વસનક્રિયા બંધ થયેલી હોય તો પુનશ્ચેતન ક્રિયા કરવાની સાથે દર્દીને તત્કાલ સારવાર કક્ષમાં ખસેડવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે છે.

શિલીન નં. શુક્લ

શ્રીપ્રકાશ ત્રિવેદી