પુનરાવર્તી વિચાર-કાર્યવળગણ (obsessive-compulsive disorder)
January, 1999
પુનરાવર્તી વિચાર–કાર્યવળગણ (obsessive-compulsive disorder) : વારંવાર બળજબરીથી આવતા (બલિષ્ઠ-આગમની વિચારો, intrusive thoughts)ને તથા બળજબરીપૂર્વક થયે જતા બલિષ્ઠ-આગમની વર્તન(intrusive behaviour)ને અનુક્રમે પુનરાવર્તી બલિષ્ઠ વિચાર-વળગણ (obsession) તથા પુનરાવર્તી બલિષ્ઠ કાર્યવળગણ (compulsion) કહે છે. વળી આ દર્દીએ સારી રીતે જાણે છે કે આ પ્રકારનાં વિચારો કે વર્તન અનૈચ્છિક અને અર્થહીન હોય છે. પુનરાવર્તી વિચારકાર્યવળગણ(પુવિકા)નો વિકાર પોતે મનોવિકારચિંતા(anxiety neurosis)નો ઉપપ્રકાર ગણાય છે. ક્યારેક વ્યક્તિત્વના એક વિકાર રૂપે પણ આવો પુવિકા વ્યક્તિત્વવિકાર (personality disorder) જોવા મળે છે. આવી વ્યક્તિ અક્કડ (inflexible) અને પરિપૂર્ણતાગ્રહી (perfectionist) હોય છે અને હંમેશાં પોતે સ્વીકારેલાં નિયમો, પદ્ધતિઓ અને વિગતોને જ વળગી રહે છે. આવી વ્યક્તિઓ પોતાની રીતે જ કાર્ય થાય તેવો હઠાગ્રહ રાખે છે, પરંતુ ઘણી અન્ય બાબતોમાં તેઓ અનિશ્ચિત રહે છે અને તેથી બિનઅસરકારક પણ બને છે. બલિષ્ઠ-આગમની કાર્યવળગણવાળી વ્યક્તિઓ બીજી વ્યક્તિઓ સાથેના સંબંધ કરતાં પોતાના કાર્ય અને મિલકત(possessions)ને વધુ મહત્ત્વ આપે છે. તેથી તેઓ બીજાઓ તરફ ઉષ્મા વગરના, ઠંડા, અક્કડ અને ઘણી વખત વિચિત્ર વ્યવહારવાળા(awkward) હોય છે.
બલિષ્ઠ વિચારવળગણવાળી વ્યક્તિમાં ઘણી વખત હિંસક (દા. ત., પ્રિય પાત્રને મારી નાંખવું) ભાવવાળા, વિચારજન્ય મંદ ક્રિયાશીલતાવાળા, જંતુઓ અને પ્રદૂષણથી ઉદભવતા જોખમવાળા કે શંકાશીલ વિચારો વારંવાર આવે છે. શંકાશીલ વિચારોમાં વ્યક્તિને એમ લાગ્યા કરે કે તેણે તેનું કાર્ય બરાબર કર્યું નથી. અથવા તો તેનાથી કુશંક અમંગળ (અઘટિત) થઈ જશે. પુનરાવર્તી બલિષ્ઠ કાર્યવળગણના વિકારવાળી વ્યક્તિ પોતે કરેલું કાર્ય વારંવાર ચકાસીને બરાબર થયું છે કે નહિ તે જોયા કરે છે; દા.ત., તાળું વાસ્યા પછી વારંવાર તપાસ્યા કરે. આવી વ્યક્તિઓ વારંવાર હાથ ધોયા કરે. વધુ પડતી ચોખ્ખાઈ જાળવે, ક્રિયાપદ્ધતિઓ અને રૂઢિઓનાં અંગોને ગણ્યા કરે કે ચાલતાં ચાલતાં પોતાનાં જ પગલાં ગણ્યા કરે વગેરે વિવિધ ક્રિયાઓ વારંવાર કર્યા કરે છે. ‘પુવિકા’ વિકારના નિદાન માટેનાં ગુણાભિધાનો (criteria) સારણી 1માં દર્શાવેલાં છે.
કારણવિદ્યા : ‘પુવિકા’-વિકારનું કારણ જાણમાં નથી. પરંતુ તેને મનોગતિકી (psychodynamic), મન:સામાજિક (psychosocial) તથા જૈવિક પરિબળોના પરિપ્રેક્ષ્યમાં વિચારી શકાય. ઘણી વખત તે વ્યક્તિનાં ભય, ઇચ્છાઓ, આવેગો અથવા અનિચ્છનીય આક્રમક કે જાતીય ઇચ્છાઓને અનુરૂપ ઉદભવતી સક્રિયતા સાથે સંબંધિત હોય છે. એક જ ફલિતાંડ(zygote)માંથી વિકસેલા બે જોડિયા સહોદરો (siblings) તથા દર્દીના પ્રાથમિક તબક્કાથી જ સંબંધિત સગાં(ભાઈ, બહેન, માતા કે પિતા)માં પણ આ વિકાર જોવા મળે છે. માટે તેના ઉદભવમાં જૈવિક કારણો પણ હશે એમ મનાય છે. વિવિધ પ્રકારની ખિન્નતા (depression) ઘટાડતી દવાઓથી લાભ થાય છે. તે પણ દર્શાવે છે કે આ વિકારમાં જૈવિક પરિબળો અસર કરતાં હોય છે. સામાન્ય રીતે પુખ્તવયની 2 %થી 3 % વ્યક્તિઓમાં તે જોવા મળે છે. તે સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. પ્રજાકીય જાતિ, શિક્ષણ કે શહેરીકરણને કારણે તે થતું હોય એવું જોવા મળ્યું નથી.
સારણી 1 : ‘પુવિકા’ વિકારનાં નિદાનલક્ષી ગુણાભિધાનો (diagnostic criteria)
(1) | પુનરાવર્તી બલિષ્ઠ-આગમની વિચારવળગણ (obsessions) : | |
(અ) | વારંવાર આવતા તથા સતત રહેતા અર્થહીન અને પ્રબળ વિચારો, આવેગો કે કલ્પનાઓનો અનુભવ; દા.ત., પોતાના પ્રિય બાળકને મારી નાંખવાના વારંવાર આવતા વિચારો કે ધાર્મિક માણસને જાતીયતાના વારંવાર આવતા વિચારો. | |
(આ) | દર્દી આવા વિચારોને અવગણે, દવાવે કે કોઈ અન્ય વિચાર કે કાર્ય દ્વારા બાજુ પર ધકેલે. | |
(ઇ) | દર્દી એ સમજે અને સ્વીકારે કે આ વિચારો તેના પોતાના મનની પેદાશ છે અને બહારથી આવેલા નથી. | |
(ઈ) | વારંવાર બળપૂર્વક આવતા વિચારો, જો કોઈ અન્ય વિકાર હોય તો તેની સાથે અનુબંધ ધરાવે છે; દા.ત., અરુચિ હોય તેને ખોરાકના વિચારો ન આવે. | |
(2) | પુનરાવર્તી બલિષ્ઠ-આગમની કાર્યવળગણ (compulsions) : | |
(અ) | વારંવાર હેતુ વગરનું અને ઇરાદાપૂર્વકનું વર્તન, જે સામાન્ય રીતે વારંવાર અર્થ વગરના અને બળપૂર્વક આવતા વિચારોને કારણે થતું હોય. કોઈક નિયમબદ્ધ હોય એમ બને કે અમુક ઢબે કામ કરવાની ઘરેડ (stereotype fashion) હોય. | |
(આ) | વર્તનમાં આવતું અવાસ્તવિક અને વધુ પડતું કાર્યવળગણ. | |
(ઇ) | વ્યક્તિ પોતાના વર્તનમાંની અવાસ્તવિકતા, અર્થહીનતા તથા અતિશયતા (excessiveness) સમજે. જોકે નાનાં બાળકો અથવા પોતાના વિચારવળગણને મૂલ્યવાન માની બેસતી વ્યક્તિઓ આ પ્રકારની અર્થહીનતા કે અતિશયતા સ્વીકારતી નથી. | |
(3) | આ પ્રકારનું બળપૂર્વક આવતું વિચારવળગણ અને કાર્યવળગણ દર્દીને તકલીફ કરે તથા તેનો ઘણો સમય બગાડે (1 કલાક/દિવસ) અને ક્યારેક તેના રોજિંદા જીવન, વ્યાવસાયિક કાર્યો કે સામાજિક જીવનમાં પણ ખૂબ અડચણ ઊભી કરે. |
નિદાન : તરુણાવસ્થા કે યુવાનીમાં તે શરૂ થાય છે. 65 % દર્દીઓ 25 વર્ષથી નાના હોય છે. બાળકોમાં તે ભાગ્યે જ જોવા મળે છે. સારણી 1માં દર્શાવેલાં ગુણાભિધાનો હોય ત્યારે નિદાન કરાય છે. કેટલાક (10 %) દર્દીઓમાં તે લાંબો સમય રહે છે, જ્યારે કેટલાકમાં તે સંપૂર્ણ રીતે શમી જાય છે. મોટાભાગની વ્યક્તિઓમાં આ વિકારના વારંવાર હુમલા થતા રહે છે અને બે હુમલાની વચ્ચે અમુક અંશે તેનું શમન થયેલું હોય છે. આ વિકારની આનુષંગિક તકલીફ રૂપે ખિન્નતા ઉદભવે છે. ક્યારેક મનોવિકારી ચિંતા, કાર્યત્યાગી વર્તન (avoidant behaviour), મદ્યપાની વ્યસનાસક્તિ, ઊંઘ માટેની કે મનને શાંત કરતી દવાઓનો કુપ્રયોગ (abuse) તથા સામાજિક જીવન, વ્યાવસાયિક કાર્યો તથા લગ્નજીવનમાં સમસ્યાઓનો ઉદભવ વગેરે વિવિધ તકલીફો સર્જાય છે. ‘પુવિકા’ વિકારનું નિદાન કરવા માટે કોઈ પ્રયોગશાળાલક્ષી કસોટી ઉપલબ્ધ નથી. આ વિકારને કેટલાંકમાં પુનરાવર્તી આત્મઘાતક વર્તન(self destructive behaviour)થી અલગ પાડવો જરૂરી ગણાય છે. જુગાર, મદ્યપાન કે નશાકારક ઔષધોની લત; પુષ્કળ ખાધા કરવું વગેરે આત્મઘાતક વર્તનોને ‘પુવિકા’-વિકારથી અલગ પડાય છે; કેમ કે આ પ્રકારના વર્તનથી તે આનંદ મેળવે છે. કેટલાક ગંભીર પ્રકારના માનસિક રોગોમાં પણ ચોક્કસ ઘરેડવાળું વર્તન જોવા મળે છે. તેને પણ ‘પુવિકા’-વિકારથી અલગ પડાય છે.
સારવાર : સૌથી વધુ અસરકારક દવા ક્લોમિપ્રેમિન છે. તેની અસર ઉદભવતાં 6થી 8 અઠવાડિયાં થાય છે. સિરોટોનિન સંલગ્ન ચેતાસંદેશવાહક પ્રણાલી (seratoninergic neurotransmitter system) સાથે સંબંધિત ફ્લ્યુઑક્ઝેટિન તથા ફ્લ્યુઓક્ઝેમાઇન નામની દવાઓ પણ અસરકારક નીવડી છે. ‘પુવિકા’વિકારમાં મનોલક્ષી ચિકિત્સા(psycho therapy)થી ઘણી વખત ફાયદો થાય છે. આ ઉપરાંત વર્તનચિકિત્સા (behaviouraltherapy), અલ્પસંવેદનશીલીકરણ (desensitization), વૈચારિક અતિપૂરણ (flooding), કે વિરોધસર્જક તાલીમ (aversive conditioning) જેવી વિવિધ પદ્ધતિઓનો પણ આંશિક સફળતા સાથે પ્રયોગ કરાયેલો છે.
શિલીન નં. શુક્લ
મૃગેશ વૈષ્ણવ