પુતિન, વ્લાદિમીર

September, 2025

પુતિન, વ્લાદિમીર (જઃ 7 ઑક્ટોબર, 1952, સેન્ટ પીટર્સબર્ગ, રશિયા): કેજીબી જાસૂસમાંથી વર્ષ 2000માં રશિયાના રાષ્ટ્રપતિ બનીને રશિયન બંધારણમાં ધરખમ ફેરફારો કરીને સત્તાનાં તમામ સૂત્રો હસ્તગત કરનાર રશિયન શાસક, આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયાનું પ્રભુત્વ પુનઃસ્થાપિત કરીને વિઘટિત યુએસએસઆરની પુનઃરચના કરવાનું સ્વપ્ન સેવતા રાજકારણી, ક્રીમિયાનું વિવાદાસ્પદ રીતે અધિકરણ અને યુક્રેન પર હુમલો કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકાને પાત્ર બનેલ રશિયન રાષ્ટ્રપતિ.

વ્લાદિમીર પુતિન

સોવિયત સંઘના રશિયા ગણરાજ્યમાં સેન્ટ પીટર્સબર્ગ (અગાઉ લેનિનગ્રાડ)માં જન્મેલ પુતિનનું પૂરું નામ વ્લાદિમીર સ્પિરિદોનોવિચ પુતિન છે. માતા મારિયા ઇવાનોવ્ના સેલોમોવા અને પિતા વ્લાદિમીરોવિચ પુતિન. દાદા સ્પિરદોન રશિયન સામ્યવાદી ક્રાંતિના પ્રણેતા લેનીન અને જૉસેફ સ્ટાલિનના અંગત રસોઇયા હતા. માતા કારખાનામાં મજૂર અને પિતા સોવિયત નૌકાદળમાં કાર્યરત હતાં. પ્રાથમિક શિક્ષણ 1960માં લેનિનગ્રાડમાં ઘર નજીક બાસ્કોવ લેનમાં મેળવ્યું. 12 વર્ષની વયે જૂડો અને સામ્બોની પ્રૅક્ટિસ શરૂ કરી. માધ્યમિક શિક્ષણ સેન્ટ પીટર્સબર્ગ હાઈસ્કૂલમાં મેળવ્યું. 1970માં લેનિનગ્રાડ સ્ટેટ યુનિવર્સિટી (હાલ સેન્ટ પીટર્સબર્ગ સ્ટેટ યુનિવર્સિટી)માં કાયદા શાખામાં પ્રવેશ મેળવીને 1975માં સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યાર બાદ 1991 સુધી સોવિયત સંઘ સામ્યવાદી પક્ષના સભ્ય તરીકે કામ કર્યું. સાથે વાણિજ્યિક કાયદાના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ કામગીરી કરી. 1997માં પુતિને સેન્ટ પીટર્સબર્ગ સ્ટેટ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ઉપાધિ મેળવી.

1975માં રશિયાની જાસૂસી સંસ્થા કેજીબીમાં સામેલ થયા અને લેનિનગ્રાડમાં ઓખ્તામાં 401મી કેજીબી સ્કૂલમાં તાલીમ મેળવી. ત્યાર બાદ સેકન્ડ ચીફ ડાયરેક્ટોરેટ અને ફર્સ્ટ ચીફ ડાયરેક્ટોરેટ તરીકે કામ કર્યું, જેમાં તેમણે લેનિનગ્રાડમાં વિદેશીઓ અને કૉન્સ્યુલર અધિકારીઓ પર નજર રાખી. સપ્ટેમ્બર, 1984માં યુવી એન્ડ્રોપોવ રેડ બેનર ઇન્સ્ટિટ્યૂટમાં વધારે તાલીમ માટે મૉસ્કો ગયા. 1985થી 1990 સુધી પૂર્વ જર્મનીમાં ડ્રેસ્ડેનમાં અનુવાદક તરીકે કામ કર્યું, પરંતુ મૂળ કામ જાસૂસીનું ચાલુ હતું.

સોવિયત સંઘના પતન પછી પુતિને કેજીબીની સેવામાંથી રાજીનામું આપ્યું. 1990ની શરૂઆતમાં લેનિનગ્રાડ પરત ફરીને કેજીબીમાં ભરતી પર નજર રાખવાનું કામ કર્યું. 1990થી 1996 સુધી મેયર સોબ્ચાકના આંતરરાષ્ટ્રીય સલાહકાર તરીકે કામ કર્યું. 1997માં રશિયાના રાષ્ટ્રપતિ બોરિસ યેલ્ત્સિને રશિયન મુખ્ય જાસૂસી સંસ્થા એફએસબીના ડાયરેક્ટર તરીકે પુતિનની નિમણૂક કરી. ઑગસ્ટ, 1999માં પુતિનને પ્રથમ ત્રણ નાયબ પ્રધાનમંત્રીઓમાં સ્થાન મળ્યું અને ત્યાર બાદ સર્ગેઈ સ્ટેપશિનની મંત્રીમંડળમાં વિદાય થવાથી તેઓ કાર્યવાહક પ્રધાનમંત્રી બન્યાં. માર્ચ, 2000માં રશિયામાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણીમાં વિજય મેળવ્યો.

રશિયાના રાષ્ટ્રપતિ બન્યા પછી પુતિને પોતાની સ્થિતિ વધારે મજબૂત કરવા બંધારણમાં વારંવાર ફેરફાર કરીને મોટા ફેરફારો કર્યા. છેલ્લાં 25 વર્ષથી વધારે ગાળામાં પુતિને પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ તરીકે સેવાઓ આપી છે. જ્યારે તેઓ પ્રધાનમંત્રી બન્યા, ત્યારે સત્તાનાં તમામ સૂત્રો પોતાના હાથમાં લેવા બંધારણમાં ફેરફાર કર્યો. વળી જ્યારે તેઓ રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે ફરી ફેરફારો કરીને સત્તાનાં સૂત્રો પોતાને હસ્તગત રાખ્યાં. આ ગાળામાં તેમણે સંઘીય માળખાનું પુનર્ગઠન કર્યું, ધનિકોનાં વર્ગોમાં પોતાના વફાદારોને આગળ વધાર્યા અને તેમના વિરોધીઓને દેશવટો આપ્યો અથવા એક યા બીજી રીતે તેમની હત્યા કરાવી.

21મી સદીમાં પ્રથમ દાયકામાં રશિયામાં એકહથ્થુ શાસન સ્થાપિત કર્યા પછી બીજા દાયકામાં આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયાની સ્થિતિ મજબૂત કરવા માટે પ્રયાસો હાથ ધર્યા. વર્ષ 2014માં ક્રીમિયાનું વિવાદાસ્પદ રીતે અધિગ્રહણ કરી લીધું, સીરિયામાં લશ્કરી હસ્તક્ષેપ કર્યો અને 2022થી યુક્રેન સાથે યુદ્ધ ચાલુ કર્યું છે, જેનો અંત હજુ પણ આવ્યો નથી. રશિયાની ચૂંટણીઓમાં પણ પુતિને ગોટાળા કરીને સતત વિજયો મેળવ્યા છે.

વર્ષ 2006માં પુતિને રશિયાના મુખ્ય વિમાન ઉત્પાદક ઉદ્યોગમાં મોટો ફેરફાર કર્યો અને તમામ કંપનીઓને યુનાઇટેડ ઍરક્રાફ્ટ કૉર્પોરેશન હેઠળ લાવી દીધી. વર્ષ 2014માં ચીન સાથે દર વર્ષે 38 અબજ ક્યુબિક મીટર કુદરતી ગૅસનો પુરવઠો પૂરો પાડવાની સમજૂતી કરી. રાષ્ટ્રપતિ બન્યા પછી પુતિને રશિયન મીડિયા પર પણ નિયંત્રણ જમાવીને વિરોધી પત્રકારોને દબાવી દીધા અને અનેક પત્રકારોની હત્યા પણ કરાવી દીધી. હાલ બે-તૃતીયાંશ રશિયનો રોજિંદા સમાચાર માટે રશિયન સરકારના ટેલિવિઝન નેટવર્ક પર નિર્ભર છે તો 85 ટકા રશિયનોને માહિતી મેળવવાનો એકમાત્ર સ્રોત રશિયન સરકાર છે.

અમેરિકામાં વર્ષ 2016ની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પને પહેલી વાર રાષ્ટ્રપ્રમુખ બનાવવા માટે પુતિનની તેમની રશિયન સાયબર ગેંગે ડેમૉક્રેટિક ઉમેદવાર હિલેર ક્લિન્ટન વિરુદ્ધ મોટા પાયે અપપ્રચાર કર્યો હોવાનો આરોપ મુકાયો હતો. હાલ ડૉનાલ્ડ ટ્રમ્પ બીજી વાર રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી પુતિન સાથે વારંવાર વાટાઘાટ કરીને રશિયા-યુક્રેનનો અંત લાવવા પ્રયાસરત છે, પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદોમીટર ઝેલેન્સ્કી એક ઇંચ જમીન રશિયાને આપવા તૈયાર નથી. આ ઉપરાંત અન્ય કારણોસર બંને પક્ષો વચ્ચે સંધિના પ્રયાસો સફળ થઈ રહ્યા નથી.

કેયૂર કોટક