પુણ્ય : હિન્દુ ધર્મશાસ્ત્ર કે નીતિશાસ્ત્રમાં વખાણવામાં આવેલું આચરણ કે જે આ લોક અને પરલોકમાં શુભ ફળ આપનારું અને મનુષ્યની ઉન્નતિ કરનારું ગણાય છે. પુણ્યકર્મ કરવાથી પછીનો જન્મ સારો મળે છે એવી શ્રદ્ધા હોય છે. શાસ્ત્રમાં જે વિહિત એટલે કરવા યોગ્ય કાર્યો કહ્યાં છે તે કરવાથી પુણ્ય કે ધર્મ જન્મે છે.

‘પુણ્ય’ શબ્દ પણ તેનાથી વિરોધી અર્થ ધરાવતા ‘પાપ’ શબ્દની જેમ વિશેષણ અને નામ એમ બેઉ રીતે વપરાય છે. ‘પુણ્યકર્મ’, ‘પુણ્યધામ’, ‘પુણ્યપુરુષ’ આવા પ્રયોગોમાં એ વિશેષણ છે, જ્યાં ‘પવિત્ર’, ‘શુદ્ધ’, ‘કલ્યાણમય’, ‘પાપરહિત’ એવા મુખ્ય અર્થ જાણીતા છે. સંસ્કૃત ભાષામાં ‘પુણ્ય’ની બીજી અર્થછાયા છે; પણ મુખ્યત્વે તો અન્યનું હિત થાય, કલ્યાણ થાય એ જ એનો ગર્ભિતાર્થ છે. અન્યના હિતકર ઉપયોગમાં આવે અને એવાઓનું ભલું થાય એ અર્થમાં ‘પુણ્ય’ શબ્દ રહેલો છે.

‘પુણ્યશ્લોક’માં જેની કીર્તિ પવિત્ર છે, અનેકનું કલ્યાણ કરનારી છે, એવા અર્થમાં ‘પુણ્ય’ શબ્દ વ્યાપક સ્વરૂપે પ્રયોજાય છે. જેમ પાપ કરનારાઓને ત્રણ દિવસથી લઈ ત્રણ વર્ષ સુધીમાં એનું અનિષ્ટ ફળ અનુભવવાનો વખત આવે છે તે પ્રમાણે પુણ્યકાર્ય કરનારાઓને ત્રણ વર્ષના ગાળામાં હિતકર ફળ આવી મળે છે. પુણ્યના મૂળમાં કરુણા-કૃપા-દયા-સહાનુભૂતિ-પરહિતકામના જેવા ગુણ રહેલા છે. સંક્ષેપમાં કહેવું હોય તો પુણ્ય એટલે ‘સદભાવ’, ‘સદવર્તન’, ‘સત્કાર્ય’, ‘સંનિષ્ઠા’. આમ ‘સદ્મૂલક’ જે કોઈ પણ ક્રિયા છે તે ‘પુણ્ય’ છે અને એ જ ‘સત્ફલ’, ‘સત્પરિણામ’ લાવી આપનાર સદવસ્તુ છે. પોતે પોતાનું પુણ્ય ન કહેવું એવો નિષેધ ધર્મશાસ્ત્રમાં કર્યો છે.

છેક વેદના જમાનાથી પુણ્યનો ખ્યાલ પ્રચલિત છે. વેદમાં કહેલાં યજ્ઞયાગાદિ ધાર્મિક કર્મો કરવાથી યજમાન મનુષ્યને પુણ્યફળ પ્રાપ્ત થાય છે. ઉપનિષદકાળમાં મુંડક વગેરે ઉપનિષદોમાં એમ કહ્યું છે કે યજ્ઞયાગ વગેરે કરવાથી સ્વર્ગ મળે છે; પરંતુ એ પુણ્ય ક્ષીણ થાય એટલે ફરી પૃથ્વીલોક પર જન્મ ધારણ કરવો પડે છે. ઘણા લોકોનું હિત થાય તેવાં ઇષ્ટાપૂર્ત વગેરે કર્મો કરવાથી પુણ્ય થાય છે. આવાં કર્મોમાં મંદિરો, વાવ, કૂવા, હવાડા, ધર્મશાળા, ઔષધશાળા, વિદ્યાધામ વગેરે બંધાવવાં; વેદપાઠ, આતિથ્ય, યજ્ઞયાગ ઇત્યાદિક કરવાં વગેરેનો સમાવેશ થાય છે. પુણ્યકર્મ એટલે પોતાની ઉન્નતિ કે પરોપકાર માટે કરવામાં આવતાં સારાં કાર્યો. મનુષ્ય સારું કાર્ય કરે; પોતાની કુટુંબ, સમાજ, રાજ્ય, સંબંધિત વ્યક્તિઓ તરફની ફરજો સારી રીતે બજાવે તે પણ પુણ્યકર્મો જ છે. પોતાના આત્માનું સારું કરવા જે કાર્યો કરે તે પણ પુણ્યકર્મો જ છે. સ્વાર્થરહિત પરમાર્થ સાધવા અન્ય મનુષ્યને સુખસગવડ આપે તેવાં કર્મો પણ પુણ્યકર્મો છે. એનું સારું ફળ આ લોક અને પરલોક તથા આ જન્મ અને બીજા જન્મમાં મળે છે.

આ પુણ્યકર્મના (1) ઉત્તમ, (2) મધ્યમ અને (3) સામાન્ય  એવા ત્રણ પ્રકારો છે. જ્યોતિષ્ટોમ યજ્ઞો જેવાં કર્મો કરવાં એ ઉત્તમ કે ઉત્કૃષ્ટ પુણ્યનાં કર્મો છે. એ કરવાથી હિરણ્યગર્ભાદિ શરીરની પ્રાપ્તિ થાય છે. (2) મધ્યમ પુણ્યકર્મો એટલે દાન કરવું; વાવ, કૂવા બંધાવવા વગેરે.  એથી ઇન્દ્રાદિ દેવોના શરીરની પ્રાપ્તિ થાય છે; જ્યારે (3) આતિથ્ય વગેરે જેવાં પુણ્યકર્મો કરવાથી યક્ષરક્ષાદિ શરીર પ્રાપ્ત થાય છે. જ્યારે જ્ઞાનપૂર્વક નિષ્કામભાવે કર્મ કરવાથી સંસારમાંથી મોક્ષ કે બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. તેને ફરી જન્મ લેવાનું રહેતું નથી.

કે. કા. શાસ્ત્રી

પ્ર. ઉ. શાસ્ત્રી