પુણ્ડ્રવર્ધન : ઉત્તર બંગાળના એક દેશ અને રાજધાનીનું નામ છે. તેને ‘પૌણ્ડ્રવર્ધન’ પણ કહે છે. યુ. આન સ્વાંગે સાતમી સદીમાં આ દેશની મુલાકાત લીધી હતી. તે નોંધે છે કે મૌર્ય સમ્રાટ અશોકે ત્યાં સ્તૂપ બંધાવ્યો હતો. આ દેશ 2000 કિમી.નું ક્ષેત્રફળ ધરાવતો હતો. તેની રાજધાની 15 કિમી.ના વિસ્તારમાં પથરાયેલી હતી. ત્યાં 20 બૌદ્ધ મઠો હતા અને તેમાં મહાયાન તથા હિનયાન સંપ્રદાયના 3000 બૌદ્ધ સાધુઓ રહેતા હતા. ત્યાં લગભગ 100 જેટલાં દેવમંદિરો હતાં. ત્યાં દિગંબર જૈનોની વસ્તી વિશેષ હતી. ત્યાંની આબોહવા ખુશનુમા હતી લોકો વિદ્યા પ્રત્યે રુચિ ધરાવનારા હતા. પુણ્ડ્રવર્ધન પર હજાર વર્ષથી પણ વધુ સમય જૈનોનું પ્રભુત્વ રહેલું જણાય છે.
મહાવીર સ્વામી પછી છઠ્ઠા ગોદાસ (ઈ. સ. પૂ. ચોથી સદી) થયા. તે ભદ્રબાહુના શિષ્ય હતા. તેમણે ગોદાસ-ગણની સ્થાપના કરેલી. આ ગણ જુદી જુદી શાખાઓમાં વિભક્ત હતો. એ શાખાઓ પૈકી એકનું નામ પૌણ્ડ્રવર્ધનીય હતું. (કલ્પસૂત્ર સ્થવિરાવલી) આઠમી સદીમાં કાશ્મીરના રાજા જયાપીડે પૌણ્ડ્રવર્ધનની મુલાકાત લીધી હતી. જે જયંત નામના રાજવીના રક્ષણ હેઠળનું ગૌંડ રાજ્ય હતું. જયાપીડ લોકોની સમૃદ્ધિ જોઈને અત્યંત આનંદિત થયા હતા (રાજતરંગિણી 4 – 421 – 422).
પૌણ્ડ્રનગરના અવશેષો મહાસ્થાન (બોગરા જિલ્લો – બાંગ્લાદેશ)માંથી પ્રાપ્ત થયા છે. ત્યાંથી મળેલ ઈ. સ. પૂ. ત્રીજી સદીની બ્રાહ્મી લિપિમાં લખાયેલ એક શિલાલેખમાં પુડનગલ (પુણ્ડ્રનગર) નામના સ્થાનનો ઉલ્લેખ છે.
રામજીભાઈ ઠા. સાવલિયા